એ જ જીવન
જે લખાયું છે હસ્તે
વિધાત્રીને ત્યાં
•
એ અણસાર
લાગે તારા જેવો જ
મૃગજળમાં
•
આષાઢી મેઘે
વરસે મૃગજળ
સમાં સપનાં
•
વૈકુંઠ વાસે
સાહિત્યનો કાળજો
પદ્મશ્રી દાદ
(પદ્મશ્રી દાદને શબ્દાંજલિ)
•
ગંગા ઘાટેથી
રાજન પહોંચ્યા છે
સાજન દ્વારે
(રાજનજી ને શબ્દાંજલિ)
•
રિષભ સ્વરે
ખલિલ થયા અસ્ત
તેજ તિમિરે
(કવિશ્રી રિષભ મહેતા, કવિ શ્રી ખલિલ ધનતેજવી અને કવિશ્રી તેજ ને શ્રદ્ધાંજલિ)
•
જસરાજજી
દેહવિલય થતા
આકાશ ખાલી
(જસરાજજીને શબ્દાંજલિ)
•
ના કરાવશો
સંબંધોનું ઇ.સી.જી.
પાધરા થશો.
•
શ્રાવણ માસે
ફક્ત રટણ તારું
ભાદરવે શું?
•
બારે તડકો
અંદરથી ભીંજાઈ
તારાં સ્મરણે
•
આજે આંખમાં
ઘૂઘવતો દરિયો
સપનાંઓનો
•
અછાંદસ છું
કાવ્ય બાધ્ય રાખવું
ગમતું નથી
•
સ્વપનમયી
એક રટણ તારું
આકાશી ઓરે
•
એક છાબડી
પચાવી વેદનાની
ફરી એનું એ
•
એ વીજોગણ
શ્યામની વાંસળીમાં
મીરાંની મ્હેક
•
મનનાં મેળ
ભાગ્યે જ જોવા મળે
મીરાં મોહન
•
ઘોર અંધારે
એક રટણ તારું
ભીતરે તું જ
•
બા જતી રહી
એ દાદાનાં કાવ્યોમાં
આજે જીવિત
•
શૂન્યાવકાશે
મૃગજળ દેખાયું
અંધાપો ઝુર્યો
•
એકાંત ગર્ભે
કંઇક સર્જાયું આ
મૌન અક્ષરે
•
અડધી રાતે
મોરપીંછ દેખાયું
એ મીરાં હતી
•
મારાં પુસ્તકો
એ જ કરિયાવર
દાગીના નહીં.
•
તરસી ધરા
હવે તૃપ્ત થઈ છે
મેઘ મલ્હારે
•
ખોબો ભરીને
એકાંત ભેગું કર્યું
આવે છે વર્ષા
•
ઘૂઘવતો આ
દરિયો છે તોફાની
તને જોઈને
•
પાંદડી પર
એક વાસંતી નામ
તારું અસ્તિત્વ
•
લગ્ન ચોરીએ
આવી પતિની અર્થી
છૂટ્યો સાથ
•
સપનાં રોકો
ઈચ્છાઓનાં તોરણો
ઘડામાં ફેંકો
•
એકલતામાં
મૂશળધાર આવ્યાં
અધૂરાં કાવ્યો
•
આ એકાંતમાં
શોરબકોર થયો
તારી યાદનો
•
સૂરજ ઊગ્યો
એકલતા ખંખેરી
આંખે ઉદાસી
•
હું પાયલ
છતાં ય રણકાર
સંગીત થકી
•
રુક્મિણીનો
કૃષ્ણને એ જ પ્રશ્ન
રાધા કે મીરાં?
•
મારાં સ્વપ્નમાં
તું જ ના હોય તો એ
દિવાસ્વપ્ન
•
આમ નજીક
છતાં ય દૂર છો તું
પેલે આકાશે
•
હું તો માછલી
હલેસાં મારતી આ
મધદરિયે
•
સાવ ઓચિંતું
ખોવાયું બાળપણ
મોબાઈલમાં
•
હું તો હંસલો
ગોતતો રહ્યો મોતી
મૃગજળમાં
•
બાપ કુંભાર
છતાં સોના ચાંદીથી
કરી વિદાય
•
બાની સાડીમાં
આજે પણ સુગંધ છે
પણ બા નથી
•
તું એટલે કે
દીપકથી મલ્હાર
સુધીની યાત્રા
•
મારાંમાં તારું
હોવું એ મારો ભ્રમ
હું ખાલીખમ
•
આજે ધૂળેટી
ત્રિરંગી કફનમાં
સૈનિક આવ્યો
e.mail : payaldholakia666@gmail.com