
રવીન્દ્ર પારેખ
અમેરિકામાં વૉલમાર્ટની વેબસાઇટ પર ભગવાન ગણેશની છબીઓ-પેન્ટ, ચપ્પલ, સ્વિમ સૂટ પર લગાવીને વેચવાને મામલે, અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયે વિરોધ કરતાં ભારે હોબાળો થયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ તસ્વીરોવાળાં ઉત્પાદનોનાં વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરતાં કંપનીએ ખેદ વ્યક્ત કરીને ઓનલાઈન વેચાણ બંધ કર્યું હતું. વૉલમાર્ટે એ પણ સ્વીકાર્યું કે આ રીતની તસ્વીરો ધાર્મિક ભાવનાઓ અને ભરોસાને ઠેસ પહોંચાડનારી છે. વૉલમાર્ટે એની પણ ખાતરી આપી કે તે આવી વિવાદિત સામગ્રી વેચતી કંપનીના સંપર્કમાં છે ને શક્ય તેટલી વહેલી આ સામગ્રી ન વેચાય તેની કોશિશ કરશે. જો કે, કંપનીએ 48 કલાકમાં જ એવી સામગ્રી હટાવી દીધી હતી ને એવી ખાતરી આપી હતી કે હવે પછી આવું નહીં થાય. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વૉલમાર્ટનો તાત્કાલિક પરિણામ આપવા બદલ આભાર માન્યો હતો. વૉલમાર્ટની વેબસાઇટ પર ચૈપ્સ નામની કંપની આ પ્રોડક્ટ વેચી રહી હતી. ગણેશને દુનિયામાં 1 અબજથી વધુ લોકો વિઘ્નહર્તા દેવ તરીકે પૂજતા હોય તો તેને આમ ચંપલ કે સ્વિમ સૂટ પર છાપીને કોઈ પણ કંપની વેચે તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. જો ભારતીય કંપનીઓ અન્ય ધર્મના દેવી-દેવતાઓનું માન જાળવતી હોય તો અન્ય કોઈ પણ વિદેશી કંપનીને ગણેશ, લક્ષ્મી કે અન્ય કોઈ પણ દેવી-દેવતાઓની છબીઓનો હીન હેતુઓથી ઉપયોગ કરવાનો અધિકાર નથી ને એ બધી રીતે વખોડવાને પાત્ર છે. કેટલીક કંપનીઓ આવું વેચાણ બંધ તો કરતી હોય છે, પણ તે બંધ થાય એ દરમિયાન થોડું વેચાણ તો થઈ જ ચૂક્યું હોય છે ને વેચાયેલી વસ્તુઓ કૈં પરત ખેંચાતી નથી એટલે થોડે ઘણે અંશે તો કંપનીઓ તેના બદઈરાદામાં સફળ થાય જ છે. ખરેખર તો કોઈ પણ કંપનીને કોઈ પણ ધર્મનાં દેવી-દેવતાઓનાં આવાં હીન વેચાણનો અધિકાર જ ન હોવો જોઈએ.
આવું કૈં પહેલી વખત બન્યું નથી. આ અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓને ચંપલ પર, દારૂની બોટલો પર, પેન્ટ, અન્ડરવેર પર છાપીને વિદેશી કંપનીઓએ અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી, એ તો ઠીક, પણ હિન્દુ દેવી-દેવતાઓનાં મંદિરો તોડવામાં કે તેમની મૂર્તિઓ ખંડિત કરવામાં દેશમાં કે વિદેશમાં કેટલાંક વિધર્મીઓને ભારે ઝનૂન ચડતું હોય છે. તે ભયંકર છે ને પૂરેપૂરું લાજ શરમ વગરનું છે. પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને કે મંદિરને ખંડિત કરવામાં અગ્રેસર છે. આમ તો પેટ ચોળીને ભારતે જ ઊભું કરેલું શૂળ છે – બાંગ્લાદેશ ! 1971માં ભારતે જ બાંગ્લાદેશનાં સ્વતંત્ર સર્જનમાં ભાગ ભજવેલો ને તે હવે ભારત સામે જ શિંગડાં ભરાવી રહ્યું છે. દુનિયાના કાજી બનીને ફરતાં ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મણિપુરનો પ્રશ્ન મૂંઝવતો નથી તેનું આશ્ચર્ય છે. પાકિસ્તાનમાં મંદિરોની તોડફોડ થાય છે કે મણિપુર હિંસક આંદોલનમાં ભડકે બળે છે કે બાંગ્લાદેશી પૂર્વ પ્રધાન મંત્રી શેખ હસીનાને કારણે થતાં મંદિરો પરનાં ને લઘુમતી હિન્દુઓ પરના હિંસક હુમલાઓને ભારત હળવાશથી લઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી.
ગયા ઓગસ્ટમાં બાંગ્લાદેશના યુવાનોએ બળવો કર્યો અને વડાં પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણું શોધ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓનો તે પછી શિકાર થઈ રહ્યો છે. ભારત સરકારનું એ મામલે વલણ મોળું છે. શેખ હસીના બાંગ્લાદેશના ગુનેગાર છે તો ભારતે તેમને અહીં પોષીને ત્યાંનાં હિન્દુઓ પરનું જોખમ વધારવા કરતાં વધારે સારું તો એ છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દે અને બાંગ્લાદેશની સરકારને સમજાવવાની કોશિશ કરે. તેમ ન થાય તો વિશ્વનો મત મેળવીને બાંગ્લાદેશ પર દબાણ ઊભું કરે, પણ વિશ્વ, ભારત સાથે ન આવે એમ બને, કારણ કે તે જો મુસ્લિમ વિરોધી ભારતીય વલણ અંગે કે બુલડોઝર ન્યાય અંગેની કુંડળી કાઢે તો ભારતને જવાબ આપવાનું ભારે પડે, જ્યારે બાંગ્લાદેશને એ ચિંતા નથી કે તેનાં હિન્દુ વિરોધી વલણનો ભારતના મુસ્લિમો પર કેવોક પ્રભાવ પડે છે? ખરું તો એ છે કે સત્તાધીશો હિન્દુ અને મુસ્લિમ નામનાં રમકડાંથી રમે છે ને રમકડાંનું તો એવું છે કે એ તો તૂટે પણ ખરું ને તૂટે તો નવું ય આવે. એ આવે કે ન આવે રમત ચાલવી જોઈએ. શો મસ્ટ ગો ઓન …
કેટલાંક કટ્ટરવાદી તત્ત્વોએ ઢાકા નજીકના ઇસ્કોન મંદિરને શુક્ર-શનિવારની રાત્રે, 2થી 3નાં ગાળામાં, પેટ્રોલ અને ઑકટેનનો ઉપયોગ કરીને આગ લગાડી દેતાં મંદિરની મૂર્તિઓ અને સાધન-સામગ્રીઓની રાખ થઈ ગઈ હતી. ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારામણ દાસનું કહેવું છે કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવપંથી સભ્યોને ટાર્ગેટ કરીને કટ્ટરવાદીઓના હુમલાઓ વિના રોકટોક ચાલી રહ્યા છે. કેટલાક વીડિયોમાં એવી ધમકીઓ પણ અપાઈ છે કે સરકાર ઇસ્કોનપર પ્રતિબંધ નહીં મૂકે તો અમે પોતે જ તેમને મારીશું.
ભારતના કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભા.જ.પ. અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, પણ પ્રતિભાવ મોળો છે. બાંગ્લાદેશમાં ઢાકામાં આવેલું નમહટ્ટા સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું ને સેન્ટરમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિરને સળગાવી દેવામાં આવ્યું હતું. મંદિરની પાછળના ભાગની ટીનની છત ઉઘાડીને, તેમાંથી પેટ્રોલ અને જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવવામાં આવી હતી. આ અંગે વચગાળાની સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્રો ઇરાદાપૂર્વક નિષ્ક્રિય રહ્યાં છે. ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાંના હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે ને ત્યાંનાં સાધુઓ અને તેમના અનુયાયીઓને તિલક ન લગાવીને ઓળખ છુપાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી નોબેલ પારિતોષિક મેળવનાર મોહમ્મદ યુનૂસની સરકાર અસ્તિત્વમાં આવી છે, ત્યારથી ભારત સાથેના તેના સંબંધો ઠીક નથી. છેલ્લા કેટલાક સમયથી ત્યાંના કટ્ટરવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ને તેને કારણે પણ ભારતનો વિરોધ વધુ તીવ્ર થયો છે. જો કે સેનાની છાયામાં કામ કરી રહેલી મોહમ્મદ યુનૂસની સરકાર પર તેની કોઈ અસર નથી.
ભારત, ઓગસ્ટથી બાંગ્લાદેશના હિન્દુઓ અને અલ્પસંખ્યકોની ચિંતા કરી રહ્યું છે, પણ યુનૂસની સરકાર એમ વર્તી રહી છે કે ક્યાં ય કૈં અણગમતું બન્યું જ નથી. એથી વધુ વિચિત્ર તો એ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક હુમલાઓ યુનૂસ સરકારને નગણ્ય લાગે છે, એટલું જ નહીં, તેને ભારતની ચિંતા તેમના આંતરિક મામલાઓમાં દખલ રૂપ લાગે છે. ભારતે રોકડું કરી દેવું જોઈએ કે મંદિરો અને હિન્દુઓ પરના હુમલાઓ બાંગ્લાદેશની આંતરિક બાબત નથી, કારણ તેઓ અવિભાજિત ભારતના જ નાગરિકો છે. એ દુ:ખદ છે કે મોહમ્મદ યુનૂસની સરકાર નથી તો હુમલાઓ રોકી શકતી કે નથી તો જેહાદી તત્ત્વોને કાબૂ કરી શકતી. આ તત્ત્વોનું દુસ્સાહસ એ છે કે તે ભારતને ધમકીઓ આપે છે. આવું સાહસ તો જ થાય, જો તેને સેના અને સરકારનું રક્ષણ હોય. યુનૂસની સરકાર એટલી તો રીઢી થઈ ગઈ છે કે તેને આંતરરાષ્ટ્રીય દખલની પણ પરવા નથી. ભારત પ્રતાડિત હિન્દુઓની એટલી ચિંતા કરીને રહી જાય કે તેઓ ભારતમાં ઘૂસી ન આવે, તો તેટલું પૂરતું નથી. તેણે એ પણ જોવું જોઈએ કે લઘુમતી હિન્દુઓ ત્યાં જ સુરક્ષિત રહે. ટૂંકમાં, ભારતે, લઘુમતીઓ ત્યાં સુરક્ષિત રહે એ માટે તમામ પ્રયત્નો કરવા જ જોઈએ. દુ:ખદ તો એ પણ છે કે ભારત સરકારે હિન્દુ લઘુમતીની સુરક્ષાની વાત કરી છે ત્યારે વિપક્ષો તેની પડખે ભાગ્યે જ ઊભા રહ્યા છે.
લાગે છે તો એવું કે શેખ હસીનાને સુરક્ષિત કરવામાં ભારતે બાંગ્લાદેશનાં હિન્દુઓ અને અલ્પસંખ્યકોને અસુરક્ષિત કરી મૂક્યા છે. ખરેખર તો ભારતે વેચાતી લેવાની જરૂર જ ન હતી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ડિસેમ્બર 2024