Opinion Magazine
Number of visits: 9744383
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુઓ રામ ભરોસે તો નથી છોડી દેવાયાને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 July 2022

આપણા વડા પ્રધાન ‘વાતોનાં વડાં’ પ્રધાન પણ છે. એ એટલા વ્યસ્ત છે કે ભગવાનની જેમ અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થાય છે. ઘડીકમાં એ અમેરિકી પ્રમુખ સાથે હાથ મેળવતા દેખાય છે તો ઘડીકમાં, ભા.જ.પ.ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં – તુષ્ટિકરણ નહીં, પણ તૃપ્તિકરણનો મહિમા કરતા દેખાય છે. એક દિવસ એ 7 ડિજિટલ સેવાઓ દેશને સમર્પિત કરે છે, તો એક દિવસ એ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પોસ્ટરમાં આવકારે છે. એ જુદી વાત છે કે ત્યાં પણ દ્રૌપદીજીને બદલે ફોટામાં દર્શન તો સાહેબનાં જ થાય છે. અનેક જગ્યાએ સાહેબ દર્શન દે છે. કદીક જો અંતર્ધ્યાન થયેલા જણાય તો માનવું કે એ દિવસે વર્તમાનપત્રો બંધ રહ્યાં હશે. સગવડો હોય ને માણસ પહોંચી વળે એ જુદી વાત છે, પણ વડા પ્રધાનને બધું જ આવડે એ સાહેબે નોટબંધી, કૃષિકાનૂન, અગ્નિપથ જેવાં પ્રકરણોમાં વખતોવખત સાબિત કરી આપ્યું છે. દેશમાં ઓછું રહેતા હોય તો પણ તેમણે વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કર્યું નથી એ જ સ્વદેશીનો મહિમા કરવા પૂરતું છે. મહત્ત્વના પદ પર આવ્યા પછી માણસને થોડો પ્રમાદ ઘેરી વળતો હોય છે, પણ વડા પ્રધાન થાકતા નથી. દરેક મુદ્દે એમણે કૈં ને કૈં કહેવાનું હોય છે ને રોજ કહેવાનું હોય છે. એમણે જ મનની વાતો એટલી કહેવાની હોય છે કે લોકોને પણ મન છે ને એમણે ય કૈં કહેવાનું હશે એવું તો યાદ જ નથી આવતું. આ એ જ પ્રજા છે જેણે સાહેબના એક અવાજ પર ગેસની સબસિડી જતી કરેલી. એ પ્રજા રાંધણ ગેસ પર વર્ષમાં 244 રૂપિયાનો બોજ કેવી રીતે વેંઢારે છે એ સવાલ સાહેબને થતો નથી તેનું આશ્ચર્ય છે.

હજી સુધી તો ભારત લોકશાહી દેશ છે ને સમ ખાવા પૂરતો વિપક્ષ પણ છે જ, એ કેટલો રહેશે તે નથી ખબર, પણ સાહેબે ભક્તોનો વિશાળ સમુદાય અંકે કર્યો છે ને એ જતે દિવસે વિપક્ષ મુક્ત ભારત કરે તો નવાઈ નહીં ! સાહેબે શું ભણાવ્યું હશે તે નથી ખબર, પણ કોઈ મંત્રી, કોઈ પ્રદેશ પ્રમુખ, કોઈ સાંસદ, કોઈ  વિધાનસભ્ય કે કોઈ કોર્પોરેટર ટી.વી. પર સાહેબના નામના મણકા ન ફેરવતા હોય એવું બનતું નથી. આટલો ભક્તિભાવ દેશ આખામાં ઊભો કરવો એ રમત વાત નથી. આટલો પ્રભાવ પાથર્યા પછી એટલું સહેલાઈથી કહી શકાય કે દેશે હાલવું હોય તો ભલે હાલે, પણ સાહેબની ઈચ્છા વગર પાંદડું ય હાલે એમ નથી. સમજી શકાય એવું છે કે આદર્શો, સિદ્ધાન્તો, સ્થાપન, ઉત્થાપન આ બધું જ સાહેબને ઇશારે થતું હશે. જો આ સાચું હોય તો પૂરા આદર સાથે એ વાત ઉમેરવાની થાય કે દેશમાં હિન્દુઓનો અવાજ સંભળાતો થયો હોય તો એ સાહેબની ઇચ્છાનો જ પડઘો છે, બાકી હિન્દુઓને તો પૂછતું જ કોણ હતું? એક વાત સ્પષ્ટ છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. નથી જ ! પણ, હિન્દુ પ્રજાને મગમાંથી પગ તો ફૂટ્યા જ છે. એમ હોય ને હિન્દુ પ્રજા હિન્દુત્વનો સ્વર બુલંદ કરે ને એનો સરકારને વાંધો ન હોય તો એ આ અવાજનું સમર્થન કરે છે એમ માનવું પડે. પ્રજા એવો અવાજ બુલંદ કરે ત્યારે તેને ઊંડે ઊંડે એવી આશા હોવાની કે કૈં થશે તો સરકાર તેની સાથે છે. એ આશા ઠગારી નીવડી રહી હોય એવું છેલ્લા થોડા દિવસોમાં લાગવા માંડ્યું છે.

આમાં એક પળ માટે પણ વિધર્મીઓની અવગણનાની વાત નથી, પણ કોઈક કારણસર જો થોડા વિધર્મીઓ આક્રમક થાય તો સરકારની ભૂમિકા કેવીક હશે એ પ્રશ્ન મૂંઝવે છે. એમ લાગે છે કે હિન્દુઓનો અવાજ વધવાનું શરૂ થયું ત્યારથી મુસ્લિમોને અસલામતી વધતી લાગી છે. એ ખરું કે હિન્દુઓએ માઇક પરથી થતી અજાનનો વાંધો ઉઠાવ્યો છે છતાં તે બંધ નથી કરાવી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી શરૂ કરાઇ છે. જો અજાનથી પ્રદૂષણ વધતું હોય તો ચાલીસાથી કઇ રીતે ઘટે તે સમજવાનું મુશ્કેલ છે. બનવું તો એવું જોઈએ કે દરેક ધર્મના વડા પોતે જ સમજીને અવાજ ન થાય એવો પ્રબંધ કરે. આમ તો સ્વતંત્રતા પહેલાં ને પછી પણ માઇક પરથી અજાન પોકારાતી જ હતી, પણ ત્યારે હિન્દુઓ વિરોધ કરી શકે એમ ન હતું, કારણ ત્યારે ધાક લાગતો. કાઁગ્રેસી સરકારો મત મેળવવા લઘુમતીઓને પંપાળતી રહી ને એમાં લઘુમતીનો અવાજ બુલંદ રહ્યો. આ સ્થિતિ ભા.જ.પ.ની સરકાર કેન્દ્રમાં બની ત્યારે સુધરી. હિન્દુઓ બોલતા થયા. હિન્દુ ધર્મનાં વિધિવિધાનોનું જાહેર વર્ચસ્વ વધતું આવ્યું. હિન્દુ મતોનું મહત્ત્વ સમજાયું ને તેમને પ્રોત્સાહન વધ્યું. હિન્દુઓ પણ મિજાજ ધરાવતા થયા, છતાં એ હકીકત છે કે આખા ઇતિહાસમાં કોઈ હિંદુએ તલવારને જોરે કોઈ મુસ્લિમને હિન્દુ બનાવવાની કોશિશ નથી કરી કે ન તો બાબરી અગાઉ કોઈ મસ્જિદ તોડી છે. બાબરી પહેલાં તો હિન્દુઓ જ માર ખાતા આવ્યા છે. આ પ્રજા સહિષ્ણુ ને ધર્મભીરુ હતી. છે. એવું ન હોત તો મોગલો બહારથી આવીને મંદિરો તોડવામાં ને ઉપર મસ્જિદ સ્થાપવામાં સફળ થયા ન હોત.

બધું પોતાના ધર્મમાં જ છે એવી માન્યતાઓ હિન્દુઓમાં પણ ઘર કરવા માંડી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એવું બન્યું છે કે વ્યક્તિગત અનુભવો આખી કોમ તરફના તિરસ્કારનું કારણ બન્યા છે. થોડાક વિધર્મીઓ કે થોડાક હિન્દુઓને કારણે આખી કોમ ખરાબ ગણાવા લાગી છે ને નફરત પણ આખી કોમ માટે ફેલાવા લાગી છે. એમાં સોશિયલ મીડિયાએ ને કેટલાંક ગ્રૂપે ઉમેરો કર્યો છે. એક વાત સમજી લેવાની રહે કે ન તો હિન્દુની કે ન તો વિધર્મીની આખી કોમ ખરાબ છે, પણ કમનસીબે નફરત આખી કોમ માટે વધી છે. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારે ને પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓએ મુસ્લિમો તરફનો અણગમો વધારવાનું કામ કર્યું છે. એ સારું થયું કે ખરાબ, પણ ધાર્મિક શિક્ષણે પણ નફરત વધારવાનું જ કામ કર્યું છે. બાકી હતું તે ટી.વી. ચેનલોએ ધાર્મિક વિવાદ વકરે એની કાળજી લીધી છે. આ બધું સરકારની જાણ બહાર થયું હોય એમ માનવાનું મુશ્કેલ છે. ભા.જ.પ.ની સરકારોમાં હિન્દુઓ વધારે બોલકા થયા છે ને એમાં મંત્રીથી માંડીને પ્રવક્તા કે સાધારણ માણસ પણ બાકાત નથી. એટલા બધા લવારા ધર્મને નામે થયા છે કે એમાંથી જ્ઞાન શોધવાનું મુર્ખાઈ ભરેલું લાગે. એમાં વાત જો સરકાર સુધી આવી તો તે બે કામ કરે છે, કયાં તો તે બુલડોઝર ફેરવી દે છે અથવા તો પક્ષમાંથી તગેડી મૂકે છે, પણ એથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

નુપૂર શર્માએ ધાર્મિક ટિપ્પણી કરી ને જે સંજોગોમાં કરી તેની તપાસમાં નથી સરકાર પડી કે નથી સુપ્રીમ કોર્ટ પડી. એણે આખા દેશમાં એક પ્રકારની અશાંતિ ને અકળામણ ઊભી કરી છે. એનું પરિણામ એ આવ્યું કે પોતે નુપૂર શર્માનાં સમર્થનમાં છે એવું કોઈ કહે તો તેને માથે મોત ઊભું થઈ જાય. એ જ મુદ્દે અમરાવતીના એક કેમિસ્ટનું અને ઉદેપુરના એક દરજીનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાઈ છે. એના તાર આતંકી પ્રવૃત્તિ સુધી લંબાયા છે. એ ઉપરાંત જેમણે પણ શર્માના સમર્થનમાં હોવાની વાત કરી છે એમને હત્યાની ધમકીઓ મળી છે. કાયદો, કાયદાનું કામ કરશે એવું આશ્વાસન અપાય છે. એ તો કરશે ત્યારે કરશે, પણ આમ, નિર્દોષોનાં ઘાતકી રીતે મોત થતાં રહે તો એ અટકાવવા કૈં થઈ શકે એમ છે કે ખૂન થયા પછી કાયદો, કાયદાનું કામ કરે એની રાહ જોવાની છે તે સમજાતું નથી.

કાયદો પણ કાયદાથી કેટલુંક કામ કરશે એ પણ પ્રશ્ન જ છે. નુપૂર શર્માએ સુપ્રીમમાં માંગ કરી કે તેનાં પર થયેલા કેસો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે, પણ તે ચલાવવા પહેલાં જ સુપ્રીમની બેન્ચે તેને એમ કહીને ચુકાદો આપી દીધો કે દેશમાં જે કૈં બની રહ્યું છે એને માટે એ જ જવાબદાર છે ને તેણે ટી.વી. ચેનલ પર આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ. આમ થતાં શર્માને ન્યાય મેળવવાથી જ વંચિત કરી દેવા જેવું થયું છે. સુપ્રીમના જજ સૂર્યકાંત અને જજ પારડીવાળાએ જે રીતે શર્માને જવાબદાર ઠેરવી એમાં કાયદા કરતાં અંગત અણગમો જાહેર થઈ ગયો હોય એવું વધારે લાગ્યું. એને કારણે ઘણાં હિન્દુઓ નારાજ થયા ને સુપ્રીમની ટિપ્પણીઓ સામે લગભગ 117 ગણમાન્ય ભારતીયોએ સી.જે.આઈ. રમણાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. આ ભારતીયોમાં હાઈકોર્ટના પૂર્વ જજ, અમલદારો, સૈન્યના અધિકારીઓ … વગેરે છે. પત્રમાં એ પુછાયું છે કે બેન્ચની ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાન્તો અનુસાર હતી તો એનો આદેશમાં ઉલ્લેખ કેમ નથી?

માથાં કાપવાની બે ઘટનાથી આખો દેશ ખળભળી ઊઠ્યો છે અને ભય અને આઘાતનું વાતાવરણ છે, ત્યારે દેશનો કોઈ મંત્રી આ બાબતે બોલવા તૈયાર નથી એ વધારે આઘાતજનક છે. આમ તો રાજ્યમાં હિન્દુ ધર્મના પાઠ ભણાવવાની વાતો ચાલતી હોય, ગીતાનો રાજકીય સ્તરે મહિમા વધારાતો હોય ત્યારે રાજ્યસરકાર કે કેન્દ્ર સરકાર એ રીતે ચૂપ છે, કેમ જાણે આ હત્યાઓ ભારતની બહાર બની છે. આ ઠીક નથી. વડા પ્રધાન છાશવારે અનેક મુદ્દે બોલતા રહેતા હોય કે કેન્દ્રીય ગૃહ મંત્રી હિન્દુત્વની વાતો ફેલાવતા રહેતા હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ધાર્મિક વિધિવિધાનોનો આગ્રહ રાખતા હોય એ સાહેબો, નિર્દોષ દરજી અને કેમિસ્ટનું ગળું કાપી નાખવાને મુદ્દે ચૂપકીદી સેવે ત્યારે એમ માનવાનું છે કે જે ધાર્મિક વાતોનો તેઓ પુરસ્કાર કરે છે એમાં તેમને મત મેળવવા સિવાય બીજો કોઈ રસ નથી? એક તરફ ધાર્મિક તીવ્રતા જગવવાની પ્રવૃત્તિઓનો પુરસ્કાર થતો હોય ને એનાં પરિણામ સ્વરૂપ કોઈ ધાર્મિક સ્ટેન્ડ લે તો તેની સાથે સરકાર નથી એમ માનવાનું છે? વિદેશી રાષ્ટ્રોની બીકે સરકારે/પક્ષે જેમ પ્રવક્તાથી હાથ ખંખેરી લીધા એમ એ જનતાથી પણ હાથ ખંખેરી લેશે, એવું? જેણે પણ હિન્દુત્વનો ઝંડો ઊંચકવો હોય તેણે પોતાને ખર્ચે ને જોખમે તેમ કરવું એવું તો સરકારનું કહેવું નથીને? એમ લાગે છે કે સરકારે હિન્દુઓને ફરી એક વાર રામ ભરોસે છોડી દીધા છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જુલાઈ 2022

Loading

8 July 2022 admin
← માઓ હિટલર કરતાં ચાર ડગલાં આગળ હતા
ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો →

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved