
રવીન્દ્ર પારેખ
ગુજરાતના મંત્રીઓને મહિને 1.71 લાખનો પગાર અને અન્ય સુવિધાઓ મળે છે, પણ મોંઘવારી તેમને ય નડી હોય તેમ, 26 ફેબ્રુઆરીના સમાચાર મુજબ, જુદી જુદી કેટેગરીનાં શહેરો પ્રમાણે, દૈનિક ભથ્થું અઢી ગણું વધારી દેવાયું છે. જેમ કે કોઈ મંત્રી અમદાવાદ, ગાંધીનગર કે સુરત જેવાં એક્સ કેટેગરીનાં શહેરમાં ઊતરે છે તો તેને દૈનિક ભથ્થું હવે 1,000ને બદલે 2,600 રૂપિયા મળશે. એ જ રીતે વાય અને ઝેડ કેટેગરીનાં શહેરોનાં ભાવ પણ નક્કી થયા છે. આ અને આવા વધારા કરવાનો વાંધો નથી, તો સવાલ એ થાય કે બીજી બાબતોમાં સરકાર આંગળા ચાટીને પેટ કેમ ભરે છે? પોતાને માટે ઉદાર થઈ ઊઠતી સરકાર અન્યોને મામલે કંજૂસ કેમ થઈ જાય છે? શું કારણ છે કે વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ તે નથી ભરતી?
ગુજરાત સરકારની કચેરીઓ માટે મંજૂર મહેકમની પુસ્તિકાઓમાં 1 ઓકટોબર, 2024 મુજબ સરકારમાં 3.60 લાખ જગ્યાઓ મંજૂર થઈ છે ને તેમાંથી 2.20 લાખ જગ્યાઓ ભરાઈ છે ને 1.40 લાખ જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટ ઇન એડની વાત કરીએ તો 5.47 લાખ જગ્યાઓ મંજૂર થયેલી છે, તેની સામે 4,49 લાખ જગ્યાઓ ભરાઈ છે ને 97 હજાર જગ્યાઓ ખાલી છે. આમાં 1.21 લાખ કર્મચારીઓ, સરકારમાં અને સંસ્થાઓમાં, એજન્સીઓ દ્વારા આઉટસોર્સિંગથી, 11 મહિનાના કરારથી ને પાંચ વર્ષના ફિક્સ પગારથી રખાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ નોકરીઓ કામચલાઉ ધોરણે અપાઈ છે. આવું કેમ? મંજૂર થયેલી જ્ગ્યાઓને બદલે આ રીતે કામચલાઉ ધોરણે નોકરીઓ આપીને સરકાર કોને માટે બચાવે છે? એવી બચત સરકાર પોતાને માટે કરતી નથી, એ તો દૈનિક ભથ્થું અઢી ગણું વધારીને તરત જ કમાઈ લે છે. જો આમ ઉદાર થઈ શકાતું હોય તો મંજૂર જગ્યાઓ ભરવામાં કંજૂસાઈ કેમ? એ પણ છે કે એજન્સીઓ દ્વારા ભરાતી જગ્યાઓ દયા-દાન-ધરમમાં ભરાતી નથી. એજન્સીઓ હોજરી ન ભરાય એ રીતે સેવા કરે છે કે હોજરી ભરવા જ સેવાનો લાભ આપે છે, તે સરકાર જાણે, પણ મંજૂર જગ્યાઓ ખાલી રાખવાનો કે અન્ય રીતે ભરવાનો ઉપક્રમ યોગ્ય નથી તે નોંધવું ઘટે.
સરકાર એ બરાબર જાણે છે કે 1.40 લાખ ખાલી જ્ગ્યાઓમાંથી 50 ટકા તો ગૃહ, આરોગ્ય-પરિવાર કલ્યાણ અને શિક્ષણમાં જ છે. સૌથી વધુ 28,645 જગ્યાઓ ગૃહ વિભાગમાં ખાલી છે, જ્યારે આરોગ્ય-પરિવાર કલ્યાણમાં 28,474, શિક્ષણમાં 13,196, મહેસૂલમાં 10,392 અને કાયદામાં 9,689 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સરકારના અન્ય 22 વિભાગોમાં 54,301 જગ્યાઓ ખાલી છે. આ બધાંમાં કરાર, આઉટસોર્સ ને ફિક્સ પગારની જગ્યાઓ સામેલ નથી. રાજ્યમાં 66 હજાર કર્મચારીઓ 5 વર્ષનાં ફિક્સ પગાર પર લેવાયેલા છે, જેમાં સરકારીમાં 38,000 અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં 28,000 કર્મચારીઓ છે. આ ઉપરાંત સરકારીમાં 75,882 અને ગ્રાન્ટ ઇન એડમાં 45,704 જગ્યાઓ પર આઉટ સોર્સિંગથી અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ કે ફિક્સ પગારથી કર્મચારીઓ રખાયેલા છે.
રાજ્ય સરકાર અને અનુદાન મેળવતી વિવિધ સંસ્થાઓમાં ક્લાસ 1 અને 2ની 23,456 જગ્યાઓ ખાલી છે, જ્યારે ક્લાસ-3ની કુલ 1.69 લાખ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારમાં જ ક્લાસ-1ની 6,561 અને ક્લાસ-2 ની 9,559 જગ્યાઓ ખાલી છે. એ રીતે ક્લાસ-3, ક્લાસ-4ની અનુક્રમે 93,719 અને 30,197 જગ્યાઓ ખાલી છે. અનુદાન મેળવતી સંસ્થાઓની વાત કરીએ તો ક્લાસ-1થી 4 સુધીમાં અનુક્રમે 2,193, 5,143, 75,546, 14,975 જગ્યાઓ ખાલી છે.
સરકારની કચેરીઓ માટે મંજૂર મહેકમની પુસ્તિકા અનુસાર શિક્ષણ વિભાગમાં 13,392 જગ્યાઓ ભરેલી છે ને 13,196 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની જ આ હાલત હોય ત્યાં શિક્ષકોના દુકાળની તો રાવ પણ ક્યાં ખાવી? આ દુકાળ કેમ છે ને જગ્યાઓ નહીં ભરવાથી સરકારને શું લાભ છે તે સ્પષ્ટ નથી. સરકારને પોતાને કૈં પણ મેળવવામાં વાંધો નથી આવતો, પણ શિક્ષણની બાબતે તે ભયંકર રીતે ઉદાસીન છે, એટલું જ નહીં, આપેલા વાયદાઓ પૂરા કરવામાં ય તેને નાનમ લાગે છે. 2017થી હજારો શિક્ષકોની ભરતી થઈ નથી, કારણ કે તેને કામચલાઉ ભરતીમાં જ રસ છે. જે તે જગ્યાઓ પર ઉમેદવારો નથી મળતા, એટલે ખાલી છે એવું નથી, ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો નોકરીની રાહ જુએ છે, પણ ભરતી થતી નથી ને આ સ્થિતિ શિક્ષણની જ નહીં, અનેક વિભાગોની છે ને તેની ચાડી તો અહીં આપેલા આંકડાઓ પણ ખાય છે.
રાજ્ય સરકારે મોટા ઉપાડે 24,700 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી, પણ ભરતીની પ્રક્રિયા જ સરકારે કરી નથી. આવી ઉદાસીનતાને કારણે નોકરી ઇચ્છુક ઉમેદવારો નાહક ઉંમર વધારી રહ્યા છે. ઉંમર પુરાતાં આ જ સરકાર તેમને નોકરીએ રાખવામાં આનાકાની કરશે ને નોકરી વગર હાથ ન ધોવા પડે એટલે ઉમેદવારોએ ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને આંદોલન કર્યું. આ અગાઉ પણ વિરોધ પ્રદર્શનો થઈ ચૂક્યાં છે, પણ સરકાર આ મામલાને હળવાશથી લઈ રહી છે. વિવિધ માંગણીઓ સાથે ઉમેદવારોનું કહેવું છે કે ઉનાળુ વેકેશન પહેલાં ભરતીની તમામ પ્રક્રિયા પૂરી કરીને ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવે. નિમણૂક પત્રો તો મળતા મળશે, પણ ગાંધીનગરમાં પોલીસે ઉમેદવારોને ટીંગાટોળી કરી 250થી વધુની અટકાયત તો કરી જ ! મહિલા ઉમેદવારોને ઢસડીને લઈ જવાઈ, તો ગુસ્સે ભરાઈ અને પોલીસને સંભળાવ્યું કે અમે ભાવિ શિક્ષકો છીએ, આતંકવાદીઓ નથી.
અગાઉ પણ સરકારે 24,700ની ભરતીની વાત કરી હતી ને હવે રાજ્ય શિક્ષણ મંત્રી ફરી વધામણી ખાતાં બહાર પડ્યા છે કે સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. આચારસંહિતાને કારણે ભરતીમાં મોડું થયું છે એવું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું. 24,700ની ભરતીની વાત 3 જુલાઈ, 2024ને રોજ થઈ, એ પછી ડિસેમ્બર, 2024 સુધીમાં 24,700ની ભરતીની વાત આવી. તે પછી 16 જાન્યુઆરી, 2025ને રોજ સમાચાર આવ્યા કે એક મહિનામાં શિક્ષકોની ભરતી કરી નિમણૂકો અપાશે અને હવે શિક્ષણ મંત્રી 24 ફેબ્રુઆરીએ એ જ વાત લઈને આવ્યા છે. એમને પૂછી શકાય કે 24,700ની આટલી જાહેરાતો પછી ઉમેદવારોની કેટલામી અટકાયત પછી 24,700ની ભરતી ખરેખર થશે?
સરકાર અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે, પણ શિક્ષણમાં તેણે ઊંધું માર્યું હોય તેવી સ્થિતિ વધારે છે. સાચું તો એ છે કે સ્કૂલોની સ્થિતિ, શિક્ષકોની અછત, ડેટા ને પરિપત્રોની રમત, શિક્ષકો પાસેથી કરાવાતી કારકૂની ને શિક્ષણેતર પ્રવૃત્તિઓ .. વગેરેમાં શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે. કેટલી ય સ્કૂલો એક કે બે શિક્ષકથી જ ચાલે છે. વર્ગો ન હોવાને કારણે એકથી વધુ વર્ગો સાંકડી જગ્યાએ ચાલે છે, આ બધું કોઈ રીતે શિક્ષણની તંદુરસ્તીની ચાડી નથી ખાતું ને આ હાલત ગુજરાતની જ નહીં, આખા દેશની છે.
નવી દિલ્હી, થિંક ટેન્ક પી.આર.એસ. લેજિસ્લેટિવ રીસર્ચ દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે દેશમાં 35 ટકા સ્કૂલો એવી છે, જેમાં વિદ્યાર્થીઓ 50 કે તેથી પણ ઓછા છે, એટલું જ નહીં, એમના શિક્ષકો પણ એક કે બે જ છે. નીતિ આયોગના જણાવ્યા મુજબ દેશની 10 ટકા સ્કૂલોમાં 20થી ઓછા અને 36 ટકા સ્કૂલોમાં 50થી ઓછા વિદ્યાર્થીઓ છે. 25મી ફેબ્રુઆરીએ જાહેર થયેલ રિપોર્ટ અનુસાર આવી સ્કૂલોમાં વિદ્યાર્થી ઓછા છે, એટલે શિક્ષકો પણ ઓછા છે ને તેમણે એકથી વધુ વિષયો ભણાવવાના આવે છે. 2022-‘23ને હિસાબે ધોરણ 1થી 8માં શિક્ષકોની 16 ટકા જગ્યાઓ ખાલી છે, જેમાં ઝારખંડમાં 50, બિહારમાં 32, મિઝોરમમાં 30 અને ત્રિપુરામાં 26 ટકા શિક્ષકોની ભરતી થઈ નથી. અહીં સવાલ એ થાય કે જગ્યાઓ ખાલી રાખવાથી જ જો પ્રગતિ થતી હોય તો સરકાર પોતે જગ્યાઓ ખાલી કરવા ઉત્સુક છે કે કેમ?
ખરાબ સ્થિતિ એ છે કે શિક્ષકોનો ઘણો સમય વહીવટી કામોમાં જતો હોવાથી વર્ગમાં શિક્ષણ કાર્ય થઈ શકતું નથી. ગુજરાતમાં જ શિક્ષણની અવદશા છે એવું નથી, દેશમાં પણ શિક્ષકોની ઘટ આંખે ઊડીને વળગે એવી છે. નવી શિક્ષણ નીતિ દાખલ તો પડી ગઈ છે, પણ તેના અમલનું ઠેકાણું નથી. ન શિક્ષક હોય, ન વિદ્યાર્થી હોય, ન વર્ગોનાં ઠેકાણાં હોય, ન પ્રયોગશાળા સરખી હોય, ન લાઇબ્રેરી સજ્જ હોય કે ન પૂરતી સુવિધા હોય, તો શિક્ષણ નીતિ નવી હોય કે જૂની, શો ફરક પડે છે? ગંધ તો એવી પણ આવે છે કે દેશમાં કોઈ એવું છે જે નથી ઇચ્છતું કે ભારત શિક્ષણમાં મોખરે રહે. મોખરે રહે તો વિચારે, વિચારે તો પ્રશ્નો કરે, પ્રશ્નો કરે તો માથું ઊંચકે, માથું ઊંચકે તો આંદોલન કરે …
આ બધું ન થવા દેવું હોય તો શિક્ષણ સુધરે તેવું કોઈ ન ઈચ્છે. પ્રજાને ધાર્મિક અફીણ પાઈને બહુ શિક્ષિત ન થવા દેવાય તો સત્તાધીશો વિના વિરોધે મનમાની કરી શકે એવું, ખરું કે કેમ? આ બહુ તાણેલો વિચાર હોય તો પણ, તે કેવળ કાલ્પનિક નથી એ નક્કી છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ફેબ્રુઆરી 2025