હૈયાને દરબાર
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની તરફ આવેલા મ્યુઝિક સ્ટુડિયોમાં હું પ્રવેશું છું. એ સ્ટુડિયોમાં ટિપિકલ ઈલેક્ટ્રોનિક વાદ્યોને બદલે જાત જાતના ઓરિજિનલ લોકવાદ્યો હારબંધ ગોઠવેલાં છે. રૂમની બરાબર વચ્ચે મોટી સ્ક્રીનનું કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરની સામેની ખુરશીમાં એક યુવા કમ્પોઝર કોઈક મ્યુઝિક ટ્રેક પર કામ કરી રહ્યા છે. નામ છે નિશીથ મહેતા.
આજના યુવા સંગીતકારો કંઈક જુદી જ રીતે કામ કરે છે. એમની કામ કરવાની ઊર્જા, સ્ટાઈલ, ગુજરાતી ગીતોને આધુનિક અરેન્જમેન્ટ સાથે રજૂ કરવાની ધગશ, શબ્દોની સરળતા એ બધું મારે માટે કૌતુકનો વિષય છે. અર્બન ગુજરાતી સંગીતની આ નવી પેટર્ન નિહાળવા જેવી છે. એટલે જ એક વર્ષ પહેલાં અમદાવાદની મુલાકાત વખતે ‘મ્યુઝિકા પ્રોડક્શન’ના સ્ટુડિયોમાં એવા જ ઊર્જાવાન નિશીથ મહેતાને મળીને એમનું સંગીત, એમની પેશન જોવા-જાણવા સાથે આપણા સૌના પ્રિય ગીત જય જય ગરવી ગુજરાતની આધુનિક પ્રસ્તુતિ તથા ’મિશન મમ્મી’ ફિલ્મના માતૃભાષા પ્રશસ્તિ ગાનની સર્જન પ્રક્રિયા સમજવા અમે વાતો શરૂ કરી.
"માતૃભાષામાં કામ કરવાની અલગ જ મજા છે. ભાષાનું પોતીકાપણું હોય ત્યાં સર્જન વધુ ખિલે. તેથી જ સવાસો વર્ષથી વધુ જૂના, ૧૯મી સદીના જય જય ગરવી ગુજરાતથી લઈને ૨૧મી સદીના ભાષા મારી ગુજરાતી છે … સુધીનાં ગુજરાતી ગીતોની લાંબી મજલ હું ખેડું છું. – કહે છે નિશીથ મહેતા.
નિશીથ મહેતા સ્વબળે આગળ આવેલા તથા સંગીત ક્ષેત્રે ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા યુવા સ્વરકાર, સંગીત નિર્દેશક અને સાઉન્ડ ડિઝાઈનર છે. મલ્ટી મિડિયા સી.ડી. રોમ ‘પેલેસ ઓન વ્હીલ્સ’ના નિર્માણ બદલ નેશનલ એવોર્ડ મેળવનાર નિશીથ મહેતાએ ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ તથા ૨૦૧૯ની ફિલ્મ ‘લાંબો રસ્તો’માં બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ મેળવ્યો છે. ‘બેટર હાફ’નું સુપ્રસિદ્ધ ગાયક શાને ગાયેલું ગીત મને કોણ આ સ્પર્શી ગયું લાજવાબ હતું. વર્લ્ડ મ્યુઝિક પ્રોડકશન તથા ભારતીય ટ્રાઈબલ અને ફોક મ્યુઝિક ક્ષેત્રે વિસ્તૃત કાર્ય બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ૨૦૧૬ની ૧૫મી ઓગસ્ટે મોરબી ખાતે ૨,૨૬૭ નૃત્યકારોને લઈને દેશભક્તિનું ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કરવા બદલ ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મેળવ્યું છે. તરણેતરના મેળામાં પણ આ જ પ્રકારની પ્રસ્તુતિ દ્વારા ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો છે.
મ્યુઝિકા પ્રોડકશન એ કલાકારો માટે સંગીત સર્જનની અભિવ્યક્તિ, ચર્ચા વિચારણા તથા નવા કલાકારોને પ્રોત્સાહન આપવાનું સબળ માધ્યમ છે. સાઉથ એશિયન ગેમ્સ ઓપનિંગ સેરિમનીના કમ્પોઝર, શ્રી શ્રી રવિશંકર આયોજિત વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ, સ્વર્ણિમ ગુજરાત, રણોત્સવ તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ચલો ગુજરાત’ સહિત અનેક પ્રોજેક્ટ્સ પર નિશીથ મહેતાએ કામ કર્યું છે.
ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે નવી રીતે પાંગરી રહી છે. ’મિશન મમ્મી’ ફિલ્મ માટે કવિ તુષાર શુક્લે લખેલાં ગીત ભાષા મારી ગુજરાતી છે…માં અનેક કલાકારોએ ભેગાં થઈને માતૃભાષા પ્રશસ્તિ ગાન પ્રસ્તુત કર્યું છે. આ ગીતનું સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે. માતા અને માતૃભાષાની આસપાસ રચાયેલી આ ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર હતું. ૨૦૦૮માં ‘બેટર હાફ’ સાથે ગુજરાતી ફિલ્મોને નવું રૂપ આપનારા આષિશ કક્કડના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મિશન મમ્મી’ની વાર્તા ઘીરૂબહેન પટેલના નાટક ‘મમ્મી, તું આવી કેવી’ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં મમ્મીની મુખ્ય ભૂમિકા અમદાવાદનાં જાણીતા લેખિકા, રેડિયો પ્રેઝન્ટર અને અભિનેત્રી આરતી પટેલે ભજવી હતી જ્યારે પપ્પાનો રોલ રાજ વઝીરે.
"અમે માતૃભાષા વિશે એક ગીત આ ફિલ્મમાં લેવાનું વિચારતાં હતાં તેથી તુષારભાઈનો સંપર્ક સાધ્યો. એમણે ભાષા મારી ગુજરાતી છે…એ સરસ ગીત લખ્યું જેમાં તમામ ગુજરાતી ગાયકો-સંગીતકારોને લઈને સુંદર મ્યુઝિકલ કોલાજ બનાવ્યું. સંગીત સર્જનમાં થોડો સમય લાગ્યો હતો પણ મારે સરળ ધૂન બનાવવી હતી જે કોઈ પણ વ્યક્તિ આસાનીથી ગાઈ શકે. લોકોએ ખરેખર વખાણ્યું અને ઘણું લોકપ્રિય થયું હતું. – કહે છે નિશીથ મહેતા.
નિશીથ મહેતાએ વૈષ્ણવ જન તો … ભારતની વિવિધ ભાષામાં રી-એરેન્જ કર્યું છે જેમાં ઐશ્વર્યા મજમુદારે દરેક પ્રાંતીય ભાષામાં એને પ્રસ્તુત કર્યું છે. ભારતના તહેવારોને પ્રતિબિંબિત કરતાં ગીતોનું સર્જન પણ નિશીથે કર્યું છે. એમનાં ગીતોનું નિર્માણ અને સિનેમેટોગ્રાફી આકર્ષક હોવાથી દરેક વયજૂથને આકર્ષી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લિખિત અપને આતમરામ અકેલે … નિશીથ મહેતાએ મિહિર ભૂતા અને બિગ અર્થ મીડિયાના સહયોગથી કમ્પોઝ અને પ્રોડ્યુસ કર્યું હતું જેની નરેન્દ્ર મોદીએ ઘણી પ્રશંસા કરી હતી. લોકડાઉનમાં નિશીથે કોરોના વોરિયર્સ, પોલીસ, નર્સીઝ માટે ગીતો રચી સંવેદનાના સૂર રેલાવ્યા હતા. એમણે લોકડાઉનમાં ૧૬ નવાં ગીતો રચ્યાં હતાં. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારને રજૂ કરતું કવિ નર્મદનું ગીત તે ‘જય જય ગરવી ગુજરાત’ પણ નિશીથ મહેતાએ ગુજરાતી સંગીત-નાટ્ય અને ફિલ્મ જગતના જાણીતા કલાકારોને લઈને નિર્માણ કર્યું છે.
ગુજરાતની ભૌતિક વૈચારિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ અનન્ય છે. અશોકના શિલાલેખ, અડાલજની વાવ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરાં, અમદાવાદની પોળો, મોઢેરાનું સૂર્યમંદિર, રાણકી વાવ જેવાં સ્થાપત્યો દેશ-વિદેશના લોકોને આકર્ષે છે. સુદર્શન ચક્રધારી કૃષ્ણની વાંસળી અહીં વાગી ને ગોપીઓનાં ગાન અહીં જ જન્મ્યાં. નરસિંહનાં પ્રભાતિયાં, ગંગાસતી, સતી તોરલનાં ભજનો આજે પણ લોકહૈયે વસે છે. ગુજરાતના ગાંધી વિશ્વપુરુષ થઈ ગયા. ગુજરાતે અનેક રાજપુરુષો, ઉત્તમ કવિઓ, ગીતકારો-સંગીતકારો તથા નાટ્ય અને ફિલ્મ કલાકારો આપ્યા છે.
સહુ ચાલો જીવતા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે જેવાં નિરાશ થયેલાઓને પ્રેરણા આપતા આ શબ્દો લખનારા વીર કવિ નર્મદનો જન્મ પણ ૧૮૩૩ની ૨૪ ઓગસ્ટે ગુજરાતના સુરત શહેરમાં વડનગરના નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬માં. એેમણે શાળા અને કોલેજનું શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું. નર્મદે બાવીસ વર્ષની વયે નિર્ણય કર્યો કે કવિતા લખવી હોય તો કવિ બનવું પડે. તેનાં માપ, મીટરને સમજવા પડે. માત્ર નિર્ણય કરવાથી સિદ્ધિ નથી મળતી.
કવિપદ પામવા માટે નર્મદે વીજળીની ઝડપથી ભગીરથ પ્રયત્નો શરૂ કર્યા. દેશમાં ચાલતી અંધશ્રદ્ધા, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાતને હોમી દીધી. આજથી ૧૫૦ વર્ષ પહેલાં તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેમણે ‘દાંડિયો’ સામાયિક દ્વારા સાહિત્યસેવા અને સમાજસેવાના ઉચિત પ્રયાસો કર્યા. પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય જય જય ગરવી ગુજરાત આજે પણ એટલું જ પ્રચલિત છે. આ ગીતમાં તેમણે ગુજરાતના યશોગાન ગાયાં છે.
નર્મદની કવિતામાં સ્વતંત્રતા, સ્વદેશભિમાન, શૌર્યભાવનાની સાથે સાથે ધ્યાન ખેંચતો વિષય જીવન પ્રત્યેનો સંઘર્ષ છે. કવિ પોતાને સુધારાનો સેનાની કહે છે. જય જય ગરવી ગુજરાત … ગીત ગુજરાતના અનેક જાહેર કાર્યક્રમોમાં ગવાય છે, પરંતુ નિશીથ મહેતાએ એને આધુનિક સ્પર્શ આપીને યુવાપેઢીમાં લોકપ્રિય બનાવ્યું છે, જે ઈન્ટરનેટ પર તમે સાંભળી શકશો. ગુજરાતના અનેક યુવા કલાકારો આજે માતૃભાષામાં સરસ કામ કરી રહ્યાં છે એ ગૌરવ લેવા જેવી ઘટના છે.
———–
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ર્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત!
• વીર કવિ : નર્મદાશંકર લાલશંકર દવે ’નર્મદ’ • સંગીતકાર : નિશીથ મહેતા
https://www.youtube.com/watch?v=DJz8JQtsVz0
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 ફેબ્રુઆરી 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=684326