Opinion Magazine
Number of visits: 9447583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિવાદનું ઝેર અને બહુજન સમાજની પાયલ તડવીની હત્યા

હરપાલ રાણા|Opinion - Opinion|18 August 2019

મજબૂત, હિમ્મતવાન પાયલ તડવીની જાતિના મહા-ભોરિંગ સામે હાર થઈ અને જાતિવાદના ઝેરે તેની હત્યા જ કરી નાંખી. આજના ‘New India’માં જાતિવાદ, ઊંચ-નીચ તેની ચરમસીમા પર છે. મુથ્થુકૃષ્ણન્‌, રોહિત વેમુલાને પણ આ જ જાતિવાદી, વર્ચસ્વવાદી સંસ્કૃતિએ જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. કૃષ્ણન્‌ JNUનો સ્કૉલર હતો અને કહેવું પડ્યું કે અસમાનતા, અન્યાયે તેના સ્વપ્નોને તોડી નાંખ્યા છે. સમાનતા જેવુ કશું જ નથી તેવું તેણે અનુભવ્યું અને અન્યાયી વ્યવસ્થા સામે મોતને વહાલું કર્યું હતું. હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીના Ph.D. (UGC JRF પાસ) સ્કૉલર રોહિત વેમુલાએ પણ કહ્યું કે વ્યક્તિની કિંમત માત્ર વોટ, વસ્તુ બની ચૂકી છે. સામાજિક ન્યાય અને સમતાના સમર્થક આ દીવડાઓ જાતિવાદ, જાતિભેદ, અન્યાયી વયવસ્થાની લડાઈમાં અકાળે બુઝાઇ ગયા. આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ ? કેવા પ્રકારની માનસિકતામાં સબડી રહ્યા છીએ ? શું આ દેશ દલિતો, આદિવાસીઓ અને પછાત સમાજનો નથી ? શું આમ જ એકલવ્યો, શંબૂકોના વધ થતાં જ રહેશે ? શું આમ જ મુથ્થુકૃષ્ણન્‌, રોહિત, પાયલ જેવા બહુજનસમાજનાં હોનહાર વિદ્યાર્થીઓનો બલિ લેવાતો જ રહેશે ?

આ દેશને જાતિવાદના મહાદૂષણથી જેટલું નુકસાન થયું છે તેટલું બીજા કશાયથી થયું નથી. જાતિવાદ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. જાતિ વિનાનો કોઈ હિન્દુ ન હોઈ શકે અને હિન્દુ હોય એ જાતિ વિનાનો કદાપિ ન હોઈ શકે. હિન્દુ ધર્મ જ જાતિવાદ અને વર્ણ-વ્યવસ્થા પર આધારિત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે “એક હિન્દુ માટે તેની જાતિ જ તેનો સમાજ છે. તેની જવાબદારી માત્ર તેની જાતિ પ્રત્યે છે. તેની વફાદારી તેની જાતિ સુધી સીમિત છે. સદ્દગુણ જાતિથી બંધાયેલા છે અને નૈતિકતા જાતિ સાથે ઘેરાયેલી છે. સુપાત્રો માટે કોઈ સહાનુભૂતિ નથી.” (ડૉ. આંબેડકર, પૃ. ૭૬) આ જ જાતિવાદના લીધે ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં રોહિત વેમુલા, પીએચ.ડી. સ્કૉલરે આત્મહત્યા કરવી પડી તો હમણાં ૨૨ મે ૨૦૧૯ના રોજ ડૉ. પાયલ તડવીને જાતિય ભેદભાવ અને અસહ્ય માનસિક પરિતાપના લીધે મોતને અકાળે ગળે લગાડવું પડ્યું.

જાતિવાદના બે પ્રકાર છે એક શારીરિક અત્યાચાર અને બીજું માનસિક ત્રાસ. શારીરિક અત્યાચારમાં મેલું ઉપડાવવું, ગંદા કામમાં જોતરી રાખવા, મળ-મૂત્ર ખાવા મજબૂર કરવા, અંગ-છેદન કરવું, નગ્ન ફેરવવા, બળાત્કાર કરવો વગેરે. જ્યારે માનસિક ત્રાસમાં અભદ્ર-અપમાનજનક શબ્દો દ્વારા જાતિય ટિપ્પણી કરવી, દ્વિઅર્થી શબ્દો દ્વારા માનહાનિ કરવી, વાણી-વર્તન-શબ્દ દ્વારા નિમ્ન હોવાનો ભાવ ઊભો કરવો, ‘અનામત’, ‘RESERVATION’ શબ્દ પ્રયોગ કરવો, ‘રીઝર્વ કેટેગરી’ – ‘મેરીટ વગરના’ – ‘અનામતિયાઓ’ જેવા શબ્દો દ્વારા આત્મ-સન્માનને ઠેસ પહોંચાડવી વગેરે વગેરે.

પાયલ તડવી જેવી હોનહાર, કાબેલ ગાનેકોલોજિસ્ટને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપ્યો, અત્યાચાર કર્યો કે છેવટે તેણે આત્મહત્યા કરી લેવી પડી. પાયલની સાથે ભણતી સહાધ્યાયી ડોક્ટર મહિલાઓએ તેના ઉપર જાતિવિષયક એટલા બધા તીવ્ર પ્રહારો કર્યા, અને બેહદ અપમાન કર્યું કે એક આદિવાસી ભીલ દીકરીએ પોતાની જાન આપી દીધી. હકીકતે પાયલની આ એક હત્યા જ છે, ખૂન છે. ઉચ્ચ શિક્ષણ મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ડૉક્ટરી વ્યવસાય સ્વીકારી લોકોની જિંદગી બચાવવા જોડાતા હોય છે. પણ જ્યારે એ જ વ્યવસાય/શિક્ષણ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જ દેશના ભાઈઓ-બહેનો (દલિતો, આદિવાસીઓ) સાથે એટલો બધો ક્રૂર અને ઘાતકી વ્યવહાર કરવામાં આવે છે જેનાથી સદીઓથી શોષિત અને દબાયેલા બહુજનો મૃત્યુની કગાર પર પહોંચી જાય છે.

“મહારાષ્ટ્ર સમતા અને ન્યાયનું સ્વપ્ન જોનારા જોતિબા ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિ છે, પરંતુ આ વર્ણ-જાતિ વ્યવસ્થા ને તેનાથી પેદા થનાર અન્યાયોના સમર્થક રામદાસ, તિલક, સાવરકર અને ગોડસે જેવા ચિત્તપાવન બ્રાહ્મણોની જન્મભૂમિ-કર્મભૂમિ પણ છે. આ ક્રૂર પેશવા બ્રાહ્મણોની ભૂમિ પણ છે, જેમણે અતિ શૂદ્રોને ગળામાં હડ્ડીઓ અને કમરમાં ઝાડુ બાંધીને ચાલવા માટે ફરજ પાડી હતી. તેઓ મહારો, માંગો અને ચમારોના માથા કાપીને દડો બનાવી રમતા હતા. આ જ ચિત્તપાવન બ્રાહ્મણોની પરંપરાએ એક આદિવાસી દીકરી અને તેનાં ખૂબસૂરત સ્વપ્નાંઓની હત્યા કરી દીધી છે. ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની દીકરી અને તેના સ્વપ્નોની કરી નાંખી છે.” (National India News, June ૪, ૨૦૧૯) ૧૯ મી સદીમાં બહુજનસમાજની સામાજિક ક્રાંતિમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેની સ્કૂલમાં ભણતી અસ્પૃશ્ય માંગ સમાજની ૧૪ વર્ષની દીકરી મુક્તા સાલ્વે ૧૮૫૫માં ‘માંગ અને મહારના દુ:ખ’ નામે નિબંધ લખે છે જેમાં તે અસ્પૃશ્યો બહુજનોની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે. આજે ૨૧ મી સદીના ‘New India’માં તેની વાત કેટલી યથાર્થ લાગે છે કારણ કે આજે પણ જાતિવાદ, ભેદભાવ એટલો જ પ્રબળ છે તો બીજી તરફ સંકુચિત હિન્દુવાદ એટલો જ ભયાનક છે. મુક્તા કહે છે કે, “હે વિદ્વાન પંડિતો તમારા ખોખલા ડહાપણની સ્વાર્થી વાતોને બંધ કરો અને હું કહું છું તે સાંભળો. બ્રાહ્મણોએ આપણને એટલા બધા પતિત બનાવ્યા છે કે તેઓ અમારા જેવા લોકોને ગાયો અને ભેંસો કરતાં પણ નિમ્ન ગણે છે.”

પાયલ તેના ભીલ (તડવી) આદિવાસી સમાજમાંથી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી પહોંચનાર પ્રથમ વિદ્યાર્થીની હતી. ૩૦ વર્ષ પછી ભીલ-તડવી સમાજમાંથી કોઈ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ સુધી પોંહચી હતી. પણ જાતિવાદ, ઊંચ-નીચમાં માનનાર ભદ્ર સમાજને આ મંજૂર આજે પણ નથી કે દલિતો, આદિવાસીઓ તેની સમકક્ષ બેસે, નોકરી કરે અને સન્માનથી જીવે. ‘લંડન ક્રોસ કલ્ચરમાં શુશ્રુત જાધવ મનોચિકિત્સક છે. તેમનો ઇન્ટરવ્યુ એક મેગેઝિનમાં છપાયો હતો જેમાં ભારતમાં મેન્ટલ થિયરીની સમજ કેવા પ્રકારની છે તેની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે આ વિષય સાંસ્કૃતિક અને બૌદ્ધિકરૂપથી ‘corrupt’ બની ચૂક્યો છે, ખોખલો બની ચૂક્યો છે. ભારતમાં જાતિને લઈને જે માનસિક સંતાપ – ત્રાસ આપવામાં આવે છે જેનાથી પીડિત – શોષિત સમાજ પર કેવી વિપરીત અસર પડે છે તેને નજરઅંદાજ કરવામાં આવે છે. જાતિને લઈને વ્યક્તિના દિલોદિમાગ પર કેવી અસર પડે છે, તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. મનોચિકિત્સકની દુનિયામાં જાતિને લઈને વ્યક્તિના જીવન – માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તેને લઈને કોઈ અભ્યાસ જ થતાં નથી’ (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯).

તાજેતરમાં C/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને તેમના જખમો અને પીડાઓથી ઉગારવા BLUE DAWN નામની સંસ્થા શરૂ થઈ છે. આ એક સહિયારા પ્રયાસ દ્વારા શરૂ થયેલ સામુદાયિક નેટવર્ક છે જે પછાત જાતિઓ માટે શાનદાર કામ કરી રહ્યું છે. તેમાં દિવ્યા કંદપુરીનો એક વીડિયો છે, જેમાં તે દલિત-પીડિત-આદિવાસી વિદ્યાર્થીઓની વાત કરે છે. દિવ્યાએ Prime Timeમાં રવીશ કુમાર સાથેની ચર્ચામાં કહ્યું કે “આપણે રોજબરોજની વાતમાં કે ચર્ચામાં પીડિત સમુદાયના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓને જાણે-અજાણે અપમાન કરતા હોઈએ છીએ. જેમ કે તું કમિનો છે, તું કમિની છે, તમે ભંગી છો, તમે અનામતવાળા કેટલા ભાગ્યશાળી છો, તમને કેમ જલદી નોકરી મળી જાય છે. ૯૦% લોકો આ પ્રકારના શબ્દો બોલે છે. નાનપણથી તમને ‘લાયકાત વિહોણા’ (Meritless), ‘યોગ્યતા વિનાના ઉમેદવાર’ (Under serving Candidate) કહીને અપમાનિત કરવામાં આવે છે. આ પ્રકારનાં વાણી-વર્તન કુમળી વયના દલિત-આદિવાસી બાળકો પર કેવી અસર થતી હશે.” વધુમાં દિવ્યાએ કહ્યું કે “મેં દેશની નામાંકિત શ્રીરામ લેડી કોલેજ, દિલ્લીમાં નવીન આશાઓ, અરમાનો, કાંઈક નવું શીખવાના આશયથી પ્રવેશ મેળવ્યો. પ્રવેશ સમયે મારે ૯૭% પર્સન્ટેજ હતા. આમ છતાં સહાધ્યાયીઓ કહેતા કે તમને SC/ST/OBC લોકોને તો અનામતના લીધે સરળતાથી પ્રવેશ મળી જાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે SC/ST‌અધ્યાપકો હિન્દીમાં ભણાવે છે. પ્રિન્સિપાલ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે કે અમે શું કરીએ અમારે તો એસસી/એસટી રીસર્વેશન પોલિસીને અનુસરવી પડે છે. એક સંસ્થાના આચાર્ય આ પ્રકારે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે ત્યારે ત્યાં બેઠેલા SC/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને કેટલો બધો માનસિક આઘાત લાગે છે. મને પણ ખૂબ આઘાત લાગ્યો હતો.” (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯)

પાયલ તડવી કે જેણે ડોક્ટર બનવાના અને જલગાંવમાં આદિવાસી ભીલ સમાજની સાથે સમાજના હરેક વ્યક્તિને મદદરૂપ થવા પતિ સલમાનની સાથે હોસ્પિટલ ખોલવાનું શમણું સેવ્યું હતું. પણ શમણું સાકાર થાય એ જાતિવાદી માનસિકતા ધરાવનારાઓને સહેજે મંજૂર નહોતું. પાયલની જ સિનિયર ડોક્ટર – ડો. અંકિતા ખાંડેલવાલ, ડો. હેમા આહુજા, ડો. ભક્તિ મેહરે વગેરેના જાતિવાદી માનસિક ત્રાસ સામે પાયલ હિમ્મત હારી ગઈ અને આ સાથે એક સમાજસેવી ડો. પાયલ ફાની દુનિયા છોડી ચાલી ગઈ. પાયલની માતા આબેદા કહે છે કે “પાયલ ખૂબ આત્મવિશ્વાસુ હતી. મેં તેને ક્યારે ય ગુસ્સે થતી જોઈ નથી. પણ પી.જી. હોસ્ટેલમાં પ્રવેશ બાદ તે બદલાઈ ગઈ હતી.”

પાયલ શરૂઆતમાં હોસ્ટેલમાં ડો. ભક્તિ મેહરે સાથે રહેતી હતી. આબેદા કહે છે “ભક્તિ ખાટલામાં સૂતી જ્યારે પાયલ ભોંયતળીએ સૂતી. ભક્તિ તેના પગ પાયલની ચાદર પર લૂછતી એટલે પાયલે બાજુના રૂમમાં સૂવા લાગી જેથી ભક્તિ સાથે સંઘર્ષ ટાળી શકાય.” (Indian Express, p. 7, June ૨, ૨૦૧૯) ત્રણેય ડોક્ટર મહિલાઓના ત્રાસથી પાયલ કંટાળી ગઈ હતી. પતિ સલમાને કહ્યું કે તે ફરી કામ માટે ત્યાં જવા તૈયાર નથી. આથી સલમાન પાયલના વિભાગીય વડા ડૉ. એસ.ડી. શિરોડકરને મળી ફરિયાદ કરી એટલે પાયલને બાળકોના વિભાગમાં બે મહિના માટે ફેરવવામાં આવી. મેડમે શો-કોઝ નોટિસ આપી હતી અને કહ્યું કે પોતે પાયલના કામથી ખુશ હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં જ પુનઃ પાયલને તેના જૂના ગાયનેક વિભાગમાં પાછી નિમણૂક કરી. અહીં પહેલાંની જેમ ત્રયેય સિનિયર ડોક્ટર્સ ફરી પાછા માનસિક રીતે પરેશાન કરવાનું કામ શરૂ કરી દીધું. તેઓ પાયલને કામને લઈને વારંવાર ઠપકો આપતાં, પ્રસૂતિઓ કરવા દેતાં ન હતાં તથા ધમકી આપી કે અમે તારો અભ્યાસ પૂર્ણ નહીં થવા દઈએ. આમ ગાયનેક વોર્ડમાં પાછા ફર્યા બાદ પાયલ પર ખૂબ માનસિક ત્રાસ વધી ગયો હતો. સલમાન કહે છે કે “ગાયનેકોલોજી યુનિટના હેડ ડો. વાય.આઈ. ચિંગ લિંગને આ અંગે ફરિયાદ કરી હતી. પણ એંટી-રેગિંગ રિપોર્ટ જણાવે છે કે ટી.એન. ટોપીવાલા મેડિકલ કોલેજ કે જે.બી.વાય.એલ. નાયર હોસ્પિટલ સાથે જોડાયેલ છે, ચિંગ લિંગે આ બાબતમાં કોઈ જ પગલાં લીધા ન હતા.” IE, ૨/૬/૧૯)

પાયલની સંસ્થાગત હત્યા દર્શાવે છે કે આજે પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એસી સી/એસ ટી/ઓ બી સી વિદ્યાર્થીઓ પ્રત્યે જાતિય ભેદભાવ રાખવામાં આવે છે. તેમને નિરુત્સાહ કરવા માટે ચોક્કસ પ્રકારે ષડયંત્ર ચાલે છે. મેડિકલ જેવા નામી ક્ષેત્રમાં પણ પાયલ તડવી, નસીમા તડવી જેવી ડોક્ટર્સને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે કે જેમાં પાયલ જેવી હોનહાર દીકરીને જાન આપી દેવો પડે છે. ૩૭ વર્ષીય નસીમા તડવી પણ પોતે જ્યારે માસ્ટર્સ કરતી અને પ્રેક્ટિસ કરતી ત્યારે સિનિયર દ્વારા માનસિક રીતે પરેશાન કરવામાં આવતી. નસીમા કહે છે કે “કાંઇ પણ ખોટું થતું તો, તે મને જ બ્લેમ કરતા અને નિમ્ન હોવાનો અહેસાસ કરાવતા. ભેદભાવનો આ એક પ્રકાર છે. સદ્દભાગ્યે, મેં જ્યારે મારા સિનિયર સુધી ફરિયાદ કરી તો તેમણે તાત્કાલિક પગલાં લીધા હતા. સંસ્થાનું તંત્ર આ બાબતોને રોકે તેટલું પૂરતું નથી. કોઈ આપણું સાંભળશે નહીં તેવો ભય હોય છે.” નસીમા અત્યારે યવાલ તાલુકામાં આવેલ PHC સેન્ટરમાં જોબ કરે છે અને NGO દ્વારા બાળકોને મોટીવેશન ટોક આપવા જાય છે. તે કહે છે કે “આ વર્ષે હું વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે ચૂપ બેસી ન રહેતાં, તમારો અવાજ ઉઠાવો.”

ભારતમાતાને પૂજનારા દેશમાં પાયલ તડવીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે છે, તો સોની સોરી જેવી માનવ અધિકાર ઝુંબેશકર્તાને પોલીસ કસ્ટડી અસહ્ય ત્રાસ આપવામાં આવે છે જ્યારે ખૈરલાંજી ગામની દલિત મહિલા સુરેખા ભોટમંગેને નગ્ન કરી સામૂહિક બળાત્કાર કરી મારી નાંખવામાં આવે છે. શું ખરેખર આપણે મુક્ત અને સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ ખરા? શું ખરેખર ભારતમાં બંધારણીય શાસન ચાલે છે ખરું? બંધારણને બદલે આજે પણ વર્ચસ્વવાદી, સામંતી, પિતૃપ્રધાન સંકુચિત સંસ્કૃતિ જ રાજ ચલાવે છે.

સંદર્ભઃ

(૧) બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, જાતિકા વિનાશ

(૨) Prime Time with Ravish Kumar, May 29, 2019

(૩) Indian Express, June 2, 2019  

(૪) National India News, June 4, 2019

ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 14-17

Loading

18 August 2019 admin
← લૈંગિક સમાનતાઃ આદર્શ અને હકીકત
પૂરમાં ડૂબેલાં રાજ્યોઃ પ્રકૃતિને કાબૂમાં નહીં કાખમાં રાખવાથી જ ભાવિ સુધરશે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved