હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ
કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ…
દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં
સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં
કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ…
સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે
કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે
કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ…
‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’ આ સંવાદ છે બાસુ ભટ્ટાચાર્યની એક અદ્દભુત ફિલ્મ ‘આવિષ્કાર’નો.
લગ્ન પહેલા માનસી ગાતી અને અમર ઉત્કંઠાપૂર્વક સાંભળતો. એ જરા ઉદાસ થતી ને અમર વહાલ કરીને કહેતો, ‘મુઝે અપના દુ:ખ નહીં બતાઓગી તો મૈં તુમ્હેં સુખ કૈસે
દૂંગા?’ માનસી પૂછતી, ‘શાદી હમેં સુખ દેગી, અમર? એ કહેતો, ‘ક્યોં નહીં? અગર હમ સચ્ચે રહેં તો જરૂર દેગી.’
અને હવે, કુછ સાલ બાદ, માનસી કહે છે, ‘અબ તુમ્હેં સુખ મિલતા હૈ સિર્ફ મેરે કપડે ઉતારને મેં.’ અને કડવાશથી અમર કહે છે, ‘અબ તો ઉસસે ભી તંગ આ ચૂકા હૂં.’ બધું પૂરું થઈ ગયું છે બન્ને વચ્ચે, બાકી રહી છે જે કંઈ થયું તે માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા.

બાસુ ભટ્ટાચાર્ય
આ ફિલ્મનું એક સુંદર ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ આજે આપણે માણવાના છીએ, બાસુદાની પુણ્યતિથિ આવી રહી છે એ નિમિત્તે. લગ્નસંસ્થા અને દાંપત્ય પર અણિયાળા સવાલો કરનારી બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’ (1979)એ એક આખી પેઢીના ગુમસુમ સંબંધોને સ્પર્શ કર્યો હતો.
આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. તેઓ પ્રેમ કરે છે, પરણે છે અને પછી અનુભવે છે કે તાજી, ખળખળ વહેતી જિંદગી બંધિયાર અને વાસી બનતી જાય છે. ઊડી જાય છે એ સુગંધ જે પ્રિયપાત્રને જોઈ હૃદયમાંથી ઊઠતી હતી. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ મૂકે છે. દર્શકને તેની ધાર વાગ્યા વિના રહેતી નથી અને અંત એમ તો સુખદ કહી શકાય એવો હોવા છતાં એક અસમંજસ, થિયેટર છોડ્યા પછી પણ ખાસ્સો સમય દર્શકની સાથે રહે છે.
‘આવિષ્કાર’ ફિલ્મની શરૂઆત જ ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ ગીત સાથે થાય છે. ગીત આગળ વધતું જાય છે, ટાઈટલ્સ સરતાં જાય છે અને ફિલ્મનું વાતાવરણ બંધાતું જાય છે. કપિલકુમારના શબ્દોને મન્ના ડેએ એટલા પ્રાણવાન બનાવ્યા છે કે અનુભૂતિ કોઈ એકની ન રહેતા દરેકની બની જાય છે. ફિલ્મના સંગીતકાર હતા કનુ રૉય. ‘અનુભવ’માં એમણે પોતાની બહેન ગીતા દત્ત પાસે ‘મુઝે જા ન કહો મેરી જાં’, ‘કોઈ ચૂપકે સે આ કે’ જેવાં કમાલનાં ગીત ગવડાવેલાં. તે જો મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હૈં પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એમ ધારવું ગમે. કપિલ કુમારે ‘અનુભવ’ માટે અદ્દભુત ગીત લખ્યું છે, ‘ફિર કહીં કોઈ ફૂલ ખિલા, ચાહત ના કહો ઉસકો’ એ પણ મન્ના ડેએ ગાયું છે.
અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) બંને આધુનિક, સુશિક્ષિત, બુદ્ધિશાળી છે. ચિક્કાર પ્રેમ કરીને અને વિદ્રોહ કરીને લગ્ન કરે છે. થોડાં વર્ષો પછી સ્થિતિ એ થાય છે કે લગ્નતિથિ હોવા છતાં અમર મોડે સુધી ઑફિસમાં બેઠો રહે છે – ઘેર જવાનું મન નથી થતું. ઘેર મિત્ર સુનીલ પુષ્પગુચ્છ લઈને જાય છે ત્યારે માનસી કહે છે, ‘નવાઈની વાત છે, તમને અમારી લગ્નતિથિ યાદ છે અને અમે જ ભૂલી ગયાં!’ સુનીલ વાતને વાળી લે છે, ‘એવું થાય.’ માનસી યાદ કરે છે, ‘પહેલી લગ્નતિથિ પર ખૂબ ફર્યાં હતાં, ખૂબ વાતો કરી હતી. બીજી લગ્નતિથિ પર બાળકના આગમનની તૈયારી હતી. ત્યાર પછી બેચાર લગ્નતિથિ આવી, પણ કોઈ પ્રોગ્રામ કરવાનું મન જ નથી થતું.’ ફરી સુનીલ વાત વાળી લે છે, ‘સંબંધો સાદગી પર ઊતરી આવે ત્યારે એવું જ થાય, કોઈ પ્રોગ્રામની જરૂર ન રહે.’
બાસુ ભટ્ટાચાર્યની કારકિર્દી બિમલ રૉયની ‘મધુમતી’ના સહાયક દિગ્દર્શક તરીકે થઈ. માધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવામાં તેમણે પોતાના ગુરુ જેવી જ મહારત હાંસલ કરી હતી. ‘તીસરી કસમ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાસુદા અને બિમલ રૉયની પુત્રી રિન્કીએ બધાના વિરોધ છતાં ભાગીને લગ્ન કર્યાં પણ ઝડપથી સંબંધો વણસ્યા, રિન્કી ઘર છોડી ચાલી ગઈ અને પછી છૂટાછેડા થયા. આ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી બાસુદા જાણે કોઈ હલ શોધે છે. ‘આવિષ્કાર’ના અંતે સવારે દૂધની બોટલ લેવા બારણું ખોલતી માનસીને અમરે બહાર જ મૂકી દીધેલો પુષ્પગુચ્છ મળે છે એ જોઈ તે રાતની અકળામણ ભૂલી જાય છે અને અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક વિમાસે છે, આ નવી શરૂઆત છે કે સુખની એક આકસ્મિક પળ? શર્મિલા ટાગોર અને રાજેશ ખન્ના એ સમયના સફળ અને વ્યસ્ત કલાકારો. બંનેએ કહ્યું છે કે બાસુદા સાથે કામ કરવું એ એક ‘ક્રિએટિવ એક્સપિરિયન્સ’ છે.
‘આવિષ્કાર’ને વિવેચકોએ ખૂબ વખાણેલી. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ – રાજેશ ખન્ના દ્વારા બોલાતી આ પંક્તિ અનંત અર્થની વાહક બની છે. તેને આ ફિલ્મ માટે અવૉર્ડ મળ્યો હતો. અમર કહે છે, ‘લગ્ન પહેલાં આપણે થોડું મળતાં. મળતાં ત્યારે શ્રેષ્ઠ રૂપમાં રહેતાં. તે વખતે આપણે કેટલાં સુંદર હતાં!’ ‘તો હવે કુરુપ થઈ ગયાં?’ ‘ના, લાચાર.’ અને માનસી કહે છે, ‘મારા પિતા કહે છે કે પ્રેમ પોકળ વસ્તુ છે, નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ કદી સ્ત્રીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે, ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે, ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. ક્યારેક વિચાર આવે છે, આપણે પ્રેમનો અર્થ સમજતાં હતાં ખરાં?’ – ‘સપને છલતે હી રહે રોજ નઈ રાહોં સે, કોઈ ફિસલા હૈ અભી અભી બાહોં સે.’ શું છે આ છલના, આ ફિસલન?
1997ની 19 જૂને 63 વર્ષની ઉંમરે બાસુદાનું નિધન થયું. એ જ વર્ષના જાન્યુઆરીમાં એમની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’ આવી, એમાં પણ એક અમર-માનસી છે. વધતા જતા ભૌતિકવાદની શહેરી જીવન, મધ્યમવર્ગ અને લગ્નનાં મૂલ્યો પર થયેલી અસર વચ્ચે ભીંસાતાં ‘આસ્થા’ના અમર-માનસી આ છલના, આ ફિસલનનો કેવો અનુભવ કરે છે, કેવો અર્થવિસ્તાર કરે છે? ક્યારેક વાત કરીશું એ ફિલ્મની.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 06 જૂન 2025