
રવીન્દ્ર પારેખ
કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને મર્ડરની ઘટનાએ આખા દેશના તબીબી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે ને ઠેર ઠેર હડતાળ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તે એ હદે કે સુપ્રીમ કોર્ટે કાલે ટ્રેઈની ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસનું પોતે સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ 20 ઓગસ્ટે સવારે સાડા દસે આ કેસની સુનાવણી કરશે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમિતિ રચવાની જાહેરાત કરી છે. આઇ.એમ.એ. – ઇંડિયન મેડિકલ એસોસિએશને પણ 17 ઓગસ્ટે ચોવીસ કલાકની દેશભરમાં હડતાળ પાડી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધી રહેલા કેસને કારણે સંબંધિત મંત્રાલયે ડૉક્ટર્સને ફરજ પર હાજર થવા વિનંતી પણ કરી છે, તો, હડતાળ અને વિરોધ વાજબી હોવા છતાં, ઓ.પી.ડી. અને સર્જરી પ્રભાવિત થાય એ પણ ઈચ્છવા જેવું નથી. આમાં કશોક સુધારો થાય એવું જરૂર ઇચ્છીએ, એ સાથે જ દેશભરમાં ઊઠેલો વિરોધ એમ જ શમી જાય એવું પણ કોઈ ન ઈચ્છે. સાધારણ રીતે બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ અંગેનો વિરોધ મોટે ભાગે વાંઝિયો જ રહી જવા પામે છે, એ સ્થિતિમાં આટલો પ્રચંડ વિરોધ કોઈ પરિણામ વગર જ શમી જાય એ પણ ઠીક નથી. વિરોધનો આ અગ્નિ પ્રજ્વલિત રહે એવું કોઈ પણ ઇચ્છશે, કારણ નિર્ભયા કાંડ અને તાલિમી તબીબની બળાત્કાર અને હત્યાની ઘટના આ દેશની પ્રજાએ કદી ભૂલવા જેવી નથી. તેનું એક કારણ કોલકાતા કોલેજ અને હોસ્પિટલની જે ગતિવિધિ બહાર આવી છે, એ આ ઘટનાનો છેદ ન ઉડાવે તો જ નવાઈ !
ટૂંકમાં, આખી હોસ્પિટલનો કારભાર પારદર્શી નથી. તેના પ્રિન્સિપાલ, કોલેજ અને હોસ્પિટલના ભગવાન હોય તેમ આખી સંસ્થા પર એકચક્રી શાસન ભોગવી રહ્યા છે ને તેમની એટલી વગ તો છે જ કે બળાત્કારની ઘટનાને આત્મહત્યામાં ખપાવી શકે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ પર ભ્રષ્ટાચારના આરોપ છે. તેમની બે વાર ટ્રાન્સફર કરવામાં આવી, પણ તે રોકવામાં તેમને સફળતા પણ મળી, એ બતાવે છે કે તેમનો પ્રભાવ કેટલો હશે. તેમણે કેટલાક જુનિયર્સને હાથ પર રાખ્યા છે ને તેમની મદદથી તેમની સામેના વિરોધને પહોંચી વળવાનો તેમને વાંધો નથી આવતો. તેમની સામે જુનિયર્સને ઘણા વાંધા છે, પણ તેમને એકથી વધુ વખત પરીક્ષામાં નાપાસ કરીને તેમની કેરિયર સામે જોખમ ઊભું કરવાની તેમને ફાવટ છે. હોસ્પિટલના બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં પણ કૌભાંડ છે.
આર.જે. કર મેડિકલ કોલેજના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની વિનંતીથી તપાસ સમિતિ રચવામાં આવી. ડૉ. સંદીપ ઘોષના માણસો મેડિકલ વેસ્ટની હેરાફેરી કરીને કમાણી કરતા હતા. જે દિવસે તેમણે રિપોર્ટ સબમિટ કર્યો, એના એક જ કલાકમાં તેમની બદલી કરી નાખવામાં આવી. બદલી ઘોષની થવી જોઈતી હતી, તેને બદલે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની થઈ. એકત્રીસ વર્ષીય ટ્રેઈનીની રેપ અને હત્યાની એવી ભયંકર વાતો સામે આવી છે કે જે પણ આમાં સંડોવાયા છે, એમનો કેસ ચલાવ્યા વગર જ જાહેરમાં નિકાલ કરી નાખવો જોઈએ, એવું કહેવાનું પ્રાપ્ત થાય છે. એ ટ્રેઈનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ઊંડો ઘા હોવાનું ખૂલ્યું છે. તેનું ગળું એટલું દબાવવામાં આવ્યું કે થાઈરૉઈડનું કાર્ટિલેજ તૂટી ગયું. તેનાં શરીર પર ઠેર ઠેર ઇજાનાં નિશાન હતાં. તેના ચહેરા પર એટલો ત્રાસ વર્તાવવામાં આવ્યો કે ચશ્માંનો કાચ તૂટીને તેની આંખોમાં ઘૂસી ગયો. આટલું વીતાડવામાં આવ્યું તે પછી પણ હોસ્પિટલ દ્વારા ટ્રેઈની ડોક્ટરના પરિવારને એમ કહેવામાં આવ્યું કે તેણે આત્મહત્યા કરી છે, એ બતાવે છે કે આ હોસ્પિટલ કેટલી નિર્લજ્જ અને નિષ્ઠુર છે. એક આરોપી સંજય રૉયનો ગઈ કાલે નાર્કો ટેસ્ટ કરવાની વાત હતી. અહીં સવાલ એ થાય કે આટલી બર્બરતા ટ્રેઈની સામે કેમ આચરવામાં આવી? તેનો જવાબ એ કે ટ્રેઈની હોસ્પિટલનાં એવાં રહસ્યો જાણતી હતી જે હોસ્પિટલ માટે પ્રશ્નો ઊભા કરે એમ હતું.
આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી છે ને તેને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ રોકવા જ કદાચ ટ્રેઈની ડૉક્ટરનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે. સી.બી.આઇ.એ 19 જણની તપાસ કરી, એમાં માનવ અંગોની તસ્કરીનો મુદ્દો સામે આવ્યો. બળાત્કાર એટલે કરવામાં આવ્યો કે તે વાત આગળ થાય તો સેકસ અને ડ્રગ્સ રેકેટનો મુદ્દો ઢંકાયેલો રહે. 3 ડૉક્ટર અને એક હાઉસ સ્ટાફ સહિત 4 લોકો પર સેકસ-ડ્રગ્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. આ ચારેય રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે. પીડિતાને આ અંગે શંકા હતી, તેણે એ અંગે સ્વાસ્થ્ય ભવનમાં ફરિયાદ પણ કરી હતી, પણ ત્યાં આરોપીઓનો પ્રભાવ એટલો હતો કે કોઈ જ પરિણામ આવે એમ ન હતું, એટલે તે સોશિયલ મીડિયા પર એ અંગે ખુલાસો કરવાની પેરવીમાં હતી, પણ તે પહેલાં જ તેનો શિકાર કરી નાખવામાં આવ્યો.
આ કેસની તપાસ કરી રહેલ સી.બી.આઈ.એ ડૉ. ઘોષને વારંવાર પૂછપરછ માટે બોલાવ્યા, પણ તેઓ હાજર થયા નહીં ને છેવટે 16 ઓગસ્ટે સી.બી.આઈ.એ તેમને કસ્ટડીમાં લીધા. પ્રિન્સિપાલ બનવામાં તેમનો ક્રમ આમ તો સોળમો હતો, પણ તેઓ રાતોરાત પહેલા ક્રમે આવી ગયા. એટલે કે અગાઉના 15 જણાનો હક મારીને ડૉ. સંદીપ ઘોષ પ્રિન્સિપાલ બન્યા. તેમની બદલીનો બે વખત ઓર્ડર થયો, પણ તેમને આજ સુધી કોઈ હટાવી શક્યું નથી તે હકીકત છે. તેમનો એક વિદ્યાર્થી નીટનો ટોપર હતો, તેને ડૉ. ઘોષે ઘણી વખત ફેલ કર્યો, એટલું જ નહીં, તેને ઘણી વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. તે એટલા માટે કે તે ડૉ. ઘોષની સામે પડ્યો હતો. તેને મારી નાખવાની ધમકી અપાઈ અને એવી સ્થિતિ ઊભી કરવામાં આવી કે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આવી વ્યક્તિને પ્રિન્સિપાલ બનાવવાનો એક જ હેતુ હતો અને તે પૈસા વસૂલવાનો. આ એક આવડતને લીધે, ડૉ. ઘોષની બીજી બધી એબ ઢંકાઈ જતી હતી.
31 મે, 2023 ને રોજ પશ્ચિમ બંગાળ સરકારે આર.જી. કર મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ તરીકે ડો. સનથ ઘોષની નિમણૂક કરવાનો આદેશ બહાર પાડ્યો, પણ ચોવીસ કલાકમાં જ ટ્રાન્સફર ઓર્ડર બદલવામાં આવ્યો ને ડો. સંદીપ ઘોષ આચાર્ય તરીકે ચાલુ રહ્યા, એ બતાવે છે કે સરકારના આદેશની પણ કેવી રીતે ઐસી તૈસી થઈ શકે છે ! એ પછી 11 સપ્ટેમ્બર, 2023 ને રોજ ડો. ઘોષને મુર્શીદાબાદ કોલેજમાં ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કર્યો, તો કેટલાક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો ને 9 ઓકટોબર, 2023 ને રોજ ડો. ઘોષને ફરી સ્થાપવામાં આવ્યા. મતલબ કે આ વખતે પણ આરોગ્ય સચિવે પીછેહઠ કરવી પડી. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી, એન્ટિ કરપ્શન બ્યુરોને પત્ર લખ્યો, મમતા બેનર્જીના ઓ.એસ.ડી.ને મળ્યા, પણ ફેર એટલો પડ્યો કે પછી ધમકી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા લાગી. સંદીપ ઘોષ ખાનગી હોસ્પિટલોમાં લાવારિસ મૃતદેહો આપતા હતા, શબ પરીક્ષણ માટે આવતા મૃતદેહોનો ઉપયોગ મૃત્યુ પામેલાં લોકોનાં માતાપિતાની સંમતિ વગર જ પ્રેક્ટિકલ માટે કરતા હતા. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરવાના 8થી 10 લાખ વસૂલાતા હતા. એમ.બી.બી.એસ. પાસ થવાનો ભાવ 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેમની હાથ નીચેના 10થી 12 જુનિયર ડોકટરો દારૂ સપ્લાય કરવામાં પણ સંડોવાયા હતા. ટી.એમ.સી.ના પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ સેને પણ આરોપ મૂક્યો છે કે ડૉ. ઘોષ તેમના જૂથ દ્વારા કોલેજ ચલાવતા હતા. આટલું થતું હોય ને પુરાવા નાબૂદ કરવાને ઇરાદે ટોળાં દ્વારા તોડફોડ કરવામાં આવે, તો તેટલાથી કેટલોક ફેર પડે?
કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ ઘટના એટલું સૂચવે છે કે કોલેજો હવે વિદ્યાધામોને બદલે અનીતિ અને અન્યાયના અડ્ડાની ગરજ સારે છે. કોલકાતા જેવી જ બીજી મેડિકલ કે અન્ય કોલેજો પણ હશે, જ્યાં શિક્ષણ કેન્દ્રમાં નહીં હોય ! મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતોનું શિક્ષણ વિદ્યાર્થીઓને અપાઈ ન જાય એની શૈક્ષણિક સંસ્થાઓ હવે કાળજી રાખે છે. નાનામાં નાની સંસ્થામાં પણ પારદર્શિતા અપવાદરૂપે જ જોવા મળે છે. સંસ્થાના વડા કોઈ ગુંડા કે ડોનની જેમ એકચક્રી શાસન કરતાં હોય છે. તેમની રાજકીય વગ એવી હોય છે કે કોઈ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. લગભગ બધી જ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ બે ભાગમાં વહેંચાઈ જતા હોય છે. એક વર્ગ મેનેજમેન્ટ અને શાસક પક્ષની ખુશામતમાં આયખું ખુટાડતો હોય છે ને બીજો વર્ગ વિપક્ષનું પીવડાવેલું પાણી પીએ છે. કોઈને પોતીકું મૂલ્ય કે સ્વમાન જેવું ખાસ હોતું નથી. ભ્રષ્ટાચાર મોટે ભાગે એ જ નથી કરતો, જેને તક નથી મળી. કોઈપણ રાજરોગ જેવો જ ભ્રષ્ટાચાર દેશની નસેનસમાં વ્યાપી વળ્યો છે. કોઈ પણ પદ હવે તે પદની મૂળ માંગ કે પાત્રતા કે ગુણવત્તા પરથી નહીં, પણ રાજકીય વગથી શોભે છે. એટલું હોય તો અન્ય પાત્રતા બહુ મહત્ત્વની નથી. રાજકીય વગ વગરનું કોઈ પદ હોય ખરું? એવો સવાલ હવે રહી રહીને થાય છે. રાજકારણ એક તબક્કે રાજકીય પક્ષો પૂરતું સીમિત હતું, તેનો વ્યાપ હવે એટલો વધ્યો છે કે તે પર્યાવરણને સ્થાને છે. હવે એ નક્કી નથી થઈ શકતું કે પ્રશ્નો પર્યાવરણને કારણે છે કે રાજકારણને કારણે …?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઑગસ્ટ 2024