Opinion Magazine
Number of visits: 9552272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 December 2025

આપણે યાદ રાખવું પડે કે રશિયાનો ચીન તરફનો ઝુકાવ પણ એક જોખમી સંકેત છે. જેમ જેમ મોસ્કો આર્થિક અને સંરક્ષણ ટેકા માટે બેઇજિંગ પર વધુ આધાર રાખે તેમ તેમ ભારતનો પ્રભાવ ઘટે.

ચિરંતના ભટ્ટ

રાજકીય હિલચાલ હંમેશાં પૂર્વનિશ્ચિત હોય. જો કે વડા પ્રધાન મોદી ગુરુવારે સાંજે પુતિનને પાલમ એરપોર્ટના ટાર્મેક પર જાતે આવકારવા ગયા, તેમણે તેમની આગવી સ્ટાઇલમાં રશિયન પ્રેસિડન્ટને આલિંગન આપ્યું અને પછી રશિયન લિમોઝિનમાં સાથે આગળની સફર કરી. આ આખી ઘટનાનો સંદેશ હજારો કહેવાયેલા શબ્દોથી કંઇક ગણો પ્રભાવી અને જોરદાર હતો એમ કહી શકાય. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે “પ્રધાન મંત્રી મોદી જાતે પુતિનને મળવા આવ્યા. તે અચાનક લેવાયેલો નિર્ણય હતો, અમને તેની જાણ નહોતી.” આ છેલ્લી ઘડીનું જાતે કરેલું સ્વાગત, એ પછી દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર પ્રાઇવેટ ડિનર અને છેલ્લે ભગવદ્દ ગીતાની ભેટ (પુતિનને ગીતા ખરેખર સમજાય તો સંજોગો બદલાય?) એ બધું જ એક રીતે રશિયા પ્રત્યેના ભારતના અભિગમની ભાવનાત્મક તીવ્રતા વિશે કહે છે.

પરંતુ શુક્રવારે હૈદરાબાદ હાઉસમાં જ્યારે બંને નેતાઓ ઔપચારિક વાતચીત માટે બેઠા, ત્યારે બૉડી લેંગ્વેજ વધુ જટિલ નેરેટિવ આપનારી રહી. મોદી, સામાન્ય રીતે તેમની સહજ ગરમજોશી માટે જાણીતા, યુક્રેન સંઘર્ષ વિશે વાત કરતા દેખાયા. તેમના હાવભાવ મેત્રીપૂર્ણ પરંતુ મર્યાદિત હતા. “ભારત તટસ્થ નથી, ભારત શાંતિની પડખે છે,” તેમણે કહ્યું. આ નિવેદન ઔપચારિક ઓછું અને નિશ્ચયાત્મક વધારે હતું.  પુતિન, તેમના ભાગે, “શાંતિપૂર્ણ ઉકેલ” પર કામ કરવા વિશે વાત કરતા હતા. જો કે એ તો પુતિન છે, કોઈ નક્કર પ્રતિબદ્ધતાઓ આમ સરળતાથી ઑફર કરી દે તેવી આશા તેની પાસેથી રાખવી પણ જરા વધુ પડતું છે. આ મુલાકાત જાહેર પ્રદર્શન અને વ્યૂહાત્મક રણનીતિ એમ બંને માટે અનિવાર્ય છે.

પુતિનની ભારત મુલાકાતનો સમય પણ રસપ્રદ છે. હજી થોડા મહિના પહેલાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યા. જેમાંથી અડધા સીધા રશિયન તેલની ખરીદીના સંદર્ભમાં હતા. આ ટેરિફની જાહેરાત એક વેક-અપ કૉલ હતી, જાણે ભારતને ચેતવણી હોય કે કાં તો તમે નિયમો અનુસરો અથવા નિયમો ન અનુસરવાનાં પરિણામ ભોગવો. ભારતે તો અમેરિકાને પોતાનો ભાગીદાર દેશ ગણ્યો હતો અને માન્યું હતું કે પરસ્પર એકબીજાનું સન્માન જાળવીને બંને રાષ્ટ્રો કામ કરશે. એમ માનવામાં આપણે ભૂલ કરી. વૉશિંગ્ટને આ ટેરિફ ફટકારીને એમ કહી દીધું કે અમે ભારતને સમાન જોડીદાર તરીકે જોતા નથી, એટલે અમે જેમ કહીએ તે કરો. 2025ની શરૂઆતમાં ભારત-અમેરિકા સંબંધો માટે આશાસ્પદ હતી. યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સર્વેમાં 75 ટકા ભારતીયો “ટ્રમ્પ વેલકમર્સ” હતા. પરંતુ ટેરિફ ઉપરાંત, ટ્રમ્પે H-1B વિઝા પર નોંધપાત્ર અવરોધો ખડા કર્યા, જે વિશેષ ક્ષેત્રોમાં ભારતીય કામદારોના પ્રવાહને અસર કરનારા છે. આટલું ઓછું હોય તેમ વોશિંગ્ટન ભારતના કાયમી પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સાથે દોસ્તી કરી રહ્યું છે. આ સંદર્ભે મોદી અને પુતિનનું આલિંગન માત્ર મૈત્રીનો સંકેત નથી પણ અમેરિકન વિશ્વસનીયતા અંગે ભારતની વધતી શંકાનું નિવેદન પણ છે. 

ભારત-રશિયા વચ્ચેની 23મી વાર્ષિક સમિટે કેટલીક ઠોસ સિદ્ધિઓ આપી. બંને દેશો 2030 સુધીમાં વેપારને $100 બિલિયન સુધી વધારવા પ્રતિબદ્ધ છે, જે અત્યારના $68.7 બિલિયનથી નોંધપાત્ર વધારો હશે. સંરક્ષણને મામલે સહકાર, વિજ્ઞાન અને ટૅકનોલોજી, અને ઊર્જાને લગતા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પરંતુ આંકડાઓની પાછળ એક અસ્વસ્થ કરે તેવી વાસ્તવિકતા છુપાયેલી છેઃ $64 બિલિયન રશિયન આયાત સામે ભારત રશિયામાં માત્ર $5 બિલિયનની નિકાસ કરે છે, આ એક નોંધપાત્ર અસંતુલન છે.

 ભારત-રશિયા સંબંધોનો પરંપરાગત આધારસ્તંભ સંરક્ષણને મામલે ભાગીદારી છે. જો કે તેની પર પણ દબાણ છે. એક સમયે ભારતના લશ્કરી હાર્ડવેરના 72 ટકા માટે જવાબદાર, રશિયાનો હિસ્સો હવે 36 ટકા સુધી ઘટી ગયો છે. યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે ડિલિવરીમાં હંમેશાં વિલંબ થાય છે, સ્પેર પાર્ટ્સની તંગી ખડી થઈ છે, અને મોસ્કોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું છે.

આ બધામાં આપણે યાદ રાખવું પડે કે રશિયાનો ચીન તરફનો ઝુકાવ પણ એક જોખમી સંકેત છે. જેમ જેમ મોસ્કો આર્થિક અને સંરક્ષણ ટેકા માટે બેઇજિંગ પર વધુ આધાર રાખે  તેમ તેમ ભારતનો પ્રભાવ ઘટે. સામે ચીન મજબૂત થાય જે આપણો વ્યૂહાત્મક સ્પર્ધક મજબૂત થાય. આ ભારત માટે માત્ર બેચેન કરે એવી બાબત નથી પણ એક વ્યૂહાત્મક જોખમ છે.

પુતિનની મુલાકાતનો ઉત્સાહ હોય, હોવો જોઇએ પણ આપણી નીતિને ઘડવૈયાઓએ અમુક બાબતોએ સાવચેત રહેવું પણ જરૂરી છે. 

 સૌથી પહેલા તો રશિયા સંરક્ષણ ટૅકનોલૉજી શેરિંગની વાત કરે છે, પરંતુ તેની પોતાની ટૅકનોલૉજિકલ ક્ષમતાઓ પશ્ચિમી પ્રતિબંધોને કારણે પીડાય છે. મોસ્કોને સેમિકન્ડક્ટર્સ અને હાઇટૅક કોમ્પોનન્ટ્સ મેળવવાના વાંધા હોય એવામાં ભારત ત્યાંથી અદ્યતન ટૅક્નોલૉજીમાં મદદ મેળવવાની અપેક્ષા ન રાખી શકે. 

બીજી વાત છે ચીનના સંદર્ભે. જેમ જેમ રશિયા ચીન સાથે પોતાની “અમર્યાદ ભાગીદારી” ને ઘેરી કરે છે, તે ભારત માટે પસંદગીઓ અઘરી બનાવશે. શું ભારત-ચીન તણાવમાં મોસ્કો તટસ્થતા જાળવી શકશે? કે પછી આર્થિક આધાર રાખવો પડતો હોવાથી મોસ્કો બેઇજિંગ તરફ ઝૂકશે? ભારતે આ વાસ્તવિકતા માટે તૈયારી કરવી જોઈએ.

ત્રીજું, અમેરિકન બેકલેશની સાચી કિંમત ગણતરીમાં લેવી જરૂરી છે. 50 ટકા ટેરિફ માત્ર શરૂઆત હોઈ શકે છે. જો ભારત રશિયન તેલની ખરીદી ચાલુ રાખે અને S-400 જેવી રશિયન સંરક્ષણ પ્રણાલીઓનો ઉપયોગ કરે તો વોશિંગ્ટન CAATSA (Countering America’s Adversaries Through Sanctions Act) હેઠળ પ્રતિબંધો લાગુ કરી શકે છે. આમ થાય તો તે ભારતના ઊભરતા ટૅકનોલૉજી ક્ષેત્ર અને રક્ષણ આધુનિકીકરણ યોજનાઓને મોટું નુકસાન કરી શકે છે.

ચોથો મુદ્દો યુક્રેનનો છે.  વડા પ્રધાને શાંતિની તરફેણની વાત કરી. ભારતે હજી સુધી યુક્રેન પર રશિયન આક્રમણની આકરી નિંદા નથી કરી. આ ગણતરીપૂર્વકનું મૌન ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડનારું બની શકે. યુરોપ અને અન્ય લોકશાહી રાષ્ટ્રો ભારતને એક એવા દેશ તરીકે જુએ જે પોતાની વ્યવહારિકતાને મહત્ત્વ આપે છે મૂલ્યોને નહીં તો એક લેવા જતાં ચાર ખોવાનો વારો ન આવે તેવી સ્થિતિ ખડી થઇ શકે છે.

પાંચમો મુદ્દો છે કે પુતિન ભારતની વાતને કેટલી ગંભીરતાથી લે છે. પુતિને એમ સ્વીકાર્યું કે ભારતનું ફોકસ યુદ્ધને મામલે શાંતિના પ્રયાસ છે. પણ સ્વીકારવું અને અમલમાં મુકવું બે અલગ બાબતો છે. ભારત યુક્રેનમાં શાંતિ નિર્માણ કરનાર રાષ્ટ્ર તરીકે પોતાનું સ્થાન બનાવવા માગે છે જેથી વૈશ્વિક છબી પર પણ તેની હકારાત્મક અસર પડે પણ મધ્યસ્થી તરીકે ભારતની શક્તિ મર્યાદિત છે કારણ કે ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદાર દેશ છે. 

જેમ જેમ આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યવસ્થા વધુને વધુ ધ્રુવીય બને છે – તેમાં સત્તાકીય બ્લોક્સ એટલે કે ચોકઠાં બની રહ્યા છે તેમ તેમ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા તેની સૌથી મોટી શક્તિ અને સૌથી મોટી નબળાઈ બંને બને છે. મોદીની પુતિન સાથેની હગ ડિપ્લોમસી સ્વાયત્તતાના પ્રતીક તરીકે સારી રીતે કામ કરે છે, પરંતુ તે ભવિષ્યમાં ભારતે કરવી પડનારી કઠોર વ્યૂહાત્મક પસંદગીઓનો વિકલ્પ નહીં બને. 

ભારતે યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ એશિયા સાથે સંબંધો બહેતર બનાવીને પોતાના સંબંધોને વૈવિધ્યસભર બનાવવા જોઈએ. વોશિંગ્ટનનો મિજાજ બદલાય તે પહેલાં ચીન સાથે સરહદ તણાવને સ્થિર કરવા માટે આપણે ગંભીરતાથી કામ કરવું જોઈએ. જરૂરી એ પણ છે કે, આપણે આપણી આર્થિક અને ટૅકનોલૉજિકલ ક્ષમતાઓને એટલી સારી રીતે ઘડીએ કે બીજી મોટી સત્તા પર આધારીત ન રહીએ. આમ થવાથી આપણે આપણા વ્યૂહાત્મક નિર્ણયો પર બીજા રાષ્ટ્રનું દબાણ પણ ટાળી શકીએ.

બાય ધી વેઃ 

મોદી અને પુતિન વચ્ચેની હૂંફાળી મુલાકાત હસ્તધૂનન અને સહજ હાસ્યથી ભરપુર છે, એ જોવાની મજા પણ આવે. પરંતુ બૉડી લેંગ્વેજની પાછળ, કઠોર ભૌમિતિક વાસ્તવિકતાઓ છે જે હાવભાવથી ઓગળતી નથી. ભારત દેશ આવનારાં વર્ષોમાં વધુ પડકારજનક વાતાવરણમાં નેવિગેટ કરી રહ્યો છે – એક જ્યાં મિત્રતા અને રાષ્ટ્રીય હિત હંમેશાં સંરેખિત નથી હોતા. પુતિનની મુલાકાત એ સ્પષ્ટ કરનારી છે કે વ્યૂહાત્મક સ્વાયત્તતાની પણ કિંમત છે, અને ભારતે સાવચેતીપૂર્વક ગણતરી કરી રાખવી જોઇએ કે આપણે એ કિંમત ચૂકવવા તૈયાર છીએ કે નહીં. બાકી એક વાત તો છે, પુતિનની પ્રતિભાની આસપાસ એક ગજબનું રહસ્ય હોય એવું સતત લાગે, એમાં પાછા એમનાં બૉડી ડબલ હોવાની વાતો પણ ચાલે. નેરેટિવ બનાવવું તો પછી આવું ધાંસુ બનાવવું – કોઈ દિલધડક ફિલ્મના પ્લૉટ જેવું. બાકી અત્યારે તો દાસ્વીદાનિયા. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07  ડિસેમ્બર 2025

Loading

7 December 2025 Vipool Kalyani
← ગઝલ
રાખો.. →

Search by

Opinion

  • બચ્ચે મન કે સચ્ચે
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved