હા, જન્મ માબાપ આપે છે, જાતિ, જ્ઞાતિ આપે છે, તે સિવાય કોઈ પણ અગાઉથી માબાપ કે જાતિ, જ્ઞાતિ નક્કી કરી શકતું નથી. કોઈએ હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ થવું તે કોઈના હાથમાં નથી, બિલકુલ એમ જ જેમ કોને ત્યાં જન્મવું એ કોઈનાં હાથમાં નથી. આટલું નક્કી છે એ જાણવા છતાં આપણે અમુક જાતિ – જ્ઞાતિ માટે જે રાગદ્વેષ પાળીએ છીએ તે યોગ્ય નથી. અમુક હિન્દુ છે કે અમુક મુસ્લિમ છે એ વાતે કેટલાં બધાં વેરઝેર આપણે ઉછેરીએ છીએ ને જિંદગી આખી બીજું કોઈ કામ જ ન હોય એમ, તલવાર-ત્રિશૂળ ઉછાળવાની તૈયારીમાં લાગેલાં રહીએ છીએ એ પણ બરાબર નથી. આપણી સૌથી મોટી વીરતા ઘણીવાર તો સામેનામાં દોષ જોવામાં જ પૂરી થઈ જાય છે. એ વખતે વિચાર કરતા નથી કે જે દોષ સામેનામાં જોઈએ છીએ એનો શિકાર તો આપણે ઘણાં વહેલાં થઈ ચૂક્યા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે આવાં રાગદ્વેષથી છેવટે તો લોહી જ હાથમાં આવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જો વાંક સામેવાળાનો છે એવું ક્યાંકથી ઠસાવી દેવામાં આવ્યું હોય. વાંક સામેવાળાનો હોય જ નહીં, એવું પણ નથી, સામેવાળાનો હોઈ પણ શકે છે ને એને લીધે આપણું ખુન્નસ વધતું આવે છે. આવું ખુન્નસ વાવનારાઓ નિર્દોષ નથી, ઘણુંખરું તો એવી વાવણી કરનારાઓ બૌદ્ધિકો ને ધાર્મિકો છે. આ લોકો નિર્દોષોને ઉશ્કેરવાનું ને ધાર્યું રાજકારણ પાર પાડવાનું કામ કરે છે. આમ તો આ કહેવાતા બૌદ્ધિકો અને ધાર્મિકો કોઈ મોટાં માથાના હાથા જ હોય છે ને એની વફાદારી નિભાવવામાં એ મોટા સમુદાયનાં ભોળપણનો લાભ ઉઠાવે છે. એમાં એ પોતાનું લોહી બચાવીને શિકાર તો આજ્ઞાંકિતોનો જ કરે છે. આ એ આજ્ઞાંકિતો છે જે ઘેટાંની જેમ પાછળ પાછળ ચાલવામાં જ રાજી છે. એમને પોતાપણું ખાસ નથી. એ તો હોળીનું નાળિયેર બનવા માટે જ છે. એમણે મફત અપાયેલું અનાજ વર્ષો સુધી ખાધું હોય છે ને એની કિંમત તેમનું બ્રેઇન વોશ કરીને વસૂલાતી હોય છે. એ ઉપરાંત બીજા પણ ઘણાં એવાં છે જે ગમે ત્યારે, ગમે ત્યાં દાઝ ઉતારવા તૈયાર હોય છે. એમને ખબર પણ નથી હોતી, શેની દાઝ ઉતારવાની છે, પણ કોઈકે કહ્યું છે ને દાઝ ઉતારવાનું બહાનું મળે છે તો ઉતારી દેવાય છે !
ખરું તો એ છે કે દુનિયામાં બે વિરોધી પરિબળો પહેલેથી જ અસ્તિત્વમાં છે. દેવ છે, તો રાક્ષસ છે. રામ છે, તો રાવણ છે. કૃષ્ણ છે, તો કંસ છે ને યુધિષ્ઠિર છે, તો દુર્યોધન પણ છે જ ! ખબર નહીં કેમ, પણ આસુરી તત્ત્વ આજ સુધી અનેક રીતે ને રૂપે પ્રભાવી રહ્યું છે. અહિંસાનો આટલો મહિમા છતાં, યુદ્ધ ટાળી શકાતું નથી. મહાભારત જેવું ભયંકર યુદ્ધ થઈ ચૂક્યું હોય છતાં, યુદ્ધો અટક્યાં નથી. ભારતને શસ્ત્ર ધારણ ન કરવાનો પહેલો સંકેત કૃષ્ણે (મોહને) આપ્યો, એના યુગો પછી બીજા એક મોહને અહિંસાનો મહિમા કર્યો, તે પછી પણ યુદ્ધો તો થયાં જ છે. બબ્બે વિશ્વયુદ્ધો પછી પણ યુદ્ધો વગર વિશ્વને ચાલ્યું નથી. ચીન અને પાકિસ્તાને ભારતને યુદ્ધમાં જોતરીને સાબિત કર્યું કે લોહી શરીરમાં જ વહે તે પૂરતું નથી, તે શરીરની બહાર પણ વહેવું જોઈએ ! કોણ જાણે કેમ પણ મનુષ્યને લોહીની લલક ઓછી થતી નથી. રશિયા ને યુક્રેન યુદ્ધ વિરામની વાતો કરતાં જઈને લડી તો રહ્યાં જ છે. બીજી તરફ કેટલાંક રાષ્ટ્રો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ ચકાસી રહ્યાં છે ને વાતો વિશ્વશાંતિની કરતાં રહે છે. કદાચ શાંતિ માટે પણ જગતને યુદ્ધ અનિવાર્ય લાગે છે એટલે જ કદાચ જગત અનેક સિદ્ધિઓ પછી પણ છેલ્લો અક્ષર રાખમાં પાડે તો નવાઈ નહીં.
એમ લાગે છે કે કોઈ પણ સલાહ કે ઉપદેશ પછી પણ, માણસ વેરઝેર છોડી શકે એમ નથી. એક સમય હતો જ્યારે સાધારણ હિન્દુને પણ તાજિયાની બાધામાં ઈલાજ મળી જતો હતો કે મુસ્લિમ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં જોડાઈને ભાઈચારો દેખાડતા હતા. ઈ.સ. 2000ની સાલથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં વીસેક વર્ષથી ચાંદીનો રથ એક મુસ્લિમ ભેટ ધરે છે. મહેસાણાનાં ઝુલાસણ ગામમાં દાંલાં માતાનું એક મુસ્લિમ મહિલાનું મંદિર છે અને તેની પૂજા હિન્દુઓ કરે છે. વિખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમસનું આ પૈતૃક ગામ છે ને આ મંદિરનાં તેઓ દર્શન કરી ચૂક્યાં છે. કેરળનાં મંજેશ્વરમ્માં એવું મંદિર છે જ્યાં હિન્દુઓ તો આવે જ છે, પણ મુસ્લિમો પણ રથયાત્રામાં જોડાય છે ને એટલું બાકી હોય તેમ પૂજારીઓને મસ્જિદમાં આવવાનું આમંત્રણ અપાય છે. આવાં બીજાં પણ ઉદાહરણો છે, પણ હવે તાણ અને ભયનું વાતાવરણ હેતુપૂર્વક ઊભું કરાઇ રહ્યું છે. એનો યશ કોઈ એક જ કોમને અપાય એવું નથી. કોઈ એવું પરિબળ છે જે ઈચ્છે છે કે આ બંને કોમો વચ્ચે નફરત સલામત રહે.
હવે માઇક પરથી પોકારાતી અજાનનો હિન્દુઓને વાંધો પડે છે, તો અજાન તો બંધ થતી નથી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી સંભળાવવાનું શરૂ કરી દેવાય છે. એમાં પ્રાપ્તિ એટલી જ છે કે પ્રદૂષણ બમણું થઈને સામે આવે છે. ખરેખર તો કોઈ પણ ધર્મનું જાહેર પ્રદર્શન જ અટકવું જોઈએ. ધર્મ જો અંગત બાબત હોય તો તે વરઘોડાઓમાં, પાલખીઓમાં, જાહેર સત્સંગમાં, ઢોલનગારાંઓમાં, વીડિયો કે મેસેજ ફોરવર્ડ કરવામાં કેવી રીતે સચવાય છે તે જોવાવું જોઈએ. કોઈ પણ ધર્મ માત્ર દેખાડાઓમાં તો ન વસે ને ! એક તરફ સર્વધર્મ સમભાવની વાત હોય તો જેહાદની વાત કોઈ કરી જ કઇ રીતે શકે? ધર્મ સમભાવનું લક્ષણ હોય તો ધર્મપરિવર્તનની વાત આવે ક્યાંથી? વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓ ખરેખર જો ઈશ્વરને જાણતા હોય તો એવું કરવાની કલ્પના પણ કરી શકે? જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર બે વ્યક્તિ પ્રેમ કરે, પરણે, પછી એ જ પ્રેમિકા કે પત્નીને ધર્મ પરિવર્તનની ફરજ પાડવામાં આવે ને તેમ ન થાય તો અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે એમાં કેવળ ને કેવળ અધર્મ છે. કોઈ ધર્મ એની મંજૂરી આપે નહીં ને આપે તો એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી. નથી જ !
અહીં કોઈ પણ ધર્મની કે રાજકીય પક્ષની તરફેણની કે વિરોધની વાત નથી. આપણે બિનસમ્પ્રદાયિક્તાની નીતિ બંધારણમાં પણ અપનાવી છે. દરેકને પોતાનો ધર્મ પાળવાની ને તહેવારો મનાવવાની છૂટ છે એવું આઝાદી પહેલાં પણ હતું ને પછી પણ છે. કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી ન શકે એવું 370મી લાગુ હતી ત્યારે શક્ય હતું, પણ હવે તો તે કલમ પણ નાબૂદ કરવામાં આવી છે, મતલબ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં ય પણ રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આ સ્થિતિ હોય તો પ્રશ્ન એ થાય કે અશાંત ધારાની સ્થિતિ આવે કઇ રીતે? એનો અર્થ એ થયો કે આઝાદી પહેલાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિસ્તારમાં વસી શકતી હતી, એ વાત આઝાદી પછી રહી નથી, એ જ સૂચવે છે કે પ્રજા-પ્રજા વચ્ચે સમભાવ રહ્યો નથી. શેને લીધે આમ બન્યું તે તો બધાં જાણે છે, પણ દુ:ખદ તો એ થયું છે.
ઉત્તર પ્રદેશની એક શાળામાં એક આચાર્યને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ તેણે બાળકો પાસે અલ્લામા ઈકબાલની એક નઝમ ગવડાવી જેની એક પંક્તિ હતી, ’અલ્લાહ બુરાઇસે બચાના મુઝ કો…’ આનો વાંધો એટલે ઉઠાવાયો કારણ તેનો કવિ અને નઝમ, બંને વિધર્મી છે. આ એ જ ઇકબાલ છે જેની પંક્તિઓ ‘સારે જહાં સે અચ્છા .., હિંદોસ્તાં હમારા’ ગાઈને આજનું ભારત બેઠું થયું છે. ભારત આજ સુધી તો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી થયું. જો એ આજે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બંધારણની રુએ હોય તો તેને કોઈ પણ કવિની પંક્તિ એટલા માટે ગાતાં રોકી ન શકાય કે એનો કવિ વિધર્મી છે. જો ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરી શકાતી હોય તો ગાલિબ કે ઇકબાલનો વાંધો ઉઠાવવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. બિસ્મિલ્લાખાનની શહનાઈ અને ભીમસેન જોશીને અલગ અલગ કાનથી સાંભળીશું? કાશ્મીરી પંડિતોને જે રીતે ખદેડવામાં આવ્યા એ અપરાધ જ હતો ને હજી એવી પ્રવૃત્તિઓ જ્યાં પણ થતી હોય ત્યાં તે અપરાધ જ છે, બિલકુલ એ જ રીતે જેમ કોઈ કોમ, બીજી કોમ માટે કારણ વગરની નફરત ફેલાવતી હોય. પ્રજા તરીકે એ પણ દરેકે તારવવાનું રહે કે આ પ્રકારની નફરત કુદરતી કેટલી છે ને રાજકીય કેટલી છે? નાતાલનો તહેવાર દિવાળી કરતાં વધુ ઉત્સાહથી હિન્દુઓ પણ ઊજવે છે. સિમલામાં ક્રિસમસની ઉજવણી માટે ધસારો થાય કે સ્કૂલોમાં બાળકો શાન્તાક્લોઝ બનવાનો, ગિફ્ટ આપવાનો આનંદ માણે, એમાં માત્ર ખ્રિસ્તીઓ જ જોડાય છે એવું નથી. આ ઉજવણું હિન્દુ પ્રજા જે ઉદારતાથી કરે છે એવી ઉદારતા ઈશુ ભક્તો પાસેથી પણ રહે, પણ એવું કમનસીબે ઓછું છે એને પરિણામે હિન્દુઓમાં હવે અન્ય તહેવારો ઉજવવા બાબતે ઉદારતા ઘટતી આવે છે. કેટલાક હિન્દુઓ હવે એવું કહેતાં થયા છે કે આ હિન્દુઓનો વિસ્તાર છે, અહીં શાન્તાક્લોઝ નહીં આવી શકે. આ સારું નથી. એક તરફ રાષ્ટ્રપતિ મુર્મુ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતાં હોય ને બીજી તરફ નાતાલની ઉજવણી ખટકે તો એ યોગ્ય છે? કોઈ ઉત્સવ અનુકૂળ ન આવતો હોય તો તેમાં ન જોડાવું, પણ તે ઉજવવા પર રોક લગાવવાની વાત તો બરાબર નથી. કટ્ટરતા કોઇ પણ કોમની હોય, તે ક્ષમ્ય નથી. ભારતીય પ્રજાઓ વચ્ચે વધતું આવતું વૈમનસ્ય પ્રજા વચ્ચે સંપ નથી એની સાક્ષી પૂરે છે. એક બાજુએ ચીન, પાકિસ્તાનનાં આક્રમણનો ભય સરહદ પર તોળાતો હોય ને પ્રજા વચ્ચે સંપ ન હોય તો એનો લાભ કોણ લઈ શકે તે કહેવાની જરૂર છે?
અહીં કોઈને ખરાખોટા ઠેરવવાનો ઇરાદો નથી. હિન્દુઓની બહુમતી છે એની પણ ના નથી, પણ સૈકાઓથી ભારતંમાં હિન્દુઓ એકલા રહ્યા નથી. બીજી ઘણી કોમો ને વિદેશી પ્રજાઓ અહીં આવીને વસી છે. ત્યારે હિન્દુઓ વધારે હતા છતાં એ કોમ કે પ્રજાને અહીં વસતાં કે શાસન કરતાં અટકાવી શકાઈ નથી, બલકે વિદેશી પ્રજા અહીં શાસન કરતી થાય એવી અનુકૂળતાઓ અહીંની કહેવાતી પ્રજાએ ઊભી કરી આપી છે. એ વખતે અહીંની પ્રજાને ગૌરવ આડે આવ્યું હોત તો કોઈ પણ વિદેશી શાસકોની આ ધરતી પર પગ મૂકવાની હિંમત થઈ ન હોત, પણ કમનસીબે અહીંનાં શાસકો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા અને એ કુસંપનો લાભ એ વિદેશી પ્રજાને મળ્યો. હવે એ પ્રજાની અહીં પેઢીઓ જન્મી અને વિકસી છે. એ હવે ભારતીયો જ છે. માથા સાથે કાન જડેલા છે. આ સ્થિતિ હોય ને સાથે જ રહેવાનું હોય તો વૈમનસ્ય વધારવાનો અર્થ ખરો? જે પ્રજાઓ અહીં રહી છે તે જો વિદેશની વફાદારી દાખવતી હોય તો તે પણ અક્ષમ્ય છે. એટલે અપેક્ષા ને વિનંતી એ જ હોય કે સૌ હળીમળીને રહે. જો એમ સાથે નહીં રહી શકાતું હોય તો મૃત્યુ તો સાથે કરે જ છે. કોઈ ધરતીકંપ થાય છે ત્યારે તે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈને જુદો નથી દાટતો. કોઈ સુનામી કે રેલ આવે છે તો હિન્દુ, મુસ્લિમ કે શીખ-ઈસાઈને તે અલગ અલગ તાણી નથી જતી, એના ધસમસતા પ્રવાહમાં તો બધું જ એકાકાર થઈને વહી જાય છે. જો મૃત્યુ ભેદભાવ નથી કરતું તો જિંદગી કેમ અલગ અલગ ખાનાઓમાં વહેંચાઈને રહેવા મથે છે? કમ સે કમ સામસામે રહેવાને બદલે આપણે પાસ પાસે રહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ડિસેમ્બર 2022