ધારો કે લોકો ધર્મમાં કે ઈશ્વરમાં માનવાનું બંધ કરી દે તો શું થાય? સમાજ નિરાશાની ગર્તામાં ધસી જાય? જીવન અર્થહીન થઇ જાય? લોકો કામ કરવાનું બંધ કરી દે? આવા પ્રશ્નોનો એક આશ્ચર્યજનક જવાબ છે, પણ તેની વાત પછી. પહેલાં આપણે એ જાણવાની કોશિશ કરીએ કે લોકો ઈશ્વરમાં કેમ માને છે.
દુનિયા ભરમાં વિવિધ સામાજિક મુદ્દાઓ અને વલણોનો અભ્યાસ કરવાનું કામ કરતાં વોશિંગ્ટન સ્થિત પ્રતિષ્ઠિત પ્યુ રિસર્ચ સેન્ટરે, ૨૦૧૯માં ૩૪ દેશોના ૩૮,૪૨૬ લોકોને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે? એમાં ૬૨ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં ઈશ્વરની મહત્ત્વની ભૂમિકા છે, જ્યારે ૫૩ ટકા લોકોએ કહ્યું હતું કે તેમના જીવનમાં પ્રાર્થનાની અગત્યની ભૂમિકા છે.
સર્વેમાં ખબર પડી હતી વિકસી રહેલા દેશોમાં ધાર્મિક શ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. તેનાથી વિપરીત, આઠ પશ્ચિમ યુરોપિયન પ્રદેશના માત્ર ૨૨ પ્રતિશત લોકોએ જ કહ્યું હતું તેમના જીવનમાં ઈશ્વર જરૂરી છે, જ્યારે પૂર્વી યુરોપમાં છ પ્રદેશોના ૩૩ પ્રતિશત લોકોએ કહ્યું હતું કે ધાર્મિક હોવું અનિવાર્ય છે. સર્વેમાં એ નોંધવામાં આવ્યું હતું કે યુરોપિયન દેશો ઉત્તરોત્તર બિનસાંપ્રદાયિક બની રહ્યા છે (નાસ્તિક હોવું અને બિનસાંપ્રદાયિક હોવું એ બંનેમાં ફરક છે).
વિશ્વના અન્ય પ્રદેશોની સરખામણીમાં, યુરોપમાં રાજનીતિ અને ધર્મનો સંબંધ સૌથી કમજોર છે. યુરોપિયન દેશોમાં સાર્વજનિક બાબતો પર અભ્યાસ કરતી સંસ્થા ‘યુરોબેરોમીટર’નો એક સર્વે કહે છે કે યુરોપિયન લોકોના રાજકીય વિચારો અને મતદાન પર ધર્મનો પ્રભાવ સીમિત છે. અમેરિકાની રાજનીતિમાં જેટલી તાકાતવર ધાર્મિક લોબી છે અથવા ઇસ્લામિક દેશોમાં રાજનીતિના ક્ષેત્રે જેટલી ધાર્મિક ચર્ચાઓ થાય છે તેવું યુરોપમાં કશું નથી.
આનો વધુ એક સંકેત તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેકસમાં જોવા મળ્યો છે. આપણે પૂછ્યું હતું કે લોકો જો ધર્મ કે ઈશ્વરમાં માનતા બંધ થઇ જાય તો સમાજ નિરાશામાં સરકી પડે? હેપ્પીનેસ ઇન્ડેકસ અહેવાલ પ્રમાણે એવું કશું ન થાય. એ તાજા સર્વે પ્રમાણે, દુનિયાના જે દસ સૌથી સુખી દેશો છે, તે કાં તો બિનસાંપ્રદાયિક છે અથવા ઓછા ધાર્મિક છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા, છેલ્લાં દસ વર્ષથી ૧૫૦ દેશોનો હેપ્પીનેસ ઇન્ડેકસ જારી કરવામાં આવે છે. તેમાં માણસોની સુખકારીની ભાવના, દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (જી.ડી.પી.)નું સ્તર, જીવનની આવરદા વગેરે જેવાં પરિબળો પરથી દેશના એકંદર સુખનું સ્તર નક્કી કરવામાં આવે છે અને તેને રેન્ક આપવામાં આવે છે.
આ ૧૫૦ દેશોમાંથી યુરોપનો ફિનલેન્ડ દેશ સતત પાંચમાં વર્ષે પહેલાં નંબરે આવ્યો છે (ભારતનો ક્રમ ૧૩૬ છે). સૌથી સુખી દસ દેશોની યાદીમાં, ફિનલેન્ડ પછીના ક્રમે ડેન્માર્ક, આઈસલેંડ, સ્વીત્ઝરલૅન્ડ, નેધરલેંડ. લકઝમબર્ગ, સ્વિડન, નોર્વે, ઇઝરાયેલ અને ન્યુઝીલેન્ડ છે.
કેલિફોર્નિયાની પિઝર કોલેજમાં સમાજશાસ્ત્ર અને સેક્યુલર સ્ટડીઝના પ્રોફેસર અને અનેક પુસ્તકોના લેખક ફિલ ઝુકરમાને આ તાજા સર્વેનો અભ્યાસ કરીને રસપ્રદ તારણ કાઢ્યું છે કે સૌથી સુખી આ દસે દેશ પૃથ્વી પરના સૌથી સેક્યુલર દેશ પણ છે. માત્ર ઇઝરાયેલને બાદ કરતાં, જ્યાં ધાર્મિક કટ્ટરતા અને બિનલોકતાન્ત્રિકતામાં વધારો થઇ રહ્યો છે, બાકીના નવ દેશોમાં છેલ્લી એક સદીમાં લોકો સેક્યુલર બની રહ્યા છે.
સેક્યુલર પરિપેક્ષ્ય સાથે સામાજિક બાબતો પર પ્રકાશ ફેંકતા “ઓન્લીસ્કાય” નામના એક પોર્ટલમાં ઝુકરમાન લખે છે કે દાખલા તરીકે, નોર્વેમાં ચર્ચના સભ્યપદમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તેવા નોર્વેજિયનોની સંખ્યા પણ વધી છે. પાડોશી સ્વિડનમાં, ચર્ચમાં જનારા લોકો ઘટ્યા છે અને લગભગ ૬૫ પ્રતિશત લોકો ઈશ્વરમાં માનતા નથી. ડેન્માર્કમાં અડધો-અડધ પ્રજાને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ન્યુઝીલેન્ડમાં, ૨૦૦૧માં ૩૦ પ્રતિશત લોકો કહેતાં હતાં કે તેઓ ધર્મમાં માનતા નથી, પણ આજે એ સંખ્યા ૫૦ પ્રતિશત થઇ છે. નેધરલેંડમાં, ૭૦ના દાયકામાં નિયમિત ચર્ચ જનારા લોકોની સંખ્યા ૪૦ પ્રતિશત હતી, આજે એ ઘટીને માત્ર ૧૫ પ્રતિશત થઇ ગઈ છે અને ડચ ઇતિહાસમાં પહેલીવાર બહુમતી લોકો કહે છે કે તેઓ ધર્મનું અનુસરણ નથી કરતા.
આઈસલેંડમાં, ૯૩ પ્રતિશત લોકો માને છે કે દુનિયાનું સર્જન બીગ બેંગથી થયું હતું, અને ૨૫ વર્ષથી નીચેનો એક પણ યુવાન માનતો નથી કે દુનિયા ભગવાને બનાવી હતી. સૌથી વધુ સુખી ફિનલેન્ડમાં ૩૦ પ્રતિશત લોકો અધાર્મિક છે અને માત્ર એક તૃતિયાંશ લોકો માને છે કે ઈશ્વર છે.
સામાન્ય રીતે, આટલી ઓછી ધાર્મિકતા અને શ્રદ્ધા હોય તો માણસો ભાવનાત્મક રીતે કઠોર, દ્વેષી, દુઃખી થઇ જવા જોઈએ, પરંતુ હેપ્પીનેસ ઈન્ડેક્સ પ્રમાણે તેમના સુખની ભાવના વધી છે. ઝુકરમાન કહે છે કે ધાર્મિક વિચારો અને ઈશ્વરમાં માન્યતાના અભાવમાં પણ આ દેશના લોકો એટલા માટે સુખી છે કારણ કે તેમને ત્યાં જન કલ્યાણને ધ્યાનમાં રાખીને મૂડીવાદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, બીજું તેઓ દુનિયામાં સૌથી વધુ સ્વતંત્રતા ભોગવે છે અને ત્રીજું આ દેશોમાં અસમાનતા સૌથી ઓછી છે. ત્યાંની સ્વાસ્થ્ય વ્યવસ્થા, ચાઈલ્ડકેર, વૃદ્ધોની કેર, શિક્ષણ અને બીજી અનેક જનલક્ષી સેવાઓ નિ:શુલ્ક અથવા નજીવી કિંમતે મળે છે. ત્યાંના સમાજો અત્યંત સુરક્ષિત અને માનવીય છે.
અલબત્ત, તેઓ સેક્યુલર છે એટલે સુખી છે તેવો તર્ક કાઢવો બરાબર નથી. અહીં સમજવાનું એટલું જ છે કે જે લોકો એમ કહે છે કે એક સુખી, સ્વસ્થ અને સંતોષી સમાજ માટે ધર્મ અનિવાર્ય છે તેઓ ભૂલી જાય છે કે ધર્મ જનતાની સુખાકારી અને સુવિધાનો વિકલ્પ ન બની શકે. હા, લોકો દુઃખી હોય, ગરીબ હોય, અશિક્ષિત હોય, અસમાનતામાં જીવતા હોય, તો ધર્મ તેમનું ધ્યાન અસલી મુદ્દાઓમાંથી ચોક્કસ ભટકાવી શકે.
જે દેશોમાં સામાજિક કલ્યાણ માટેની મજબૂત વ્યવસ્થાઓ હોય, આર્થિક પ્રગતિ હોય, તંદુરસ્ત લોકતાન્ત્રિક સંસ્થાઓ હોય, મહિલાઓ માટે સમાન અધિકારો હોય, જનતામાં શિક્ષણ સ્તર ઘણું ઊંચું હોય, સડકો સ્વચ્છ હોય, કાનૂન-વ્યવસ્થા મજબૂત હોય અને ખાવા-પીવા, રહેવા-પહેરવા તેમ જ રહેણીકરણીની સ્વતંત્રતા હોય પછી એ દેશના લોકો ભગવાનની ભક્તિ કરે કે ન કરે તેનાથી શો ફરક પડે છે?
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 મે 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર