Opinion Magazine
Number of visits: 9564038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદ્‌ગત ફાધર વાલેસ

હર્ષદ યાજ્ઞિક|Opinion - Opinion|13 January 2021

પ્રિય પ્રકાશભાઈ,

ફાધર વાલેસની ચિરવિદાય વેળાએ ‘દિવ્ય ભાસ્કર’માં આપની સંવેદનસભર શ્રદ્ધાંજલિ વાંચી અને મન આશરે છ દાયકાઓ પૂર્વેની પ્રેરક સ્મૃતિઓથી ભીંજાઈ ગયું! પ્રકાશભાઈ, ફાધર વાલેસને આપના નેતૃત્વમાં સ્થપાયેલ યુવકસંસ્થા ‘આરત’માં આપણે ‘સેવાનું તત્ત્વજ્ઞાન’ એ વિષય ઉપર ઉદ્‌બોધન કરવા નિમંત્ર્યા હતા … કદાચ ફાધર વાલેસનું અમદાવાદ ખાતેનું એ સર્વ પ્રથમ જાહેર ઉદ્‌બોધન હશે … બીજી ઑક્ટોબર ૧૯૬૧ની ૯૩મી ગાંધી જયંતીએ આચાર્યશ્રી યશવંતભાઈ શુક્લને, ‘આરત’ના મંગળ ઉદ્‌ઘાટન-સમારંભમાં નિમંત્રિત કરેલા. પછી તો દર રવિવારે ‘પ્રકાશ’ બંગલોમાં નિયમિત અભ્યાસ વર્તુળ નિમિત્તે મળવાનો ઉપક્રમ ચાલ્યો. પરિસંવાદ, વિચારગોષ્ઠી, મહાપુરુષોના સ્મૃતિ-દિવસોની ઉજવણી અને રાષ્ટ્રીય ગૌરવદિવસોની ઉજવણી પણ શરૂ કરી. સમાજજીવન-રાષ્ટ્રજીવનની અનેકવિધ સમસ્યાઓના વિધાયક નિવારણ માટે, સમસંવેદનથી પ્રેરિત એ યુવા-આંદોલન હતું. તેમાં પ્રકાશભાઈ, આપની સાથે અમે થોડા મિત્રો-ભાઈ દિલીપભાઈ (દિલીપ ચંદુલાલ), બહેન સુવર્ણા ભટ્ટ (સુવર્ણા) પ્રારંભથી જ જોડાયેલાં. આ પ્રકારના આયોજન દરમિયાન અતિથિ વક્તાઓને કાર્યક્રમ-સ્થળે લાવવા, પરત મોકલવાની-અલબત્ત રિક્ષામાં – જવાબદારી મને આપે સોંપેલી એ મારું સૌભાગ્ય ગણાય …

ફાધર વાલેસને પણ એ રીતે ડિસેમ્બર, ૧૯૬૧માં ‘સેવાનું તત્ત્વજ્ઞાન’ એ વિષય ઉપર ઉદ્‌બોધન માટે નિમંત્ર્યા હતા. એ માટે રિક્ષા લઈને અમદાવાદની સૅંટ ઝેવિયર્સ કૉલેજથી ટિળકબાગ નજીક ખમાસાગેટ પાસેના “પ્રાર્થના સમાજ”ના નાનકડા હૉલમાં ફાધર વાલેસને લઈ જવા માટે હું નિયત સમયે પહોંચ્યો. ફાધર વાલેસ સાથેનું એ પ્રથમ મિલન-દર્શન અત્યંત સંમોહક-સ્નેહપૂર્વક ઊર્મિઉછાળથી હૃદયને ભીંજવી નાંખનારું બની રહ્યું! ફાધર વાલેસનું વ્યક્તિત્વ … સત્ત્વશીલ આભા મંડળ યુક્ત-પ્રદીપ્ત દ્યુતિનો જાણે સગુણ-સાકાર સાક્ષાત્કાર! ફાધર પ્રત્યે હું કાંઈ અનુનયવિવેક કરું એ પહેલાં જ ફાધરે સસ્મિત ઉમળકાથી મને આવકાર્યો અને કહ્યુંઃ “ચાલો, હું તૈયાર જ છું.” જેવા અમે પ્રાંગણમાં ઊભી રાખેલી રિક્ષા તરફ ચાલ્યા, ફાધરે મારો હાથ પકડીને આત્મીય સંસ્પર્શની અનુભૂતિ કરાવી. રિક્ષામાં અમે બંને ગોઠવાયા … હું જરા સંકોચપૂર્વક થોડું અંતર રાખીને બેઠો. ફાધર વાલેસે સૌમ્ય સ્મિત વેરતાં મારા ખભે હાથ મૂકી મારું નામ પૂછ્યું … સાંભળીને કહે :  “હર્ષદ યાજ્ઞિક, શું તમે યજ્ઞ કરો છો?” મેં કહ્યું : “યાજ્ઞિક છું એટલે યજ્ઞક્રિયા જાણું છું, પરંતુ હમણાં અમદાવાદમાં સરકારી નોકરીને કારણે એ બધું છૂટી ગયું છે … પરંતુ અમારી યુવક-સંસ્થા ‘આરત”માંની કામગીરી પણ ‘યજ્ઞક્રિયા’ સમાન જ સમજીએ છીએ …”

વાતવાતમાં રિક્ષા મીઠાખળી નજીક પહોંચવાની હતી અને ફાધર વાલેસે મારા પારિવારિક જીવનની માહિતી મેળવી. વતન લીંબડી છોડી, અમદાવાદમાં ભાડાની ઓરડીમાં માતા સાથે રહું છું, એમ કહ્યા પછી ફાધરે પૂછ્યું, “અને પિતાજી?” મેં કહ્યું, “પિતાજી સ્વાતંત્ર્યસૈનિક હતા અને હું માત્ર ૩ વર્ષનો હોઈશ, ત્યારે ૧૯૪૫માં સ્વર્ગવાસી થયા.” ફાધરે આગળ પૂછ્યુંઃ પછી આગળ અભ્યાસનું શું?” મેં કહ્યું કે હવે કૉલેજ જૉઇન કરવા વિચારું છું. ફાધરે સહજસંવેદનથી કહ્યું : “આગળ અભ્યાસ સારી રીતે કરો અને કોઈ પણ મુશ્કેલી હોય તો મને મળજો …” આમ વાતવાતમાં અમે પ્રાર્થના સમાજ હૉલ પહોંચ્યા. પ્રવેશદ્વારે તમે મિત્રો ફાધર વાલેસના સ્વાગત માટે ઉપસ્થિત હતા.

સ્વાગત પ્રવચનમાં તમે જે કહ્યું તે મારી યાદદાસ્ત પ્રમાણે ઉતારું તો “ભારતીય દર્શન અને ચિંતનમાં ‘સેવા’ એ કોઈ પરોપકારી પદાર્થ નથી, પરંતુ પ્રાણીમાત્રની પીડાને પોતીકી પીડા સમજી. અનુભવી સમસંવેદના, એકત્વ અને અદ્વૈતની ભૂમિકાએ સહજપણે પ્રવાહપ્રાપ્ત કર્મની રીતે આપણે સેવાની વિભાવનાને સમજવાની રહે છે. प्राणिनां आर्तिनाशनम्‌ એ આપણાં ધ્યેયમંત્ર છે. સુદૂર સ્પેનથી ભારત આવી દૂધમાં સાકરની જેમ ભળી જનાર ફાધર વાલેસનું આપણી વચ્ચે હોવું એ પૂર્વપશ્ચિમના સંગમરૂપ તીર્થઘટના છે, એવી આરતભરી લાગણી સાથે ફાધર વાલેસનું હાર્દિક સ્વાગત!” પછી ફાધર વાલેસ  ‘સેવાનું તત્ત્વજ્ઞાન’ એ નિયત વિષય ઉપર ઉદ્‌બોધન માટે આગળ પધાર્યા. થોડી ક્ષણો મૌન રહીને ફાધરે તેમનું ઉદ્‌બોધન શરૂ કર્યું … ફાધર એ ક્ષણોમાં કેવા પ્રભાવક લાગતા હતા ! સૌમ્ય મુખાકૃતિ, સૌષ્ઠવથી દીપ્તિમાન દેહયષ્ટિ … પ્રભુ ઈસુના આજીવન સમર્પિત સેવાવ્રતી ફાધર વાલેસ તેમનાં શુભ્રવસ્ત્રોમાં જાણે શુભવસ્ત્રા ભગવતી સરસ્વતી-શારદાના ‘ચોઝન સન’ જેવા-મંત્રમુગ્ધ કરતી વાણીથી યુવાહૃદયોને ઝંકૃત કહી રહ્યા હતા!

‘સેવાનું તત્ત્વજ્ઞાન’ વિષય પ્રમાણમાં ગંભીર ફિલસૂફીનો હોવા છતાંયે ફાધરનો એ વિશેષ રહ્યો કે આવા ગહનતમ વિષયને પણ અત્યંત સરળ વાક્યપુષ્પોથી પ્રસ્તુત કરીને શ્રોતાઓના હૃદય સુધી તેની સૌમ્ય-સૌરભ સહજપણે પ્રસારી રહ્યા …! ફાધરે એક સરસ દૃષ્ટાંતથી સેવાના સાતત્યને પ્રતીકાત્મક રીતે પ્રસ્તુત કરતાં ઉચ્ચાર્યું : “સેવા એ આપણો સહજ સ્વભાવ છે. કારણ કે આપણે મનુષ્યો છીએ. સુસંસ્કૃત-સુસભ્ય મનુષ્યો … તેથી સાચી અને સારી રીતની સેવા એ છે કે, આપણે સેવા કરી રહ્યા છીએ, એવી સભાનતા પણ ખરી પડે … ત્યારે સેવાકાર્ય એ અહેતુક-નિઃસ્વાર્થ ઉપાસના-આરાધના બની રહે … જે રીતે ભગવાન શિવજી ઉપર, જળાધારીમાં રહેલું પવિત્ર જળ અવિચ્છિન્ન ધારાપ્રવાહથી શિવજીનો અભિષેક કરે છે, આપણું સેવામય જીવન પણ એવી જ અવિચ્છિજા સાતત્યપૂર્ણ સેવાગંગાનો પુણ્યપ્રવાહ બની રહે …”

પ્રકાશભાઈ, આપણે સહુ મિત્રો ફાધર વાલેસના આવા પ્રેરક ઉદ્‌બોધનનું રસપાન કરી રહ્યા હતા ત્યારે મનમાં એવો સહજ પ્રતિભાવ જાગ્યો કે આ તે વિદેશી-વિધર્મી ધર્મપ્રચારક પાદરી છે કે ભારતીય ભાવાવરણને સાદ્યંત ઝીલનાર, સવાયા ગુજરાતી, ભારતને ચાહનાર એક પૂર્વ-પશ્ચિમના સેતુરૂપ – વિવેકાનંદ-વિનોબા-વાજપેયીની તરંગલંબાઈયુક્ત સખ્ય-સંવાદની કૃષ્ણાર્જુનની પ્રતિમૂર્તિ સમાન એ ઉદ્‌બોધન અને પછીનો પ્રશ્નોત્તર ઉપક્રમ બની રહ્યો. કાર્યક્રમની પરિસમાપ્તિ પછી પ્રકાશભાઈ, જ્યારે આપણે સહુ ફાધર વાલેસની આસપાસ વીંટળાઈને બહાર નીકળવા લાગ્યા ત્યારે, ખ્રિસ્તી-ધર્મપ્રચારક-પાદરી અંગેની પૂર્વઅવધારણા જાણે ઢીલાં વસ્ત્ર જેમ સરકી ગઈ!

પ્રકાશભાઈ, પછીનાં વર્ષોમાં તો આપણને ફાધરનું જે ઘેલું લાગેલું, તેને કારણે તેમનાં પ્રેરક પુસ્તકો વાંચ્યાં. પછીનાં વર્ષે આપણે ફરીથી ફાધર વાલેસને ‘યુવકજીવનનાં મૂલ્યો’ વિશે ઉદ્‌બોધન માટે નિમંત્ર્યા … આમ એ સખ્ય-સંવાદ અને આત્મીય સંબંધોની ઉષ્મા વર્ષો વીતવાની સાથે નિરંતર વૃદ્ધિમાન થતી રહી … ફાધર વાલેસ આપણને કદીયે ઉપદેશક નહીં, પરંતુ ‘મૈત્રી’ના મૂર્તિમંત પ્રતીકરૂપ રહ્યા … પછીનાં વર્ષોમાં ફાધર વાલેસના બહુઆયામી વ્યક્તિત્વ-કર્તૃત્વનો ગુજરાન અને શેષભારતને પણ સુપેરે પરિચય થયો … એ બધી વાતોથી ગુજરાત અને દેશજનતા સુવિદિત છે.

પ્રકાશભાઈ, એ વાસંતી વર્ષોમાં આપની ૨૨મી શરદે – મારી ૨૦મી શરદે આપણે જે સ્વપ્નો સેવેલાં … જે સ્વપ્નસિદ્ધિની શોધ આરંભેલી તેવા ફાધર વાલેસ જેવા ઋષિમનીષીનો સંસ્પર્શ-સંપર્ક અત્યંત પ્રેરક-નિર્ણાયક રહ્યો! અમદાવાદમાં આપની જેમ જ રાજ્યશાસ્ત્ર વિષયમાં સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ પછી રાજનીતિશાસ્ત્રના વ્યાખ્યાના તરીકે શિક્ષણકાર્ય પછી, મારે વલ્લભવિદ્યાનગરની નલિની કૉલેજમાં જવાનું બન્યું. એ દરમિયાન ૧૯૮૯માં વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા સદ્‌ગત ભાઈકાકાના જન્મશતાબ્દીવર્ષમાં શ્રી એચ.એમ. પટેલના સૂચનથી ભાઈકાકા જન્મશતાબ્દી-ઉજવણીમાં ‘મીડિયા-સેલ’ અને અતિથિવક્તાઓ અંગેની વિવિધ કામગીરીની જવાબદારી મને સોંપવામાં આવેલી.

૧૯૮૯માં અનેકવિધ કાર્યક્રમોમાં શ્રી ભાઈકાકા સ્મૃતિ-વ્યાખ્યાનનું પણ આયોજન થયેલું. સવારની બેઠકમાં પ્રો. પુરુષોત્તમ માવળંકરસાહેબ પધારેલા જ્યારે સાંજની બેઠકમાં ફાધર વાલેસ પણ પધારેલા. એ કાર્યકાળમાં અતિથિવક્તા અને મંચસ્થ અન્ય મહાનુભાવોના પરિચયવિધિની કામગીરી, મારી દીકરી ઈરાને ભાગે આવેલી. શ્રી એચ.એમ. પટેલસાહેબનું આવકાર-પ્રવચન અને ત્યાર બાદ ફાધર વાલેસનું પ્રેરક ઉદ્‌બોધન … એ કાર્યક્રમ-બંને કાર્યક્રમો યાદગાર અને પ્રેરક બની રહ્યા ! સમારંભ પછી ફાધર વાલેસે ઈરાની નજીક જઈને તેના ખભે હાથ મૂકીને અત્યંત વત્સલ પિતાતુલ્યભાવે ઉચ્ચાર્યું : “ઈરાબહેન, તમે બહુ સારું બોલ્યાં!” એ સાંભળી શ્રી એચ.એમ. પટેલસાહેબે ફાધર વાલેસને કહ્યુંઃ “આ ઈરા, અમારા સહુની લાડલી દીકરી છે. ગયા વર્ષે ગુજરાતી ભાષા-સાહિત્યમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવીને તેણે શ્રી ઉમાશંકર જોષી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે.” આ સાંભળી ફાધર વાલેસે અત્યંત ઉષ્માપૂર્વક ઈરાને કહ્યું, “હવે પછી અમદાવાદ આવો, ત્યારે જરૂર મળવા આવજો!” મારી સામે જોઈને ફાધરે મંદમંદ સ્મિત વેરતા ઉચ્ચાર્યું : “પ્રાધ્યાપક યાજ્ઞિક, છેલ્લે આપણે અમદાવાદમાં મળેલા … તમે વિદ્યાનગરમાં સ્થાયી થયા … લાગે છે, તમારી દીકરી ઈરા તમારાથી સવાઈ બની રહેશે!”

પ્રકાશભાઈ, આવી પ્રેરક સ્મૃતિઓ, ફાધર વાલેસની મહેંક લઈને હજુયે અનુભવાય છે. પછીનાં વર્ષોમાં મારી દીકરી ઈરા લગ્ન કરીને લંડન સ્થાયી થઈ. લંડનમાં જે. સેન્સબરીમાં કસ્ટમર કેર ડેસ્ક ઉપર આજે પણ કેટલાક કસ્ટમર્સ ઈરાને જ્યારે પૂછે છે કે “શું તું સ્પેનિશ છે?” ત્યારે ઈરા મૃદુ હાસ્ય સાથે કહે છે : “હા, હું સ્પેનિશ છું અને મારા ફાધરનું નામ વાલેસ છે!”

આવા સ્મૃતિશેષ ફાધર વાલેસને સસ્નેહ-સાદર શ્રદ્ધાંજલિ!

— હ.યા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 14-15

Loading

13 January 2021 admin
← રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ
તંગ છે પતંગ આ વખતનો … →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved