જીદ્દી, ઝઘડાળુ, અહંકારી સ્ત્રી. ગમે તેટલી શિક્ષા પ્રાપ્ત કરી હોય, પરિણામ – ‘શૂન્ય’.
‘સ્ત્રી’, તને કળવી નામુમકિન છે. તું કેટલા પાત્ર સફળતાપૂર્વક ભજવી શકે છે. એવું એક પણ પાત્ર નથી કે આજે ૨૧મી સદીમાં તેં ન ભજવ્યું હોય.
‘ગીતા પર હાથ મૂકીને કહું છુંહું પણ એક સ્ત્રી છું.’
સ્ત્રીની સંવેદના બરાબર સમજી શકું છું. સ્ત્રી પ્રત્યે આદર અને સન્માનની લાગણી ધરાવું છું. સાચું કહીશ, તેના અવનવા પાત્રથી ત્રાહિમામ્ પોકારી ગઈ છું. ઘણીવાર મનમાં થાય છે, ‘શું ખરેખર એક સ્ત્રી આવું કરી શકે ખરી’ ? ‘સ્ત્રીનો જો ખરેખર દુ:શ્મન કોઈ હોય તો તે બીજી સ્ત્રી છે’. મારા મત પ્રમાણે આ સનાતન સત્ય છે.
દીકરીનો મા પ્રત્યે આંધળો પ્રેમ! પછી ભલે મા, કાવાદાવા અને કુટિલતાનું શિક્ષણ આપતી હોય! સાસુ અને વહુ, સારા જગતમાં સહુથી ‘બદનામ’ સંબંધ. તેમાં ઘણીવાર સાસુનો બેફામ ત્રાસ યા તો વહુના સાસુ પર અત્યાચાર. બંને રીતે આ કથન સત્ય છે.
૮૦ વર્ષની ઉંમર થઈ, એક પણ સંબંધ જોયો નથી, જ્યાં સાસુ અને વહુને પ્રેમ હોય, યા મા દીકરીને સાચી શિખામણ આપતી હોય ! ‘સ્વાર્થથી ઉભરાતી આ દુનિયામાં સઘળું હોવા છતાં પણ ‘સંતોષ’નો અભાવ. મનમાં થાય છે ‘હે પ્રભુ, સંસારમાં મોકલી આ કેવી માયા રચી છે ! તેમાં રહેવું હિતાવહ નથી, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જડતો નથી’.
‘સ્ત્રી’ કેટલા પાત્ર ભજવી શકે છે. માતાના પાત્રમાં તે ભગવાનની સમાન ગણાય છે. કિંતુ એ માતા જો સ્વાર્થી અને પતિને સદા દુ:ખ આપતી હોય તો તેને શું કહીશું ? પતિને પલ પલ ઘાયલ કરે. સામે બોલે. ઝઘડા સિવાય દિવસ પૂરો ન થાય તેવી સ્ત્રીનો ઈલાજ શો ? મારું માનો તો “છૂટાછેડા’. પ્રશ્ન આવીને ઊભો રહે, બાળકોનો? બાળકો સમજુ હોય તો ન્યાયનો પક્ષ લે ! તે માતાના સંસ્કાર પર આધારિત છે !
આજની સ્ત્રી માત્ર રસોડાની રાણી નથી ! હજુ ગઈ કાલની વાત છે. બહેનપણીઓ મળી હતી, ‘મને રસોઈ કરવી ગમતી નથી,’ બીજી કહે ,હું ધીરે ધીરે રસોડું બંધ કરીશ !’ મનમાં થયું, આ પાપી પેટ ક્યાં મૂકી આવશો ?’ રસોડા પ્રત્યે આટલી બધી નફરત ? કારણ શોધ્યું જડતું નથી ! શું રોજ સવાર સાંજ બહારનું ખાશે ?
નવી પેઢીની યુવતીઓ તો હદ પાર કરી. એક ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી પોતાની આગવી પ્રતિભા ન ધરાવતી હોય ? આનંદ તેમ જ ગૌરવની વાત છે. સાથે સ્વીકારવું રહ્યું કે ‘માતા’ માત્ર સ્ત્રી બની શકે છે. આ તેમનું સૌભાગ્ય છે. જે પુરવાર કરે છે, ‘સ્ત્રી પુરુષ કરતાં મહત્ત્વનું પાત્ર છે’. એ સાથે પુરુષની અવગણના પણ ન કરી શકાય. તેના વગર માતૃત્વ પ્રાપ્ત કરવું દુર્લભ છે.
બધી સ્ત્રી નસીબદાર નથી હોતી કે સંસારમાં પ્રતિભા અને હોદ્દો પ્રાપ્ત કરી શકે. તેના અનેક કારણો હોઈ શકે. જેની ચર્ચા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. તેનો અર્થ એ નથી કે એવી સ્ત્રીઓ સંસારમાં ઝળકી શકે નહીં. તેનું કાર્ય, તેનું વર્તન અને વાણી કોઈ પણ સ્ત્રીને સફળતાના શિખરે બેસાડી શકે છે.
જ્યારે વાત કરીએ સ્ત્રીની, સ્ત્રી કદાચ નાની ઉંમરમાં પતિનો સાથ ગુમાવી બેઠી હોય. સંજોગોને કારણે લગ્ન ન કર્યા હોય. ખૂબ ઈજ્જતથી આજના સમાજમાં જીવવું શક્ય છે. ‘લોકો શું કહેશે’ ? એ વાક્ય પ્રત્યે બેદરકાર રહેવું. તમારી જિંદગી છે. તમારી મરજી મુજબ જીવો. કોઈના આશરે નથી. બસ ખેલ ખતમ !
‘સ્ત્રી’ કુદરતનું અનોખુ સર્જન છે. તેના વિશે લખવા બેસીએ તો સમય અને કાગળ બંને પૂરતા નથી. મનની વેદનાને વાચા આપી છે. સંસારમાં જ્યારે કોઈ સહારો ન હોય ત્યારે આ લેખન કળા વહારે ધાય છે.
e.mail : pravinammody@gmail.com
![]()

