Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હણો ના પાપીને …

વલીભાઈ મુસા|Opinion - Short Stories|18 May 2017

‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ કે ગઈકાલની ગાભાજી સાથેની વાતચીતના એકેએક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું; અને હાલ જાગૃતાવસ્થામાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે.’

‘કયાંથી ભૂલો પડ્યો, ભઈલા? નોકરીએ નથી ગયો?’

‘રજા મૂકી છે, બહેનજી.’

‘કેમ રજા મૂકવી પડી? કોઈ ખાસ કામ હતું કે શું?’

‘હા, આપને જ મળવાનું હતું!’

‘તો એમાં રજા મૂક્વાની શી જરૂર હતી? સવારે કે સાંજે મળવા આવી શકતો હતો ને!’

‘આપને એકલાંને જ મળવાનું હતું, સાહેબથી ખાનગીમાં એટલે જ તો!’

‘જો ગાભાજી, મારે તારા સાહેબથી કશું ય ખાનગી હોતું નથી. હવે તું આવ્યો જ છે, તો ભલે તારે જે કહેવું હોય તે કહી દે, પણ હું તારી કહેલી વાત તેમનાથી છુપાવીશ તો નહિ જ.’

‘હું ય ઇચ્છું છું કે વાત તેમના સુધી પહોંચે, પણ મારું નામ આવવું જોઈએ નહિ.’

‘બોલ, શી વાત છે? કોઈ કાનભંભેરણી તો નથી કરી રહ્યો ને?’

‘આપ બેઉ વચ્ચે વિખવાદ કરાવવાથી મને શું મળવાનું હતું? વાત અમારા બેઉ વચ્ચેની જ છે. સાવ સીધું કહી દઉં તો અમે બંને એક જ ઓફિસમાં સાથે નોકરી નહિ કરી શકીએ. પેલું કહેવાવાળાએ કહ્યું છે ને કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, બસ એમ જ તો એ વાત અમને બેઉને લાગુ પડે છે! હું ઇચ્છું છું કે તેઓ તેમની બદલી કરાવી દે. હું ચોથા વર્ગનો કર્મચારી છું, અહીંનો વતની છું અને નિયમાનુસાર મારી બદલી નહિ થઈ શકે અને મને વતનથી દૂર પોસાય પણ નહિ.’

‘તમારા બંનેની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય તો એનું સમાધાન થઈ શકે છે, હું સમાધાન કરાવી દઉં; પણ ભલા, આવો તે કંઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે ખરો?’

‘જુઓ બહેનજી, આપ બ્રહ્માકુમારી છો; અને હું જાણું છું તે મુજબ આપ સાચાં બ્રહ્માકુમારી છો એટલે જ સીધો આપની પાસે આવ્યો છું.’

‘જો ભઈલા, તું મારી વધારે પડતી પ્રશંસા કરી રહ્યો છે, પણ સાચી બ્રહ્માકુમારી થવા માટેની મારી સાધના કે પ્રયત્ન જે કહે તે હજુ ચાલુ છે અને વળી આધ્યાત્મિક સાધના તો જીવનભર ચાલુ જ રહેતી હોય છે ને!’

‘નહિ બહેનજી, આપ સિદ્ધિ પામી ચૂક્યાં છો. ભલા, જે બાઈ માણસના મોંઢેમોંઢ એમના પતિ વિષેની ફરિયાદ કરવામાં આવી રહી હોય અને  એ જરાપણ ઉશ્કેરાયા વગર અથવા ખરું કે ખોટું  ઉપરાણું લીધા વગર સહજ ભાવે વાત કરી શકે તે કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય! બહેન, એક વાત પૂછું? સાહેબ જ્યારે પોતાની કિંમતી કાંડાઘડિયાળને ઘરે લાવ્યા, ત્યારે તેમણે એ અંગે શું કહ્યું હતું?’

‘એ જ કે તમારા બાળસુરક્ષા ગૃહમાંના એક છોકરાને દત્તક લેવા આવેલા કોઈ શ્રીમંતે સંસ્થાને, સંસ્થાનાં તમામ બાળકોને અને આખા સ્ટાફને ભેટસોગાદો આપી હતી, જેમાં એમને એ ઘડિયાળ મળ્યું હતું.’

‘માફ કરજો, બહેન. આ અંગે હું જે કંઈ કહું તેને ચાડીચુગલી ન સમજતાં, પણ હકીકત એ છે કે કોઈપણ દાતા અમારી સંસ્થા અંગેના ખાતાકીય નિયમો અનુસાર માત્ર સંસ્થાને જ રોકડ દાન, ચીજવસ્તુની બક્ષિસ કે તિથિભોજન આપી શકે; પરંતુ આવી વ્યક્તિગત ભેટસોગાદ છોકરાઓ કે સ્ટાફને તો ન જ આપી શકે.’

‘તો પછી?’

‘સાહેબે ટાઈટનના શોરૂમમાંથી આ મૂલ્યવાન ઘડિયાળ ખરીદ્યું હતું અને એ પણ એ દિવસે કે જ્યારે તેમને મોટી ખાયકીનો ડલ્લો પડ્યો હતો!’

‘ઓ પ્રજાપિતા, આ હું શું સાંભળી રહી છું!’

‘બહેનજી, આપને દુભવવા બદલ માફી ચાહું છું. પરંતુ અમારા સ્ટાફમાં મારા સિવાય બધાની વચ્ચે લાંચરુશ્વતના મામલે સાંઠગાંઠ બનેલી છે. મારી ઘરવાળી આપની જેમ કોઈ બ્રહ્માકુમારી, સ્વાધ્યાયિની કે ઝાઝું ભણેલી પણ નથી. પરણ્યા પછી એ જ્યારે આણે ફરતી હતી, ત્યારે એક વર્ષે શ્રાવણના તહેવારોમાં તે અમારા ઘરે આણે આવી હતી અને રામકથા સાંભળવા ગઈ હતી. પહેલા જ દિવસે વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી બનેલા રામાયણના રચયિતાની ઘટના સાંભળીને તેણે મને એટલું જ કહ્યું હતું કે આપણા ઓછા કે વધતા પગારમાંથી હું ઘર નિભાવી લઈશ, પણ હું તમારા કોઈ પાપની ભાગીદાર થઈશ નહિ. બસ એ દિવસે ને એ જ ઘડીએ જ મેં ગલબીને મારી ગુરુ માની લીધી હતી અને બસ, હરામ બરાબર, ત્યારથી અનીતિનો એક પૈસો ય મેં મારા ગજવે ઘાલ્યો નથી કે ઘરમાં પેસવા દીધો નથી.’


‘હવે જો સાંભળ, ભઈલા; હું તારા સાહેબની કોઈ તરફદારી કરતી નથી, માત્ર એટલું જ પૂછું છું કે તારા સાહેબને બદલી પામીને અહીં આવ્યે બે અઢી વર્ષ થયાં અને આમ અચાનક શું વાંકું પડ્યું કે તારે તેમની સાથે બાપે માર્યા વેર જેવું થઈ ગયું!’

‘…..’

‘અરે, અરે! તું તો નાના છોકરાની જેમ રડવા માંડ્યો! ગાભા, રડીશ નહિ. સ્વસ્થ થા અને મને શાંતિથી જવાબ આપ કે આજકાલમાં એવું કંઈ ગંભીર બન્યું છે કે તું તારા સાહેબથી આટલી બધી નફરત કરવા માંડ્યો છે! તું મારા પર વિશ્વાસ રાખ અને હું તને ખાતરી આપું છું કે હું સત્યના પક્ષે જ રહીશ.’

‘જુઓ બહેનજી, સત્યના પક્ષે રહેવાની માત્ર સુફિયાણી વાતથી મને જરા ય સંતોષ નહિ થાય. મારે તો નક્કર પરિણામ એ જ જોઈએ કે તેઓશ્રી અહીંથી શક્ય તેટલા વહેલા વિદાય થાય. તેમની બદલી નહિ થાય ત્યાં સુધી હું રજાઓ ઉપર રહીશ. એમની બદલી નહિ જ થાય તો હું નોકરી છોડતાં પણ અચકાઈશ નહિ. હું ઠાકોર કોમમાંથી છું. અમે ઝનૂની હોઈએ છીએ અને ક્રોધાવેશમાં એવું ન બની જાય કે તેમની ….!’

‘ઓહ, તો તું તેમની હત્યા કરી બેસે એટલી મોટી વ્યથા તેમણે તને પહોંચાડી લાગે છે, ખરું ને! ભઈલા, આમ તું કાયદો હાથમાં લઈને અજુગતું કરી બેસે તો તું અને તારું કુટુંબ બરબાદ ન થઈ જાય?’

‘જે થાય તે ખરું! હું ફાંસીએ લટકી જાઉં કે મારું કુટુંબ બેહાલ સ્થિતિમાં આવી જાય તેની મને પરવા નથી. આપ ગઈકાલે જ મને જાણવા મળેલા તેમના કરતૂતને સાંભળશો ત્યારે આપ પણ બ્રહ્માકુમારી હોવાનું ભૂલી જઈને મારી જેમ તેમનાથી નફરત કરશો. છેલ્લાં બેઅઢી વર્ષથી અહીં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બઢતી પામીને આવ્યા પછી કદાચ આપને અંધારામાં રાખીને લાખો રૂપિયા એક બેંક કક્ષાની શરાફી સહકારી મંડળીના લોકરમાં તેમણે ભેગા કરી રાખ્યા છે અને આપની આગળ એ જાહેર કરવા માટે પેલા કાંડાઘડિયાળના જેવી કોઈ મોટી વાત ઉપજાવી કાઢવા માટે તેઓ પોતાનું ભેજું કસી રહ્યા હશે! બહેનજી, અમારી સંસ્થામાં બદકિસ્મતીનો ભોગ બનેલાં બાળકોના મદદગાર થવા માટેની જે તક અમને લોકોને ઈશ્વર દ્વારા સાંપડી છે તેને ગુમાવી દઈને અમારા દ્વારા પાપનાં એવાં વજનદાર પોટલાં બાંધવામાં આવે કે જે ઊંચકી પણ ન શકાય તો તેને અમારી જ બદકિસ્મતી નહિ તો બીજું શું કહેવાય?’

‘હવે તું માંડીને કંઈક વાત કરીશ કે મને સંતાપ્યે જઈશ?’

‘ગઈકાલે મને જે જાણવા મળ્યું છે એ કહેવા પહેલાં તેને સંલગ્ન એકાદ મહિના પહેલાંની ઘટના મારે આપને કહી સંભળાવવી પડશે. વચ્ચે પૂછી લઉં બહેનજી કે બેબીબહેન રિસેસમાં ઘરે આવશે? જો આવવાનાં હોય તો હું આજે જતો રહું, કેમ કે એ મને જોઈ જાય તો સાહેબ સુધી એ વાત પહોંચી જાય કે હું આપને મળવા આવ્યો હતો.’

‘ના, એ હવે સાંજે જ આવશે. તું ભઈલા, ચિંતા કર્યા વગર જે કહેવું હોય તે ખુશીથી કહી દે.’

‘જુઓ બહેનજી, અમે બંનેએ આધેડ ઉંમર વટાવી દીધી છે. દેવનો દીધેલો એક દીકરો માંડ બે વર્ષનો હશે અને અતિસાર(diarrhea)ની ટૂંકી બીમારીમાં અવસાન પામ્યો હતો. ત્યાર પછી અમને કોઈ ઓલાદ થઈ નથી અને ડોક્ટરોના મતે હવે અમારે કોઈ સંતાન થાય તેમ પણ નથી. મારા દીકરાને બચાવી લેવા માટે બિચારા એ ખાનગી ડોક્ટરે ખૂબ મહેનત કરી હતી. એ ભલા ડોક્ટરે આંખોમાં આંસુ સાથે અમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે હું તમારા દીકરાને બચાવી શક્યો નથી, પણ તેની સારવાર દરમિયાન મને એવું શીખવા મળ્યું છે કે હવે પછી મારા ત્યાંથી ડાયરિયાનું પ્રત્યેક બાળદર્દી સાજું થઈને જ ઘરે જશે. એ પ્રયોગશીલ ડોક્ટરની વાત સાચી ઠરી છે અને ડાયરિયા સિવાય ધનુર્વા, હડકવા, પોઈઝનીંગ જેવી જીવલેણ કેટલી ય બીમારીઓમાં એ ડોક્ટર સાહેબની સારવાર કામિયાબ નીવડી છે અને આખા પરગણામાં અને દૂરદૂર સુધી એમની નામના થઈ છે.’

‘ગાભાજી, તું તો તારી અંગત દાસ્તાન શરૂ કરી બેઠો અને મને તાલાવેલી થઈ છે તારા સાહેબ અને તારી વચ્ચે થયેલી મનદુ:ખની વાત જાણવાની. તો ભઈલા, સીધી વાત ઉપર આવી જા ને.’

‘બહેનજી, હું સીધી વાત ઉપર જ છું. હવે અમારી સંસ્થામાં એક છોકરો કે જેને અમે દત્તક લેવાનું વિચારતાં હતાં અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં હતાં તે બિચારો અતિસારનો ભોગ બન્યો. મેં સાહેબને કાકલૂદી કરી કે એ છોકરાને પેલા ડોક્ટર સાહેબની ખાનગી સારવાર અપાવવામાં આવે અને તમામ ખર્ચની જવાબદારી અમારી હોવાનું જણાવ્યું. પરંતુ સાહેબે સરકારી દવાખાનાના આગ્રહને પકડી રાખ્યો અને અફસોસ કે યોગ્ય સારવારના અભાવે એ છોકરો બચી ન શક્યો. મારી પત્ની અને હું ત્રણ દિવસ અને રાત સુધી ખડા પગે તેની સેવાચાકરીમાં રહ્યાં, પણ એ છોકરો ન બચ્યો તે ન જ બચ્યો.’

‘જો ગાભાજી, રડીશ નહિ. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આમાં તારા સાહેબની કાયદાકીય કોઈક મજબૂરી હશે એટલે એ છોકરાને સરકારી સારવાર અપાવી. હું માનું છું કે તું એ છોકરાના અવસાન માટે તારા સાહેબને જવાબદાર ગણતો હોય તો ત્યાં તારી ભૂલ નથી થતી?’

‘જુઓ બહેન, હું પણ સમજું છું કે મોત અને હયાત કોઈના હાથની વાત નથી; પરંતુ મહિના પહેલાંની એ ઘટનાના અનુસંધાને ઘટેલી ગઈકાલની ઘટનાએ મને આખી રાત ઊંઘવા દીધો નથી અને આજે નોકરીની રજા મૂકીને આપની પાસે આવ્યો છું. મારે મારા મનદુ:ખની વાત આપને કેવી રીતે કહેવી તે મારી સમજમાં આવતું નથી. ’

‘ગાભાજી, તું વધારે લાગણીશીલ બન્યા વગર જે વાત હોય તે કહી દે. તારા સાહેબ વિષેની ગમે તેવી કઠોર વાત હશે તો હું સાંભળી લઈશ અને તેને જીરવી પણ લઈશ. મારી આધ્યાત્મિકતાની આ કસોટી હશે અને હું એ કસોટીમાંથી પાર ઊતરીશ એવો મને દૃઢ વિશ્વાસ પણ છે. હું બ્રહ્માકુમારી તો અહીં આવ્યાનાં બેત્રણ વર્ષથી બની, પણ સ્થિતપ્રજ્ઞતાના પાઠ તો હું પિયરમાંથી મારા બાપુજી પાસેથી શીખીને આવી છું. સ્થિતપ્રજ્ઞતા એ કંઈ શીખવાની બાબત નથી, એ તો અનુભવ દ્વારા જ આત્મસાત કરી શકાય. મેં મારા બાપુજીની સ્થિતપ્રજ્ઞતાને નજરે નિહાળી છે અને તેથી જ તો હું તારી સાથે તારી સંવેદનશીલ વાતની ચર્ચા મુક્ત મને કરી રહી છું. હવે બોલ તો ગઈકાલે શું બન્યું?’

‘ગઈકાલે હું અમારી સંસ્થાને જલાઉ લાકડાં સપ્લાય કરતા બેન્ડસોએ અમારા અંગત વપરાશ માટે લાકડાનો વહેર લેવા ગયો હતો. બેન્ડસોનો માલિક મને ઓળખતો હતો અને મને બીજી એ રીતે પણ ઓળખતો હતો કે અમારી આખી ઓફિસમાં હું એકલો જ ભ્રષ્ટાચાર આચરતો ન હતો .. તેણે મને બેન્ડસો ઉપર જાણે કે આખેઆખો મને વેરી નાખતો હોય તેવી વેધક વાત કરી કે ‘અલ્યા ગાભાજી, તારો સાહેબ મરેલાંને પણ છોડતો નથી લાગતો! તમારી સંસ્થામાં અવસાન પામનાર કોઈ છોકરાના અંતિમ સંસ્કાર માટેના લાકડાનું બિલ પણ વધારે માગે છે. તમારો પટાવાળો ચેક આપી જાય છે અને ઉપરના પૈસા રોકડા લઈ જાય છે.’ મેં ખરાઈ કરવા ખાતર કહ્યું, ‘શેઠ સાહેબ, હમણાં તો એવો કોઈ છોકરો અમારા ત્યાં અવસાન પામ્યો નથી.’ તેમણે કહ્યું, ’હમણાંની વાત નથી. એકાદ મહિનો થયો હશે.’ મેં એ વખતે તો એટલું જ કહીને ચાલતી પકડી હતી કે ‘શેઠજી, જે જેવું કરશે તે તેવું ભોગવશે.’ પરંતુ તે ક્ષણથી નિખિલ સાહેબ મારી નજરમાંથી ઊતરી ગયા.

‘ઓ પ્રજાપિતા, કૃપા ચાહું છું. ગાભાજી, આ વાત મારા ધ્યાન ઉપર લાવવા બદલ તારો આભાર.’

‘બસ, બહેનજી! આપના પતિ વિષેની આટલી ગંભીર વાતનો આવો મોળો પ્રતિસાદ! આપ ખરે જ સાચાં બ્રહ્માકુમારી છો. આપના ગુરુ એવા આપના પિતાજીને બેસુમાર ધન્યવાદ ઘટે છે કે એમણે આપને આવી સ્થિતપ્રજ્ઞતા ધારણ કરાવડાવી છે.’

‘જો ગાભાજી, તારી ધારણા હશે કે તારા નિખિલ સાહેબ વિષેની આવી અપ્રિય વાત સાંભળીને હું ચીસ પાડી ઊઠીશ! પણ ભલા, હું તો વિચારું છું કે જે બની ચૂક્યું છે તેના વિષે કોઈ બળાપો કાઢવાનો અર્થ ખરો? જો કે હું પણ છેવટે તો માનવી જ છું; ભલે મારી આંખમાં આંસું ન દેખાય, પણ દિલ તો રડ્યા વગર રહે ખરું? હવે સવાલ એ વિચારવાનો રહે છે કે આપણે ભ્રષ્ટ વ્યક્તિને ધિક્કારવાની કે એણે આચરેલા ભ્રષ્ટાચારને? આપણા ભણવામાં નથી આવ્યું કે ‘હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.’ તું કદાચ એમનું મોંઢું ન જોવાનું કે તેમની હત્યા કરી દેવા સુધીનું પણ વિચારી શકે; પણ મારાથી એવું થાય ખરું? સાથેસાથે એ પણ એટલું જ સાચું કે એમના એ કૃત્યને ચલાવી લઈ પણ ન શકાય! તું કહે છે એ પ્રમાણે એમણે અનીતિનું જે કંઈ ધન ભેગું કર્યું હશે, તેનો યોગ્ય નિકાલ પણ થશે અને જરૂર પડશે તો એમાં તારી મદદ લઈને આપણે એવાં કોઈ જરૂરિયાતમંદોનાં નાણાકીય દુ:ખદરદોને દૂર કરીશું. એ પાપના ધનનું પુણ્ય કરવાથી કોઈ ફળ મળશે તેવી આશા તો રખાય નહિ, પણ એ નાણાંને કૂટી બાળવાના બદલામાં કોઈના કામમાં આવે તે રીતે એનો નિકાલ થાય એમ તો  કરવું જ પડશે ને! ભલા, તારી પત્ની તારી ગુરુ બનીને તને પ્રમાણિક બનવી શકી તો હું શું તારા સાહેબ માટે એમ ન કરી શકું? મને વિશ્વાસ છે કે તારો મને સાથ મળશે તો આપણે તારા સાહેબને ભલે વાલ્મિકી ન બનાવી શકીએ, પરંતુ વાલિયાની સ્થિતિમાંથી તો બહાર લાવીશું જ.’

* * *

‘ઓહ, આઠ વાગી ગયા. સરિતા, આજે તારી કસોટી છે. આજે તારે પાપી નહિ, પણ પાપ સામે લડવાનું છે! પિતાજીએ આપેલા સંસ્કાર મુજબ તારે પંથ ભુલેલા પતિને સત્માર્ગે લાવવાનો છે. સરિતા, સાબદી થઈ જા અને તારા કર્તવ્યને નિભાવી જાણ.’   

‘લ્યો, હવે ઊઠશો કે? આઠ વાગ્યા છે. તમારે કોઈ કામે મંડળીમાં જવાનું હતું ને !’

‘પ્લીઝ, મને ઊંઘવા દે ને. એવું કંઈ તાકીદનું કામ નથી. આવતા રવિવારે જઈશ અથવા કાલે સવારે ઓફિસે જવા પહેલાં નવ વાગે શરાફી મંડળીમાં પહોંચી જઈશ. સરકારી કર્મચારીઓની સુવિધા માટે તો મંડળીએ એમને અનુકૂળ કામકાજનો સમય અને રજાના દિવસોને કાર્યદિવસ તરીકે રાખ્યા છે ને.’

‘તમે કહો તો લોકરનું કે ખાતાની લેણદેણનું જે કોઈ કામ હોય તે હું પતાવી આવું. મને પણ એવાં કામો કરવાનું શીખવા મળે ને! વળી આજકાલ ચોરીઓ ખૂબ થવા માંડી છે, તો હું મારા વધારાના દરદાગીના પણ લોકરમાં મૂકી આવું. તમે આરામથી ઊંઘો. વળી આપણા સંયુકત નામથી લોકર છે એટલે તમારી હાજરીની જરૂર પણ નહિ પડે!’

‘મને લાગે છે કે તું મને ઊંઘવા નહિ જ દે. લે ત્યારે, હું નહાઈધોઈને તૈયાર થાઉં છું; તું તારા દાગીના તૈયાર રાખ અને હું લોકરમાં મૂકી દઈશ.’

‘આવું કેમ બોલો છો, ભલા? હું તો તમને આરામથી ઊંઘવાનું કહું છું. પરંતુ મને લાગે છે કે તમે લોકરમાં મારાથી કંઈક છૂપું મૂકી રાખ્યું છે. સપ્તપદીનાં વચનો યાદ કરાવું કે? પતિપત્નીએ એકબીજાથી કશું ય છુપાવવાનું હોય ખરું?’

‘તું એક સામાન્ય વાતને ક્યાથી ક્યાં સુધી લઈ જાય છે? હવે તું જ જા. મારે લોકરનું જ કામ હતું. મારી પર્સમાં દસ હજાર રૂપિયા છે, તે લોકરમાં મૂકી દેજે અને તારા દાગીના પણ.’

‘પણ પૈસા લોકરમાં કેમ મુકાવો છો? ખાતામાં ભરાવી દો ને, વ્યાજ તો મળે!’

‘એ પૈસા આપણા નથી. બીજું લોકરમાં બીજા ખૂબ પૈસા જોઈને નવાઈ પામતી નહિ. આ દસ હજાર અને એ બધા અમારા ઉપરી ડાયરેક્ટર સાહેબના છે. એમને આપણા ઉપર વિશ્વાસ એટલે આપણને સાચવવા આપ્યા છે.’

‘અંદાજે કેટલી રકમ હશે?’

‘અંદર એક ડાયરીમાં તારીખ સાથે લખી રાખ્યા છે. દસેક લાખ તો હશે જ!’

‘ઓ બાપ રે! આટલી બધી મોટી રકમ અને એ પણ આપણા લોકરમાં! આપણા માટે જોખમ ન ગણાય? ઈશ્વર જાણે એ સાહેબના લાંચરુશ્વતના પૈસા હશે અને આપણા ત્યાં કોઈ રેડ પડે તો આપણે ફસાઈ જઈએ નહિ?’

‘એટલે જ તો આપણે મંડળીના લોકરમાં જોખમ મૂક્યું છે. બેંકનું લોકર હોય તો તારો ડર સાચો.’

‘ના, બાપલિયા. જલ્દી તૈયાર થઈ જાઓ. આપણે આજે જ એ જોખમ લોકરમાંથી ઊઠાવી લઈએ અને ભાડાની ગાડી કરીને આજે જ તમારા સાહેબને એ જોખમ આપી આવીએ. તમારે મારું નામ દઈ દેવાનું અને કહેવાનું કે હું બ્રહ્માકુમારી છું અને આવું પરાયું અનીતિનું ધન અમે નહિ સાચવીએ.’

‘ધીમે બોલ, મુન્ની જાગી જશે અને આ બધું સાંભળી જશે.’

‘તમે મારાથી સહજ વાત નથી કરતા અને ગભરાયેલા જેવા કેમ લાગો છો?’

‘હું ક્યાં ગભરાઉં છું?’

‘ગભરાયેલા છો એટલે જ તો ભૂલી ગયા કે મુન્ની રવિવારે આ સમયે ટ્યુશન જતી હોય છે!’

‘આજે તું કંઈક ઓડિટર જેવી પૂછપરછ કરી રહી હોય તેમ લાગે છે. જો કે તારી વાત સાચી છે. હું ડાયરેક્ટર સાહેબ સાથે વાત કરીને એમને બોલાવી લઉં છું અને આ અઠવાડિયામાં જ તેમનું જોખમ આપણે તેમને સોંપી દઈશું. તો હવે એમ કર. તું જ મંડળીમાં જા અને મારું અને તારું કામ પતાવી આવ.’

‘કહેતા હો તો હું ફક્ત મારા દાગીના મૂકી આવું, પણ તમારા અનીતિના દસ હજાર રૂપિયાને હાથ નહિ અડકાડું.’

‘તો તારા દાગીના મૂકી આવ અને એ રકમ ગમે ત્યારે હું જ મૂકી આવીશ.’

‘મારા પિતાએ પ્રમાણિકતાથી કમાયેલા ધનમાંથી મને સ્ત્રીધન આપ્યું હોઈ મારાં એ પવિત્ર ઘરેણાંને એ અપવિત્ર નાણાં સાથે નહીં રાખી શકું. બીજું એ કે ઈશ્વરને ખાતર આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોઈ એક વાતને છુપાવવા જૂઠ ઉપર જૂઠ બોલ્યે જશો નહિ. એ પૈસા તમારા ડાયરેક્ટર સાહેબના નથી, પણ તમારા જ છે.’

‘તું કયા આધારે આમ કહી શકે છે?’

‘આધાર એ જ કે જૂઠું બોલનારની યાદદાસ્ત કમજોર હોય છે!’

‘મતલબ?’

‘મતલબ એ કે મેં હમણાં જ કહ્યું કે તમારા અનીતિના દસ હજાર રૂપિયાને હાથ નહિ અડકાડું, ત્યારે તમારે તરત જ કહી દેવું જોઈતું હતું કે ‘ભલી, શબ્દો સુધાર; મારા નહિ, પણ ડાયરેક્ટર સાહેબના!’ પણ તમે તો એમ જ બોલ્યા કે ‘તો તારા દાગીના મૂકી આવ અને એ રકમ ગમે ત્યારે હું મૂકી આવીશ. આમ તમે સ્વીકારી જ લીધું કે એ પાપનું ધન તમારું જ છે.’

‘…..’

‘ઈશ્વરને ખાતર રડશો નહિ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે. આપણે પ્રાયશ્ચિત કરીશું. એ ધનને ફેંકી કે ફૂંકી દેવાય તો નહિ. તમારી ઓફિસમાં કામ કરતો ગાભાજી કોઈકવાર મારી પાસે આવીને આધ્યાત્મિક વિષયે સતસંગ કે સંવાદ કરતો હોય છે. એ એની પત્નીને પણ મારી સાથે આધ્યાત્મિક કેન્દ્રમાં મોકલવા માગે છે. એ મને વિશ્વાસુ અને પ્રમાણિક લાગે છે. તમને પણ તેનો અનુભવ હશે. એ અહીંનો સ્થાનિક વતની હોઈ તેના દ્વારા આપણે જરૂરિયાતમંદ એવા માણસોને પાઈપાઈ પહોંચાડી દઈને આપણે હળવાં થઈ જઈશું.’

‘પહેલો તો મને રડવા દઈને હળવો થવા દે. એકાદ મહિના પહેલાં તો મારાથી એક એવું પાપ થઈ ગયું છે કે હું સપ્તપદીના વચનનો ભંગ કરીને પણ તારાથી એ વાત ગુપ્ત જ રાખીશ. તારી વાત સાચી છે. ગાભાજી એવો પ્રમાણિક છે કે હું મનોમન તેની ઈજ્જત કરું છું. સ્ટાફના માણસો તેને ‘વેદિયા’ અને ‘અણ્ણા હજારે’ તરીકે ઓળખાવીને તેની પીઠ પાછળ ટીકાટિપ્પણી દ્વારા તેની ઠેકડી ઉડાડતા હતા. મેં એ લોકોને એમ કહીને ટપાર્યા હતા કે ‘ગાભાજી એની રીતે સાચો છે. એ એના માર્ગે છે અને આપણે આપણા માર્ગે.’

‘મારી એક વાત સ્વીકારશો કે જે પાપ થઈ ગયું તેને હવે વારંવાર યાદ કરીને દુ:ખી ન થાઓ. આજે બપોરના ભોજનમાં મીઠી વાનગીમાં હું પુરણપોળી બનાવું છું અને એ પહેલાં આપણે ગાભાજી અને ગલબી બહેનને ભોજનનું આમંત્રણ આપી આવીએ.’

* * *

અને એ પાંચે ય જણાંએ પૂર્ણ સંતોષથી એકબીજાંને આગ્રહ સાથે પુરણપોળીની મિષ્ટ વાનગી સાથેનું સ્વાદિષ્ટ ભોજન આરોગ્યું. મંદાકિની અને બાઈ ગલબી વિષે તો શી ખબર; પણ નિખિલ સાહેબ, સરિતાજી અને ગાભાજીએ તો માનસિક રીતે હળવાં ફૂલ બનીને પુરણપોળીનો બેહદ આસ્વાદ માણ્યો.

સંપર્ક સૂત્ર : ઈ.મેઈલ એડ્રેસ – musawilliam@gmail.com

Loading

18 May 2017 admin
← નિ:શબ્દતા
સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved