
રવીન્દ્ર પારેખ
કોરોનાને કારણે વસ્તી ગણતરી 2011માં થઈ ન શકી, પણ સ્થિતિ સામાન્ય થવા છતાં તે ન જ થઈ અને પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો કેન્દ્ર સરકાર કેવોક પ્રતિભાવ આપે છે તેની દેશ રાહ જોઈ રહ્યો છે, ત્યારે સરકારે વસ્તી ગણતરીનો નવો ફણગો ફોડ્યો છે. આ ધ્યાન હટાવવા હોય કે વસ્તીનું ધ્યાન ધરવા હોય, તે સરકાર જાણે, પણ ઓકટોબર-નવેમ્બરમાં આવી રહેલી બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સંભવત: વસ્તી ગણતરી આગામી સપ્ટેમ્બરમાં શરૂ કરે એમ બને, સિવાય કે બીજી કોઈ એવી ઘટના બને ને પ્રજાનું ધ્યાન બીજી દિશાએ વાળવું પડે તો વાત જુદી છે.
ગઈ 30 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો. જો વસ્તી ગણતરી થાય છે, તો આ વખતે મહત્ત્વ એ વાતે વધે એમ છે કે તે સ્ત્રી-પુરુષની સંખ્યાના આંકડા કે SC, ST જાતિ આધારિત ગણતરી પૂરતી સીમિત નહીં હોય, પણ આખા દેશની દરેક જાતિ, દરેક જ્ઞાતિની ગણતરી પણ તેમાં હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ આ વખતે મૂળ વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી પણ હશે. આ ગણતરી બે’ક વર્ષમાં પૂરી કરવાનો સરકારનો ઇરાદો છે. એના આંકડા 2027ની શરૂઆત સુધીમાં આવે એવી ધારણા છે.
આવો પ્રયત્ન અંગ્રેજી શાસકોએ 1931માં કર્યો હતો, તે પછી સ્વતંત્ર ભારતમાં આ પહેલો પ્રયત્ન છે. 2011માં મનમોહન સિંહની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો હતો. 25 કરોડ શહેરી અને ગ્રામીણ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, પણ કોઈક કારણસર તેના આંકડાઓ જાહેર ન થયા. એટલું છે કે કર્ણાટક, બિહાર જેવાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર થયા હતા. એ પણ ખરું કે જાતિનું ખાનું હવે અનિવાર્યપણે ભરવાનું થશે. કાઁગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા વખતથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા ને હવે કેન્દ્ર સરકારે તેના પર મંજૂરીની મહોર મારી છે, એટલે કાઁગ્રેસ અને અન્ય વિપક્ષો તેનું શ્રેય લેવા હોડ બકે એમ બને. એ જુદી વાત છે કે સ્વતંત્રતા પછી નહેરુથી લઈને નરસિંહરાવની સરકારો આવી, પણ કોઈને જાતિ આધારિત જનગણનાનો વિચાર આવ્યો ન હતો.
એક વાત બહુ સ્પષ્ટ છે કે જાતિ આધારિત ગણતરીનો લાભ કોઈ પણ પક્ષ જતો કરે એમ નથી, એટલે અન્ય જાતિઓની જેમ મુસ્લિમોની પણ જાતિ આધારિત ગણતરી થશે, તે એટલે કે મુસ્લિમોમાં ઘણી પછાત જાતિઓ છે. તેની પણ ગણતરી થશે. આની મુશ્કેલી એવી થઈ શકે કે યોજનાઓનાં અમલીકરણ સંદર્ભે અનામતનો મુદ્દો સપાટી પર આવે. તે સાથે જ મુસ્લિમ મહિલાઓ અંગે પણ વિચારવાનું આવે. અત્યાર સુધીમાં SC, STના જાહેર થતા આંકડાઓ સંદર્ભે લોકસભા અને રાજ્યસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે. હવે બધી જ જાતિઓની ગણતરીના આંકડાઓ બહાર પડે તો અનામતની માંગ વધે ને બધાંને માટે એ વ્યવસ્થા થાય જ એની ખાતરી નથી. જાતિગત વસ્તી ગણતરીનો રાજકીય લાભ લેનારાઓ કેટલીક નવી મુશ્કેલીઓ નોતરે એમ બને. જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખનાર કાઁગ્રેસને એવું છે કે તે સત્તામાં આવે તો અનામતની 50 ટકાની મર્યાદા વધારવા બંધારણીય કોશિશ કરે, પણ એ તો સત્તામાં આવે ત્યારે, પણ સત્તામાં ભા.જ.પ. જ હોય તો તે જાતિગત ગણતરીના આંકડા જાહેર થયા પછી, એ જાતિ-જ્ઞાતિની માંગને સંતોષવા શું કરશે તે પ્રશ્ન જ છે. એ પણ વિચારવાનું રહે કે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ને સરકારી યોજનાઓમાં અત્યારે પણ 50-75%ને લાભ મળતો જ હોય, તો એ આંકડો હજી કેટલો વધારવો છે એનો ખુલાસો થવો જોઈએ. કોર્ટે આરક્ષણની મર્યાદા 50 ટકા સુધી સીમિત રાખી છે, તો એની ઉપરવટ જવા જેવું ખરું?
કદાચ એટલે જ ભા.જ.પ. સરકાર એક તબક્કે જાતિગત વસ્તી ગણતરી માટે તૈયાર ન હતી. જો કે, બિહારમાં ભા.જ.પે. જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપ્યો હતો. હવે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને, વિપક્ષનું પોતે પણ સાંભળે છે એમ બતાવીને હાથ ઉપર રાખી શકે. બાકી, આ જ એન.ડી.એ.એ કાઁગ્રસ અને અન્ય વિપક્ષો પર જાતિગત વસ્તી ગણતરી દ્વારા દેશને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. બને કે બિહારની ચૂંટણી આવી રહી છે તો મુખ્ય મંત્રી નીતીશકુમારે જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખ્યો હોય ને પોતાના ટેકેદારનું મોદી સરકારે માન રાખ્યું હોય ! એ ઉપરાંત આર,એસ,એસ, પણ જાતિગત વસ્તી ગણતરીના વિરોધમાં નથી એ ખબર હોવાથી ભા.જ.પ.નું મન બદલાયું હોય એમ બને. જો કે, સંઘે રાજકીય લાભ ન લેવાની વાત કરી છે, પણ તેને પણ ખબર છે કે રાજકીય લાભ વગર કોઈ લોટે એમ નથી.
જાતિગત ગણતરીનો ભા.જ.પ.ને વાંધો હોય તો પણ, ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને ખાતાંની વહેંચણીઓમાં જાતિ ન જોવાઈ હોય એવું અપવાદરૂપે ભા.જ.પ.માં તો શું, કોઈ પક્ષમાં બન્યું નથી. આ લાલાઓ લાભ વગર લોટે એમ જ નથી. બધાએ જ અંદાજે 55 ટકા OBC પર રમવું છે. OBC ગોળનું એવું ઢેફું છે કે કોઈ પણ પક્ષ એનાં પર બણબણ્યા વગર ન રહે. જાતિગત વસ્તી ગણતરીની સાથે જ વસ્તીનાં આંકડા બહાર આવે તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં કેટલી સીટો રાખવી કે એમાં કયા વિસ્તારો સમાવવા એ સ્પષ્ટ થઈ શકે. વાજપેયી સરકારે 25 વર્ષ માટે સીમાંકન પર રોક લગાવી હતી. એ સીમા 2026માં પૂરી થાય છે. ત્યાં સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂરી થઈ જાય છે, તો નવા આંકડાઓ આવતા, તે મુજબ સીમાંકનનો નિર્ણય થઈ શકે.
એક તરફ આપણે જાતિવાદથી ઊભરવાની વાત કરીએ છીએ, આંતરજ્ઞાતીય લગ્નો દ્વારા જાતિના આગ્રહો જતાં કરીએ છીએ, ત્યાં જાતિગત વસ્તી ગણતરી જાતિભેદ સ્પષ્ટ કરે કે જાતિ-જ્ઞાતિની ધાર વધુ કાઢે ને એ આગળ જતાં નવી આભડછેટને જન્મ આપે એવું નથી લાગતું? 2011ની જનગણના મુજબ દેશમાં 46 લાખ જાતિ, ઉપજાતિઓ છે. જાતિગત જનગણના વગર જો આટલી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હોય, તો જાતિગત જનગણના થતાં એ ખાઈ વધુ પહોળી થાય એવું ખરું કે કેમ? આપણે એ કેવી રીતે ભૂલી શકીએ કે અનેક જાતિ-વર્ગમાં વહેચાયેલા હોવાથી આપણામાં સંપ ન હતો. એને લીધે જ તો વિદેશી પ્રજાઓ આ દેશ પર રાજ્ય કરવામાં સફળ રહી. હવે એ જ જાતિ ગણનાને સ્પષ્ટ કરવા જતાં ફરી ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યા છીએ એવું, નહીં? જાતિની જાણકારી હોય એ સારી વાત છે, પણ એ જાણ્યા પછી, સામે આવેલી બધી જાતિઓને સંતોષ થાય એવું આયોજન આ દેશમાં શક્ય છે? આટલી જાણકારી પછી પણ જાતિઓ વચ્ચેનો સંઘર્ષ ને અસંતોષ સપાટી પર આવી જતો હોય, તો જાતિગત ગણતરીઓ પછી એ અસંતોષ ને સંઘર્ષ વધુ જોર પકડે એવું, નહીં? આ પ્રજાને સરકારે વધુ આળસુ ને ટુકડાઓ પર જીવતી કરી છે. જાતિની સાચી વિગતો બહાર આવતાં આ પ્રજા વધુ માંગતી ને વધુ આળસુ થાય તો તેનાં સંભવિત પરિણામો અંગે પણ વિચારવાનું રહે.
મુસ્લિમો, ઈસાઈઓ ને અન્યોની ગણતરીની પણ વાત છે. એની પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ માંગ અને અસંતોષ ચાલ્યો જ આવે છે. આજકાલ પસમાંદા મુસ્લિમો (અજલાફ અને અરજાલ) પોતાના હકની લડાઈ લડી જ રહ્યા છે. ખ્રિસ્તીઓમાં પણ દલિત ખ્રિસ્તીઓ પોતાને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જાતિઓ વધુ સ્પષ્ટ થશે તો માંગ અને અસંતોષ જ વધશે કે બીજું કૈં? એ કેવું વિચિત્ર છે કે ભા.જ.પ. એક સમાવેશી, સશક્ત અને સમૃદ્ધ સમાજ ઈચ્છે છે ને એ જ જાતિગત ગણના દ્વારા જાતિ-જ્ઞાતિ વચ્ચેની ખાઈ વધુ પહોળી કરવાની દિશામાં સક્રિય છે. એક તબક્કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે કોઈ જાતિની વાત કરશે તેને લાત મારવાનું કહ્યું હોય, તે પણ જાતિ આધારિત જનગણનાના કેબિનેટના નિર્ણયની આરતી ઉતારે, એ પણ કમાલ જ છે ને ! ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડા પણ જાતિ આધારિત જનગણનાની ટીકા કરતા હતા, તે પણ જાતિ ગણતરી સંદર્ભે, ‘આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત લોકોના ગૌરવને પુન:સ્થાપિત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે’, જેવી સ્તુતિ કરે તે પણ કમાલ જ છે. ખુદ વડા પ્રધાન કહેતા હતા કે મારે માટે તો ચાર જ વર્ગ છે – ગરીબ, યુવાન, ખેડૂત અને મહિલા. સરકારની દરેક યોજના આ રીતે જ પ્રજાને વિભાજિત કરીને ઘડવામાં આવશે. હવે એમને અનેક જાતિઓની ગણનાનો વાંધો નથી.
એ ખરું કે જાતિ, ભારતીય રાજનીતિમાં ઘર કરી ગઈ છે, એ સ્થિતિમાં કઈ જાતિના કેટલા લોકો છે એની વિગતો બહાર આવે તો તેમને માટે કલ્યાણકારી યોજનાઓનું સુચારુરૂપથી આયોજન થઈ શકે. જાતિ અનિવાર્ય અનિષ્ટ છે, એ સ્વીકારીને પણ યોજનાઓ ઘડવા સિવાય ચાલે એમ નથી. એનાં પરિણામો કે દુષ્પરિણામોની તૈયારી રાખીને પણ, જાતિનો મહિમા કર્યા વગર કોઈ રાજકીય પક્ષને ચાલ્યું નથી. જોવાનું એ રહે કે જાતિ આધારિત જનગણના જાતિવાદની રાજનીતિનો શિકાર ન બને. જાતિગત ગણના ભારતીય સમાજનાં વિભાજનમાં પરિણમે એવી દહેશત રહે છે. આવી શંકા એટલે છે કે રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, તો સોનામાં સુગંધ ભળે, પણ સવાલ એ છે કે એવું છે ખરું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2025