
હેમન્તકુમાર શાહ
ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી ૧૫નાં મોત થયાં અને બીજા ઘણા બીમાર પડ્યા. આ ઘટનાના સંદર્ભમાં મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભગવાધારી ઉમા ભારતીએ એક નિવેદન કર્યું છે. તેમના નિવેદનમાં જે વાક્યો છે તે આજના ‘ગુજરાત સમાચાર’ અખબાર અનુસાર આ મુજબ છે :
“(૧) નિર્દોષોનો ભોગ લેનારાઓએ પ્રાયશ્ચિત્ત કરવું પડશે.
“(૨) પીડિતોની માફી માગવી પડશે.
“(૩) જે દોષિત છે તેમને સજા કરવી પડશે.
“(૪) આ પાપનું ઘોર પ્રાયશ્ચિત્ત કરવું પડશે.”
ઉમા ભારતીની ભાષા અહીં બહુ મહત્ત્વની છે. ત્રીજો મુદ્દો શાસન વ્યવસ્થાનો કહેવાય અને બાકીના ત્રણ મુદ્દા ફાલતુ ધાર્મિક અને પ્રાચીન અને સડેલા કહેવાય. આ મુદ્દા સમજીએ :
(૧) જે દોષિત હોય તેને સજા કરે કોણ? સરકાર. પણ જો અધિકારીઓ કે કર્મચારીઓની બદલી કે સસ્પેન્શન એને જ સજા માની લેવામાં આવે તો તે ગંભીર ભૂલ છે. એટલી સજાથી કોઈને કોઈ સજા ખરેખર થતી જ નથી. મોટે ભાગે કોઈ સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેમનો અમુક ટકા પગાર તો ચાલુ જ રહે છે. નોકરીમાંથી બરતરફી પણ ઓછી સજા કહેવાય કારણ કે તેનાથી ગુનેગારને આર્થિક ફટકો પડે, એ સિવાય કશું નહીં. સવાલ કડક અને દાખલો બેસાડે તેવી સજાનો છે પણ એવું કશું આવા કિસ્સાઓમાં ભાગ્યે જ થાય છે. આ એક વરવી હકીકત છે અને એનો સુશાસનના સંદર્ભમાં ઉકેલ લાવવાની તાતી જરૂર છે.
(૨) “પાપ” શબ્દ ધાર્મિક છે. ભગવાધારી ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને એટલી ખબર હોવી જોઈએ કે દેશના કોઈ પણ ફોજદારી કાયદામાં ‘પાપ’ શબ્દ વાપરવામાં આવતો જ નથી. શબ્દ ‘ગુનો’ છે કે જેને માટે રાજ્ય સજા કરે છે. જો તમે ‘પાપ’ શબ્દ વાપરો તો સજા સરકારે કરવાની ન થાય, એ તો ભગવાન કરે. અને ભગવાન દેખાતો હોય તો સજા કરે ને! અને ભગવાનની એવી કોઈ સજાની લોકોને તો ખબર પડતી જ નથી. ‘પાપ’ શબ્દ સરકારનો શબ્દ નથી, એને બદલે ગેરવહીવટ કે કુશાસન યોગ્ય શબ્દ ગણાય.
(૩) ઉમા ભારતીએ બીજો એક શબ્દ વાપર્યો છે અને તે છે “પ્રાયશ્ચિત્ત”. એ કોણે કરવાનું? કેટલું કરવાનું? એનો કોઈ માપદંડ છે જ નહીં. અને કોઈ ગુનેગાર જાતે જાતે જે પ્રાયશ્ચિત્ત કરે તો તેનાથી વાત પતી જાય એમ? એનો અર્થ એવો પણ થાય કે ગુનેગારો જાતે પ્રાયશ્ચિત્ત કરી લે એટલે રાજ્ય સજા પણ ન કરે. અરે, તો રાજ્ય છે શું કરવા, કાયદા છે શું કરવા?
(૪) ઉમા ભારતીએ અસરગ્રસ્તોની “માફી માગવી જોઈએ” એમ પણ કહ્યું છે. કોણ માફી માગે, કેવી રીતે માફી માગે, ક્યારે માગે? અને અસરગ્રસ્તો માફ ન કરે તો શું? માફી માગવાથી ગુનેગારો છૂટી જાય એમ ચાલે? માફી એ પૂરતી સજા ગણાય?
ભગવાન કોઈ દોષિતને કશી સજા કરતો નથી એમ માણસને સમજાયું એટલે તો એણે રાજ્યની રચના કરી, કાયદા ઘડ્યા અને કાયદામાં દોષિતોને સજા થાય તેની વ્યવસ્થા કરી.
પાપ, માફી, પ્રાયશ્ચિત્ત વગેરે ધાર્મિક શબ્દોને સરકાર સાથે કશી લેવાદેવા નથી, અને છતાં ઉમા ભારતી આવા શબ્દો વાપરીને લોકોને ઉઘાડેછોગ છેતરે છે. રાજવ્યવસ્થાના સંદર્ભમાં આવા બધા શબ્દો ગેરબંધારણીય છે.
આપણા બંધારણમાં પણ ‘પાપ’ શબ્દ ક્યાં ય વાપરવામાં આવ્યો નથી. એટલે આવી ધર્માંધતામાં ફસાવું જોઈએ નહીં. આવું બધું કહીને ઉમા ભારતીએ જ મોટું પાપ કર્યું છે, અને એની સજા ભગવાન તો એમને આપવાનો જ નથી!
તા.૦૩-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

