Opinion Magazine
Number of visits: 9448473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસલેખનના પ્રશ્નો

પ્રવીણ ગઢવી|Opinion - Opinion|3 October 2021

વિજ્ઞાન, કોમ્પ્યૂટર, ઈન્ફર્મેશન ટેક્નોલૉજી, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેનો અભ્યાસ શા માટે? દર્શકે કહ્યું છે કે ઇતિહાસ પ્રકાશ અને પ્રેરણા આપે છે, પરંતુ વાસ્તવમાં માણસ ઇતિહાસમાંથી પ્રેરણા કે પ્રકાશ કશું લેતો નથી, ભૂતકાળનો અનુભવ કામમાં લેતો નથી. બલકે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાના બદલે તે જ ભૂલો વારંવાર ફરીથી કરે છે. અલબત્ત, દેશના રાજકર્તાઓ અને અધિકારીઓ ઇતિહાસથી અવગત થાય તે ઈચ્છનીય ખરું. અંગ્રેજો આઈ.સી.એસ. થયેલા સનદી અધિકારીઓને લંડનમાં ભારતનો ઇતિહાસ, ધર્મો અને સંસ્કૃતિ ભણાવતા.

પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. હલદીઘાટીમાં પ્રતાપ જીત્યા હતા, એવા ફેરફારો સરકારો બદલાય ત્યારે ઇતિહાસમાં થતા રહે છે! એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસના પાઠ્યપુસ્તક(જાન્યુઆરી, ૨૦૦૧)માં આર્યોના આગમન કે આક્રમણની વાત જ ઉડાવી દેવામાં આવી છે અને હડપ્પા વિનાશ પછીનાં ૧,૫૦૦ વર્ષમાં સિંધુ તીરે વસતા લોકોએ ઋગ્વેદની રચના કરી, તેવી જ માત્ર નોંધ છે! પછી તરત જ સોળ મહાજનપદો પર ઇતિહાસ ચાલ્યો જાય છે.

કૉલેજમાં પણ ઇતિહાસ એક વિષય તરીકે ભણાવાય છે, પરંતુ તેમાં ચોક્કસ પાઠ્યપુસ્તક નથી. તેથી તટસ્થ પ્રોફેશનલ લેખકોએ લખેલો, પ્રમાણમાં તટસ્થ ઇતિહાસ ભણાવાય છે. વહીવટી સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઇતિહાસ વિષય રાખી શકાય છે અને વિવિધ ઇતિહાસકારોના ઇતિહાસોનો અભ્યાસ કરવાની મોકળાશ રહે છે.

ઇતિહાસ વાસ્તવમાં ‘ઑબ્ઝેક્ટિવ’ તટસ્થ, ન્યાયિક, નિષ્પક્ષ હોવો જોઈએ. તેને ડાબેરી કે જમણેરી વલણો વળગવાં ન જોઈએ. ઇતિહાસ રાજ્યાશ્રિત નહિ, પણ જનાશ્રિત હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ. ઇતિહાસ કેવળ રાજકીય નહિ, પરંતુ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, બાબતોની તેમ જ દલિત, પીડિત જનતાનો, ખેડૂતો-મજૂરો, આદિવાસીઓનાં શોષણ અને તે સામે તેમણે કરેલા વિદ્રોહોનો પણ હોવો જોઈએ. ઇતિહાસ કાલ્પનિક નહિ પણ શક્ય તેટલા પુરાવા પર આધારિત હોવો જોઈએ.

પરંતુ ભારતનો ઇતિહાસ એ દ્રષ્ટિએ અશુદ્ધ છે. તેમાં હકીકતો સાથે કલ્પનાઓનું મિશ્રણ થયેલું જોવા મળે છે. પુરાણો અર્ધઐતિહાસિક છે. તેમાં અનેક ચમત્કારો અને કલ્પનાઓ ભેળવવામાં આવી છે. તેવી જ રીતે આપણાં મહાકાવ્યો – રામાયણ, મહાભારત કે ભાગવત પણ અર્ધ ઐતિહાસિક કથાકાવ્યો છે. તેથી તેમને ઇતિહાસ તરીકે નહિ, પણ સાહિત્યિક કૃતિ તરીકે, કાવ્યરૂપે જોવાં જોઈએ. કાવ્યમાં કવિને કલ્પના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ ઇતિહાસમાં તેમ ન થઈ શકે. રામ-કૃષ્ણ અવશ્ય ઐતિહાસિક પાત્રો હશે જ, પરંતુ જેટલા મોટા દર્શાવવામાં આવ્યા છે, તેટલા મોટા રાજા હોવા સંભવ નથી. કેમ કે રામ ગંગા ઓળંગે છે કે તરત તેમનું રાજ્ય પૂરું થઈ જાય છે. વળી કોસલ અને કૈકેય રાજ્યો આડોશપાડોશમાં જ હતાં. એ જ રીતે કૌરવો-પાંડવો આજના હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મર્યાદિત હતા. મથુરા, સૌવિર, ગંધાર, મગધ, ચેદિ વગેરે મોટાં સ્વતંત્ર રાજ્યો હતાં.

મૂળ રામાયણ નાનું હતું અને સમયાંતરે વિશાળ થતું ગયું એમ રામનું ચરિત્ર ‘લાર્જર ઘેન લાઈફ’ થતું ગયું. એવું જ મહાભારત પણ નાનકડું હતું. તે વિશાળ થયું અને પાંડવો-કૃષ્ણ પણ વિશાળતા પામતા ગયા.

તે વેળાનાં શસ્ત્રો મુખ્યત્વે અસિ, ગદા, ચક્ર, ભાલા, તીર વગેરે હતાં. તેને મંત્ર દ્વારા મહાશસ્ત્ર કરવાની કવિકલ્પના કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર(અણુબૉમ્બ)ની પણ કવિકલ્પના કરવામાં આવી છે, તેને સત્ય માની શકાય નહિ.

ભારતનો ઇતિહાસ મોટે ભાગે ઉત્તર ભારતનો જ રહ્યો છે. વિજયનગર સામ્રાજ્યનો અને શિવાજીનો ઇતિહાસ હતા, પરંતુ તામિલનાડુ, કેરળના ઇતિહાસનો પાઠ્યક્રમમાં સમાવેશ થતો નહોતો.

મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બહુધા મુસ્લિમ તવારીખકારો દ્વારા લખાયેલો મળે છે. તેઓ રાજ્યાશ્રયી હોવાથી સુલતાનો, બાદશાહોના પરાક્રમોનું અતિશય વર્ણન કર્યું છે. અને માત્ર તેઓ જ બહાદુર હતા અને રાજપૂત રાજાઓ ત્રણસો વર્ષ સુધી મુસ્લિમ સુલતાનોના આક્રમણોને ખાળતા રહ્યા હતા. જયપાલ જેવા રાજાએ તો પરાજય સહન ન થતાં અગ્નિસ્નાન કર્યું હતું. ગુજરાતના રાજા બાળ મૂળરાજે મહંમદ ઘોરીને આબુ પાસે હરાવ્યો હતો, જેણે પછી પૃથ્વીરાજને હરાવ્યા, વગેરે જોવા મળે છે.

ત્યારબાદ અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો, પરંતુ તેને તેમણે કોમવાદી બનાવી દીધો અને પ્રાચીન ભારતને હિંદુ સમય, મધ્યકાલીન ભારતને મુસ્લિમ સમય અને આધુનિક ભારતને બ્રિટિશ સમય એમ નામકરણ કર્યું. વળી પોતે જાણે ભારતનો ઉધ્ધાર કરવા સ્વર્ગથી દેવોની જેમ પધાર્યા હોય તેવો દેખાવ કર્યો. અલબત્ત, કંપની સરકારના સમયમાં સતીપ્રથા, બાળવિવાહ, દીકરીના હત્યા જેવા કુરિવાજો બંધ કરાવ્યા, ફૂલે-સાવિત્રીબાઈને કન્યાશિક્ષણમાં મદદ કરી, તે બધું ચોક્કસ પ્રશંસનીય છે. પરંતુ રાણીના ઢંઢેરા પછી તો સામાજિક સુધારા કરવાનું બંધ જ કરી દીધું.

આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે પંડિત સુંદરલાલ, જવાહરલાલ નહેરુ, સાવરકર વગેરેએ ઇતિહાસ લખ્યા, પરંતુ તે પણ એકાંગી કહી શકાય. નહેરુ હિન્દના સમાજને ઉદાર માને છે, પરંતુ વર્ણાશ્રમ પ્રથા, અસ્પૃશ્યતાના કલંકને લક્ષમાં લેતા નથી, હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને પણ નજરઅંદાજ કરે છે. ખાનખાના, અમીર ખુશરો, કબીર, નાનક, અકબર, દારા શિકોહે સમન્વયના પ્રયાસ અવશ્ય કર્યા હતા. ઉપનિષદોના ફારસી અનુવાદ દારા શિકોહે કર્યા હતા પણ હિન્દુઓએ ક્યારે ય કુરાને શરીફને સંસ્કૃતમાં ન ઉતાર્યું! ઔરંગઝેબ અને ૧૮૫૭ના બળવા પછી અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને તીવ્ર બનાવ્યું. નહેરુ હિન્દુઓને ઉદાર માને છે. પરંતુ ખરેખર તો મુસ્લિમ સુલતાનો, બાદશાહો વિજેતા હતા, હિન્દુઓ પરાજિત હતા, તેમ છતાં તેઓએ વિશેષ ઉદારતા બતાવી છે. ઔરંગઝેબે પણ તેના વીસ વર્ષના શાસન પછી જજિયાવેરો નાંખ્યો હતો. તેણે મંદિરો અને મસ્જિદો બે ય તોડ્યાં હતાં. મહાકાલેશ્વર અને કામાખ્યા મંદિરને તેણે દાન આપેલું.

પંડિત સુંદરલાલનો ઇતિહાસ પણ એકાંગી છે. તેમણે તે સમયના નવાબોને અત્યંત ઉદાર અને મહાન ગણાવ્યા છે જ્યારે અંગ્રેજોને કપટી ગણાવ્યા છે. ઉપલા વર્ગો અવશ્ય સુખી, સમૃદ્ધ હતા. પરંતુ ખેડૂત-મજૂર તો ભૂખમરામાં જીવતા હતા. છતાં તે વખતના ભારતને તેમણે અત્યંત સમૃદ્ધ, સુખી ચિતર્યું છે.

સાવરકરે ૧૮૫૭ના બળવાને પ્રજાનો સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે નારાજ સૈનિકો, રાજાઓ અને નવાબોનો બળવો હતો. આમ જનતા તેમાં જોડાઈ નહોતી. અલબત્ત, તેનાં ખરાબ પરિણામ તો પ્રજાએ જ ભોગવવાં પડ્યાં અને અંગ્રેજોએ સંયુક્ત પ્રાંતમાં કેટલા ય નિર્દોષ લોકોને આંબાની ડાળે લટકાવી દીધા હતા.

ઇતિહાસમાંથી આપણે હિન્દુ-મુસ્લિમ સમન્વયના પાઠ શીખવા જોઈએ. સુલતાનકાળથી જ સમન્વય શરૂ થયો હતો. અમીર ખુશરોએ મૃદંગમાંથી તબલાં બનાવ્યાં. કબીર-નાનકે બંને ધર્મને એક જ પરમતત્ત્વની બંદગી જેવા ગણાવ્યા. ખાનખાના અને રસખાને કૃષ્ણભક્તિને પણ અલ્લાહની બંદગી જ માની.

પરંતુ આપણે તો હજાર વર્ષ પછી સોમનાથ મંદિરના ધ્વંસનું વેર લેવા નીકળ્યા અને બાબરી મસ્જિદ શહીદ કરી.

ઈસ્લામધર્મી શાસકોએ ભારત પર છસો વર્ષ રાજ કર્યું. જો તેમણે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હોત તો ભારત અફઘાનિસ્તાન જેવો દેશ હોત. ફક્ત મહમદ તઘલખ ને ઔરંગઝેબે જ હિન્દુઓ પર જજિયાવેરો નાંખ્યો હતો. અકબરે સમન્વયની શરૂઆત કરી હતી. ઔરંગઝેબ પણ પછીથી ધર્માંધ થયો હતો. તેના પછી ફરી પાછા બન્ને ધર્મીઓ વચ્ચે એકતા અને સૌહાર્દ પેદા થયાં હતાં. પરંતુ અંગ્રેજોને બંનેની એકતા જોખમી લાગતાં ભાગલા પાડવાની કૂટનીતિ અપનાવી અને તેમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ સાથ આપ્યો.

ઇતિહાસનું પુનર્લેખન ન થઈ શકે કે તેને ભૂંસી ન શકાય. અલબત્ત, રાજ્યકર્તાઓ તેવા પ્રયત્ન કરે છે. રશિયામાં પહેલાં સ્તાલિન અને હવે લેનિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ હવે રાણા પ્રતાપ હલદીઘાટીનું યુદ્ધ જીતે છે અને શિવાજી હિન્દુ રાષ્ટ્રજનક બને છે.

આપણે ભારતમાં આવેલા વિદેશી આર્યો, હૂણો કે મુસ્લિમોને હવે પાછા મોકલી ન શકીએ. જેવો  છે તેવો ઇતિહાસ સ્વીકારી લેવો જોઈએ. એકતા અને આધુનિક શસ્ત્રોના અભાવથી આપણે હાર્યા હતા, ગુલામ થયા હતા. તેમાં હવે શરમ રાખવાનો અર્થ નથી. હવે મુસ્લિમોને કે અંગ્રેજોને ધિક્કારવાનો અર્થ નથી, ભૂતકાળ ભૂલી જવો જોઈએ.

આપણે આર્યોનું આગમન કહીએ છીએ અને મુસ્લિમોનું આક્રમણ કહીએ છીએ; કેમ કે ઇતિહાસ લખનારા આર્ય છે. વાસ્તવમાં આર્ય પણ આક્રમણકારી હતા અને એમણે દસ્યુ, દાસ, અસુર આદિની જમીનો ખૂંચવી લીધી હતી. હવે તો આર્યો મૂળનિવાસી હતા, તેમ સાબિત કરવાના પ્રયાસ ચાલે છે. પરંતુ જો તેમ જ હોત તો વેદોમાં ઈન્દ્રને દસ્યુઓ, અસુરો સાથે લડતો કેમ બતાવ્યો છે?

મુસ્લિમ સુલતાનોએ ધર્મ માટે નહિ પણ રાજ્યલાલસા માટે રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા. ગઝની અને ગોરી બંનેએ અફઘાનિસ્તાન, ઈરાનના મુસ્લિમ સુલતાનો પર હુમલા કર્યા હતા. ફક્ત સોમનાથ મંદિર તોડવા માટે નહિ, પરંતુ તેને લૂંટવા માટે મહમદ ગઝની આવ્યો હતો. અલબત્ત, આજના કોમવાદી, જ્ઞાતિવાદી રાજકારણીઓની જેમ જ લશ્કરને ઉશ્કેરવા માટે તેણે ધર્મનો ઉપયોગ અવશ્ય કર્યો હતો અને ગાઝીઓને લૂંટની લાલચ પણ આપી હતી.

મહમદ ઘોરીએ પણ રાજ્યવિસ્તારની લાલચથી જ પેશાવર, દિલ્હી અને અજમેરના રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા.

ઘોરી સાથેના પ્રથમ યુદ્ધમાં અજમેરના પૃથ્વીરાજ ચૌહાણે તેને હરાવ્યો હતો, ભગાડ્યો હતો. પરંતુ વર્ષ પછી બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ હારી ગયા ત્યારે ઘોરીએ તેમને અજમેરના ખંડિયા રાજા બનાવ્યા હતા. થોડા સમય પછી રાજદ્રોહના કારણે ઘોરીએ તેમનો વધ કરી તેમના પુત્રને ખંડિયો રાજ બનાવ્યો હતો. એ જ રીતે ઘોરીએ દિલ્હીના તોમરોને હરાવી ખંડિયા રાજા બનાવ્યા હતા. પરંતુ તેના વાઈસરોય ઐબકે બંને રાજ્યો પડાવી લીધાં અને પૃથ્વીરાજના પુત્રને રણથંભોર ખસેડ્યો. આમ ઘોરીનો હેતુ મુસ્લિમ રાજ્ય સ્થાપવાનો નહિ, પરંતુ કેવળ રાજ્યવિસ્તારનો હતો. અલબત્ત, મુસ્લિમ સુલતાનો મુલ્લા મૌલવીને રાજી રાખવા મૂર્તિખંડન-મંદિરધ્વંસ કરતા રહેતા, તે હકીકત છે.

આ પૃથ્વીરાજને આપણે હીરો બનાવી દીધો છે. જે જયચંદે એને સાથ નહોતો આપ્યો, તેનું કનોજ પણ ઐબકે લૂંટ્યું હતું.

રાણા પ્રતાપ ધર્મ માટે કે રાષ્ટ્ર માટે કે હિન્દુ રાષ્ટ્ર માટે લડતા નહોતા. તેમને મેવાડની સ્વતંત્રતા જોઈતી હતી. તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તો અકબરના સેનાપતિ રાજા માનસિંહ હતા.

એ જ રીતે શિવાજી પણ હિન્દુરાષ્ટ્રની સ્થાપના માટે લડતા નહોતા. પરંતુ પોતાને તેમના પિતા અને ભાઈની જેમ બિજાપુરના નવાબની નોકરી કરવી નહોતી, પરંતુ પોતાનું અલગ રજવાડું ખપતું હતું. તેથી ઔરંગઝેબ બાદશાહ સહિત આસપાસના નવાબો સાથે લડવું પડ્યું હતું.

તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તૌ ઔરંગઝેબના લશ્કરમાં હિન્દુ સેનાપતિ હતા. શિવાજીને અફઝલખાનથી એક મુસ્લિમ સરદારે ચેતવીને બચાવ્યા હતા. તેના કહેવાથી શિવાજી વાઘનખ પહેરીને ગયા હતા.

આમ શિવાજીની લડાઈ હિન્દુરાષ્ટ્ર માટે નહિ, પરંતુ પોતાના સ્વતંત્ર રજવાડા માટે હતી. આજના અર્થમાં પૃથ્વીરાજ, પ્રતાપ, શિવાજી કે ટીપુ રાષ્ટ્રવાદી ન ગણાય.

ટીપુ સુલતાન પણ અંગ્રેજો સામે પોતાના રાજ્યની સ્વતંત્રતા માટે લડ્યો હતો. પ્રતાપની જેમ જ એણે કદી શરણાગતિ સ્વીકારી નહોતી. પરંતુ પ્રતાપ હિન્દુ એટલે રાષ્ટ્રીય વીર નેશનલ હીરો ગણાયા પણ ટીપુ નહિ, કેમ કે તે મુસ્લિમ હતો!

શિવાજી તો ઔરંગઝેબ સાથે સુલેહ કરવા આગ્રા ગયા હતા, પરંતુ અપમાન થતાં જેલમાંથી છટક્યા હતા.

હમણાં હમણાં સોશિયલ મીડિયા પર પ્રચાર ચાલે છે કે આઝાદી ગાંધીજીને કારણે નહોતી આવી. પરંતુ અંગ્રેજો ક્રમશઃ આપવાના જ હતા. એટલે તો ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ-૧૯૩૨ બનાવ્યો હતો. બંધારણ પણ આંબેડર નહિ પણ આ ઍક્ટ બનાવનાર અધિકારી રાઉએ બનાવ્યું હતું. એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે.

ભગતસિંહ અને સુભાષ તથા નૌસૈનિકોના બળવાને કારણે અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની રાજકીય-આર્થિક હાલત કથળવાને કારણે એટલીએ સામે ચાલીને આઝાદી આપી હતી, એમ ગાઈબજાવીને કહેવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં ગાંધીજીએ આંદોલનો દ્વારા દેશને લોકશાહી માટે તૈયાર કર્યો હતો. ગાંધીનો દેશ પર પ્રભાવ ન હોત તો બ્રિટિશ સરકાર એમની અને કૉઁગ્રેસ સાથે વાટાઘાટો શા માટે કરત? ભારતીય સેનાને સત્તા સોંપી જઈ શક્યા હોત. આઝાદી પહેલાં યોજાયેલી માર્યાદિત ચૂંટણીમાં કૉઁગ્રેસ જ જીતી હતી, તેથી નહેરુ વડાપ્રધાન થયા.

ગાંધીજીએ સરદારને અન્યાય કરી નહેરુને વડાપ્રધાન બનાવ્યા એવો રાજકીય આક્ષેપ થાય છે. હકીકતમાં નહેરુ-સરદાર ગાંધીજીના બે હાથ જેવા હતા. પરંતુ નહેરુની ઓછી ઉંમર અને લોકપ્રિયતાને કારણે ગાંધીજીએ તેમને વડાપ્રધાન બનાવવા ઈચ્છ્યું. સરદારની ઉંમર વધારે હતી અને તેઓ પક્ષમાં અધિક લોકપ્રિય હતા.

એ જ રીતે ગાંધીજી-નહેરુએ સુભાષને અન્યાય કર્યો તેવો પ્રચાર ચાલી રહ્યો છે. સુભાષે અહિંસાનો માર્ગ છોડી હિંસા-લશ્કરી બળનો આશ્રય લીધો. તેથી છૂટા પડ્યા. વિમાની અકસ્માતમાં શહીદ થયા તો નહેરુ પર આંગળી ચીંધવામાં આવી. એમના અંગેની ખાનગી ફાઈલો માટે ઊહાપોહ મચાવાયો, પરંતુ આખરે ફાઈલોમાંથી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એવું કશુંયે ન મળ્યું!

આમ હિન્દુત્વવાદી પરિબળો સત્તાનશીન થવાથી ભારતનો આખો ઇતિહાસ નવેસરથી લખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. નહેરુ-ઈન્દિરા વખતે લખાયેલ ઇતિહાસને ડાબેરી ઇતિહાસ કહી વખોડવામાં આવી રહ્યો છે. સાચા અને બિનસાંપ્રદાયિક ઇતિહાસને ડાબેરીની છાપ મારવામાં આવે છે અને આર્યો મૂળનિવાસી હતા, રાણા પ્રતાપ, શિવાજી હિન્દુ રાષ્ટ્ર માટે લડ્યા હતા, આઝાદી ક્રાંતિકારી ચળવળો અને સુભાષ થકી મળી એવો નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. રશિયામાં જેમ વિશ્વયુદ્ધમાં વિજય અપાવનાર સ્તાલિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું, એમ ગાંધીજીનું નામ અને વિશેષ તો નહેરુનું નામ ઇતિહાસમાંથી ભૂંસી નાંખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે અત્યંત દુઃખદ અને ઘાતક છે.

આ બધા ઇતિહાસલેખનના કૂટપ્રશ્નો છે.

(આપેલ વક્તવ્યના હોમર્વક પરથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 13-14 તેમ જ 12

Loading

3 October 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—114
દેવને જન્મ સ્ત્રી આપે, પણ દેવની પૂજા ન કરી શકે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved