Opinion Magazine
Number of visits: 9484127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હસી ફરી …

સરયૂ પરીખ|Opinion - Short Stories|1 September 2023

સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસૂમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ ઢંકાયેલો હતો. મેં કાર રોકી.

સરયૂ પરીખ

“હું સેલ્મા,” એમ કહેતી એ કારમાં બેઠી. અમારી સેવા-સંસ્થાના આરબ ભાષા જાણનાર સભ્યના કહેવાથી સેલ્માને હું ઇંગ્લિશ શીખવવા માટે લઈ જતી હતી. એ જરા મૂંઝાયેલી લાગતી હતી. સામાન્ય વાતચીતમાં ખબર પડી કે કોલેજમાં ભણેલી હતી. મારો આભાર માનતા કે જવાબ આપતાં તેના રૂંધાયેલા હાવભાવ નજરે પડતાં હતાં. Literacy Councilની ઓફિસમાં, જ્યાં હું volunteer Tutor હતી, ત્યાં સપ્તાહમાં બે વખત ભણાવતી.

સેલ્મા વિશે મને જાણ હતી એ મુજબ, એ ગૃહ-ત્રાસની ભોગ બનેલી બત્રીસ વર્ષની સ્ત્રી હતી. નજીકમાં જ યજમાનનું ઘર હતું તો પણ શોપીંગ સેન્ટરમાં ચાલતી આવી હતી. દુઃખી બહેનોની સ્વયંસેવક તરીકે કામ કરતાં મને અનુભવ હતો કે ભોળી સ્ત્રીઓનાં નંદવાયેલાં હૈયાને કોઈની ઉપર ફરી વિશ્વાસ આવતા સમય લાગે. અંગ્રેજી શીખવતા સાથે ગાળેલા સમયમાં, સેલ્માને મારા પર શ્રદ્ધા અને સ્નેહ થવાનો અવકાશ મળ્યો. સેલ્માએ પોતાની કહાણી આંખોમાં આંસુ સંતાડીને કહી.

“સીરિયાના પર્વતો બહુ દૂર રહી ગયા લાગે છે. એ નાની દીકરી, જેને મા-પાપા રાજકુમારી કહી બોલાવતા, એ કોઈ બીજા જન્મની વાત હોય એવું લાગે છે. જે સમયે હું શાળાનાં છેલ્લાં વર્ષોમાં ભણતી હતી, ત્યારે અમારા સગાનો દીકરો શબીર, મારી આસપાસ ઘૂમતો રહેતો. કોલેજમાં અમે વધારે નજીક આવ્યા અને એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બન્ને કુટુંબમાં અણબનાવ હતો, પરંતુ અમારા નિર્ણયને અનુમતિ મળી ગઈ. એણે દાંતના ડોકટરનો અભ્યાસ પૂરો કર્યો અને હું ઈજનેર બની. લગ્ન સરસ  રીતે થઈ ગયા. બધું મધુર સપના જેવું લાગતું હતું. પણ શબીરનો વ્યવહાર મને મેળવ્યા પછી, ટૂંક સમયમાં જ મારા તરફ બેદરકાર હતો. હવે બીજી તમન્ના, અમેરિકા જવાની શબીરના મન મગજ પર સવાર થયેલી હતી. મારા સ્વભાવ અને શિક્ષા અનુસાર પતિને ખુશ રાખવો, હુકમ માનવો અને નિષ્ઠાપૂર્વક અનુસરવો એ જ હોવાથી, હું શબીર સાથે ક્યાં ય પણ જવા તૈયાર હતી.

“અમે અમેરિકા આવી એક નાની જગ્યામાં સંસાર શરૂ કર્યો. નિયમ અનુસાર પરવાનગી ન હોવાથી, શબીર દાંતના ડોક્ટરના મદદનીશ તરીકે થોડા પગારમાં નોકરી કરતો, જેનાથી એને બહુ માનહાનિ અને નિરાશા લાગતી. હું પોતે નવી દુનિયામાં ભૂલી પડેલી હરણી જેવી, ઘરની બહાર નીકળતાં ગભરાતી. શબીરને પણ હું ક્યાં ય એકલી જાઉં એ નાપસંદ હતું. ધીરે ધીરે શબીરની રૂક્ષતા વધવા લાગી. જરા વાંધો પડતાં ઝટ લઈને હાથ ઉપાડતો. એને સમજાવવાની કોશિશ નાકામયાબ રહી. બે ચાર કુટુંબોની ઓળખાણ થયેલી, પણ હું જોઈ શકતી હતી કે પુરુષ પ્રધાન વાતાવરણમાં, સ્ત્રીઓની તરફદારી કરનાર કોઈ નહોતું. એક વખત, શબીરને બીજા આદમીઓ સાથે વાત કરતા સાંભળ્યો કે, “અહીં અમેરિકાની સિટિઝન બાઈ સાથે લગ્ન કરી લેતાં અહીં રહેવાના હક્ક મળી જાય, જેથી બધી રીતે ફાયદો.” એનું ઘેર આવવાનું અનિયમિત થવા લાગ્યું. હવે હું ક્યાં જઈને ફરિયાદ કરું? મારી સહનશક્તિનો અંત આવી રહ્યો હતો.

“એવામાં એક રવિવારની બપોરે શબીરે મારા પાસપોર્ટની માંગણી કરી. શબીર કહે, ‘હવે તારું અહીં કશું કામ નથી. તને તલાક આપી, તારા અબ્બાને ઘેર સીરિયા મોકલી આપું.’  મારા વિરોધ માટે મને ધડાધડ તમાચા મારી દીધા. પાસપોર્ટ હાથમાં ન આવતા રસોડામાંથી મોટી છરી ઉપાડી મારા તરફ  ધસ્યો, પણ હું દોડીને બેડરૂમમાં ભરાઈ ગઈ અને ૯૧૧ પર ફોન કરી, શું બોલી એ તો યાદ નથી, પણ પોલીસ આવશે એમ મને કહેવામાં આવ્યું. શબીર બાથરૂમમાં હોય એમ લાગતાં, હું ઘરની બહાર નીકળી ગઈ. પણ એ તરત મારી પાછળ આવ્યો અને પથ્થર પર ઘસડીને મને અંદર લઈ જવા લાગ્યો. પોલીસ કારનો અવાજ આવતા મને છોડીને, કશું ન થયું હોય તેમ ઊભો રહ્યો. હાથમાં મોટી છરી અને મારી અવદશા જોઈ તેને પોલીસ-કારમાં બેસવાની ફરજ પાડવામાં આવી.

“મારી પાસેથી પસાર થતાં, અમારી ભાષામાં બોલ્યો, ‘તને ગમે ત્યાંથી શોધી કાઢીશ અને મારી નાખીશ.’ ઓહ! એ ખુન્નસ ભરી આંખો …

“શબીરને લઈ ગયા પછીની શાંતિમાં મેં આસપાસ નજર કરી ત્યારે કેટલીએ નજર મને તાકી રહી હતી, એનો મને ખ્યાલ આવ્યો. એક સ્ત્રી પોલીસ ઓફિસર મને હળવેથી તેની કાર તરફ  દોરીને લઈ ગઈ અને અંદર બેસવામાં મદદ કરી. હવે મને વધુ ગભરામણ થવા લાગી. શબીર તરફથી થતા અત્યાચાર વિશે મને પરિચય હતો, પણ આ સાવ અજાણ રસ્તાની સફર મારી સામે અનેક શંકાઓ લઈને ઝળુંબી રહી.

“પોલીસથાણામાં શું કહી રહ્યા છે એ મને સમજતાં ઘણી વાર લાગી. મને કહેવામાં આવ્યું કે મારે ઘરે પાછા જઈ એકલા રહેવાનું સલામતીભર્યું નથી, કારણ શબીરને કેટલા દિવસ બંધીમાં રાખશે તે નક્કી નહીં. મને એક સેવા સ્ત્રી ગૃહમાં લઈ ગયાં અને મારા હાથમાં નામોની યાદી પકડાવી. મને મારી ભાષા જાણનાર મદદકર્તા કદાચ મળી આવશે એવી આશા આપવામાં આવી.

“એ રાત્રે તો હું મારાં મમ્મીને યાદ કરતી, આંસુ ભીના ઓશિકા પર નીંદરના ખોળે ખોવાઈ, પણ પછીની ઘણી રાતો જાગતાં વિતાવી. બીજે દિવસે ફોન કરવાનું શરૂ કરતાં મને મારી પરિસ્થિતિ કેમ સમજાવવી અને શું મદદ માંગવી એ સમજ નહોતી પડતી. પહેલા બે ત્રણ વ્યક્તિને મારી અંગ્રેજી ન સમજાઈ અને મને તેમની. … અંતે, મદદ માંગતો સંદેશો મૂકેલો હતો, એનો વળતો ફોન બે કલાકમાં આવ્યો.”

સેલ્મા આગળ બોલી, “મારી મૂંઝવણ અને પરવશતામાં વિશ્વાસ આપતો, મારી માતૃભાષામાં કોઈ અવાજ મારા આળા મનમાં હિંમત જગાવી રહ્યો. એ હતી તમારી સંસ્થાની, અમિના. તમે જાણો છો કે અમિનાના નિસ્વાર્થ સેવા ભાવ અને મદદને લીધે આજે હું જીવતી છું. અજાણ્યા લોકોને મારે મારી અતિ ગુહ્ય વાતો કહેવી પડી. પણ, મને આનંદ અને આશ્ચર્ય સાથ એ જાણવા મળ્યું કે આ લોકો મારી હકીકત સ્વીકારે છે, અને મને મદદ  કરવા તત્પર છે!”

સેલ્માને મળવા માટે શબીરે માંગણી કરેલ પણ સેલ્માએ ના કહેવરાવી. અમે એક જાજરમાન આરબ સ્ત્રી-વકીલને મળવા ગયાં. એ દિવસે મને પણ કાયદાના પ્રાબલ્ય વિષે ઘણું જાણવા મળ્યું. કાયદા પ્રમાણે, ત્રસ્ત વ્યક્તિ અમેરિકામાં સુરક્ષિત રીતે રહી શકે અને નોકરી કરી શકે. જો ત્રાસ આપનાર પકડાય તો આ દેશ છોડીને જતા રહેવાની તેના પર ફરજ પાડવામાં આવે છે. પરંતુ, કોર્ટના ફેંસલાની રાહ જોવામાં મહિનાઓ નીકળી જાય …

કાર્યકર્તા અમિનાએ, નજીકમાં જ એક ખાનદાન આરબ કુટુંબમાં, બાળક અને ઘરકામમાં મદદ કરવા માટે, સેલ્માને ગોઠવી. આ રીતે થોડી કમાણી સાથે, સેલ્મા પહેલી વખત અમેરિકામાં કૌટુંબિક વાતાવરણમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરી રહી હતી.

સેલ્માને ઇંગ્લિશ શીખવાની જરૂર હતી તેથી એના અનુકૂળ સમયે હું તેને લઈ જવા માટે મળતી રહેતી. યજમાન કુટુંબ અને પોતાની સલામતી માટે, એ ક્યાં રહે છે તે કોઈને જણાવવા નહોતી માંગતી. કોઈનું ધ્યાન આકર્ષિત કરવા ન માંગતી હોય તે રીતે, લજીલી, માથા પરના હિજાબને સંકોરતી ઊભી રહેતી. બરાબર પરિચય થયા પછી મેં સૂચન કર્યું કે એ હિજાબ માથે બાંધવાનું છોડે તો સમાજમાં જલદી ભળી જઈ શકે. પરંતુ સેલ્મા એના રીતિ-રિવાજમાં જરા પણ ફેર કરવા નહોતી માંગતી. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાનો નિયમ પણ ચોક્કસ રીતે પાળતી.

છ-આઠ મહિનામાં છૂટાછેડા થઈ ગયા. એ દિવસે કોર્ટમાં શબીરને જોઈ એને અનેક લાગણીઓ થઈ, એમાં ભયનો પડછાયો સૌથી વધારે ઘેરો હતો. થોડા ડોલર એના ભાગમાં આવ્યા. વકીલનો ખર્ચ અમારી સંસ્થા આપતી હોવાથી સેલ્માને પોતાની કમાણીના ડોલર થોડા ભેગા થયા હતા. સીરિયા પાછા જવામાં અતિશય શર્મજનક પરિસ્થિતિમાં પોતે અને એનું કુટુંબ મુકાઈ જશે એની સેલ્માને ખાતરી હોવાથી હમણાં પાછા ફરવાની હિંમત નહોતી.

અહીં શુભચિંતકોની મદદથી સેલ્માના ફરી લગ્ન કરાવી આપવાના પ્રયત્નો ચાલતા હતા. એક સ્ત્રી પરણ્યાં વગર રહી શકે તે કલ્પવું, સેલ્માની માન્યાતાઓથી બહાર હતું. અમે ક્લાસમાં એક વાર બેઠાં હતાં ત્યારે એણે આછા આશાભર્યા સ્મિત સાથે કહ્યું, “ટીચર, આ શનિવારે હું એક એન્જિનિયરને મળવાની છું.” શું પહેરવું, વગેરે વિશે અમે ઉત્સાહથી ચર્ચા કરી. બીજા અઠવાડિયે ફરી મળ્યા ત્યારે, “એનામાં કંઈ દમ નહોતો.” થોડા દિવસ પછી એક બીજા ઉમેદવાર, અનવર સાથે સેલ્માને બરાબર લાગ્યું, પણ પોતે એક શરત મૂકી કે અનવરે સીરિયા જઈને સેલ્માના માતા-પિતાને મળી, એમની સંમતિ લઈ આવવાની. આ બધી વાતો વચ્ચે એક વ્યવસ્થા એવી થઈ કે સેલ્મા એક વર્ષ અનવરની કપડાંની ત્રણ દુકાનોમાંની એક દુકાન ચલાવે અને વર્ષના અંતે બન્નેને લગ્ન કરવાની મરજી હોય તો પછી આગળ વાત ચલાવવી. વિધુર અનવર અને તેના બે બાળકો સાથે ફાવશે તેવી સેલ્માને શક્યતા લાગી.

ફરી અમારી સંસ્થાની મદદથી સેલ્માને રહેવાની જગ્યા ભાડે મળી. એ દિવસે અમારા ક્લાસની છેલ્લી સાંજ હતી. સંધ્યાના આછા ઉજાસમાં થોડે દૂર સૂકાયેલા ઝાંખરા વચ્ચે મજાના સૂર્યમુખીનાં સુંદર ફૂલો ખીલેલાં હતાં.

મે કહ્યું,”જો સેલ્મા, કેવા સુંદર ફૂલો છે!” મારા સામે હસીને એ ઝાંખરા વચ્ચે જઈને પ્રયત્નપૂર્વક પીળાં ફૂલો ચૂંટીને લઈ આવી અને “ટીચરને ભેટ”, કહી મારા હાથમાં મૂકી દીધાં, જાણે ગુરુદક્ષિણા આપી …

એ ઘણી જહેમતથી નવો ધંધો શીખી. જિંદગીમાં પહેલી વખત એકલા રહેવાનો અનુભવ એને ઘણી વખત વ્યાકુળ કરી દેતો. એક રાત્રે તેની હિંમતની કસોટી થઈ. દુકાન બંધ કરી ચાલતી ઘેર જતી હતી, ત્યારે એની પર્સ કોઈ ખેંચી ગયું, જેમાં સારા એવા પૈસા હતા. નુકસાન તો થયું પણ એ પોતે સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ.

થોડા મહિનાઓથી હું સેલ્માને મળી નહોતી. એવામાં એનો કાગળ આવ્યો. “મારા માયાળુ ટીચર. હવે લગભગ વર્ષના અંતે ભવિષ્યની ઝાંખી દેખાય છે ખરી. મારું લગ્ન નક્કી થયું છે. મારી માગણી પ્રમાણે મારા વાગ્દત્ત અનવર, મારા માતા-પિતાની સંમતિ લઈ આવ્યા. એમને પહેલા લગ્નથી બે બાળકો છે. તમે જાણો છો કે મને બાળકો બહુ ગમે છે. હું આ સંબંધ માટે ખુશ છું. શુક્રિયા. સેલ્મા.

“સેલ્મા! તારા સમાચારથી આનંદ. તેં ચૂંટેલા સૂર્યમુખીનાં બીજ, મેં જમીન પર વેર્યાં હતાં. એમાંથી ઊગેલા છોડ પર સુંદર ફૂલો હસી રહ્યાં છે. તું પણ એમ હસતી રહે એવી શુભેચ્છા.”…. ટીચર સરયૂ.

હસી ફરી

આશ તારલી આજ રાતભર ઝાકળ થઈને ઝરતી,
સ્વપ્નોની રંગોળી  રોળી  શ્યામ  વાદળી  વરસી.

યૌવનના આંગણમાં  ખીલી  વેલી  પ્રેમ  સીંચેલી
શરમાતી  મલકાતી  અર્પિત  પૂર્ણ  પણે   વરેલી

એની  આશે  શ્વાસે  ઝૂલી  નરમી   નેણ  મીંચેલી
ત્રાપટ  ઝાપટ વાગી  ત્યારે  ધ્રૂજતી  એ  ભીંજેલી

અણધારી   આફત   આવેલી   વાછંટે   વીંઝેલી
તણખલાના  તીર  તેવર  ક્રુર   કાંટેથી  વીંધેલી

હૈયામાં  એ  હામ  લઈને  શક્તિ   સહ   જાગેલી
મમતાળી  ડાળી  ઓથારે  હસતી   ફરી  ખીલેલી

નવા પ્રહરની ઝાકળ  ઝીલી  તૃપ્ત બની તરસેલી
હૈયામાં નવ ઉમંગ  લઈને સ્વપ્ન  સજે  શરમીલી.

——–
https://saryu.wordpress.com
e.mail : saryuparikh@yahoo.com

Loading

1 September 2023 Vipool Kalyani
← વિનુભાઈ મહેતા સ્મરણ ….
તારી આંખનો અફીણી કવિ : વેણીભાઈ પુરોહિત →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved