
હેમંતકુમાર શાહ
ભા.જ.પ.ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો દેશદ્રોહનો કેસ ગુજરાતની ભા.જ.પ.ની સરકારે પાછો ખેંચ્યો તેને સુરતની જિલ્લા અને સેશન્સ અદાલતે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ મંજૂરી આપી દીધી હોવાના સમાચાર છે. ગયા માર્ચ મહિનામાં અમદાવાદની સેશન્સ અદાલત દ્વારા પણ આ જ રીતે હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માટેના ભા.જ.પી. સરકારના નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ બંને કેસમાં હાર્દિક પટેલની સાથે સાથે તેમના ચારેક સાથીઓને પણ રાહત મળી.
૨૦૧૫માં હાર્દિક પટેલે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નેતા કે કાર્યકર તરીકે નહીં પણ ભારતના એક નાગરિક તરીકે ગરીબ સવર્ણ લોકોને અનામત મળે તે માટે જે આંદોલન કરેલું તે સબબ આ કેસ તેમની સામે કરવામાં આવેલા. સુરતમાં હાર્દિક પટેલે પટેલ યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલિસને જ મારવા માટે હાકલ કરેલી તે બદલ આ કેસ કરવામાં આવેલો. આ કેસમાં ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. પણ હવે કેસ રહ્યો જ નહીં.
શા માટે હાર્દિક પટેલ સામેના કેસ ગુજરાતની ભા.જ.પ. સરકારે પાછા ખેંચ્યા? અહીં ગુજરાતની ભા.જ.પ. સરકાર એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમજવું, કારણ કે એ બેને પૂછ્યા વિના ગુજરાત સરકારમાં પાંદડું પણ હાલતું નથી એમ લોકવાયકા છે.
કેસ પાછા ખેંચાયા તેનું કારણ એ છે કે હાર્દિક પટેલ ભા.જ.પ.માં છે. તેઓ ૨૦૧૯માં કાઁગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૦માં તેમની કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ જેવા બહુ ઊંચા પક્ષીય હોદ્દા પર નિમણૂક થયેલી. પણ તેઓ કેમ પછી એ ભા.જ.પ.માં જોડાઈ ગયેલા કે જે ભા.જ.પ.ના અમિત શાહને તેમણે “જનરલ ડાયર” કહેલા?
હાર્દિક પટેલને ચોક્કસ એવી બીક લાગી હશે કે તેમની સામેના કેસમાં તેમને સજા થશે અને તો જેલમાં જવું પડશે. એટલે રાજકીય સોદાબાજીના ભાગરૂપે જ એવી ગોઠવણ થઈ હશે કે “આવો ભા.જ.પ.માં, તો બધા કેસ પાછા ખેંચાઈ જશે.”
સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ તો કાયદા અને શાસનની વ્યવસ્થાનો તેમ જ ન્યાય પ્રણાલીનો છે. શું હાર્દિક પટેલે દેશદ્રોહ કર્યો જ નહોતો? તો પછી તેમની સામે કેસ થયો કેમ? અને જો તેમણે દેશદ્રોહી વર્તન કર્યું હતું તો તે અદાલતમાં સાચું કે ખોટું પુરવાર થાય તે પહેલાં સરકારે કેમ કેસ પાછો ખેંચ્યો? એનું કારણ તો એ જ કે તેઓ અત્યારે ભા.જ.પ.માં છે. ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તો તેમની સામેનો કેસ ભા.જ.પી. સરકારે પાછો ખેંચ્યો નહોતો કારણ કે તેઓ ત્યારે ભા.જ.પ.માં નહોતા.
હવે ગુજરાતની ભા.જ.પ. સરકારનું વર્તન જુઓ. તે નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. જે મામકા: છે તે દોષિત હોઈ જ ન શકે એમ સરકાર સમજે અને એ રીતે વર્તે તો એ સ્પષ્ટપણે લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો અને ભારતના બંધારણની કલમ-૧૪ અને કલમ-૧૫માં લખવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. પણ આવા બધા સિદ્ધાંતો જાય તેલ પીવા. આ તો “જનરલ ડાયર”નું શાસન છે, એની મરજી, એણે જ નક્કી કરવાનું છે કે કોના પર દયાનો વરસાદ વરસાવવો અને કોના પર નહીં. આજના ભા.જ.પી. શાસનમાં દયાની ભીખ કેવી રીતે મંગાય છે અને અપાય છે એનો ખ્યાલ આમાંથી આવે છે.
હવે આની સામે જિગ્નેશ મેવાણીનો કેસ જુઓ.
જિગ્નેશ મેવાણીની સામે આસામમાં કોકરાઝારમાં એક ભા.જ.પી. કાર્યકરે ૨૦૨૨માં કેસ કરી નાખ્યો અને આસામની ભા.જ.પ. સરકારની પોલિસ તાબડતોબ પાલનપુર આવીને રાતોરાત જિગ્નેશને ઉઠાવી ગઈ. જિગ્નેશને આસામના ધક્કા ખાતો કરી નાખ્યો! આવો કેસ જિગ્નેશ પર કરવાનો વિચાર આસામના એ ભા.જ.પી. કાર્યકરને આવ્યો હશે કે “જનરલ ડાયર”ને? જરા, કલ્પના કરી જોજો. પણ એ કેસમાંથી બચવા માટે તેણે ભા.જ.પ.માં જોડાવાનું નક્કી કર્યું નહીં, જે થવું હોય તે થાય! જિગ્નેશ માટે વ્યક્તિની આઝાદી મહત્ત્વની છે, હાર્દિક પટેલ માટે “જનરલ ડાયર”ની દયા!
મનુષ્યની મૂળભૂત ચાર વૃત્તિઓમાંની એક છે ભય. દુનિયાભરમાં સત્તામાં બેઠેલાઓ હંમેશાં ભયનો ઉપયોગ સત્તા કાયમ કરવા માટે કરે છે. જેઓ ભય પામતા નથી તેઓ ભોગવે છે, આ રાજકારણનો નિયમ છે. પણ યાદ રાખો, ભય પામનારા કરતાં ભય આપનારા વધારે ક્રૂર, નિર્દય, નરાધમ અને નાલાયક હોય છે. એવું બધું થાય તો એ તાનાશાહી અને રાજાશાહી કહેવાય, લોકશાહી નહીં.
હા, હાર્દિક પટેલ મારો દોસ્ત છે અને જિગ્નેશ મેવાણી મારો વિદ્યાર્થી. બંને ધારાસભ્યો છે. એક ભા.જ.પ.માંથી અને એક કાઁગ્રેસમાંથી. બોલો, કોની પર મારે ગર્વ કરવાનો?
અરે, ગર્વની વાત પણ બાજુ પર મૂકો, આ રીતે લોકશાહીનું જે ધનોતપનોત છડેચોક નીકળી રહ્યું છે એની ચિંતા કરવાની કે નહીં?
તા.૧૯-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

