Opinion Magazine
Number of visits: 9733423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ વિચારધારાનાં જોરમાં બીજી વિચારધારા દબાઈ ગઈ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 March 2020

મારી યુવાનીમાં મેં ત્રણ પ્રકારના લોકોને ભારતીય રાષ્ટ્રને અને બંધારણને નકારતા જોયા હતા. એ ત્રણમાં એક હતા સામ્યવાદીઓ. તેમને એમ લાગતું હતું કે ભારતીય રાષ્ટ્રમાં જો સર્વહારા શ્રમિક કેન્દ્રમાં ન હોય અને બંધારણમાં તેમના અરમાનોને વાચા આપવામાં ન આવી હોય અને  અધિકારોનું રક્ષણ ન થતું હોય તો એવા રાષ્ટ્રનો અને બંધારણનો શું ખપ? તેઓ કહેતા હતા કે ભારતને જે આઝાદી મળી છે તે ઉપર ઉપરની રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો હજુ મેળવવાની બાકી છે. એ અમે, સામ્યવાદીઓ, વર્ગસંઘર્ષ દ્વારા મેળવીને રહીશું.

બીજો વર્ગ દલિતોનો હતો. તેમને એમ લાગતું હતું કે જો ભારતીય રાષ્ટ્રમાં સામાજિક સમાનતા સર્વોચ્ચ સ્થાન ન ધરાવતી હોય, બંધારણમાં તેને કેન્દ્રમાં રાખવામાં ન આવી હોય અને શોષિતોને તેમનું નામ પાડીને તેમ જ પાપ યાદ કરાવીને ખબરદાર કરવામાં ન આવ્યા હોય તો એવું રાષ્ટ્ર અને એવું બંધારણ શા ખપનાં? ડૉ. આંબેડકરે પોતે કહ્યું હતું કે જે બંધારણ ઘડાયું છે એ મને અભિપ્રેત બંધારણ નથી. જો મારે એકલાએ બંધારણ ઘડવાનું હોત તો અત્યારનાં બંધારણ કરતાં ઘણું જુદું હોત. આમાં તો દલિતોનાં અને શોષિતોનાં હિતોનું સમાધાન કરવામાં આવ્યું છે. ટૂંકમાં દલિતો પણ એમ માનતા હતા કે ભારતને જે આઝાદી મળી છે એ તો સ્થૂળ રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો હજુ લેવાની બાકી છે.

ત્રીજો વર્ગ હિન્દુત્વવાદીઓનો હતો. તેઓ પણ ભારતીય રાષ્ટ્ર અને ભારતીય બંધારણને નકારતા હતા. આઝાદી પછી ઘણાં દાયકાઓ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય રાષ્ટ્રધ્વજનું અભિવાદન નહોતો કરતો. તેમને એમ લાગતું હતું કે જે દેશમાં હિંદુઓ બહુમતીમાં હોય એ દેશમાં હિંદુઓનો ધર્મ, હિંદુઓની સંસ્કૃતિ અને હિંદુઓનું ભૌતિક હિત કેન્દ્રમાં ન હોય તો એવું રાષ્ટ્ર અને એવું બંધારણ શા ખપનાં? તેમને પણ એમ લાગતું હતું કે ભારતને જે આઝાદી મળી છે એ નકલી રાજકીય છે, હિન્દુને કેન્દ્રસ્થાને મૂકનારી સાચી આઝાદી મેળવવાની હજુ બાકી છે અને તે આર.એસ.એસ. લઈને રહેશે.

આમ આ ત્રણેય જૂથો આઝાદીને નકારતા હતા અને તેને જૂઠી અથવા અધૂરી કહેતા હતા. આદિવાસીઓ હાંસિયામાં હતા અને મુસલમાનો પાકિસ્તાન બન્યા પછી ઓશિયાળા હતા. આ ત્રણેય વિચારધારાઓના ટેકેદારોએ અને તેના નેતાઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો નહોતો. આનું મુખ્ય કારણ એ હતું કે આઝાદ ભારત કેવું હશે તેની તેમને જાણ હતી. ૧૯૨૯ પછી કૉન્ગ્રેસે બે મહત્ત્વનાં ઠરાવો કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત સંપૂર્ણ આઝાદી મેળવીને રહેશે અને આઝાદ થયેલું ભારત લોકતાંત્રિક હશે. તેમાં પ્રત્યેક ભારતીયને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કે શરતો વિના પુખ્ત મતદાનનો અધિકાર હશે. દરેક ભારતીયની ઓળખ નાગરિકની હશે અને દરેક નાગરિક કોઈ પણ પ્રકારના વિશેષાધિકાર વિના એક સમાન અધિકાર ભોગવતો હશે. આનો અર્થ એ થયો કે એક તરફ બ્રાહ્મણો કે સવર્ણોને કોઈ વિશેષાધિકાર નહીં મળે અને બીજી તરફ દલિતોને, આદિવાસીઓને, સ્ત્રીઓને અને દરેક પ્રકારની લઘુમતીઓને મૂળભૂત અથવા પાયાના માનવીય અધિકારોથી વંચિત રાખવામાં નહીં આવે.

સવાલ એ હતો કે જેમને અધિકાર એટલે શું એની જાણ નથી, જેને માગતા પણ આવડતું નથી અને જો માગે તો પરંપરાગત શોષક સમાજ મોઢે ડૂચા મારે છે એવા લોકોનું ખાસ બાવડું ઝાલવું જોઈએ કે નહીં? માનવતાનો તકાદો હતો કે ઉદાર બનીને ખાસ બાવડું ઝાલવું જોઈએ. ભારતનું લાંબા ગાળાનું હિત પણ તેમાં હતું એટલે અત્યારે બાવડું ઝાલવું એમાં ડહાપણ પણ હતું. આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ કે વર્ગ એકલો જમી ન શકે. ભાગ તો આપવો જ પડે. જો તોળીને તેના હકનો જ ભાગ આપવામાં આવે તો તેમાં ન્યાય તો જળવાય, પણ સંપ ન જળવાય. મનમાં થોડો રંજ તો રહે જ. હજારો વર્ષ સુધી શોષણ કર્યા પછી માત્ર હકનું જ આપ્યું? સદીચ્છાનો સાવ અભાવ? બીજું એ માણસ તેનો હક ભોગવી શકે એવી સ્થિતિએ તેને લાવવાનો કે નહીં? આનો અર્થ તો એ થયો કે એક હાથે આપો અને બીજા હાથે તેને વંચિત રાખો પછી તે બ્રાહ્મણ સ્ત્રી કેમ ન હોય?

કૉન્ગ્રેસે આઝાદી પહેલાં જ કહી દીધું હતું કે આવું નહીં થવા દઈએ. આઝાદ ભારતમાં દરેકને એનો હક મળશે અને જે લોકો આપેલા અધિકાર ભોગવી શકવાની પણ સ્થિતિમાં નથી તેમનું બાવડું ઝાલીને તેમને તેવી સ્થિતિમાં મૂકવામાં આવશે. આ રાષ્ટ્રીય કર્તવ્ય છે. કૉન્ગ્રેસે આ બધું ફોડ પાડીને કહ્યું હતું અને દરેક જણ આ જાણતું હતું. આઝાદ ભારતની કલ્પના વ્યાપક અને સાંગોપાંગ ચર્ચાને અંતે આટલી સ્પષ્ટ અને પ્રામાણિકતાપૂર્વક કોઈએ રજૂ નહોતી કરી. કૉન્ગ્રેસના અને ગાંધીજીના રાજકીય દુશ્મનોને પણ જાણ હતી કે આઝાદ ભારત કેવું હશે.

આની સામે સામ્યવાદીઓએ, ડૉ. આંબેડકરે કે બીજા કોઈ દલિત નેતાઓએ આઝાદ ભારતની પૂરી કલ્પના રજૂ નહોતી કરી. મને ક્ષમા કરજો, પણ હિન્દુત્વવાદીઓનું તો એટલું બૌદ્ધિક ગજું પણ નહોતું અને પોતાના મનના વિચાર બોલી બતાવવા જેટલી ઈમાનદારી પણ નહોતી. અત્યારે જે બને છે એવું બનવાનું છે એમ ૨૦૧૯ની ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યું હતું? એટલે તેઓ કૉન્ગ્રેસની કલ્પનાના ભારતને નકારતા હતા, પણ તેમની કલ્પનાના ભારતને વાચા નહોતા આપતા. આ સિવાય તેઓ અનેક મોઢે બોલે છે. માત્ર તેઓ અત્યારના ભારતીય રાષ્ટ્રને અને બંધારણને નકારતા હતા.

જેમને કૉન્ગ્રેસની કલ્પનાના ભારત સામે વાંધો હતો તેમણે તેમની કલ્પનાના ભારતની રૂપરેખા નહોતી રાખી. કૉન્ગ્રેસની જેમ રાષ્ટ્રીય ચર્ચા કરવા કરાવવાનું તો બાજુએ રહ્યું, તેમના મંચ પરથી પણ વ્યાપક ચર્ચા નહોતી યોજી. પોથીનિષ્ઠ સામ્યવાદીઓ ઝીણી કાથાકૂટ કરતા હતા અને ડૉ. આંબેડકર એકપક્ષીય પ્રબોધન/માર્ગદર્શન કરતા હતા. સાંગોપાંગ ચર્ચા એ જુદી વસ્તુ છે જેમાં દરેક અવાજને કાન આપવામાં આવે. અને હિન્દુત્વવાદીઓએ તો આવો કોઈ પ્રયાસ પણ નહોતો કર્યો. હિન્દુત્વવાદીઓનો એક દસ્તાવેજ કે પ્રસ્તાવ એવો જોવા નહીં મળે જે દેશ સમક્ષ ચર્ચા માટે રાખવામાં આવ્યો હોય, એટલે રાષ્ટ્રીય ચર્ચાનો તો સવાલ જ નથી.

તો ટૂંકમાં વાત આમ હતી : માત્ર કૉન્ગ્રેસે આઝાદ ભારતની રૂપરેખા દેશ સમક્ષ રાખી હતી. એ રૂપરેખાને ઉપર કહ્યા એ ત્રણેય વર્ગના લોકોએ નકારી હતી. વિકલ્પે તેમણે તેમની પોતાની કોઈ રૂપરેખા નહોતી રાખી. આઝાદી પછી આ ત્રણેય ધારાના લોકોએ ભારતની આઝાદીને નકલી ગણાવી અને બંધારણને નકાર્યું હતું. એ સમયે કૉન્ગ્રેસની રાજકીય તાકાત પ્રચંડ હતી. કૉન્ગ્રેસની કલ્પનાના ભારતને પ્રજાનો અને વિચારશીલ-કર્મશીલ-સંવેદનશીલ લોકોનો ટેકો હતો. બીજી બાજુ તેની સામેનો પ્રતિકાર કે અસ્વીકાર પણ ઠીકઠીક પ્રમાણમાં હતો. તેઓ ભલે સત્તા સુધી પહોંચ્યા નહોતા, પણ તેમનું અસ્તિત્વ ગણનાપાત્ર હતું. એમાં હિન્દુત્વવાદીઓનું અસ્તિત્વ વધારે ગણનાપાત્ર હતું.

આ સ્થિતિમાં મુસલમાનો નક્કી જ નહોતા કરી શક્યા કે તેમનું હિત મુસલમાન તરીકે ઓળખાવવામાં વધારે છે કે નાગરિક તરીકે ઓળખાવવામાં? આઝાદી પછી તરત જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન શેખ અબ્દુલ્લાએ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લખ્યું હતું કે હજુ તો બંધારણ અમલમાં આવ્યે વરસ માંડ થયું છે, તમે વડા પ્રધાન છો, ગાંધીનો પ્રભાવ અને તેમના સાથીઓ હયાત છે ત્યારે જો મુસલમાનોને લલકારવામાં આવતા હોય અને ડરાવવામાં આવતા હોય તો ભવિષ્યમાં આ બંધુ કાંઈ જ નહીં હોય ત્યારે અમારું શું થશે? શેખ અબ્દુલ્લા એ વાતની યાદ દેવડાવવાનું નહોતા ચૂક્યા કે ભારતીય મુસલમાનો પાસે પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં તેમણે સેક્યુલર લોકતાંત્રિક ભારતનું ચયન કર્યું છે.

મુસલમાનોએ સેક્યુલર ભારતનું ચયન કર્યું હતું, પણ મુસલમાનોને મુસલમાન હોવાની યાદ સતત અપાવવામાં આવતી હતી. પાકિસ્તાનના ગુનેગાર તરીકે તેમને જોવામાં આવતા હતા અને તેમને પાકિસ્તાન જતા રહેવાની સલાહ અને ધમકી આપવામાં આવતી આવતી હતી. આવી સ્થિતિમાં મુસલમાનોને એમ લાગ્યું હતું કે નાગરિક કરતાં મુસલમાન હોવાની અને રહેવાની ઓળખમાં વધારે સલામતી છે. જો મુસલમાન મુસલમાન બનતો હોય તો ધર્મઝનૂની મુલ્લાઓ અને મુસલમાનોને વોટબેંક તરીકે વેચતા નેતાઓ ગેલમાં આવી જાય એ સ્વાભાવિક છે. આ બાજુ હિન્દુત્વવાદીઓ પણ ગેલમાં આવી ગયા હતા કારણ કે સામે બેટિંગ કરનારા મળી ગયા. કોમવાદી રાજકારણ કરવું હોય તો સામે એક પક્ષ હોવો જરૂરી છે જેને દુશ્મન ઠરાવી શકાય.

ભારતીય રાષ્ટ્ર અને ભારતીય બંધારણને નકારનાર જે ત્રણ જૂથ હતાં એમાં આજે હિન્દુત્વવાદીઓ બાજી મારી ગયા છે. આનાં સંભવિત શું પરિણામો આવી શકે કે આવશે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2020

Loading

8 March 2020 admin
← પરપીડા કે સ્વપીડા વ્યક્ત કરતી સ્ત્રી-લેખકોની કસોટી એ કે પોતે સાચું લખી શકશે કે કેમ, કેટલું ને કેટલા સમય લગી …
Delhi Violence: Genesis of Carnage →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved