
રાજ ગોસ્વામી
થોડા વખત પહેલાં, એક મિત્રએ માર્મિક સવાલ કર્યો હતો : “ધર્મના નામે લોકોની હત્યા કરવામાં આવતી હોવા છતાં, લોકોને કેમ એવું લાગે છે કે જીવન કરતાં ધર્મ વધુ મહત્ત્વનો છે?” જે લોકો ધર્મમાં માને છે, તે ક્યારે ય એવું નહીં સ્વીકારે કે ધર્મ હિંસાની અનુમતિ આપે છે. તેમનો તર્ક એવો હોય છે કે ધર્મના નામે થતી હિંસા પાછળ આર્થિક અથવા તો રાજકીય કારણો હોય છે, ધાર્મિક નહીં. બીજા અમુક લોકોનો તર્ક એવો હોય છે કે જે લોકો હિંસા કરે છે, તેમને ધાર્મિક જ ન ગણાય.
આ બંને તર્ક નબળા છે. પહેલી વાત તો એ છે કે હિંસા પાછળનાં આર્થિક કે રાજકીય કારણોને ધર્મથી અલગ કરીને જોવાં અસંભવ છે. ઇતિહાસમાં, અને વર્તમાનમાં પણ, જેટલાં પણ ધર્મયુદ્ધો થયાં છે, તે તમામમાં પ્રત્યક્ષ કારણ આર્થિક કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાનો જ છે. વિચારધારાઓનો ઉપયોગ તો સામાન્ય લોકોને હિંસાની તરફેણમાં રાખવા માટે થાય છે, પરંતુ જે લોકો હિંસાની યોજના કરે છે અને તેનો અમલ કરે છે તેઓ તો સત્તાના નક્કર લક્ષ્ય માટે તે કરતા હોય છે.
એટલા માટે શાંતિ અને સદ્દભાવનો સંદેશ આપતા ધર્મોમાં એવા લોકો તાકતવર બન્યા જ છે જે હિંસાને સત્તાના એક સાધન તરીકે વાપરતાં હોય. અમેરિકામાં નોર્થ કેરોલિના સ્થિત વેક ફોરેસ્ટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ રિલીજિયનના પ્રોફેસર ચાર્લ્સ કિન્બાલે 2002માં “વ્હેન રિલીજિયન બીકમ્સ ઇવિલ” (ધર્મ જ્યારે દુષ્ટ બની જાય) નામના પુસ્તકમાં લખ્યું હતું કે, “આમ એ ચવાઈ ગયેલી પણ બદ્દનસીબ હકીકત છે કે, માનવ ઇતિહાસમાં બીજી કોઈ સંગઠનાત્મક તાકાત કરતાં, ધર્મના નામે સૌથી વધુ યુદ્ધો થયાં છે, સૌથી વધુ લોકોની હત્યા થઇ છે અને વર્તમાનમાં તેના નામે સૌથી વધુ દુષ્ટતા આચરવામાં આવે છે.”
વિરોધાભાસી લાગે તેવી વાત એ છે કે ધર્મના નામે હત્યા થઈ શકે છે એવી સમજ હોવાના કારણે જ લોકોને જીવન કરતાં ધર્મ વધુ મહત્ત્વનો લાગે છે. આ વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવી પડે. પહેલી વાત તો એ છે કે સંગઠિત ધર્મનો ઉદય થયો ત્યારથી માણસે ધર્મને જીવનથી ઉપરનું સ્થાન આપ્યું છે; ધર્મ માણસ માટે છે એવું નહીં, માણસ ધર્મ માટે છે. એટલા માટે માણસ ધર્મ માટે બલિદાન અને ત્યાગ આપે છે. સંગઠિત ધર્મમાં માણસ પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે તે ધર્મને મહત્ત્વ આપે, તેના જીવનને નહીં. એ કારણથી જ માણસ ધર્મના નામે મરી જવા માટે અને મારી નાખવા તૈયાર હોય છે.
લાખો વર્ષ પહેલાં, માણસે પોતાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને જીવનને બહેતર બનાવવા માટે ધર્મનો આવિષ્કાર કર્યો હતો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શરૂ કર્યું હતું. ધર્મ મનુષ્યની સેવા અને કલ્યાણ માટે હતો. ઉત્તરોત્તર ઈશ્વરની એ કલ્પના એટલી શક્તિશાળી બની ગઈ કે માણસની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તબ્દીલ થઇ ગઇ અને માણસ ધર્મની સેવા અને કલ્યાણ માટે બલિદાન આપતો થઈ ગયો. એટલા માટે આજે ગરીબમાં ગરીબ અને અભણમાં અભણ માણસ પણ પોતાની મુસીબતોનો ભૂલીને ધર્મ અને ઈશ્વરની ‘મુસીબતો’ દૂર કરવા ફના થઈ જાય છે. ધર્મનું કલ્યાણ એ માણસનું કલ્યાણ નહીં, માણસનું કલ્યાણ એ ધર્મનું કલ્યાણ, એમ હોવું જોઇતું હતું, માનવ ઇતિહાસમાં આ એક મોટી ગરબડ થઈ છે.
માણસ અકલ્પનીય રીતે દુષ્ટ બની શકવાની ક્ષમતા ધરાવે છે. ધર્મ તે ક્ષમતાને ઔચિત્ય બક્ષે છે. નાસ્તિક જેટલી આસાનીથી હિંસા ન કરી શકે, તેટલી આસાની અને ગૌરવથી ધાર્મિક માણસ હિંસા કરી શકે. ધાર્મિક માણસને લાગે છે કે તે કોઈ મહાન કામ માટે તેની તાકાતનો ઉપયોગ કરી રહ્યો છે. તેને લાગે છે કે તે જો ધર્મની રક્ષા માટે હિંસા કરશે તો તેને પુણ્ય મળશે. અંગત સ્વાર્થ કે ઈચ્છા માટે માણસ કોઈની હત્યા કરે તો તેને જેલ મળે, પણ એ જ માણસ જો ધાર્મિક આસ્થાની કોઈને મારે તો સ્વર્ગ મળે.
હિંસા અનૈતિક અને ગેરકાનૂની બંને છે, પણ તેને જો ધાર્મિકતાનો રંગ આપી દેવામાં આવે, તો તે જાયજ બની જાય છે. એટલા માટે, ધર્મના અનુયાયીઓ સામાજિક-રાજકીય સત્તા માટે હિંસાના ઉપયોગમાં ધાર્મિક ઔચિત્યનો સહારો લે છે.
ધર્મનો જન્મ પ્રાચીન કબીલાઈ સમાજમાંથી થયો છે. તે સહેતુક “અમે” અને “તમે” વચ્ચે વિભાજન કરે છે, અને લોકોને “બીજા”થી ડરવા તેમ જ તેમનાથી અવિશ્વાસ કરવા પ્રેરે છે. એ લોકોની વિવેકશક્તિને ખારીજ કરે છે અને લાગણીઓ તેમ જ આદિમ વૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે. વિવેકશક્તિ વૃત્તિઓ પર નિયંત્રણ મૂકે છે. ધર્મ તેને અનુમોદન આપે છે.
ધર્મ તેની તાકાત દિવ્ય શક્તિમાંથી મેળવે છે. ધર્મ કહે છે કે દિવ્ય શક્તિનું એક માત્ર અધિકૃત પ્રતિનિધિત્વ તે પોતે કરે છે. તે જે કંઈ કરે છે તે દિવ્ય શક્તિના આદેશથી કરે છે. આ કારણથી જ ધર્મ પોતાને અન્ય સમુદાયો પર સર્વોપરી સ્થાપિત કરવા પ્રયાસ કરે છે. એ સર્વોપરિતામાં થતી હિંસા ઉચિત ગણાય છે કારણ કે તે “બહુજન હિતાય” માટે હોય છે. તમામ ધર્મોમાં આ જ પ્રકારની સર્વોપરિતાના ટકરાવ હોય છે. સ્વાભાવિક રીતે જ, જે ધર્મના નામે હિંસા કરે છે તેને પૂજનારા લોકો પણ હોય છે.
ધાર્મિક આસ્થાથી પ્રેરિત દુષ્ટ વ્યક્તિ ક્યારે ય એવું ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા બધા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને કારણ કે તેની પડખે ધર્મ છે અને બીજા લોકો બીજા ધર્મના છે. એવા લોકો અમુક પ્રકારના ધાર્મિક વિચારો અને માન્યતાઓને ઘડે અને પછી તેમનાં કૃત્યોને એ વિચારો અને માન્યતાઓની દુહાઈ આપીને ઉચિત ઠેરવે. તેનાથી એવું સાબિત થાય કે તેમના ઈરાદા નેક છે, પણ જેમને તેની સામે વાંધો છે તે લોકો દુષ્ટ છે. એટલા માટે દુષ્ટતાનું જન્મસ્થાન પૂર્વગ્રહો છે. તમે એકવાર અમુક માન્યતાઓ કેળવી લો પછી, તેને સાચી માનીને મરવા-મારવા પર ઉતરી જવાનું આસાન થઈ જાય.
ધાર્મિક આસ્થા વ્યક્તિના ઈગો અથવા આઇડેન્ટિટીની ઢાલ બની જાય છે. એ વિશ્વાસ તેના માટે સચ્ચાઈ બની જાય છે, વાસ્તવિકતા બની જાય છે. એ વિશ્વાસની વિરુદ્ધ જવું એ પોતાની જાત સામે જવા બરાબર છે. એ વિશ્વાસ ખોટો હતો, જૂઠ પર આધારિત હતો એવું સ્વીકારવું તેના માટે અઘરું થઈ જાય છે. ઊલટાનું, વ્યક્તિ એ વિશ્વાસને બરકરાર રાખવા માટે ગમે તે હદ સુધી જઈ શકે.
દુનિયામાં જેટલા પણ અત્યાચાર થયા છે તે વિશ્વાસનું રક્ષણ કરવા થયા છે. કટ્ટરતા સૌથી પહેલાં વિશ્વાસમાંથી આવે છે અને ખૂન કરવા સુધી લઈ જાય છે. વિશ્વાસ ખતરનાક એટલા માટે છે કારણ કે તેને સાચા હોવા માટે કોઈ બાહ્ય પુરાવાની જરૂર નથી. ઇન ફેક્ટ, હું કશામાં માનું છું એ જ એનો સૌથી મોટો પુરાવો છે. એ અર્થમાં, અંધ વિશ્વાસ જેવું કશું હોતું નથી. દરેક વિશ્વાસ અંધ જ હોય છે.
ઇતિહાસમાં જેટલા પણ અત્યાચાર થયા છે તે “નેક ઈરાદા”થી થયા છે. “હું તો તારા સારા માટે કરું છું” કહીને ઘણાં માબાપ તેમનાં સંતાનોને ત્રાસ આપતાં હોય છે. ધાર્મિક લીડરોનું પણ એવું છે. એ તેમના ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે છે. દરેક ધર્મ શાંતિનો સંદેશ આપે છે છતાં, ધર્મના નામે લોકો કેમ સૌથી વધુ હિંસા કરે છે?
જવાબ : હું તો તારા સારા માટે કરું છું.
મહાત્મા ગાંધીએ એટલા માટે સાધન શુદ્ધિની વાત કરી હતી. વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર જો દુષ્ટ હોય તો વિચાર નકામો.
—————————–
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર