Opinion Magazine
Number of visits: 9446343
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે, હિંદુ રાષ્ટ્રની સ્થાપના યોગીના હાથે થશે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2022

૧૯૭૭માં રાજેન્દ્રકુમારની એક લોકપ્રિય ફિલ્મ આવી હતી, “આપ આયે બહાર આઈ.” પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોને જો ફિલ્મી લાઈનથી હાઈલાઈટ કરવાં હોય તો એવું કહેવાય કે “આપ આયે, યોગી આયે.” ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ધુઆંધાર વાપસી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની આશ્ચર્યજનક બહુમતી ભારતીય રાજકારણમાં નવી બહાર લાવનારી સાબિત થવાની છે.

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીમાં બીજા નંબરના સૌથી મોટા નેતા સાબિત થયા છે. ભારતની જનતા વિકલ્પ પણ તલાશી રહી છે, અને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ઐતિહાસિક બહુમતીથી જીતાડીને એ દિશા ખોલી છે. કાઁગ્રેસનું પતન અટક્યુ નથી, અને પાંચ રાજ્યોનાં પરિણામો પછી તેમાં ઔર ગતિ આવશે. કાઁગ્રેસ હવે રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ખતમ થઇ ગઈ છે. એ વિકલ્પ આપ બની શકે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો આ સાર આ પાંચ વાક્યમાં છે. આ પાંચ વાક્યોમાં ભારતના રાજકારણનું ભવિષ્ય પણ છે. 

ઉત્તર પ્રદેશમાં, અને ભારતીય રાજકારણમાં, ભારતીય જનતા પાર્ટીની પકડ યથાવત રહી છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ઉપલબ્ધિ છે. યોગી આદિત્યનાથ ૩૭ વર્ષમાં સળંગ બીજી વાર મુખ્ય મંત્રી બનનારા પહેલા નેતા છે. આ નોંધપાત્ર છે. યુ.પી.એ આજ સુધી કોઈ પણ મુખ્ય મંત્રીને સળંગ બીજી વાર ખુરશી આપી નથી. યોગીએ એ રોકોર્ડ કરીને ભા.જ.પ.માં તેમનું સ્થાન સૌથી ઉપર સાબિત કરી દીધું છે. યુ.પી.માં બીજીવાર મુખ્ય મંત્રી બનનારા એ ભા.જ.પ.ના પહેલા નેતા છે. પાંચ વર્ષ પૂરા કરનારા પણ એ ત્રીજા મુખ્ય મંત્રી છે. આ અગાઉ, યુ.પી.ના બીજા મુખ્ય મંત્રી સંપૂર્ણાનંદ અને અખિલેશ યાદવ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ૧૯૫૧થી લઈને ૨૦૦૭ સુધી રાજકીય અસ્થિરતાનો સિલસિલો રહ્યો હતો. ૨૦૦૭માં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પૂરી બહુમતી સાથે સરકાર બનાવી હતી અને તેમણે પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં. માયાવતી જો કે ૨૦૧૨માં ફરી સત્તામાં આવી શક્યાં નહોતાં. તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું સત્તામાં પુનરાગમન થયું હતું, અને અખિલેશ યાદવ બીજીવાર મુખ્ય મંત્રી બન્યા હતા. યાદવે પણ પાંચ વર્ષ પૂરાં કર્યા, પણ ૨૦૧૭માં ફરી સત્તામાં આવી ન શક્યા. એ વર્ષે, ભા.જ.પે. ૩૨૫ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. એ પછી પાર્ટીએ ગોરખપુર મઠના મહંત અને ૧૯૯૮થી ભા.જ.પ.ના સાંસદ યોગી આદિત્યનાથને મુખ્ય.મંત્રી પદે બેસાડ્યા હતા.

યુ.પી.ની ચૂંટણી આ વખતે આસાન નહોતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જબરદસ્ત લડત આપી હતી. તેમણે જનતાના પ્રશ્નો અને સરકારના ગેરવહીવટના મુદ્દા ઉઠાવ્યા હતા. એ લોકો ટેલિવિઝન કે સોશ્યલ મીડિયા પરથી જ્ઞાન મેળવતા નહોતા, તેમના મનમાં ભા.જ.પ.ની વાપસીને લઈને કોઈ શંકા નહોતી. યુ.પી.ની ચૂંટણી એટલા પૂરતી જ મહત્ત્વની હતી કે ભા.જ.પ.ની બેઠકો વધે છે કે ઘટે છે.

એ સંદર્ભમાં, સમાજવાદી પાર્ટીએ પોતાને મુખ્ય વિરોધ પક્ષ તરીકે સાબિત કરીને યોગી સરકાર પર આગામી પાંચ વર્ષ માટે લગામ કસી છે. યોગી જો બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે તો સ.પા. લગાતાર તેની વાતો કરતી રહશે.

યુ.પી.ની જનતાએ હિન્દુત્વને વોટ આપ્યા છે તે સાચું, પરંતુ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સમાજવાદી પક્ષને પણ જે બેઠકો આપી છે તે નજરઅંદાજ કરવા જેવું નથી. યોગીનું પ્રદર્શન શાનદાર તો છે જે, અખિલેશનો દેખાવ પણ તાળીઓને પાત્ર છે. યુ.પી.માં ચાર પક્ષીય મુકાબલો હતો; ભા.જ.પ., સ.પા., બ.સ.પા. અને કાઁગ્રેસ. પહેલાં બે સ્થાન તો ભા.જ.પ. અને સ.પા.એ લઇ લીધાં છે, પણ બ.સ.પા. અને કાઁગ્રેસનો દેખાવ એટલો કંગાળ છે કે તેમના વચ્ચે ત્રીજા નંબરની જગ્યા માટે લડાઈ છે!

દેખીતી રીતે જ, ગંગામાં તરતી લાશો કે બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓ માટે જનતાએ યોગી સરકારને માફ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ કેમ અગત્યનું રાજ્ય છે

ભારતમાં  ઉત્તર પ્રદેશ એક માત્ર રાજ્ય છે જ્યાંથી લોકસભા અને રાજ્યસભામાં સૌથી વધુ સાંસદો આવે છે. વસ્તીની દૃષ્ટિએ પણ યુ.પી. સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશ જો અલગ દેશ હોય તો ચીન, અમેરિકા અને ઇન્ડોનેશિયા પછી વસ્તીમાં તેનો ચોથો નંબર આવે.

ભારતના ૧૪ વડા પ્રધાનોમાંથી ૯ ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. આઝાદી પછી રાજકારણમાં જેમનો દબદબો રહ્યો છે તે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ પણ યુ.પી. રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ યુ.પી.ના વારાણસી બેઠકના સાંસદ છે.

ઉત્તર પ્રદેશનાં પરિણામો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે અત્યંત મહત્ત્વનાં છે. વડા પ્રધાનના જમણો હાથ અને ગૃહ પ્રધાન અમિત શાહે તો ઉત્તર પ્રદેશના મતદારોને સીધું જ કહ્યું હતું કે ૨૦૨૪માં નરેન્દ્રભાઈને જીતાડવા હોય તો યોગીજીને મત આપવો જરૂરી છે. જનતાએ યોગીને જીતાડ્યા છે અને તેનાથી ૨૦૨૪માં મોદીના જીતનો રસ્તો પણ ખૂલી ગયો છે. ભા.જ.પ.ના બે ગમતા એજન્ડા અમલમાં મુકવા માટે આ જીત અગત્યની છે – સમાન સિવિલ કોડ અને નાગરિકોની નેશનલ રજીસ્ટ્રી. યોગીનો વિજય ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની દિશામાં એક મહત્ત્વનું કદમ છે. એ શુભકાર્ય યોગીના હસ્તે જ થશે.

૨૦૨૪માં, મોદી ત્રીજી ટર્મ માટે ચુંટાઈને ઇતિહાસમાં તેમનું નામ દર્જ કરાવી દેશે.

યોગીનો ઉદય

દસ દિવસ પહેલાં, પત્રકાર કરણ થાપર સાથે એક ઇન્ટરવ્યૂમાં, દિલ્હીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અને જામિયા મિલિયા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નજીબ જંગે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'લો પ્રોફાઈલ' રહ્યા એ ચૂક હતી. “વડા પ્રધાન જ નહીં, પણ (ગૃહ પ્રધાન) શાહ પણ આ ચુંટણીનો ચહેરો નહોતા. સરકારની ઉપલબ્ધિઓ અને નાકામીનો સઘળો ભાર યોગી આદિત્યનાથ પર હતો. એ (વડા પ્રધાનની ગેરહાજરી) અત્યંત નેગેટિવ પરિબળ છે, અને તેના કારણે જ ભા.જ.પ.ની હાર થશે."

“વડા પ્રધાન હિન્દી પ્રદેશોમાં લાર્જર-ધેન-લાઈફ વ્યક્તિત્વ છે," નજીબ જંગે કહ્યું હતું, "તેમનામાં કરિશ્મા છે. એ અત્યંત સરસ રીતે બોલે છે. તેઓ જો યુ.પી.ની ચૂંટણીનો ચહેરો હોત તો ઘણો ફર્ક પડ્યો હોત."

અલબત્ત, બીજાં કારણો પણ હતાં. જેમ કે, ખેડૂત અંદોલનમાં સરકારનો જે વ્યવહાર હતો, રાજ્યમાં રખડતાં ઢોરોની સમસ્યાની જે રીતે ઉપેક્ષા કરાઈ હતી, યુવાનોમાં જબરદસ્ત બેરોજગારી અને યોગીએ જે રીતે કોવિડ મહામારીમાં અણઘડ રીતે વહીવટ કર્યો હતો તેની જનમાનસ પર ઘેરી અસર હતી.

યુ.પી.ની જનતામાં આ મુદ્દાઓને લઈને અસંતોષ તો હતો, પરંતુ વિરોધ પક્ષો અને મીડિયા જેવો દાવો કરતા હતા તેમાં આક્રોશ નહતો. જનતામાં આક્રોશ હોત તો યોગી સરકાર ઘરે બેસી ગઈ હોત, પરંતુ જનતા અસંતોષ સાથે મત આપીને ભા.જ.પ.ની બેઠકો થોડી ઓછી કરી છે અને સ.પા.ને થોડી મજબૂત કરી છે, તેનો અર્થ એ થયો કે તેને વિશ્વાસ છે કે ભા.જ.પ. તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપશે.

જંગના તર્ક બરાબર હતા, પરંતુ જનતાએ એ રીતે વોટિંગ કર્યું નથી. ઊલટાનું, યોગીને આગળ રાખીને ચૂંટણી જીતવાની વ્યૂહરચના કારગત નીવડી છે. યોગી સામે જે પણ ફરિયાદો હતી તે આ ચૂંટણીમાં ધોવાઇ ગઈ છે અને તેઓ એક કદાવર, નિષ્કલંક અને સક્ષમ નેતા તરીકે ઉભર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે યોગી આદિત્યનાથ અને ભા.જ.પ.નો ચૂંટણી પ્રચાર (સમાજવાદી સરકારમાં) રાજકારણના અપરાધીકરણ અને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની આસપાસ હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કાઁગ્રેસની પ્રિયંકા ગાંધીનો પ્રચાર બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓની આસપાસ હતો. જનતાએ એ મુદ્દાઓને અવગણીને હિન્દુત્વને વોટ આપ્યા છે તે સ્પષ્ટ છે.

પ્રિયંકાએ તો ૪૦ ટકા સ્ત્રીઓને વિધાનસભાની ટિકિટ આપીને એક નવો જ પ્રયોગ કર્યો હતો. ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં આ પ્રયોગ લાંબા ગાળે બધા પક્ષો અનુસરસે. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો તો ખૂબ થાય છે, પરંતુ રાજકારણમાં જ સ્ત્રીઓને જેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેટલું મળતું નથી. ભલે કાઁગ્રેસને વોટ ન મળ્યા હોય, પ્રિયંકાની આ પહેલ એ દિશામાં ઘણી રચનાત્મક છે.

યોગીના આગામી યોગ

નોઇડા સ્થિત એક હિન્દી સમાચારપત્રના એડિટર સંજય શ્રીવાસ્તવ કહે છે કે યુ.પી.માં ૨૦૧૭ની ચૂંટણી પછી અચાનક જ મુખ્ય મંત્રી બનેલા યોગી આદિત્યનાથે પાંચ વર્ષોમાં પોતાની વિશેષ નો-નોનસેન્સ છબી બનાવી હતી. ગુંડાઓ અને માફિયાઓ સામે તેમની આકરી કાર્યવાહી બદલ તેમને ‘બુલડોઝર બાબા’ કહેવામાં આવતા હતા. એક કડક શાસકના રૂપમાં ખુદને સાબિત કરવામાં તેઓ સફળ રહ્યા છે. સાથે, યોગીનો પોતાના પરિવારનું ન હોવું, ભ્રષ્ટાચારના આરોપથી મુક્ત હોવું અને ભગવો પહેરવેશ તેમને હિન્દુઓના મોટા અને ઈમાનદાર નેતા તરીકે સાબિત કરે છે.

પાંચ વર્ષમાં યોગીએ તેમનો ચાહક વર્ગ ઊભો કર્યો છે, જે તેમને આગામી વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. જો કે, એક મોટો વર્ગ તેમનાથી નારાજ પણ છે અને તેમને કટ્ટરતા વધારનારા તરીકે જુવે છે. લાગે છે આ ચૂંટણીમાં તેમના નારાજ વર્ગ કરતાં ચાહક વર્ગની મરજી ચાલી છે.

રાજ્યસભાનું સમીકરણ

વરિષ્ઠ પત્રકાર અનિલ જૈને બી.બી.સી.ને કહ્યું હતું કે રાજ્યોનાં ચૂંટણી પરિણામોની એક સીધી અસર રાજ્યસભામાં પડવાની છે. ૨૪૫ની સંખ્યાવાળી રાજ્યસભામાં હાલ આઠ બેઠકો ખાલી છે. ભા.જ.પ. પાસે અત્યારે ૯૭ બેઠકો છે. સહયોગીઓની મળીને તેનું સંખ્યાબળ ૧૧૪ થાય છે. આ વર્ષે એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધીમાં રાજ્યસભાની ૭૦ બેઠકો માટે ચુંટણી થવાની છે, જેમાં આસામ, હિમાચલ પ્રદેશ, કેરળની સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ પણ છે.

ઉ.પ્ર.ની ૧૧, ઉત્તરાખંડની એક અને પંજાબની બે બેઠકો માટે આવતા જુલાઈમાં જ ચૂંટણી છે. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર રાજ્યસભાની ચૂંટણીઓ પર પડશે. જૈન કહે છે, “ભા.જ.પ. રાજ્યસભામાં બહુમતીથી પહેલેથી જ દૂર છે, એટલે પાંચ રાજ્યોનાં પરિણામો પરથી એ નક્કી થશે કે રાજ્યસભામાં તે બહુમતીનાં આંકડાથી વધુ દૂર જાય છે કે નજીક આવે છે. તેની અસર રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં પડશે.”

રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં એક બીજી વાતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સક્રિયતા નહીંવત રહી હતી. ચાર વખત સત્તા સંભાળનાર માયાવતીનું મૌન એટલું ‘બોલકું’ હતું કે રાજકીય વર્તુળોમાં એવી ગપસપ ચાલે છે કે તેમણે ભા.જ.પ. સાથે અંદરખાને ગોઠવણ કરી લીધી છે અને ભા.જ.પ. તેમને આગામી રાષ્ટ્રપતિ પદ માટે ઊભાં કરશે.

બે અઠવાડિયા પહેલાં માયાવતીએ આવી ગપસપને ખારીજ પણ કરી હતી. યુ.પી.ની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું મહત્ત્વ છે અને તેને દલિત મતો મળશે એવી અમિત શાહની સૂચક ટીપ્પણીના સંદર્ભમાં જવાબ આપતાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, “દલિતો અને મુસ્લિમોમાં બી.એસ.પી.ના સ્થાન અંગે ગૃહ પ્રધાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મતદાન પછી જ્યારથી નિવેદન કર્યું છે ત્યારથી હરીફ પાર્ટીઓ અને મીડિયાવાળાઓએ એવું બોલવાનું શરૂ કર્યું છે કે અમે ભા.જ.પ.ની ‘બી’ ટીમ છીએ. આમાં જો કે કોઈ સચ્ચાઈ નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૨માં ભા.જ.પ.ના ટેકાથી જ માયાવતી મુખ્ય મંત્રી બન્યાં હતાં.

આવનારા દિવસોમાં માયાવતીની ભૂમિકા ચર્ચાનો મુદ્દો રહેશે. તેમની પાર્ટીએ ૧૨૨ બેઠકો પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા હતા જે સમાજવાદી પાર્ટીની જાતિના જ હતા. આ એ બેઠકો હતી જ્યાં સ.પા.ની જીતની પૂરી સંભાવના હતી.

પંજાબમાં આપની ક્લીન સ્વિપ

પંજાબમાં પરંપરગત રીતે કાઁગ્રેસ અને અકાલી દલના હાથમાં સત્તા રહી છે. લોકો તેનાથી કંટાળી ગયા હતા અને આપના ઝાડુથી બંને પાર્ટીઓનો સફાયો કરી નાખ્યો છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ‘મફત’ આપવાની ઘોષણાઓ કરી હતી તેનાથી મતદારો લલચાયા જરૂર છે, પરંતુ કાઁગ્રેસમાં છેલ્લા એક વર્ષથી જે ઘમાસાણ મચ્યું હતું તેનો ફાયદો પણ મળ્યો છે. પહેલાં કેપ્ટન અમરિંદર સિંહ સામે આંતરિક વિદ્રોહ અને પછી ફૂટેલી તોપ જેવા નવજોત સિંહ સિદ્ધુને પક્ષનું સુકાન સોંપવાથી કાઁગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી.

દિલ્હી જેવા અડધા રાજ્યમાં કેન્દ્ર સરકારના ઘોંચ પરોણા વચ્ચે ટકી ગયેલી આમ આદમી પાર્ટીને પહેલીવાર આખું રાજ્ય મળ્યું છે, જેમાં તેના વહીવટ પર સંપૂર્ણ કબજો છે. કૈંક અંશે કેજરીવાલે ભા.જ.પ.ના નકશેકદમ પર સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે તે કારગત નીવડ્યું છે.

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “કેજરીવાલની રાજનીતિનો મૂળ મંત્ર રોજગાર, સ્વાસ્થ્ય અને આમ આદમી માટે કામ કરવાનો છે. હવે એ રસ્તો એ તરફ જઈ રહ્યો છે. અમે આજે દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર આગળ વધી રહ્યા છીએ. કેજરીવાલ સરકારનું આ મોડેલ આગળ પણ સફળ થશે.”

ઉત્તર પ્રદેશમાં જેમ સળંગ બીજી વાર વાપસી કરનારા યોગી આદિત્યનાથ પહેલા મુખ્ય મંત્રી છે, તેવી રીતે આમ આદમી પાર્ટી બીજા રાજ્યમાં જઈને સરકાર બનાવનારી પહેલી પ્રાદેશિક પાર્ટી છે. આ બે હકીકતો, ભારતીય રાજકારણ ભવિષ્યમાં કેવી કરવટ લેવાનું છે તેની સાબિતી છે.

પ્રગટ : “મિડ-ડે”, 11 માર્ચ 2022

Loading

12 March 2022 admin
← લૂઝ કનેક્શન શ્રેણી (28)
કાઁગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved