Opinion Magazine
Number of visits: 9446990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વરને પ્રાર્થના કે તુ મારો છેલ્લો પ્રેમ હોય …

વિશાલ શાહ|Opinion - Opinion|15 February 2018

ક્યારેક મહાકાય હિમશીલા પણ પીગળી જાય છે અને મારી સાથે પણ એવું જ થયું છે. મેં મારી જાતને ક્યારની ય મારા પહેલા પ્રેમ, મારા દેશ, સમક્ષ ગિરવે મૂકી દીધી છે. મારે ફરી તેની પાસે જવાનું છે. હું નથી જાણતો કે ત્યાં મારું શું થશે. કદાચ બાકીનું જીવન મારે જેલમાં વીતાવવું પડે, કદાચ મને ગોળી મારવામાં આવે કે ફાંસીએ લટકાવી દેવાય. પરંતુ જે કંઈ થાય, હું તને યાદ કરતો રહીશ અને તારા મારા પ્રત્યેના પ્રેમ માટે મૌન રહીને કૃતજ્ઞતા વ્યક્ત કરતો રહીશ. કદાચ હવે હું તને ક્યારે ય મળી નહીં શકું. તને ક્યારે ય પત્ર ના લખી શકું એવું પણ બની શકે. પરંતુ વિશ્વાસ રાખજે, તુ હંમેશાં મારા હૃદયમાં, મારા વિચારોમાં અને મારાં સ્વપ્નોમાં હોઈશ. જો આ જન્મમાં વિધાતા આપણને છૂટા પાડશે, તો હું તારા માટે આવતા જન્મ સુધી રાહ જોઈશ …''

આ લેખ સાથે નેતાજીની તસવીર ના હોય તો અંદાજ પણ ના આવે કે, આ પ્રેમભરી અભિવ્યક્તિ એ ક્રાંતિકારી નેતાજીએ કરી હતી જેણે આઝાદ હિંદ ફૌજના સૈનિકોને લલકાર કર્યો હતો કે, 'તુમ મુઝે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા'. ભારતને આઝાદ થવાની એકાદ દાયકાની વાર હતી, ત્યારે માર્ચ ૧૯૩૬માં, સુભાષચંદ્ર બોઝે એક પ્રેમપત્રમાં એમિલી શેન્ક(Emilie Schenkl)ને આ વાત કહી હતી.

૧૯૩૬માં સુભાષબાબુ અને એમિલી શેન્ક ઓસ્ટ્રિયાના બડ ગેસ્ટાઇ શહેરમાં અને બાજુમાં એમિલી 

એમિલીને લખેલા પત્રોમાં નેતાજીના વ્યક્તિત્વનું સૌથી ઓછું જાણીતું પાસું ઉજાગર થાય છે. આ પત્રો પર નજર કરતા જણાય છે કે, નેતાજી જેવા બાહોશ, કરિશ્માઈ, ક્રાંતિકારી અને આક્રમક નેતામાં એક અતિ સંવેદનશીલ પ્રેમી પણ સમાંતરે જીવ્યો હતો. આ પત્ર લખ્યો ત્યારે નેતાજી યુરોપ છોડીને ભારત જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ભારતમાં જેલવાસ કે મોતની સજાની શક્યતાથી નહીં પણ એમિલીથી છૂટા પડવાના હોવાથી વ્યથિત હતા.

એ પત્રમાં નેતાજી આગળ લખે છે કે, ''… ક્યારે ય વિચાર્યું સુદ્ધાં નહોતું કે, હું એક સ્ત્રીના પ્રેમમાં સંમોહિત થઈ શકું છું. અનેક સ્ત્રીઓએ મને ચાહવાની કોશિષ કરી છે પણ મેં એ તરફ જોયું સુદ્ધાં નથી. પરંતુ નોટી વુમન, તેં મને જીતી લીધો … શું આ પ્રકારનો પ્રેમ ઉપયોગી છે? આપણે બંને જુદી જુદી ધરતી સાથે જોડાયેલાં છીએ, આપણામાં શું કોમન છે? મારો દેશ, મારા લોકો, મારી પરંપરાઓ, મારી આદતો-રીતરિવાજો, મારું વાતાવરણ – એ બધું જ તારા દેશ કરતાં અલગ છે, પરંતુ આપણા દેશને જુદા પાડતી એ તમામ બાબતો હું એક ક્ષણ માટે ભૂલી જાઉં છું. તારામાં રહેલાં સ્ત્રીત્વ અને તારા આત્માને હું ચાહું છું …''

***

રસપ્રદ વાત એ છે કે, એમિલીને આ રોમેન્ટિક પત્રો લખાયા એ જ ગાળામાં નેતાજીનો વૈશ્વિક નેતાઓ, ભારતસ્થિત અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજો વિરુદ્ધ જંગે ચડેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે પણ પત્રવ્યવહાર ચાલુ હતો. આ પત્રોના વિષય એમિલીને લખાયેલા પત્રોથી બિલકુલ જુદા હતા. એ પત્રોમાં દેશદાઝ અને ક્રાંતિની વાત હતી, જ્યારે એમિલીને લખાયેલા પત્રોમાં પ્રેમની ઊંડી-કોમળ અભિવ્યક્તિ હતી. ક્રાંતિ અને પ્રેમ વચ્ચે સંતુલન સાધવામાં નેતાજીએ અનેક તબક્કે ભારે પીડા ભોગવી હશે એવો પણ આ પત્રોમાં સંકેત મળે છે.

એમિલી પ્રત્યે ઉત્કટ પ્રેમ વ્યક્ત કરતા એક પત્રમાં નેતાજીએ લખ્યું છે કે, ‘'… એક પણ દિવસ તારો વિચાર કર્યા વિના પસાર થતો નથી. તુ હંમેશાં મારી સાથે હોય છે. કદાચ વિશ્વની બીજી કોઇ વ્યક્તિ વિશે હું આટલું વિચારી શકતો નથી. આટલા મહિનાઓ સુધી મેં કેટલી એકલતા અને દુઃખ અનુભવ્યું છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. બસ એક જ વાતનું મને સુખ છે, પરંતુ મને નથી ખબર કે શું એ શક્ય છે? જો કે, એ વિશે હું દિવસ રાત વિચારું છું અને ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, મને સાચો માર્ગ સૂઝાડજે…’'

અૉલ ઇન્ડિયા રેડિયોની આર્કાઇવ્ઝમાં સચવાયેલી નેતાજીએ હિંદીમાં આપેલાં ભાષણની ક્લિપ

https://www.youtube.com/watch?v=C6MJdQ_5iZQ&feature=youtu.be

નેતાજી સુભાષબાબુએ અંગ્રેજીમાં આપેલાં એક ભાષણની દુર્લભ ક્લિપ

https://www.youtube.com/watch?v=uhhjxSONbLI&feature=youtu.be

૧૯૩૭માં લખાયેલા આ પત્રમાં નેતાજી એમિલીને શું શક્ય હોવાનું કહી રહ્યા હશે! એવું કહેવાય છે કે, તેઓ એમિલી સાથે વધુ સમય વીતાવવા કે કાયમી ધોરણે સાથે રહેવા માંગતા હતા. આ પત્ર લખાયો ત્યારે નેતાજી ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં વ્યસ્ત હતા અને ૧૯૩૮ના વર્ષ માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાઇ ગયા હતા.

આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને તેઓ નવેમ્બર ૧૯૩૭માં એમિલીને મળવા ઓસ્ટ્રિયાના બડ ગેસ્ટાઇન ગયા હતા. બડ ગેસ્ટાઇનમાં જ તેમણે 'એન ઇન્ડિયન પિલગ્રિમ' નામે આત્મકથા લખવાનું શરૂ કર્યું હતું, જેના તેઓ ફક્ત નવ પ્રકરણ લખી શક્યા. આ અધૂરી આત્મકથામાંથી પસાર થતી વખતે માલુમ પડે છે કે, એમિલીને મળ્યા પછી નેતાજીના હૃદયમાં ક્રાંતિની ચિનગારીની સાથે ફૂલ જેવી કોમળતા પણ પ્રગટી ચૂકી હતી. ભારતના લાખો યુવાનોની છાતીમાં પ્રગટેલી ક્રાંતિની ચિનગારીને હવા આપનારા નેતાજીએ 'માય ફેઇથ (ફિલોસોફિકલ)' નામના પ્રકરણમાં 'પ્રેમ'ની વાત છેડી છે.

વાંચો તેમના જ શબ્દોમાં : ‘'… મારા માટે કુદરતનું સૌથી જરૂરી તત્ત્વ પ્રેમ છે. પ્રેમ એ બ્રહ્માંડનું મૂળ તત્ત્વ છે અને માનવ જીવનનો પણ અત્યંત જરૂરી સિદ્ધાંત છે … હું મારી આસપાસ પ્રેમને જોઇ શકું છું. મને અંદરથી આ બાબતનું ભાન થઈ રહ્યું છે. હું અનુભવી રહ્યો છું કે, મારે મારી જાતને પૂર્ણ કરવા પ્રેમ કરવો જોઈએ. જીવનનું નિર્માણ કરવા મૂળભૂત તત્ત્વ તરીકે મારે પ્રેમની જરૂર છે …''

***

નેતાજી અને એમિલીની પહેલી મુલાકાત પણ રસપ્રદ રહી હતી. જૂન ૧૯૩૪ના બીજા અઠવાડિયામાં નેતાજી જર્મનીમાં વિયેના(અત્યારે ઓસ્ટ્રિયાની રાજધાની)ના પ્રવાસે હતા. તેઓ રાજકીય કારણસર લાંબો સમય ત્યાં જ રહેવાના હતા. વિયેનામાં સુભાષબાબુએ વિશઆર્ટ નામની પ્રકાશન કંપની સાથે ભારતની આઝાદીના આંદોલનને લગતું 'ધ ઇન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ લખાણોના સુવ્યવસ્થિત ટાઇપિંગ, એડિટિંગ અને પ્રૂફ માટે નેતાજી ક્લેરિકલ કામમાં નિપૂણ વ્યક્તિ શોધી રહ્યા હતા.

સુભાષબાબુએ તેમના વિદેશસ્થિત સંપર્કોના આધારે ૨૪મી જૂન, ૧૯૩૪ના રોજ એક યુવતીને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. એ યુવતી એટલે એમિલી. એ વખતે એમિલીની ઉંમર હતી, માંડ ૨૩ વર્ષ. ઓસ્ટ્રિયન કેથોલિક પરિવારમાં જન્મેલી એમિલીને અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી, ટાઇપિંગ સ્પિડ સારી હતી અને શોર્ટ હેન્ડ પણ જાણતી હતી. એ વખતે યુદ્ધોનાં કારણે મહામંદીનો દોર હતો અને નોકરીઓ મળતી નહોતી. એટલે એમિલી નેતાજીના ક્લાર્ક તરીકે જોડાઈ ગઈ.

૨૪મી જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ એમિલી સાથે લગ્ન કરી બડ ગેસ્ટાઇનથી ભારત પરત ફરેલા નેતાજી

શરૂઆતમાં તો એમિલીના માતાપિતાને ખચકાટ થયો કે, એમિલી એક અજાણ્યા ભારતીય પુરુષ સાથે કામ ના કરે તો સારું, પરંતુ થોડા જ સમયમાં એમિલીના માતા-પિતા અને બહેન પણ નેતાજીના ખૂબ સારાં મિત્ર બની ગયાં. એમિલી સુભાષબાબુથી ઉંમરમાં નાની હતી અને તેઓ શું હસ્તી છે એ વિશે શરૂઆતમાં ઝાઝું સમજતી નહોતી. એમિલીનો નેતાજી સાથેનો સંવાદ 'સીધી બાત' જેવો રહેતો, જેથી નેતાજી એમિલીને 'બાઘિની' (વાઘણ) કહેતા. સુભાષબાબુ અને એમિલીએ ૧૯૩૪થી ૧૯૩૬ વચ્ચે ઘણો બધો સમય સાથે વીતાવ્યો અને એ ગાળામાં જ તેઓ નજીક આવ્યા.

છેવટે ૨૬મી ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ૪૦ વર્ષના સુભાષબાબુ (૨૩ જાન્યુઆરી, ૧૮૯૭) અને ૨૭ વર્ષની એમિલી શેન્કે (૨૬ ડિસેમ્બર, ૧૯૧૦) બડ ગેસ્ટાઇનમાં હિંદુ વિધિથી ગુપ્ત લગ્ન કરી લીધા હતા. આ લગ્ન ગુપ્ત રાખવાનું કારણ બિનજરૂરી ઊહાપોહ ટાળવાનું હતું.

***

નેતાજીએ લગ્ન પછી, ચોથી જાન્યુઆરી ૧૯૩૯ના રોજ, એક પત્રમાં એમિલીને લખ્યું છે કે, ‘'… એક રીતે જોઉં તો, હું ફરી પ્રમુખ ના બનું એ જ સારું છે. એવું થાય તો મને થોડી મુક્તિ મળે અને મારી જાત માટે થોડો વધુ સમય ફાળવી શકું … અને તું કેમ છે, મારી વ્હાલી? હું દિવસ અને રાત તારા વિશે વિચારું છું …'' આ છેલ્લી બે લીટી સુભાષબાબુએ જર્મનમાં લખી હતી. આ તેમની આદત હતી. એમિલીની માતૃભાષા જર્મન હોવાથી ક્યારેક તેઓ રમતિયાળ અભિવ્યક્તિ જર્મનમાં કરતા હશે!

એમિલીને આ પત્ર લખાયો ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હાઇ કમાન્ડ ગણાતા ગાંધીજી અને સરદાર પટેલ સાથે નેતાજીના મતભેદો ચરમસીમાએ હતા. આમ છતાં, નેતાજીએ ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ બનવા પ્રચાર શરૂ કર્યો અને સરદાર પટેલ ખૂબ ગુસ્સે ભરાયા. સરદાર પટેલે નેતાજીને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘'… જો તમે બીજી વાર ચૂંટાઈ ગયા તો પણ તમારી બધી જ નીતિઓની ચકાસણી કરાશે અને જરૂર પડ્યે કાર્યકારી સમિતિમાં વિટોનો પણ ઉપયોગ થશે …'' એ સમિતિમાં મોટા ભાગના સભ્યો ગાંધીજી અને સરદાર પટેલના વફાદારો હતા.

નેતાજી ત્રિપુરા કોંગ્રેસમાં આવ્યા ત્યારે

આ પ્રકારના રાજકીય માહોલમાં ૧૯૩૯માં ત્રિપુરામાં કોંગ્રેસની વાર્ષિક બેઠક યોજાઈ, જેમાં નેતાજીએ ભારે માંદગી વચ્ચે પણ હાજરી આપી અને ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને બીજી વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પછી ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુએ નેતાજીને એકલા પાડી દીધા. બિમાર નેતાજીના ખબરઅંતર પૂછવા સુદ્ધાં કોઇ જતું ન હતું. છેવટે નેતાજીએ એ જ વર્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ફોરવર્ડ બ્લોકની રચના કરી.

નેતાજીએ ૧૯૩૪થી ૧૯૪૨ના ગાળામાં ભારે રાજકીય ઉથલપાથલો વચ્ચે, અંગ્રેજોની નજરકેદમાંથી અને માંદગીના બિછાનેથી એમિલીને અનેક પત્રો લખ્યા હતા, જેમાંના ૧૬૫ ઉપલબ્ધ છે. આ તમામ પત્રો ભારતસ્થિત અંગ્રેજ પોલીસ અધિકારીઓ દ્વારા સેન્સર કરાતા. અંગ્રેજ શાસને નેતાજીના અનેક પત્રો એમિલી સુધી પહોંચવા ના દીધા હોય એવી પૂરી શક્યતા છે. નેતાજીએ એમિલીને લખેલા ૧૬૫ પત્રમાં ઓસ્ટ્રિયાના રાજકારણ, પુસ્તકો, સંગીત, બુડાપેસ્ટ અને પ્રાગ જેવા શહેરોના મિજાજ, વિયેનાના કાફેમાં કરેલા જોક્સ, અધ્યાત્મિકતા અને એકબીજાંની તબિયત જેવા અનેક વિષયો પર ચર્ચા કરી છે.

અહીં બીજી પણ એક વાત નોંધવી જોઈએ. અંગ્રેજ શાસન માટે માથાનો દુઃખાવો બની ચૂકેલા નેતાજીને બદનામ કરવા બ્રિટિશ અધિકારીઓએ આ પત્રોનો ક્યારે ય ઉપયોગ નહોતો કર્યો.

***

વર્ષ ૧૯૯૪માં પ્રકાશિત 'લેટર્સ ટુ એમિલી શેન્ક'માં આ બધા પત્રો સમાવાયા છે. આ પત્રોનું એડિટિંગ સુભાષબાબુના મોટા ભાઈ સરતચંદ્ર બોઝના પુત્ર સિસિરકુમાર બોઝ અને સુગતા બોઝે (સિસિરકુમાર બોઝના પુત્ર) કર્યું છે. સુભાષબાબુએ જર્મનીમાં ગુપ્ત લગ્ન કર્યા હતા એ વાતની સૌથી પહેલી જાણકારી સરતચંદ્રને નહેરુ અને સરદાર પટેલે આપી હતી.

આ પુસ્તકમાં બધા પત્રો સમાવાયા છે

વાત એમ હતી કે, એમિલી શેન્કે ૧૨મી માર્ચ, ૧૯૪૬ના રોજ સરતચંદ્ર બોઝને એક પત્ર લખીને સુભાષબાબુ સાથેના પોતાના સંબંધની વાત કરી. એ પત્રનો સરતચંદ્ર તરફથી કોઈ જવાબ ના આવ્યો. એટલે એમિલીએ ૧૫મી મે અને પહેલી ઓગસ્ટ, ૧૯૪૬ના રોજ સરતચંદ્રને ફરી એકવાર એ પત્રની નકલો મોકલી. જો કે, આ પત્રો સરતચંદ્રને મળતા જ ન હતા.

આ દરમિયાન વિયેનામાં રહેતા મૂળ ભારતીય ડૉ. અકમાતને ખબર પડી કે, એમિલી શેન્ક સુભાષબાબુના સ્વજનોનો સંપર્ક કરવા માંગે છે. એટલે ડૉ. અકમાતે પોતાના સંપર્કો થકી નહેરુ અને સરદાર પટેલને બધી જ વિગતો પહોંચાડી દીધી. છેવટે ૧૧મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ નહેરુએ અને ૧૩મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદાર પટેલે સરતચંદ્ર બોઝને ડૉ. અકમાતનો સંદેશ પહોંચાડ્યો. 

જો કે, એમિલી શેન્ક ક્યારે ય ભારત ના આવ્યાં, પરંતુ માર્ચ ૧૯૯૬માં જીવનના અંત સુધી સુભાષબાબુના સ્વજનો સાથે ગાઢ સંપર્કમાં રહ્યાં. સુભાષબાબુની પુત્રી અનિતા આજે ય બોઝ પરિવારનો અભિન્ન હિસ્સો છે.

***

નેતાજીએ એક પત્રમાં એમિલીને લખ્યું હતું કે, ''તું પહેલી સ્ત્રી છે જેને મેં પ્રેમ કર્યો છે. ઇશ્વરને પ્રાર્થના કે, મારી વ્હાલી, તું મારો છેલ્લો પ્રેમ હોય … ''

૧૮મી ઓગસ્ટ, ૧૯૪૫ની સાંજે એમિલી શેન્ક ઊનનું ગૂંથણકામ કરતાં કરતાં રેડિયો સાંભળતાં હતાં. ત્યારે અચાનક જ તેમના કાને શબ્દો અફળાયા કે, અંગ્રેજ શાસનના દુશ્મન સુભાષચંદ્ર બોઝનું તાઇપેઇમાં એક વિમાન અકસ્માતમાં અવસાન થયું છે …

સરતચંદ્ર બોઝના પરિવાર સાથે એમિલી શેન્ક (પાછળ ડાબે) અને બાજુની તસવીરમાં એમિલી સાથે નાનકડી અનિતા

સદ્નસીબે એ ક્ષણે એમિલીની સાથે તેમનાં માતા અને બહેન પણ હતાં. એ વખતે એમિલીના રૂંવે રૂંવે દિગ્મૂઢ ખામોશી વ્યાપી ગઈ. છતાં તેઓ ઊભાં થઈને બેડરૂમમાં ગયાં, જ્યાં ત્રણ વર્ષની અનિતા ગાઢ નિદ્રામાં હતી. આ ઘટનાનાં વર્ષો પછી એમિલી શેન્કે એ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે, ''… પછી મેં અનિતાની બાજુમાં સૂઈને હૈયાફાટ રૂદન કર્યું …''

કદાચ ઇશ્વરે સુભાષબાબુની પ્રાર્થના મંજૂર કરી લીધી હતી.

xxx

કેટલીક જરૂરી નોંધઃ-

* સુભાષબાબુના મૃ્ત્યુના સમાચાર મળ્યાના થોડા જ સમયમાં ‘નેતાજી જીવે છે અને ક્યાંક ગુપ્ત જીવન વીતાવી રહ્યા છે’ એ હકીકત અથવા અફવાએ જોર પકડ્યું. એટલે એમિલી શેન્કે કોઈ જ પુરાવા વિના નેતાજીનું મૃત્યુ થયું હોવાની વાત માનવાનો અસ્વીકાર કર્યો. એ દિવસો તેમના માટે ખૂબ જ પીડાદાયી હતા. બાદમાં તેમણે

* સરતચંદ્ર બોઝના પુત્ર અમિયાનાથ બોઝના પુત્રી માધુરી બોઝે કેટલાક લેખો, ઇન્ટરવ્યૂ, અને ‘ધ બોઝ બ્રધર્સ એન્ડ ધ ઇન્ડિપેન્ડન્સઃ એન ઇનસાઇડર એકાઉન્ટ’ પુસ્તકમાં દાવો કર્યો છે કે, નહેરુ અને સરદાર પટેલે ડૉ. અકમાતનો સંદેશ સરતચંદ્ર બોઝને પહોંચાડ્યો હતો એ વાત ખરી, પરંતુ તેમણે એવું ના કહ્યું કે, સુભાષબાબુએ જર્મનીમાં કાયદેસરના લગ્ન કર્યા હતા અને તેઓ એક બાળકીના પિતા પણ છે. ઊલટાનું નહેરુ અને સરદાર પટેલે સરતચંદ્રને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, બ્રિટિશરોની નજર કેદમાંથી છટકી જઈને નેતાજી જર્મનીમાં એક મહિલા સાથે જીવન વીતાવી રહ્યા છે અને તેમને એક ‘લવ ચાઇલ્ડ’ (ગેરકાયદે સંતાન) પણ છે. તેઓ આડકતરી નેતાજીને એક ‘લંપટ સ્ત્રીઘેલો’ પુરુષ સાબિત કરવા માંગતા હતા. એક એવો પુરુષ જેણે એક વિદેશી સ્ત્રીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.

* માનવાધિકાર ચળવળ સાથે સંકળાયેલા માધુરી બોઝ ઘણાં વર્ષો સુધી એમિલી શેન્ક સાથે રહ્યાં છે.

* નહેરુ અને સરદાર પટેલે સરતચંદ્રને જે રીતે ડૉ. અકમાતનો સંદેશ આપ્યો, એ સાંભળીને સરતચંદ્ર ખૂબ ગુસ્સે થયા હતા. જો કે, બંગાળના સુશિક્ષિત અને ખુલ્લા વિચારો ધરાવતા સમગ્ર પરિવારે એમિલી શેન્ક અને અનિતા બોઝને ઉષ્માપૂર્વક સ્વીકારી લીધાં હતાં. 

* રાજકારણ એ ‘રાજકારણ’ જ હોય છે. રાજકારણ કે ઇતિહાસનું મૂલ્યાંકન ફક્ત સત્યની તર્જ પર થવું જોઈએ. ઇતિહાસમાંથી બોધ લેવાનો એ જ સર્વોત્તમ રસ્તો છે. મહાન નેતાઓ પણ માનવીસહજ નબળાઈઓમાંથી બાકાત ના હોઈ શકે. આપણે સરદારને અન્યાયની વાત કરીએ છીએ એ વાત ખરી, પણ સુભાષબાબુને પણ અનેક તબક્કે ભારોભાર અન્યાય થયો હતો એ વાત વિગતે ફરી ક્યારેક.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/02/blog-post_14.html

Loading

15 February 2018 admin
← પાકિસ્તાની હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ અસ્મા જહાંગીર એકલાં પણ અમર વીરાંગના હતાં
આદિવાસી સમાજના યોદ્ધા ‘લાલ શ્યામ શાહ’ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved