
રમેશ ઓઝા
કમાલનાં પરિણામો આવ્યાં છે. માત્ર એક વ્યક્તિના અહંકારને ચકનાચૂર કરવા માટે જાણે કે ઈશ્વરની કોઈ યોજના ન હોય! બી.જે.પી. જે મોરચાનો ઘટક છે એ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સહેજે સરકાર રચી શકે એમ છે. સાદી બહુમતી તેને મળી છે. બી.જે.પી.ને ૨૪૦ બેઠકો મળી છે અને લોકસભામાં સૌથી મોટો પક્ષ છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બી.જે.પી.ને લોકસભામાં માત્ર ૧૮૦ બેઠકો મળી હતી. ૧૮૦ની તુલનામાં ૨૪૦ તો ઘણી મોટી સંખ્યા કહેવાય, પણ એ છતાં ય ત્યારે વાજપેયી વિજેતા હતા અને અત્યારે ૨૪૦ બેઠકો જીત્યા પછી પણ નરેન્દ્ર મોદી પરાજીત નેતા છે. વિજય કાઁગ્રેસનો થયો છે. તેની સંખ્યા લગભગ બેવડાઈ છે. કાઁગ્રેસ એક વાસ્તવિકતા તરીકે અને રાહુલ ગાંધી એક વિકલ્પ તરીકે સ્થાપિત થયાં છે. વિજય અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સ્તાલીનનો થયો છે. આ ચૂંટણીમાં શરમજનક પરાજય થયો છે નરેન્દ્ર મોદીનો, અમિત શાહનો અને યોગી આદિત્યનાથનો. તેમની આખલાઉધમ મચાવનારી રાજકીય શૈલીનો.
એક વાત નક્કી છે કે હવે પછી એ માણસ એ માણસ નહીં હોય જે ૩જી જૂન ૨૦૨૪ સુધી જોવા મળતો હતો. ચોથી જૂને પરિણામ આવ્યાં એ પછી પક્ષના કાર્યાલયમાં તેમને બોલતા સાંભળ્યા? તેમનો ચહેરો જોયો? ચહેરા પર ગર્વખંડનની વેદના સ્પષ્ટ નજરે પડતી હતી. ચહેરો વગર આંસુએ રડતો હતો. તેમણે કહેવું પડ્યું હતું કે બિહારમાં નીતીશબાબુના નેતૃત્વમાં એન.ડી.એ.ને વિજય પ્રાપ્ત થયો હતો. બીજાનો યશ આંચકી જનાર મોદીસાહેબને એ માણસને વિજયનો યશ આપવો પડ્યો હતો જે તેમને દીઠ્યો ગમતો નથી. તેમણે તેમનાં ભાષણમાં આંધ્ર પ્રદેશના તેલગુ દેશમ પાર્ટીના નેતા ચન્દ્રાબાબુ નાયડુને વિજયનો શ્રેય આપવો પડ્યો હતો. આનું કારણ એ છે કે આ બે માણસના હાથમાં ટ્રમ્પકાર્ડ છે. જો ત્રીજી વખત વડા પ્રધાન બનવું હોય તો આ બે જણને રાજી કરવા જરૂરી છે. મને આજે રમેશ પારેખની આલા ખાચર સીરીઝની કવિતાઓની યાદ આવે છે. જેમણે ન વાંચી હોય એ વાંચી જાય.
અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નહોતું, પણ આ ત્રણ લોકોને એમ લાગતું હતું કે મૃત્યુપર્યંત કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. કોઈ બહુ પ્રભાવ ધરાવે છે? સતાવો અને નાખો જેલમાં. કોઈ નીડરતાપૂર્વક બોલે છે? કરો સંસદમાંથી બહાર. (રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા) કોઈ પક્ષ રાજકીય શક્તિ ધરાવે છે? કરો તેના પક્ષમાં વિભાજન અને ખરીદો વિધાનસભ્યો અને તોડો સરકાર. અમે કાંઈ પણ કરીએ તમે બોલનાર કોણ? જો બોલ્યા તો ચલાવો બુલડોઝર. ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથે બુલડોઝરનો આતંક મચાવ્યો હતો અને તેમનાં માથાભારે શાસનને નો નોનસેન્સ શાસન તરીકે ઓળખાવીને ગોદી મીડિયા આરતી ઉતારતા હતા. માટે કહેવાનું મન થાય છે કે ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડાથોડા જીતાડ્યા, માત્ર આ ત્રણને પસંદ કરીને પરાજિત કર્યા અને તેમને તેમની જગ્યા બતાવી દીધી.
સત્ય, સંયમ, વિવેક, સભ્યતા, સંસ્કાર, નમ્રતા, મર્યાદા, સાદગી જેવા માનવીય ગુણો નબળાઈનાં લક્ષણો નથી, એકંદરે માનવીમાં હોવી જોઈતી માણસાઈનાં લક્ષણ છે. આટલી પાયાની વાત શાખાઓમાં કોઈએ શીખવી નહીં હોય? ના, નથી શીખવવામાં આવતી. શાખાઓમાં શીખવવામાં આવે છે કે સદ્દગુણ એ નબળાઈ છે. એટલે તો એ લોકો ગાંધીજી માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહે છે. જે નિર્બળ હોય, મજબૂર હોય એ માણસાઈ બતાવે. આજે આટલા આટલા પ્રયત્નો પછી પણ “મજબૂર” ગાંધી મરતો નથી અને માત્ર દસ વરસમાં “બહાદુરો”ની કહેવાતી બહાદુરીનો પારો ઉતરી ગયો. કારણ કે એ બહાદુરી નહોતી, નાગાઈ હતી. માણસાઈનો અભાવ હતો. અમાનવીયતા હતી. બહાદુર હોત તો ચીનનો ચ ઉચાર્યો હોત. ખુલ્લી પત્રકાર પરિષદમાં પ્રેસનો સામનો કર્યો હોત.
આજે દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? બહુમતી નથી એટલે બીજાઓને પૂછવું પડશે, સાંભળવું પડશે, મર્યાદામાં રહેવું પડશે, મર્યાદા પાળવી પડશે, બોલવામાં સંયમ જાળવવો પડશે, આગળ શું બોલ્યા હતા એનું ધ્યાન રાખવું પડશે, રાતોરાત નોટબંધી અને લોકડાઉન જેવા નિર્ણયો નહીં લઈ શકાય, “મોદી મોદી”ની આરતી ઉતારીને નશો કરાવનારાઓ એકએક કરીને ભાગી જશે, ટ્રોલિંગ નહીં કરાવી શકાય, ભાઈબંધ ઉદ્યોગપતિઓની મદદ નહીં કરી શકાય, પ્રજાના પૈસે મોટા તાયફાઓ નહીં યોજી શકાય. ગુમાન ધરાશયી થઈ ગયું છે અને ત્યારે દરેક જણ રોજેરોજ ચોવીસે કલાક એ “સુવર્ણ દિવસો” અને અત્યારના “માઠા દિવસો”ની યાદ અપાવતા રહેશે. મનમાં થાય છે કે આનાથી વધારે મોટી સજા બીજી કઈ હોઈ શકે! શું પરિણામ આવ્યાં છે! નાસ્તિકને પણ ઈશ્વરમાં માનવાનું મન થઈ આવે!
તો દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? એવી તે કેવી સત્તાની લાલચ કે ભલે નીચી મુંડી કરવી પડે, ભલે સિંહમાંથી શિયાળ બનવું પડે, પણ વડા પ્રધાન તો બનવું જ છે. સત્તાની લાલચ તો છે જ. ઐશ્વર્ય માટે એ માણસ ઝૂરે છે. જવાહરલાલ નેહરુ તેમને બહુ સતાવે છે. નેહરુ ત્રણ મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એટલે મોદીસાહેબ પણ ત્રણ વખત વડા પ્રધાન બનીને તેમની પંક્તિમાં બેસવા માગે છે. તેઓ એક વાત ભૂલી જાય છે કે ૧૯૬૨માં નેહરુના નેતૃત્વમાં કાઁગ્રેસનો પરાજય નહોતો થયો. હા, બેઠકો ઘટી હતી. કાઁગ્રેસને લોકસભાની એ સમયની કુલ ૫૦૮ બેઠકોમાંથી ૩૬૧ બેઠકો મળી હતી. ક્યાં ૫૦૮માંથી ૩૬૧ અને ક્યાં ૫૪૩માંથી ૨૪૦! બીજું, કદાચ તેમને એમ લાગતું હશે કે સત્તા નામનું કવચ જતું રહેશે તો કદાચ દુ:શ્મનો સતાવશે. દરેક પાસે કારણ પણ છે, કારણ કે દરેકને સતાવવામાં આવ્યા છે. આ સિવાય રાફેલ, ઇલેક્ટરોલ બોન્ડ્સ, વેક્સીન જેવાં પ્રકરણો પણ છે. અને ત્રીજું કારણ માનસિક છે. નરેન્દ્ર મોદી અને એક સામાન્ય માણસ! લોકસભમાં સામેની બાજુએ બેસે! વળી એ કોઈ ડૉ. મનમોહન સિંહ તો છે નહીં કે સત્તા સિવાય પણ જીવવા માટે બીજાં કારણો હોય અને કરવા માટે બીજી પ્રવૃત્તિ હોય. માટે ભલે સિંહમાંથી શિયાળ થવું પડે, પણ સત્તા તો જોઈએ.
ઘણાં વર્ષો પહેલા ચક્રવર્તી રાજગોપાલાચારીએ મુંબઈમાં સંસ્કાર અથવા સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્રીજા દિવસે એ ત્રણ દિવસના વ્યાખ્યાનનો નીચોડ તેમણે માત્ર એક વાક્યમાં આપ્યો હતો. શું કહ્યું હતું તેમણે માત્ર એક વાક્યમાં? Culture is concern for others. જે પોતા સિવાય બીજાનો પણ વિચાર કરે, બીજાની પણ ચિંતા કરે એ સંસ્કાર.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024