‘અસંતુષ્ટ બૌદ્ધિકો’ના ટીકાકારોને કોણ સમજાવે કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું
ચૂંટણી પરિણામના કલાકોમાં બીજા જ કોઈ વિષયમાં ચાલ્યા જવું કંઇક સલામત અને કદાચ આસાન પણ હશે. પણ શનિવારની વહેલી સવારે થોડું પણ મનન (ખરું જોતાં પ્રગટ ચિંતન) થઈ શકે તો પરિણામને છેડે ઊભી આગળ અને પાછળ નજર કરી લેવાનું નાગરિકને સારુ સરળ પણ બની રહે. લાગે છે, સવારની આસાની કરતાં સાંજની આસાનીનો રાહ લેવો સારો! અલબત્ત, સાંજની આસાની પણ નવા સૂર્યોદયની તલાશમાં રાત આખી જે પણ વહોરવાવેઠવાનું હોય એને વાસ્તે જ હોવાની છે.
તહેવાર એગ્ઝિટ પોલ ભા.જ.પ.ની એકંદર સરસાઈના તેમ હાંફતી કૉંગ્રેસ અપવાદરૂપ જીવતદાન(પંજાબ)ના તો આપની કંઇક આગેકૂચના અને બહુજન સમાજ પક્ષને 2012ની હારની કળ વળી રહ્યાના સંકેતો લઈને આવી ચૂક્યા છે. વિખંડિત જનાદેશના સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન (એટલે કે ભા.જ.પ.નો રિમોટ કન્ટ્રોલ) ટાળવા માટે અખિલેશ-કૉંગ્રેસે માયાવતીનો સાથ લેવાની તૈયારી દાખવ્યાના હેવાલો કંઈ નહીં પણ એટલું તો સૂચવે જ છે કે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું લૉજિક હતું તો આજે બિનભાજપવાદનું પણ હોઈ તો શકે છે, જે બિહારમાં આપણે જોયું પણ છે. જો 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદી ભા.જ.પ.નો એકચક્રી આણ જેવો સિક્કો પડ્યો ન પડ્યો ત્યાં દિલ્હીમાં આપ અને બિહારમાં જે.ડી.યુ.-કૉંગ્રેસની ફતેહે વગદાર વિકલ્પ હાજરી પુરાવી હતી તે આ ક્ષણે સાંભરે છે.
ધારો કે આજે નમતા પહોરે આવી કોઈક વગદાર વિકલ્પહાજરી વરતાય તો આપણે જરૂર રાજી થઈશું. પણ એથી ભાવઠ ભાંગશે એમ કહેવું વહેલું જ નહીં, વધારે પડતું પણ ગણાશે. એક તો, વ્યાપક આકલન એવું છે કે આજના પરિણામથી નિરપેક્ષપણે 2019માં પક્ષ તરીકે ભા.જ.પ. અને એથી પણ વિશેષ તો વ્યક્તિ તરીકે નમો નેતૃત્વ, બેનો કોઈ અખિલ હિંદ મુકાબલો હોવાનો નથી. મેઘનાદ દેસાઈએ સમર્થન કે વિરોધની રીતે નહીં પણ રાજકીય વિશ્લેષણની રીતે આ મતને ઠીક ઠીક આપી છે. બીજી બાજુ, સ્વામીનાથન અંકલેસરીઆ અય્યર જેવા છે જે 2017 તેમ 2019 બંનેમાં નમો ભા.જ.પ.નો વિજય જુએ છે. નોટબંધી કે બીજા નજરબંધીના ખેલ બાબતે અંક્લેસરીઆ અય્યરની ટીકા નિ:શેષ અસંદિગ્ધ છે. પણ છાકો પાડી દઈ કંઇક કીર જાણનાર (ડુઅર) એવા પ્રતાપી ને નિર્ણાયક નેતૃત્વની છાપ મોદીએ (ભલે તથ્યનિરપેક્ષપણે) જનમાનસમાં જન્માવી છે જરૂર. એટલે 2017 અને 2019માં એમની આગેકૂચ જારી રહેશે.
વિશ્લેષકોનો એક ત્રીજો કોણ, નમૂના દાખલ, તવલીનસિંહ જેવાનો પણ છે. 2014 પૂર્વે નમોનો ઉદય ભાખવામાં અને ઇચ્છવામાં તવલીનને પક્ષે કોઈ દિલચોરી નહોતી. નોટબંધી સહિતના કેટલાક મુદ્દે તવલીન પણ નમો શાસનના ટીકાકાર તરીકે ઉભર્યાં છે. પણ, ભલે જરૂરી દુરસ્તી સાથે પણ, 2019માં એમની આશા ને અપેક્ષા હમણાં સુધી તો મોદીકેન્દ્રી વરતાય છે.નમો શાસન એટલે શું. અહીં આ પૂર્વે એકથી વધુ વાર અરુણ શૌરિને ટાંકવાનું બન્યું છે તેમ કૉંગ્રેસ વતા ગાય. ટૂંકમાં, વિકાસનો વરખ અને કોમી ધ્રુવીકરણ, એ સાદો હિસાબ છે. ઉત્તર પ્રદેશમાં, કેમ કે રામ મંદિર ધાર્યું ઉછળી શકે નહીં, આ વખતે ‘સ્મશાન વિ. કબ્રસ્તાન’ની તરજ પર કામ લેવાયું તે આમ તો ‘વત્તા ગાય’ ફોર્મ્યુલા જ હતી.
મહારાષ્ટ્રનાં મહાનગરપાલિકા પરિણામોમાં નોટબંધીને કારણે ભા.જ.પ.ને વેઠવું ન પડ્યું એમાં ભા.જ.પ. પોતાનું સમર્થન જુએ છે. અલબત્ત, એણે અને શિવસેનાએ જુદાં પડીને પણ સરવાળે પોતાના કોમી ધ્રુવીકૃત અભિગમથી મહારાષ્ટ્રની એકંદર રાજનીતિ ખંડી લીધેલ છે. નોટબંધીના કારણો અને દાવાઓ કોઈ પ્રતીતિકરપણે ઉપસ્યાં નથી પણ નમોની ‘ડુઅર’ મુદ્રાની કળ હજુ લોકમાનસને વળી નથી, એ નક્કી. તેથી આજ નમતા પહોર પછીની અને 2019ની સંભવિત મોદી ફતેહના માહોલ વચ્ચે તટસ્થ બૌદ્ધિકોએ સોક્રેટિક બગાઈની ભૂમિકા (જે હંમેશ હોવી જોઈએ તે સવિશેષ) માંજતા રહેવાપણું સાફ છે. આમ તો, વિજયી રાજવીએ (પોતે ઉન્મત્ત ન થઈ જાય તે માટે) એક મિત્રને નિયમિતપણે પોતાના કાનમાં સાવધાનીના સૂર રેડતા રહેવાની કામગીરી સોંપ્યાનો કિસ્સો મશહુર છે. પણ અહીં અપેક્ષિત બૌદ્ધિક ભૂમિકા કોઈ સરકારી પ્રતિનિયુક્તિ કહેતા ‘ઑન ડેપ્યુટેશન’ તરેહની નથી.
રાજીવ ગાંધીના નિકટવર્તુળમાં થોડો વખત રહી આવેલા અને પછી વીપી-વાજપેયી પ્રધામંડળોમાં રહી આવેલા અરુણ શૌરિનું અહીં સ્મરણ થઈ આવે છે.
કટોકટી વખતે નિર્ભીક ટીકાકાર તરીકે ઉભરેલા અને તરતના નિર્ણાયક ચૂંટણી જંગમાં બૌદ્ધિક ઊંજણ પૂરનાર બની રહેલા શૌરિની મુશ્કેલી કદાચ એ રહી છે કે ગ્રાસરુટ કામગીરી અને તળ સંપર્કો વગરની ચંદનમહેલ જિંદગી એમને કોઇક શક્તિશાળી/ આદર્શવાદી લોકસમર્થનપ્રાપ્ત રાજકીય નેતૃત્વની ઓશિંગણ બનાવી દે છે. સમજાય ત્યારે ખસવાની તૈયારી એ ચોક્કસ જ એમનુું જમા પાસું છે, પણ કંઇક કરવાની લાયમાં એમને સ્થાપિત જોડાણ દુર્નિવાર લાગે છે. બૌદ્ધિકોની બીજી એક તરેહ આપણે સૌનિયા ગાંધીની સલાહકાર સમિતિરૂપે જોઈ. અરુણા રોય વગેરે એના પર હતા અને વાયા સોનિયા યુ.પી.એ. પર એમનો રુક્કો ચાલ્યો. કેટલાક પ્રજાપરક નિર્ણયો યુ.પી.એ. શાસનમાં શક્ય બન્યા તે સલાહકાર સમિતિને આભારી હતું. પણ એમાં બેસનારાઓનું સૅન્ક્શન એમના પ્રત્યક્ષ કાર્યજોડાણ કરતાં સોનિયા ગાંધીમાં સવિશેષ હતું.
બને કે, હાલના અને હવેના દિવસોમાં પબ્લિક ઇન્ટેલેક્યુઅલની ભૂમિકા વિશેષ જરૂરી હોય. શાસન અને પ્રજાનાં પરિબળો, બંનેમાં એનો પ્રવેશ યથાસંભવ, યથાપ્રસંગ હોય પણ એનું સૅન્ક્શન નાગરિક સમાજ સાથેના અવિનાભાવ સંબંધપૂર્વકની યથાર્હ કામગીરીમાં પડેલું હોય. ગાંધીજીવનના સંદર્ભમાં ટૉયન્બીને જે વાનું વસ્યું હતું કે હવેના ધર્મપુરુષોએ સ્લમ્સ ઑફ પોલિટિક્સમાંથી આવવું રહે છે, કંઇક એવું. ગુજરાતમાં જેપી આંદોલનનો ઝંડો (અને ઝાડુ) સાહનાર બૌદ્ધિકોને એક તબક્કે કિમલોપે અસંતુષ્ટ બૌદ્ધિકો(ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્યુઅલ્સ)નું માન આપ્યું હતું. ભલા ભાઈ, કોણ સમજાવે એમને કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું. એવૉર્ડ વાપસી વખતે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની પ્રતિક્રિયા આ જ કિમલોપી તરજ પર હતી તે તરત સાંભરશે.
યોગેન્દ્ર યાદવ અને પ્રશાન્ત ભૂષણ જેવાઓ, સ્વરાજ અભિયાનના હાલના દોર સહિત લાંબી પૂર્વકામગીરી સાથે લોકપરક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ઉભર્યા છે, એમાંથી સોડાતું ઍક્ટિવિઝમ ખસૂસ સરાહનીય છે. પણ આપના કેજરીવાલ-સિસોદિયાને આ દૂઝતી ગાયના પાટુ ખમવાનો વિવેક પોતાની ગરજે સમજાઇ રહ્યો હોત તો રાજકીય વિકલ્પનાં બળો વચ્ચે વૈકલ્પિક રાજનીતિના સાર્થક હસ્તક્ષેપની એની ભૂમિકા ઓર ઉચકાત. પંજાબમાં એની જે આગેકૂચ સમજાય છે તે બિહારની નીતીશ અને ઉત્તર પ્રદેશની અખિલેશ કરતાં કંઇક જમાતજુદી લાગે છે, પણ તત્ત્વત: તેણે ઘણું કરવાનું રહે છે જે કેજરીવાલ-સિસોદિયા વલણો જોતાં શક્ય જણાતું નથી.
ગમે તેમ પણ, સર્વાંગસક્ષમ સૂચિત પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલની રાહમાં, સ્થળ પરના નાનામોટા સૌએ પ્રવાહ પ્રાપ્ત પડકારને ભાગ્યે જ રેઢા મૂકવાના વખતે અડવા જેવી આળ-ઓળખનો ભય વહોરીને પણ એણે તો જટાયું કે કાસાબિએન્કા થવું રહ્યું. જેમ બિનકૉંગ્રેસવાદ તેમ બિનભાજપવાદનું લૉજિક સ્વીકાર્યા પછી પણ આરતભરી પુકાર તો પેલા ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ અને ડિસગ્રેન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલની જ રહેવાની. 2017 માર્ચના પહેલાબીજા અઠવાડિયામાં આ લખતી વેળાએ થતું તીવ્ર સ્મરણ ચાલીસ વરસ પરના માર્ચ 1977ના દિવસોનું છે જ્યારે બિનકૉંગ્રેસવાદે યશસ્વી બની લોકશાહીની પુન:પ્રતિષ્ઠાનો પથ પ્રશસ્ત કર્યો હતો …
ચલના જીવન કી કહાની, રુકના મોતકી નિશાની!
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘શાસકીય પ્રતિક્રિયા’, “દિવ્ય ભાસ્કર”, 11 માર્ચ 2017