Opinion Magazine
Number of visits: 9449307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વાત, એ આપણી પણ વાત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 November 2016

‘આ અક્ષય મુકુલ વિશે વધારે ક્યાં વાંચવા મળે? મારે તો એમને અભિનંદન આપવા છે. નરેન્દ્ર મોદી જેવા સરમુખત્યાર માણસ પાસેથી એમણે પુરસ્કાર લેવાની ના પાડી, એના માટે એમને શાબાશી આપવી જોઈએ.’ સંપાદન-પ્રકાશનમાં સિત્તેરેક વર્ષથી અસાધારણ કર્તૃત્વ બતાવનાર મહેન્દ્ર મેઘાણી ભાવનગરથી ફોન પર વાત કરી રહ્યા હતા. ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના વરિષ્ઠ પત્રકાર અક્ષયને ‘ગીતા પ્રેસ ઍન્ડ મેઇકિંગ ઑફ હિન્દુ ઇન્ડિયા’ નામના સંશોધનગ્રંથ માટે પુરસ્કાર જાહેર થયો હતો. તેની વાત આગળ ચાલતાં મહેન્દ્રભાઈને પૂછ્યું, ‘આ એન.ડી.ટી.વી. ઇન્ડિયા પરના પ્રતિબંધનું સાંભળ્યુંને?’ એટલે કહે, ‘આ બધું તો કટોકટી જેવું છે. આવું કઈ રીતે ચાલે? આ લોકશાહી નથી …. મને બહુ ઉકળાટ થતો હતો, એટલે મેં આ ફોન કર્યો!’

ચોરાણું વર્ષના લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્રભાઈને અભિવ્યક્તિ – સ્વાતંત્ર્યના મૂલ્ય પરની તરાપથી જે અજંપો થયો એ આપણા મોટા ભાગના અક્ષરસેવીઓને થયો નથી. નાગરિક-અધિકારના મૂલ્ય ખાતર એ સરકારી દમન વેઠી ચૂક્યા છે. એ ‘મિલાપ’ નામનું એક સંકલન સામયિક બહાર પાડતા હતા. પહેલા પ્રજાસત્તાક દિને શરૂ થયેલા આ માસિકનો હેતુ હતો : ‘ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું.’ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ ખાસ કોઈ કારણ’  વિના બંધ થયું. ૨૬ જૂન ૧૯૯૭ના રોજ કટોકટી લદાઈ ત્યારે ‘મિલાપ’ તેના સક્રિય વિરુદ્ધમાં ન હતું, પણ સંપાદકે તેના એક વર્ષ પછીના અંકમાં જયપ્રકાશ નારાયણનું કટોકટી વિરોધી લખાણ છાપ્યું, તેને પરિણામે તેની પર તવાઈ આવી. તંત્રી પર ખટલો ચાલ્યો, પ્રેસ અને અંકો પર જપ્તી આવી, નવ મહિના સુધી અંકો ન આપી શકાયા. ‘નિરીક્ષક’, ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ વિચારપત્રોને પણ દમન વેઠવું પડ્યું. વિચાર-વાણી-અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પરના અધિકારની સામે ગુજરાતના બૌદ્ધિકો-કર્મશીલો- સાહિત્યકારોનો એક વર્ગ લડ્યો હતો. તેમાંના સહુથી વરિષ્ઠ એવા એક હયાત લડવૈયા તે મહેન્દ્ર મેઘાણી. અલબત્ત, કટોકટીના વિરોધ કરતાં ય વધુ પ્રમાણમાં અને તીવ્રતાથી મહેન્દ્રભાઈએ કોમવાદી અને ફાસીવાદી વલણોનો વિરોધ, ખાસ કરીને ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણો પછી કર્યો હતો. એન.ડી.ટી.વી. પરના પ્રતિબંધ પ્રકરણમાં તેમનાં ઉદ્વેગ અને નિસબત એ આપણા સહુનાં પણ છે.

એન.ડી.ટી.વી. ઇન્ડિયા-હિન્દી ચૅનલે જાન્યુઆરીમાં પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાના કરેલા કવરેજને દેશની સલામતીની દૃષ્ટિએ જોખમકારક ગણીને કેન્દ્ર સરકારે આ ચૅનલ પર નવમી નવેમ્બરના એક દિવસ માટે પ્રતિબંધ લાદ્યો. આ નિર્ણય સામે દેશભરમાંથી વિરોધ થતાં સરકારે તેને મોકૂફ રાખવો પડ્યો. પ્રતિબંધના વિરોધમાં પાંચમી તારીખના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પહેલો તંત્રીલેખ, તેની બાજુનો પ્રતાપ ભાનુ મહેતાનો મુખ્ય લેખ અને ઍક્સપ્રેસનાં રામનાથ ગોએન્કા ઍક્સલેન્સ ઍવોર્ડસ ટાણે તેના મુખ્ય સંપાદક રાજકમલ ઝાએ કરેલું આભાર વક્તવ્ય ખૂબ મહત્ત્વના છે. તે ત્રણેય અહીં ગુજરાતીમાં મૂક્યા છે.                              

નોંધ અને અનુવાદ  : સંજય શ્રીપાદ ભાવે

*       *       *

કેન્દ્રસરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ એન.ડી.ટી.વી. ઇન્ડિયા પર પઠાણકોટ ઍરબેસ પર જાન્યુઆરીમાં થયેલા આતંકવાદી હુમલાના કવરેજ માટે જે એક દિવસનો પ્રતિબંધ મૂક્યો છે, તે ચોંકાવી નાખે તેટલો અવિવેકપૂર્ણ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એ નાગરિકનું બંધારણરક્ષિત સ્વાતંત્ર્ય છે અને માધ્યમસ્વાતંત્ર્ય એનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. આ એક જ પગલાથી એન.ડી.એ. સરકારને માથે અભિવ્યક્તિસ્વાતંત્ર્યના વિરોધક અને ખલનાયકની હરોળમાં મૂકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આપણો દેશ વાઇબ્રન્ટ લોકશાહીનો દાવો કરે છે અને એના ઉત્તમ રૂપમાં એ લોકશાહી એવી છે પણ ખરી. આવા સંજોગોમાં કેન્દ્રસરકાર સેન્સરશિપના એવાં ભૂતોને બરકી રહી છે, જે ખરેખર તો ક્યારનાં ય પોઢી જવાં જોઈતાં હતાં. એ વાત સાચી કે આતંકવાદી હુમલા અને તેમનું કવરેજ સરકાર તેમ જ માધ્યમો બંને માટે પડકાર ઊભો કરે છે. આ બંને બાબતોમાં કાળજી, જવાબદારી અને સંયમથી કામ પાડવું પડે. તદુપરાંત એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે મહામહેનતે મેળવેલી જુદા-જુદા પ્રકારની આઝાદી પણ આવા કવરેજ દાવ પર લાગેલી હોય છે. ‘રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વ જોખમમાં છે’, એ શબ્દોનો સરકાર માધ્યમોને ડરાવવા-તોડવા માટેના, તેમ જ ટીકા અને સવાલોને દબાવવા માટેના બૂઠાં હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આમ કરવામાં સરકાર ખુદને વામણી બનાવી રહી છે તેમ જ તેના શાસનાધિકારને નુકસાન પહોંચાડી રહી છે. અત્યારનો શાસક પક્ષ એ કૉંગ્રેસ સરકારે કટોકટી દરમિયાન કરેલા દમનનો પ્રતિરોધ કરનાર રાજકીય પરિબળ તરીકે ખુદને પ્રોજેક્ટ કરવાની દરેક તક ઝડપતો રહ્યો છે. એટલા માટે તેના પર અભિવ્યક્તિસ્વાતંત્ર્ય જાળવવાની જવાબદારીનો ભાર વિશેષ હોવો જોઈએ. સરકારે એન.ડી.ટી.વી. ઇન્ડિયા ચૅનલને કેબલ ટીવી નેટવર્ક ઑપરેટર્સ રૂલ્સ ૧૯૯૪ હેઠળના નિયમ ૬(૧)(P)ના ભંગ માટે દોષિત ગણી છે. આ કાયદો  એમ કહે છે કે સુરક્ષાદળો દ્વારા થઈ રહેલા આતંકવાદ વિરોધી કોઈ ઑપરેશનનું જીવંત પ્રસારણ બતાવી શકાય નહીં અને  આતંકવાદ વિરોધી ઑપરેશન્સના કવરેજને સરકારે નીમેલા અધિકારી દ્વારા બ્રીફિંગ તરીકે આપવામાં આવેલ માહિતી પૂરતું જ મર્યાદિત રાખવામાં આવે. આ કાયદાનો આશય દેશની સલામતી અંગેની કોઈ માહિતી બાબત માધ્યમો કાચું ન કાપે તેની તકેદારી રાખવાનો છે. એન.ડી.ટી.વી., ઇન્ડિયાએ પઠાણકોટ ઑપરેશનનું લગભગ જીવંત ગણાય તેવું પ્રસારણ કર્યું. તેમાં શસ્ત્રો, દારૂગોળો અને મહત્ત્વનાં ઇન્સ્ટૉલેશન્સનાં સ્થળોને લગતી, ‘વ્યૂહરચનાની દૃષ્ટિએ સંવેદનશીલ’ માહિતી ખુલ્લી મૂકી તેવું કહેવાયું. પણ હકીકત તો એ છે કે એના કવરેજમાં એવી કોઈ માહિતી ન હતી કે જે બીજાં મીડિયા પ્લૅટફૉર્મના પબ્લિક ડોમેઇનમાં અથવા ગુગલ મૅપ સહિત બીજી ઑનલાઇન સાઇટ્સ પર હાઇ રિઝોલ્યુશનમાં જોવા મળતી ન હોય. બીજી હકીકત એ પણ છે કે ખાનગી ન્યૂઝ ચૅનલ્સ દ્વારા કવરેજ પરનો સંપૂર્ણ પ્રતિબંધ અને પઠાણકોટ પ્રકારની પરિસ્થિતિમાં માત્ર સત્તાવાર રજૂઆત જ લોકો સમક્ષ મુકાવી જોઈએ, એવો સીધો આગ્રહ ટકી શકે તેવો નથી અને ઇચ્છનીય પણ નથી. એડિટર્સ ગિલ્ડની યથાર્થ માગણી મુજબ નરેન્દ્ર મોદીની સરકારે એન.ડી.ટી.વી. ઇન્ડિયા પરનો પ્રતિબંધ સત્વરે ઉઠાવી લેવો જોઈએ. ગિલ્ડે નોંધ્યું છે કે ‘ન્યાયતંત્રની મધ્યસ્થી કે દેખરેખ વિના પ્રતિબંધ લાદી દેવામાં સ્વાતંત્ર્ય અને ન્યાયના પાયાના સિદ્ધાન્તોનો ભંગ થાય છે’. જો સરકાર આદેશ પાછો ન ખેંચે, તો વ્યક્તિગત અને સંસ્થાકીય સ્વાતંત્ર્યના રખેવાળ બનતા રહેલા ન્યાયતંત્રએ હસ્તક્ષેપ કરવો જ જોઈએ. પણ અંતે તો સરકારે ખુદને પૂછવાનું રહે છે કે કરવા જેવું કામ ન કરવાનું એને પોષાય ખરું ? વધારામાં, મૂળભૂત સ્વાતંત્ર્ય તરફ તે બેદરકાર છે, એવી છાપ ઊભી થવા દેવાનું એને પરવડે ખરું ? કાશ્મીરમાં ‘કાશ્મીર રીડર’ અખબાર પર પ્રતિબંધ મુકાયો છે. ભોપાલના વિવાદાસ્પદ ઍન્કાઉન્ટર અંગે લોકો સત્તાવાળા તેમ જ પોલીસ સામે સવાલ કરે એ કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી કિરણ રિજ્જુને મંજૂર નથી. આવતા અઠવાડિયે એન.ડી.ટી.વી., ઇન્ડિયા સામે પ્રતિબંધ મુકાશે. આ બધાં ટપકાં જોડાતાં રહે એ સરકાર માટે કેવું રહેશે?

*  *   *

કટોકટી છે જ નહીં …  • પ્રતાપ ભાનુ મહેતા

‘દરેક પેઢીએ કટોકટીકાળ વિશે તટસ્થ રીતે વિચાર કરતાં રહેવું જોઈએ કે જેથી ભવિષ્યના કોઈ પણ રાજકીય આગેવાનને કટોકટી લાદવાનું પાપ આચરવાનો વિચાર સુદ્ધાં ન આવે’ આ શબ્દો ભારતના વડાપ્રધાને તાજેતરમાં યોજાયેલા રામનાથ ગોએન્કા પત્રકારત્વ પુરસ્કાર-સમારંભમાં ઉચ્ચાર્યા હતા. ઓગણીસો પંચોતેરની કટોકટીએ સ્વાતંત્ર્ય અને લોકશાહીનો જે વિનાશ ચલાવ્યો હતો, તેનો આપણને બરાબર અંદાજ હોવો જોઈએ, તેને આપણે મામૂલી ગણી શકીએ નહીં. પણ એ આખો બનાવ સપાટી પરનો જ હતો. ઘણા દલીલ કરી રહ્યા છે કે હવે ફરીથી આપણે કટોકટી તરફ આગળ વધી રહ્યા છીએ કે જે જાહેર નથી થઈ, પણ છૂપી રીતે દૂર સુધી ફેલાઈ રહી છે. ખરી કટોકટી તો એ હશે કે જે કટોકટી છે, એવી આપણને સમજ પણ નહીં રહી હોય.

જો કે, તમે કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છો, એવો આરોપ તમારા પર મૂકી રહ્યા છે, તે તમને અન્યાય કરી રહ્યા છે. જે લક્ષણોની વાત કરવામાં આવી રહી છે, તે કટોકટી જેવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે ખરાં? એ લોકો કહી રહ્યા છે ‘નેતા’નો વ્યક્તિ-મહિમા પહેલાં ક્યારે ય ન હોય તે હદે વધી ગયો છે. એમ થાય છે કે આખું રાષ્ટ્ર જાણે એક જ નેતાના અહમ્‌નું મોટું રૂપ ધરીને બેઠું છે. નેતા કશું ખોટું કરે જ નહીં.

પણ નેતૃત્વનો આવો મહિમા કટોકટી જેવો હોય એમ ન બને! વિપક્ષને ગૂંગળાવી દેવા માટે સત્તાનો ઉપયોગ વધી રહ્યો છે. જ્યાં ભારતીય જનતાપક્ષની સત્તા નથી, તેવાં રાજ્યોની સરકારોને કામ કરવા દેવામાં આવતી નથી, જેનો એક દાખલો દિલ્હી છે. રોજબરોજની રાજકીય હિલચાલોમાં પણ હવે અટકાયતનું જોખમ હોય છે.

બિન-ભા.જપી. રાજ્યોમાં મુખ્યમંત્રી અને ભા.જ.પ.વાળા રાજ્યોમાં વિરોધપક્ષના નેતાઓને સાવ સામાન્ય વિરોધ પણ કરવા દેવામાં આવતો નથી. અટકાયત ભલે ટૂંકા ગાળાની હોય, પણ તેનાથી રાજ્યના ઇરાદાના ઇશારા મળી જાય છે. પણ આ ઇમર્જન્સીની એંધાણી હોય એ બનવાજોગ નથી. વિરોધપક્ષનું રાજકારણ દેશ માટે ખરાબ છે. ફક્ત શાસકપક્ષનું રાજકારણ જ સારું કહેવાય.

રાષ્ટ્રવાદનો ઉપયોગ વિચારપ્રક્રિયાને રૂંધવા માટે થઈ રહ્યો છે. કલેક્ટિવ નાર્સિસિઝમ એટલે કે આખો સમાજ પોતાની જ પ્રતિમાના પ્રેમમાં રાચ્યા કરે એવી વૃત્તિઓને પોષણ મળી રહ્યું છે. તેને કારણે અલગ વ્યક્તિત્વનો ખ્યાલ રૂંધાઈ રહ્યો છે. રાષ્ટ્રના સાચા હિતની ચર્ચા શરૂ થાય તે પહેલાં જ રાષ્ટ્રવાદની – કોઈ વિમર્શ વિના રચીને વહેતી કરી દેવામાં આવેલી – વ્યાખ્યાઓ અને દેશના બનાવટી દુશ્મનો માટેની સતત ખોજ વિચારોને ગૂંગળાવી રહી છે. પણ એમ છતાં આપણે આને ઇમર્જન્સી જાહેર કરી શકીએ નહીં, કારણ કે એમ કરવામાં વિચાર કરવાની જરૂર પડે છે.

સામાજિક પ્રશ્નો બાબતે વિરોધ કરનારા દેખાવકારોની ધરપકડ કરવી એ તો રાબેતો થઈ ગયો છે. જાહેરમાં વિરોધ  કરવાનું તો કેટલું અઘરું બની ગયું છે, તે જિજ્ઞેશ મેવાણી કે હાર્દિક પટેલને પૂછી જુઓ. સામાજિક વિરોધને ડામવા માટે કરવામાં આવતી નિવારક અટકાયત કટોકટી હોઈ ન શકે. માત્ર વ્યવસ્થા જાળવવાના નામે નિવારક અટકાયત કરવી એ સત્તાધારીઓનો વર્ષોથી કારગત નીવડેલો નુસખો છે.

માધ્યમોને, ખાસ કરીને ટેલિવિઝનને, સરકારના હેતુઓ સાથે રાખવા માટે કરવામાં રાજ્યસત્તાના છૂપા ઉપયોગથી સેન્સરશિપ કરતાં કંઈક વધુ કપટી બાબત પેદા થઈ છે. એણે બતાવી આપ્યું છે કે સીધી સેન્સરશિપ વિના પણ કેટલી હદે સંમતિ ઊભી શકાય. પણ આ ઇમર્જન્સી છે એ બનવાજોગ નથી. મીડિયા તો આખરે એની મરજીથી ઝૂકી કે તૂટી પડ્યું કહેવાય.

ભ્રષ્ટાચાર  સામેના નાગરિકસમાજના  વિરોધને જે કામયાબ નુસખાથી અસર અને નજરની બહાર કરી દેવામાં આવ્યો, તે તાજ્જુબકારક છે. વ્યાપમથી લઈને ભ્રષ્ટાચારનું દરેક કૌભાંડ જાહેર ચર્ચામાંથી ભૂંસી નાખવામાં આવ્યું છે. દુરાચાર અને ભ્રષ્ટાચારને નજરબહાર કરી દઈને શીલ અને શુદ્ધતાનો આભાસ ઊભો કરવામાં આવ્યો અને શીલ તેમ જ શુદ્ધતાના સરકારના દાવાને સાચા ઠેરવવાના ધ્યેયને ઇમર્જન્સી કેવી રીતે ગણી શકાય ? 

વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમનો અધિકાર માગે, તો શૈક્ષણિક સંસ્થાઓને ધમકીઓ મળે છે. સરકાર ઘણી વાર તેના હિતચિંતકોની નિમણૂકો કરે છે. એ સરકારનો વિશેષાધિકાર છે. પણ સંસ્થાઓને ઢીલી પાડવાના એક માત્ર ઇરાદાથી ઊતરતી કક્ષાના માણસોની નિમણૂકો કરવાનું બહુ જ વધી ગયું છે. પણ આ ઇમર્જન્સી હોય તે બનવાજોગ નથી. આ તો માત્ર યોગ્ય કહેતાં ‘રાઇટ’ વિચારનું નિર્માણ છે.

રાજ્યસત્તા એવો માહોલ ઊભો કરતી રહે છે કે જેમાં એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કિલિન્ગ્સ અર્થાત્ ઍન્કાઉન્ટર્સ વ્યાજબી ઠરવા લાગે. પણ કદાચ આ કટોકટી નથી, કારણ આપણે એક કાયમી યુદ્ધમાં છીએ. આ યુદ્ધમાં આતંકવાદનાં અને સિવિલાઇઝ્ડ સ્ટેટ એટલે સભ્યતાભર્યાં નાગરિક દેશનાં ધારાધોરણોની અલગ પાડી ન શકાય તેવી ભેળસેળ થઈ ગઈ છે.

ગૌરક્ષાના નામે માણસોને શિકારની જેમ પકડવામાં આવે છે. આને વિચ-હન્ટિન્ગ કહેવાય. વડાપ્રધાન ગૌરક્ષકોની ગુંડાગીરી સામે ચેતવણી ઉચ્ચારે છે. પણ મંત્રીઓ હત્યારાઓને વળતર આપે છે અને તેમને રાષ્ટ્રધ્વજ હેઠળ સન્માને છે. પણ કદાચ આ બધામાં ય કટોકટી જેવું લાગતું નથી. પવિત્ર ગાયને નામે કરવામાં આવેલા ગુનાને કટોકટી સાથે શી રીતે સરખાવી શકાય ?

અમર્યાદ સર્વેલન્સ એટલે કે ઠેકઠેકાણે સી.સી.ટી.વી. કૅમેરાથી આપણા પર રાખવામાં આવી રહેલા સતત જાપ્તાને કટોકટી ન કહેવાય. એ તો નાગરિકોની સરકાર તરફની પારદર્શિતા વધારવા માટે છે. ટીકાકારો ખોટા છે. સરકારને નાગરિકો તરફ વધુ જવાબદાર બનાવવાની જરૂર નથી, નાગરિકોએ સરકાર તરફ વધુ જવાબદાર બનવાની જરૂર છે. હવે કહો આ કટોકટી કેવી રીતે કહેવાય ?

ન્યાયતંત્ર પર નિયંત્રણ રાખવાના પ્રયાસ કટોકટી ન કહેવાય,  કારણ કે એ જરૂરી હતું,  ન્યાયતંત્ર જાણે પોતે જ કાનૂન હોય એમ વર્તવા લાગ્યું હતું. પોલીસથી સી.બી.આઈ. સુધી રાજ્યતંત્રના ઘટકોનો કાયદાના અમલીકરણ માટે મન ફાવે તેમ ઉપયોગ થઈ રહ્યો છે. પણ આ ઇમર્જન્સી હોય એ બનવાજોગ નથી. આ તો માત્ર રાબેતા મુજબ કામ કરતી સરકાર જ છે. લશ્કરવાદ અને લશ્કરની આઇકોનોગ્રાફીનો એટલે કે તેનાં પ્રતિમા-પ્રતીકોનો રાજકારણમાં વધી રહેલો ઉપયોગ  ઇમર્જન્સી ન ગણાય. આખરે તો પકિસ્તાનને એની ઔકાત બતાવી દીધી હોવાના દાવા અને આપની સિદ્ધિઓને ફુલાવીને મારેલી બડાશ આપણને બીજા બધા દુરાચારમાંથી માફી અપાવી શકે. સરકારી પ્રચારની સામે સવાલ ઉઠાવનારાને કડકાઈથી દાબી દેવા એને કટોકટી કહી ન શકાય. જો આપણે એને રાજદ્રોહ  કહી શકતા હોઈએ, તો એને કટોકટી શા માટે કહેવી ?

કાશ્મીરમાંના દમનને, આપણા પોતાના નાગરિકો અંગેની તમામ માહિતી પર અંકુશને ઇમર્જન્સી ગણવાનું શક્ય નથી. આખરે તો આપણે વિદ્રોહ અને હિંસા સાથે કામ પાડી રહ્યા છીએ.

પ્રચારપંથનું રાજ પુરબહારમાં છે. પ્રચારનો હેતુ લોકો સુધી માહિતી પહોંચાડવાનો નથી. એનો હેતુ સત્ય અને જૂઠાણાં વચ્ચેના ભેદને જ અપ્રસ્તુત બનાવી દેવાનો છે. એનો હેતુ જૂઠાણાને પડકારનારની પ્રતિષ્ઠાની બાબતમાં વિવાદ ઊભો કરવાનો હોય છે. પણ આને કટોકટી ન કહી શકાય, કારણ કે કટોકટીનો સવાલ ત્યારે ઊભો થાય કે જ્યારે તમને  સત્યની પડી હોય. અને જો સત્ય કહેવાઈ ગયું હોય, તો આમાં ઇમર્જન્સી ક્યાં આવી?

આમાંથી કેટલાક દાવપેચ પહેલાંની સરકારો ખેલી ચૂકી છે. ભા.જ.પ. ઉપરાંતના પક્ષની સરકાર છે, તેવા બંગાળ અને તામિલનાડુમાં શાસકો વખત પડ્યે દમનની આ હાથપોથીનો ઉપયોગ કરે છે. જો એ લોકો એનો ટુકડે-ટુકડે ઉપયોગ કરતા હોય, તો કોઈ પણ સરકાર એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે. તો પછી આ કટોકટી કેવી રીતે હોઈ શકે?

વડાપ્રધાન એમનાં ભાષણોમાં એક વાત કહે છે. એ હંમેશાં ઊંચા સ્તરની વાત કરવા પ્રયત્ન કરે છે.પણ તેમની સરકાર અને તેમનો પક્ષ કંઈક જુદું કરે છે. એ લોકો નીચા સ્તરે ઊતરી જાય છે.  આ કદાચ કટોકટી નથી. આ એટલું જ બતાવે છે કે બિચારા વડાપ્રધાન મજબૂર છે. એ બતાવે છે કે વડાપ્રધાન પાસે પાકિસ્તાન સામે લડવા માટે બળ છે, પણ મહેશ શર્મા જેવાની સામે તે હતબલ છે. આને કટોકટી શી રીતે કહેવાય ?

અને હા, આ બધું અલબત્ત અર્થતંત્ર માટે સારું છે. જી.ડી.પી.ના આંકડા પ્રભાવશાળી લાગે છે. પણ તમે આંકડાનો અર્થ પૂછી શકતા નથી, એટલે અમને ખબર નહીં પડે કે આ કટોકટી સફળ છે કે કેમ?

વડાપ્રધાનશ્રી, આપના શબ્દો પાછળનો આશય કટોકટી અંગે ચિંતન કરવા માટે પ્રેરવાનો હતો. પણ તમારા ટીકાકારો ભીંત ભૂલ્યા છે. અત્યારની ક્ષણને ઇમર્જન્સીની ક્ષણ તરીકે જાહેર શી રીતે કરી શકાય ? આખરે તો કોઈ પણ  બાબત ‘તટસ્થ’ મૂલ્યાંકન ત્યારે જ ગણાય, જ્યારે  એ તમારા સત્ય સાથે સંમત હોય. તમારું સત્ય અમને એ કહેવા નહીં દે કે આપણે કટોકટીની બહુ નજીક છીએ એવું લાગી રહ્યું છે.

૮ નવેમ્બર, ૨૦૧૬

*  *   *

એક્સપ્રેસ ઍવૉર્ડ, અક્ષય મુકુલ, રાજકમલ ઝા અને નરેન્દ્ર મોદી

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર દ્વારા દર વર્ષે આપવામાં આવતા રામનાથ ગોએન્કા એક્સલેન્સ ઍવૉડ્ર્સ ઇન જર્નલિઝમનો સમારંભ બીજી નવેમ્બરે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિથિપદે  થયો. તેના  આ વર્ષના સાડત્રીસ પુરસ્કાર-વિજેતાઓમાંથી અક્ષય મુકુલે મોદીના હાથે સન્માન સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આગળની નોંધમાં જણાવ્યું તેમ ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના વરિષ્ઠ પત્રકાર અક્ષયને ‘ગીતા પ્રેસ ઍન્ડ ધ મેઇકિંગ ઑફ હિન્દુ ઇન્ડિયા’ સંશોધનગ્રંથ માટે પુરસ્કાર જાહેર થયો હતો. તેમણે કરેલા વિરોધ વિશે ‘કૅરેવાન’માં સંદીપ ભૂષણ લખે છે : ‘અક્ષયે કહ્યું કે ‘મોદીના હાથે હું ચહેરા પર મલકાટ સાથે ઍવૉર્ડ સ્વીકારતો હોઉં એવી તસવીરની હું કલ્પના સુધ્ધાં કરી શકતો નથી.’ તેમણે ફેબ્રુઆરીમાં પતિયાલાહાઉસની કોર્ટમાં અનેક પત્રકારો અને વિદ્યાર્થીઓ પર વકીલનો કાળો કોટ પહેરેલા માણસોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાખોરોની સાથે ભારતીય જનતા પાર્ટીના ઓ.પી. શર્મા હતા. પત્રકારજગતે જેનો બહુ મોટા પાયે વિરોધ કર્યો હતો, તેવા આ બનાવને યાદ કરીને મુકુલે કહ્યું, ‘જરા વિચારો કે એ વખતે એવા પત્રકારો પણ હતા કે જેમણે ભા.જ.પ.નો બચાવ અને અમારો વિરોધ કર્યો હતો.’ કૅરેવાનના લેખમાં એક્સપ્રેસ જેવા વર્તમાનપત્રના પત્રકારત્વ-પુરસ્કાર જેવા સમારંભમાં મોદી જેવા અતિથિ હોવા અંગે સવાલ અને આયોજકોનું તે અંગેનું દૃષ્ટિબિંદુ પણ મળે છે. ‘એક્સપ્રેસ’ના સમારંભના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે એન.ડી.ટી.વી. ઇન્ડિયા પર ચોવીસ કલાકનો પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો.

સમારંભના અંતે ‘એક્સપ્રેસ’ના મુખ્ય સંપાદક રાજકમલ ઝાએ નરેન્દ્ર મોદીનો એમના પ્રવચન માટે આભાર માન્યો. તેના વિશે ઉર્વીશ કોઠારી આઠમી નવેમ્બરના ‘દિવ્ય ભાસ્કર’માં તંત્રીલેખના પાના પર એન.ડી.ટી.વી. પરના પ્રતિબંધ વિશેના મુખ્ય લેખના છેલ્લા ભાગમાં નોંધે છે : ‘વડાપ્રધાને રાબેતા મુજબ તેમના ભાષણમાં પત્રકારત્વનાં મૂલ્યોની વાતો કરીને વર્તમાન પત્રકારત્વની ટીકા કરીને તાળીઓ ઉઘરાવી. છેલ્લે આભારવિધિ જેવા ઔપચારિક ભાગમાં રાજકમલ ઝાએ સૌમ્ય અને શાલીન રીતે વડાપ્રધાનનો આભાર માન્યો, તેમણે આપેલો બોધ ગ્રહણ કરવાની વાત કરી અને લગે હાથ એમ પણ કહી દીધું કે સરકારની નારાજગી એ પત્રકાર માટે માનચાંદ બરાબર છે. ઝાએ કશું અઘટિત કે વિવેકી કહ્યું ન હતું. પણ પોતાની વાતની સામે બીજું કોઈ આ રીતે વાત મૂકે તેનાથી વડાપ્રધાન ટેવાયેલા નથી. તે ડાયલોગના (સંવાદના) નહીં, મોનોલોગના(એકોક્તિ)ના કલાકાર છે. તેમની તાકાત સાંભળવામાં નહીં, બોલવામાં (અને ઘણી વાર, ખરી જરૂર હોય ત્યારે ચૂપ થઈ જવામાં) છે. એટલે ઝાની બહુ સાદી વાતો સાંભળવામાં તેમને પડતું કષ્ટ તેમની બૉડીલૅન્ગ્વેજમાં બરાબર ઉપસી આવ્યું હતું.’

રાજકમલ ઝાનું ભાષણ અહીં મૂક્યું છે …

‘સર, આપના વક્તવ્ય માટે આભાર. તમારું અહીં હોવું એ બહુ મહત્ત્વનો સંદેશ છે. આજની આ સાંજે આપણે જે કામનું ગૌરવ કરી રહ્યા છીએ તે સારા પત્રકારત્વનો માપદંડ બનવું જોઈએ. આ કામ ખરેખર રિપોર્ટિંગ કરનાર રિપોર્ટર્સે અને ખરેખર ઍડિટિંગ  કરનાર એડિટર્સે કરેલું છે. આ કામ સેલ્ફી-જર્નલિસ્ટોએ કરેલું નથી. આજકાલ બહુ સંખ્યામાં દેખાઈ રહેલા સેલ્ફી-જર્નલિસ્ટોને એ  ખુદ જે કરે છે તેનું, ખુદના ચહેરાનું, ખુદનાં મંતવ્યોનું  વળગણ છે. તેમના કૅમેરા પોતાની તરફ જ ફેરવેલા હોય છે, અને તેમને માત્ર પોતાના અવાજની અને પોતાના ચહેરાની પડી હોય છે, બાકીનું બધું તેમના માટે પાછળના પડદા જેવું અને તેમની પાછળ થઈ રહેલાં મૂર્ખામીભર્યા ઘોંઘાટ જેવું હોય છે.

આ સેલ્ફી-જર્નલિઝમમાં તમારી પાસે હકીકતો ન હોય તો વાંધો નહીં, તમે કૅમેરાની ફ્રેઇમમાં એક ઝંડો મૂકો અને તેની પાછળ છુપાઈ જાઓ. સાહેબ, તમારા ભાષણમાં તમે વિશ્વસનીયતાના મહત્ત્વ પર જે અદ્ભુત  ભાર મૂક્યો તેના માટે આભાર. તમારા ભાષણમાંથી પત્રકારોએ લેવા જેવો સહુથી મહત્ત્વનો મુદ્દો એ છે.

અમે પત્રકારોને કંઈક બેચેન કરી દેનારી કેટલીક મજાની બાબતો પણ તમે કહી. શ્રી રામનાથે ગોએન્કાએ એક રાજ્યના મુખ્યમંત્રી પાસે  ‘આપકા રિપોર્ટર બહુ અચ્છા કામ કરતા હૈ’ એવું જ્યારે સાંભળ્યું, ત્યારે એમણે એ પત્રકારને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ વાત વિકીપીડિયામાં નહીં હોય, પણ એ સાચી છે. ગોએન્કાજીએ ખરેખર એવું કર્યું હતું એવું ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી તરીકે હું કહું છું. આજના જમાનામાં આ બહુ એટલે બહુ જ મહત્ત્વનું છે. હવે હું પચાસની ઉંમરનો થયો છું, ત્યારે હું કહી શકું છું કે અત્યારે પત્રકારોની એક આખી નવી પેઢી છે કે જે રિટિ્વટ્સ અને લાઇક્સના કાળમાં ઊછરી રહી છે, અને તેમને ખબર નથી કે સરકાર તમારી ટીકા કરે એ શાબાશીનો મામલો કહેવાય! ફિલ્મોમાં ધૂમ્રપાનનાં દૃશ્યોની નીચે ચેતવણી આપતી એક પટ્ટી આવે છે, એ રીતે પત્રકારોના મનમાં એવી એક પટ્ટી હોવી જોઈએ કે સરકાર ટીકા કરે એ પત્રકારત્વ માટે ખુશીના સમાચાર છે. આ પટ્ટી જ્યારે પત્રકારના વખાણ થતાં હોય ત્યારે તેના મનમાં ખાસ ચાલવી જોઈએ.

તમારા ભાષણ માટે આભાર સાહેબ. તમે કેટલાક રસપ્રદ મુદ્દા ઊભા કર્યા છે. મને લાગે છે કે તેમાં વિશ્વસનીયતાનો મુદ્દો સહુથી મહત્ત્વનો છે. વિશ્વસનીયતાના અભાવ માટે સરકારને જવાબદાર ન ગણી શકાય. એ ઊભી કરવી એ અમારું કામ છે. અમારે આત્મચિંતન કરવાનું છે અને તમારી ટિપ્પણીના પગલે અમે ચોક્કસ એમ કરીશું.

આ વર્ષે રામનાથ ગોએન્કા ઍવૉર્ડ માટે અમને ૫૬૨ અરજીઓ મળી. આ આંકડો હું ટાંકું છું, કારણ કે એ બે રીતે મહત્ત્વનો છે. એક, એ અત્યાર સુધીનો સહુથી મોટો આંકડો છે. બીજી વાત, સારું પત્રકારત્વ પૂરું થઈ રહ્યું છે, પત્રકારોને સરકારે ખરીદી લીધા છે, એવું કહેતા લોકોને આ સંખ્યા એક જવાબરૂપ છે.

આજકાલ સારું પત્રકારત્વ ખતમ થઈ રહ્યું હોય એવું કદાચ એટલા માટે લાગે છે, કારણ કે ખરાબ પત્રકારત્વનો ઘોંઘાટ પાંચ વર્ષ પહેલાં હતો એના કરતાં વધી રહ્યો છે. પણ હકીકત એ છે કે સારા પત્રકારત્વનો  દરજ્જો સુધરી રહ્યો છે અને ફેલાવો વધી રહ્યો છે.’

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 04-07

Loading

17 November 2016 admin
← ચલણી નોટોની નાબૂદી વહીવટી સુધારણાનો વિકલ્પ ન બની શકે
Is there an undeclared Emergency Today? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved