રાજકારણ
18 જૂન, 1975, જનતા સરકારની રચના
જૂન 1965થી માર્ચ 1976ના એ 9 મહિના દરમિયાન કટોકટીના દરિયા વચ્ચે ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું અને એણે માર્ચ 1977ના જનતા રાજ્યારોહણનો પથ પ્રશસ્ત કર્યો. ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો.

પ્રકાશ ન. શાહ
જૂન 1975 – માર્ચ 1977 : પ્રજાસત્તાક ભારતની આ જળથાળ પચાસીએ કંઈક અંશે સંઘર્ષગર્ભા, કંઈક અંશે અગ્નિદિવ્ય શી ભલે નાની પણ નિર્ણાયક એક ઘટના આપણી પ્રજાકીય સ્મૃતિમાં ઇતિહાસદર્જ થઈ જવી ઘટે છે. 1975ના જૂનની 18મીએ બની આવેલી એ ઘટના તે બાબુભાઈ જશભાઈના નેતૃત્વ હેઠળ જનતા મોરચા સરકારનું રાજ્યારોહણ.
પૂર્વપ્રયોગોને મુકાબલે એક જુદી જ ઘટના હતી આ. 1967માં ટૂંકજીવી બિનકાઁગ્રેસ સરકારો બની હતી. લિમયેએ નાટ્યાત્મક રીતે કહ્યું તેમ અમૃતસરથી ગાડીમાં બેસો ને છેક કલકત્તા પહોંચો ત્યાં સુધી તમારે એકે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવાની જરૂર નહોતી રહેતી. પણ આ સરકારો ચૂંટણીપરિણામ પછી, અલગ અલગ કાર્યક્રમોને ધોરણે લડ્યા પછી અને છતાં, કરેલી અંકગણિતી ગોઠવણ જેવી બહુધા હતી. 1971માં દેશજનતાએ કથિત ‘ભવ્ય જોડાણ’ લોકસભાની ‘ગરીબી હટાવો’ ચૂંટણીમાં જોયું હતું. પણ હમણાં જીવદયાને ધોરણે એની ચર્ચા મ્યાન રાખીએ.
1975માં જનતા મોરચા સરકાર સુધી પહોંચતાં નવું શું બન્યું? નવનિર્માણ આંદોલનને ભોં ભાંગી તે પછી જનજાગૃતિ આરંભિક એંશીપંચાસી દિવસ બાદ સૂની ન પડી ગઈ. ગુજરાતના નાનકડા જે.પી. ન્યુક્લિઅસે પડ જાગતું રાખ્યું. બિહાર આંદોલન તેમ જે.પી. નેતૃત્વમાં બદલાતી અખિલ હિંદ આબોહવાએ આ ન્યુક્લિઅસને (બિહારને મુકાબલે તે કમ છતાં) ગુજરાતની નવજાગ્રત નાગરિક શક્તિના વ્યાપક સંદર્ભમાં પક્ષ-અપક્ષ પરિબળોને એકત્ર આણી વૈકલ્પિક પરિબળ ઊભું કરવાની સુવિધા ને શક્તિ બક્ષ્યાં.

બાબુભાઈ જશભાઈ પટેલ
લોકસંઘર્ષ સમિતિના ઠરાવથી એપ્રિલ 1975માં રચાયેલ જનતા મોરચાએ પક્ષવાર ક્વોટા કે થોડી અપક્ષ ટુકડાફેંકને બદલે એક જુદો જ અભિગમ લીધો. ઉમેદવાર પસંદગી હવે કોઈ પક્ષના બડેખાંની બપૌતી ન રહેતાં જે એક સહિયારું કોર ગ્રુપ બની આવ્યું હતું તેની સમક્ષ રજૂઆત અને પૂરતી આપલે મોકળાશની રીતે આગળ ચાલી. હા, મોરચાએ એક સુકાનીનો (ગુજરાતમાં સ્વાભાવિક જ મોરારજી દેસાઈનો) સ્વીકાર જરૂર કર્યો હતો. પણ એમની દરમિયાનગીરીને અવકાશ માત્ર ત્યારે ને ત્યારે જ રહેતો જ્યારે કોન્સેન્સસ ન હોય. જેમની પાછળ પક્ષીય દળકટકનો વાજોગાજો મુદ્દલ ન હોય એવી પ્રતિભાઓ ઉમેદવાર પસંદગીમાં રસ લેતી, દરમિયાન થતી ને એકંદરમતી સરજાતી. બી.કે. મઝુમદાર, ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, ઇશ્વર પેટલીકર, ચંદ્રકાંત દરુ, એવી પ્રતિભાઓ હતી આ જે ટકોરાબંધ માણસ ને ટકોરાબંધ કાર્યક્રમમાં માર્ગદર્શન આપી શકે. પક્ષીય સમિતિઓ, એવાં જ રાવણાં, એમના આકા સૌ હશે. પણ એક નાનો એવો જ નિર્ણાયક ગાળો એ આવ્યો જ્યારે આવી જે.પી. મંડળીની મહદ્ ભૂમિકા આવી.
ગુજરાતની 182 બેઠકોમાંથી સહેજે પંચોત્તેર ટકા બેઠકો માટેની પસંદગી મુકાબલે યુવા વર્ગ પૈકી હતી. જેમની કોઈ સીધી રાજકીય ભૂમિકા અગર ચૂંટણીકારકિર્દી ન હોય એવા નવા 140 ચહેરા અમે ઉતારી શક્યા હતા.
… અને ચોસઠ મુદ્દાનો કાર્યક્રમ ? એટલું જ કહેવું બસ થશે કે ઢંઢેરાની ચર્ચા દરમિયાન બાબુભાઈ પટેલ, દિનેશ શાહ, વસંત ગજેન્દ્રગડકર, આર.કે. અમીન, પીલુ મોદી, કીર્તિદેવ દેસાઈ, આ લખનાર સાથે બુઝુર્ગ મોરારજી બધા જ કલાક, પૂરો સમય, બિલકુલ ટટ્ટાર મેરુદંડ, સામેલ થયા હતા ને મજબૂત વહીવટી પકડ સમેત જે શક્ય ન હોય તેવાં વચનો સામે ધરવાની તો વહીવટક્ષમ લોકમુદ્દાની બિનચૂક બાગબાની કરતા હતા. ગુજરાતના કાર્યક્રમની વિગતો જાણી જ્યારે જયપ્રકાશે, ત્યારે એમણે કહ્યું કે બિલકુલ વહેવારુ રાહ તમે લીધો છે.
જૂન 1975થી માર્ચ 1976ના નવ મહિના, ઇંદિરાઇ કટોકટી વચાળે, ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણના નકશામાં જેને જુદા રંગે ઓળખાવવું પડે ને બિરદાવવું પડે એવી એક મિસાલ એ હતી. મિસાલ પણ, મશાલ પણ … માર્ચ 1977માં રાજઘાટ પર નવનિર્વાચિત સાંસદોએ જે.પી.-કૃપાલાનીની સંનિધિમાં શપથ લીધા ત્યારે શબ્દોને એમનો અર્થ પાછો મળી રહ્યાનો જે થોડોકે સુખાભાસ, ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 જૂન 2025