 તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ રજૂ થઈ. એને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં એક છોગું ઉમેરાયું અથવા તો એક નવું પ્રકરણ લખાયું. ‘હેલ્લારો’ને ચોમેરથી વાહ વાહ મળી. ખૂબ વખણાઈ. કચ્છીઓ એમ માનીને હરખાયા કે એ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહવાહીમાં કોઈને એ ન દેખાયું કે ફિલ્મનો વિચાર તો સાચો છે, પરંતુ એનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે. કચ્છનાં લોકગીત, લોકસંગીત અને ઢોલ પરંપરા સાથે જોડાયેલી પ્રજાની માનસિકતાનો ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક કે લેખકે અભ્યાસ કર્યો હોય એવું જણાતું નથી.
તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ રજૂ થઈ. એને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં એક છોગું ઉમેરાયું અથવા તો એક નવું પ્રકરણ લખાયું. ‘હેલ્લારો’ને ચોમેરથી વાહ વાહ મળી. ખૂબ વખણાઈ. કચ્છીઓ એમ માનીને હરખાયા કે એ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહવાહીમાં કોઈને એ ન દેખાયું કે ફિલ્મનો વિચાર તો સાચો છે, પરંતુ એનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે. કચ્છનાં લોકગીત, લોકસંગીત અને ઢોલ પરંપરા સાથે જોડાયેલી પ્રજાની માનસિકતાનો ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક કે લેખકે અભ્યાસ કર્યો હોય એવું જણાતું નથી.
રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નો કેફ ફિલ્મ માણનારા ગુજરાતીઓને હજુ ઊતર્યો નથી. જેમણે જોઇ તેમણે આ ફિલ્મને વખાણી છે, જોનારા પૈસા વસૂલ થઈ ગયાનો સંતોષ માને છે. જો કે ફિલ્મની રીતે ફિલ્મ સારી છે. અભિનય અને છબી કલા ઉત્તમ છે. કેમેરા ટેકનિકનો ભરપૂર ઉપયોગ થયો છે. અભિનેત્રીઓએ સ્ત્રી અભિવ્યક્તિઓની બારીકી રજૂ કરી છે. જો આ ફિલ્મમાંથી કચ્છ કે ગુજરાત બાદ કરીએ તો એકાદ અપવાદને બાદ કરતાં માણવાલાયક ફિલ્મ છે. પરંતુ ફિલ્મની પશ્ચાદભૂ સાથે જોડાયેલા લોકજીવન લોકમાનસની જાણકારીનો ભયંકર અભાવ દેખાય છે.
સૌ પ્રથમ આ ફિલ્મના કેન્દ્રમાં સ્ત્રી ચેતના છે. મહિલા અભિવ્યક્તિ સ્વતંત્રતાનો મુદ્દો આ ફિલ્મનો મુખ્ય વિચાર છે. આ વિષય ભારતીય ફિલ્મો માટે નવો નથી. આ અગાઉ ફિલ્મો દ્વારા ઉત્તમ રીતે આ બાબત કહેવાઈ છે. અહીં ‘મિર્ચ મસાલા’ અને ‘રુદાલી’ને યાદ કરવી ઘટે. ‘મિર્ચ મસાલા’ ગુજરાતની ધરતી ઉપર આકાર લેતી અને ગુજરાતી ગરીમાનું પ્રતિબિંબ છે. આ ફિલ્મ સ્ત્રીનાં જાતીય શોષણની કથા છે છતાં પણ આખા ય પુરુષ સમાજને વખોડતી નથી. એનું ચોકીદારનું પુરુષ પાત્ર (ઓમપુરી) સમસ્ત સ્ત્રીઓના શિયળનો ચોકીદાર બની મેદાને પડે છે અને એક ચોક્ક્સ ઊંચાઈએ પહોંચે છે. જ્યારે ‘હેલ્લારો’માં પુરુષોને જે રીતે ક્રૂર બતાવાયા છે, એવા ક્રૂર પુરુષો ન તો કચ્છમાં હતા કે ન તો છે. ન તો કોઈ જ્ઞાતિમાં સ્ત્રીઓ ઉપર એવા અત્યાચાર થાય છે.
‘હેલ્લારો’ને સંગીત પ્રધાન ફિલ્મ પણ કહી શકાય. આ ફિલ્મમાં એક ઢોલીનું પાત્ર છે. જેના થકી જ આખી ય કથા આકાર લે છે. અહીં ઢોલ સ્ત્રીઓની સ્વતંત્રતા અને સ્ત્રીત્વના પ્રતીક તરીકે આવ્યું છે. ઢોલ ગુજરાતના સંગીત સાથે મૂળથી જોડાયેલું વાદ્ય છે. તબલા, નોબત, ઢોલક જેવાં વાદ્યો જ્યારે ગુજરાતમાં નહોતાં, ત્યારે ઢોલ હતો. એવી જ રીતે લોકરાસ પણ ગુજરાતની ઓળખ છે. આજના સમયમાં કરોડો રુપિયાનો કારોબાર થાય છે એવો નવરાત્રીનો તહેવાર મૂળે તો લોકરાસ સાથે જોડાયેલો છે. લોકરાસમાં સ્ત્રીઓ જ કેન્દ્ર સ્થાને રહેતી. લોકરાસ સ્ત્રીઓ વગર અધૂરા છે. તો એવું કેમ બને કે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં સ્ત્રીઓને રમવા ઉપર પ્રતિબંધ હોય ? એક તરફ નવરાત્રી અને ગરબા ગુજરાતની ઓળખ બની ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં જ સ્ત્રીઓને ઢોલ પર રમવાની મનાઈ હોય એવી ફિલ્મ રજૂ કરીને ફિલ્મ બનાવનારા શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી.
ફિલ્મની કથા સાથે જોડાયેલાં પાત્રો પશુપાલક, શ્રમિક, દલિત કે કૃષિકાર વર્ગનાં હોય એવું દેખાય છે. વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને ગજરાતી ભાષામાં લોકવર્ણ (લોકવરણ) પણ કહે છે. ઢોલ પણ લોકવર્ણ સાથે જોડાયેલો છે. એ ચામડાની વસ્તુ હોવાથી મોટા ભાગે વગાડવાનું કામ અમુક જ્ઞાતિઓ જ કરતી રહી છે. ‘હેલ્લારો’ લોકસંગીત અને લોકવરણની માનસિકતાનો છેદ ઉડાડી દેતી ફિલ્મ છે. લોકસંગીત સથે જોડાયેલા દલિત, શ્રમિક, પશુપાલક અને ખેડૂત વર્ગમાંથી જ લોકગીતો આવ્યાં અને અત્યાર સુધી ગવાતાં રહ્યાં છે. લોકગીતોના રચયિતા મોટા ભાગના લોકવરણના જ અજ્ઞાત કવિઓ હતા. ત્યારે એ વર્ગની સ્ત્રીઓને રમવાની છૂટ ન હોય એવું ગુજરાતનું કોઈ ગામડું કે કોઈ વિસ્તાર કોઈના ધ્યાનમાં હોય અને જણાવશે તો ઉપકારક બનશે. પટકથાના લેખકે જે મુદ્દો ઉપસાવ્યો છે એ માટે ગુજરાત અને તેમાં ય કચ્છની ભૂમિ કોઈ રીતે યોગ્ય નથી. જો કે નિર્માતા, નિર્દેશક કે લેખક એમ કહીને છૂટી જાય કે આ તો કાલ્પનિક ઘટના છે. આજના ગરબા નામે ઓળખાતા લોકરાસ એ કચ્છના હોય, બરડા પંથકના હોય, સોરઠના હોય, હાલારના હોય, ઝાલાવાડના હોય, ભીલોના હોય કે પછી આદિવાસીઓના હોય. આ બધા જ લોકરાસ સ્ત્રીઓ થકી જ છે. લોકરાસ અને ઢોલ સાથે ગુજરાતની સ્ત્રીઓ સદીઓથી જોડાયેલી રહી છે. અને પુરુષોએ ન તો સ્ત્રીઓનો વિરોધ કર્યો છે કે ન ઢોલનો.
કચ્છીઓ આ ફિલ્મ જોઈને બહુ હરખાયા છે. કેમ કે આ ફિલ્મના કેન્દ્રમાં કચ્છ છે. પરંતુ થોડાક ભૂંગા (ઝૂંપડાં), કચ્છનું રણ, જોડિયા પાવા અને મુરાલાલાના અવાજને બાદ કરતાં આ ફિલ્મ કોઈ રીતે કચ્છની નથી લાગતી. નિર્માતા કે નિર્દેશક ભલે નકારતા હોય, છતાં એ સત્ય છે કે ફિલ્મની પટકથા રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં ભૂતકાળમાં બનેલી ઘટનાના વિચારબીજ ઉપર રચાયેલી છે. એ ઘટનાનો ઉલ્લેખ રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’માં પણ છે. દુલેરાય કારાણીના સાહિત્યમાં પણ એ ઘટના નોંધાયેલી છે. એ કથા ઐતિહાસિક છે એમાં ના નહીં. પરંતુ આ ફિલ્મ એ ઇતિહાસ ઉપર રચાયેલી નથી. લેખકે એવો પ્રયાસ પણ નથી કર્યો. (જ્ઞાતિ વિશેષ કથાઓ ઉપરથી ફિલ્મ બનાવવી કેટલી જોખમી છે તે ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જાણે છે.) આ ફિલ્મને વ્રજવાણીની કથા સાથે ન જોડીએ તો ય, આ ફિલ્મ બનાવવામાં જોડાયેલા લોકો કચ્છથી અપરિચિત હોય એવું દેખાઈ આવે છે. અભિનેતાઓને પહેરાવવામાં આવેલાં કપડાં કચ્છનાં નથી. કચ્છના પુરુષો ક્યારે ય માથા પર લાલ પાઘડી પહેરતા નહોતા. (એ બનાસકાંઠાના ભરવાડો પહેરે છે.) ઘરેણાં અને લોકનૃત્ય પણ કચ્છનાં નથી.
નવરાત્રીના પહેલા દિવસે પુરુષોનું જે લોકનૃત્ય રજૂ કરાયું છે તે તરણેતરના મેળામાં રજૂ થતા પુરુષોનું લોકનૃત્ય છે. ગીરમાં જેને નેસ કહે છે એને કચ્છમાં વાંઢ કહે છે. એ વાંઢોમાં માણસો કરતાં અનેકગણા પશુઓ હોય છે. ‘હેલ્લારો’ની વાંઢોમાં પશુઓ જ અદશ્ય છે. (નિર્દેશકે બેકગ્રાઉન્ડમાં પશુના અવાજ મૂકીને સંતોષ માન્યો છે.) આ ફિલ્મનો ગાળો ૧૯૭૫નો સ્પષ્ટ રીતે બતાવાયો છે. ૧૯૭૫ની આસપાસ આખા ય કચ્છમાં રાજ્ય પરિવહન નિગમની બસ અંતરિયાળ વિસ્તારો સુધી જતી હતી. એમાંના કેટલાક રૂટ તો આજે પણ ચાલે છે. શું ૧૯૭૫માં કચ્છનો વાગડ વિસ્તાર એટલો પછાત હતો કે ભૂજ જવા માટે ઘોડાથી જવું પડે ? અને રણમાં રહેતો માણસ ઘોડો પાળે કે ઊંટ ? વળી કચ્છમાં ક્ષત્રિયોને બાદ કરતાં સવારી માટે ઘોડાનો ઉપયોગ કરનારા જૂજ લોકો હતા. ફિલ્મમાં દેખાતું પુરુષોનું મધ્યયુગીન ક્રૂર માનસ કચ્છના પુરુષોમાં ક્યારે ય નથી રહ્યું. ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં કચ્છ જ્ઞાતિ સમરસતા અને સ્ત્રીસ્વાતંત્રની બાબતમાં આગળ રહ્યું છે. અહીં ત્રીજા ભાગની વસ્તી મુસ્લિમોની છે, છતાં નાનકડાં છમકલાં(તે ય આજના સમયમાં)ને બાદ કરતાં હિન્દુ મુસ્લિમ કે દલિત હિંદુઓની સમસ્યા વકરી નથી. કચ્છના જનમાનસની રગ જાણવા માટે ખાસ્સા અભ્યાસની જરૂર પડે, અહીં ધામા નાખીને રહેવું પડે. એટલે જો આ ફિલ્મ કચ્છ ઉપર બનાવાઈ હોવાનું કહેવાતું હોય તો કચ્છીઓએ ઝાઝા હરખાવાની જરૂર નથી.
e.mail : mavji018@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2019
 

