Opinion Magazine
Number of visits: 9446682
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાસ્ય-વ્યંગની પ્રથમ દલિત લઘુનવલ : ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં

સાહિલ પરમાર|Opinion - Opinion|5 April 2018

‘દલિત ચેતના’ના એક અંકમાં મેં મારી વાત મૂકતાં કહ્યું હતું કે હવે દલિતસાહિત્ય જુદા-જુદા રસમાં લખાતું થશે, જેના માથે શંકર પેન્ટરે ભયંકર માછલાં ધોયાં હતાં, પરંતુ મેં પોતે નીઓ-રોમૅન્ટિક કવિતાઓ લખી હતી અને એની પુષ્ટિ કરી હતી, આદરણીય મિત્ર ઉર્વીશભાઈએ દલિતસાહિત્યમાં હાસ્યરસનું ખેડાણ કરીને એની પરિપુષ્ટિ કરી છે. દલિતસાહિત્યમાં ખૂટતા હાસ્યરસનો તેમણે પ્રાદુર્ભાવ કર્યો છે અને દલિતસાહિત્યમાં હાસ્યરસ પણ વહાવી શકાય એનું પરિપક્વ પ્રતિપાદન કર્યું છે.

‘ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં’ (સાર્થક પ્રકાશન) લઘુનવલમાં શ્રી ભદ્રંભદ્ર પ્રાગટ્યમહિમા ગાતાં ઉર્વીશભાઈ લખે છે : ‘આઠેક વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’માં લખ્યા પછી ૨૦૧૫ના મધ્યમાં ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો. ત્યાં બીજી બે કૉલમ ઉપરાંત હાસ્યની સાપ્તાહિક કૉલમ ‘બોલ્યુંચાલ્યું માફ’ ચાલુ રાખી, ત્યારે પણ એવો ખ્યાલ ન હતો કે મારા લેખનજીવનમાં ભદ્રંભદ્ર જેવા મહાનુભાવના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે.

‘દિવ્ય ભાસ્કર’માં થોડો વખત થયો ને પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. એ વિશે (મંગળવારની ઍડિટ પેજની કૉલમમાં) ગંભીર લેખો તો લખ્યા, પરંતુ આંદોલન લોકોના, સરકારના અને કદાચ આંદોલનકારીઓના પણ-ધાર્યા કરતાં લાંબું ચાલ્યું. એ દિવસોમાં એક વખત, સાંજની ટ્રેન ચૂકી જવાને કારણે, બસમાં મણિનગરથી ઘરે (મહેમદાવદ) જતો હતો. હાસ્યલેખ લખવાનો દિવસ હતો એટલે ટચૂકડું લેપટૉપ કાઢ્યું. ખ્યાલ એવો હતો કે અનામત વિશે ગંભીર લેખો લખ્યા પછી એકાદ હાસ્યલેખ પણ ‘બનતા હૈ’ રાબેતા મુજબ લખવાનું શરુ કર્યું. એકાદ ફકરો લખાઈ પણ ગયો. અચાનક, બસમાં ઝાંખાપાંખા અજવાળાની છાયાપ્રકાશલીલામાં ક્યાંકથી ભદ્રંભદ્ર યાદ આવ્યા અને થયું, ‘અનામતમાં ભદ્રંભદ્રને લવાય?’

ભદ્રંભદ્રના આ પ્રથમ પ્રાગટ્ય પછી તો ભદ્રંભદ્ર અને તેમના સાથીદાર અંબારામ લેખકના ચિત્તનો કબજો જમાવી બેઠા. થોડા વખત પહેલાં પોતાના પ્રિય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની ‘ભદ્રંભદ્ર અમર છે’ લેખકે વાંચી હતી. રાબેતા મુજબ વિગતો એમને યાદ ન રહી હોય, પણ શક્ય છે કે તેના કારણે ભદ્રંભદ્રનું નામ મનમાં એકદમ ઊપસી આવ્યું હોય. એટલે માત્ર એક જ લેખ કરવાના આશયથી લેખકે કલમ ઉપાડી ને એ વખતે બીજો ચમકારો થયો : ‘(દલિતોની) અનામતના વિરોધીઓની દલીલો, તેમાં રહેલી આત્યંતિકતા-વિચારજડતા, કહેવાતી ઊંચી જ્ઞાતિનું ગૌરવ, જ્ઞાતિદ્વેષ – આ બધાં તો આબાદ ભદ્રંભદ્રનાં હોઈ શકે તેવાં લક્ષણ છે. ભદ્રંભદ્ર અત્યારે જો હોય, તો એ અનામતના વિરોધી જ હોય. એ વિચારથી અસલી ભદ્રંભદ્રની તર્કસૃષ્ટિ સાથે પોતાના ભદ્રંભદ્રના ‘યુગકાર્ય’નું સંધાન મનમાં બરાબર બેસી ગયું. પાત્રનું લૉજિક આબાદ ગોઠવાઈ જવાની ખાતરી થતાં પહેલો લેખ તેમણે લખ્યો અને ખ્યાલ આવ્યો કે હજુ તો ભદ્રંભદ્ર-અંબારામ માંડ આવ્યા છે, એટલે પ્રથમ લેખને અંતે ‘ક્રમશઃ’ લખવું પડ્યું. બીજા હપ્તા પછી લેખકને લાગ્યું કે આ જણસો ઝડપથી વિદાય થાય તેમ નથી. છતાં, ચાર-પાંચ હપ્તામાં તેમને રવાના કરી દેવાશે, પરંતુ બે-ત્રણ હપ્તા થયા પછી સુખદ આશ્ચર્યના આંચકા જેવા પ્રતિભાવ મળવા લાગ્યા. એ વખતે એમને સમજાયું કે પાત્ર તરીકે ભદ્રંભદ્ર ગુજરાતી હાસ્યસાહિત્યમાં જ નહીં, સમગ્ર ગુજરાતી ગદ્યસાહિત્યનાં અમર પાત્રોમાં ‘અર્વાચીનમાં આદિ’ હશે : મુનશીના કાક-મંજરી કરતાં પણ જૂનું.

ચોથા-પાંચમા હપ્તા પછી લેખકે એને બિનજરૂરી લંબાણ પણ ન થઈ જાય અને એકદમ ટૂંકાણ પણ ન થઈ જાય એ રીતે સભાનતાપૂર્વક લઘુનવલકથાનો ઘાટ આપ્યો.

રમણલાલ નીલકંઠ અને રતિલાલ બોરીસાગર જેવા પોતપોતાની રીતે મહાન બે હાસ્યસાહિત્યકારોના ભદ્રંભદ્રની છાયામાં પોતાના ભદ્રંભદ્ર એકદમ ભળી ન જાય અને થોડા પણ અલાયદા ઊપસી આવે તેની પૂરતી ચીવટ લેખકે લીધી છે. લેખ બ્લૉગ પર મૂકતાં પહેલાં ભદ્રંભદ્રીય શબ્દોના સારા વિકલ્પો સૂઝી આવતાં લેખકે સાત-આઠ વાર સુધારા કર્યા છે. પુસ્તક બનાવતાં પહેલાં પણ નવેસરથી લેખમાળાનું ઍડિટિંગ કર્યું છે. લઘુનવલને નુકસાન ન થાય એ માટે તેમાં વર્તમાન ઘટનાઓ – સાચાં પાત્રોને બાકાત રાખ્યાં છે. લેખક માટે આનંદીબહેન પટેલ કે હાર્દિક પટેલ જેવી સાચુકલી વ્યક્તિઓ કરતાં વૃત્તિ મહત્ત્વની રહી છે.

અઢી-સાડા ત્રણ પાનાંનું ફલક ધરાવતાં કુલ ૨૦ પ્રકરણો આ લઘુનવલમાં છે.

આ લઘુનવલમાં ભદ્રંભદ્ર-અંબારામની એક જ દિવસની, સવારથી રાત સુધીની ઘટનાઓનું વર્ણન છે. ભદ્રંભદ્રનું પુનઃપ્રાગટ્ય થાય છે અને તેઓ પાનના ગલ્લાવાળાની ધોલ ખાઈને અનામત હટાવવાનું યુગકાર્ય આગળ ધપાવવાની યોજના બનાવી હોટલમાં જમવા જાય છે. ત્યાં તેમને ન્યૂઝચૅનલ રિપૉર્ટરનો ભેટો થઈ જાય છે. ન્યૂઝચૅનલમાં ઇન્ટરવ્યૂ આપે છે. ત્યાંથી રિપૉર્ટરના બાઇક પર સભાસ્થળે જવા પ્રયાણ કરે છે. રસ્તામાં ટ્રાફિકપોલીસ સાથે માથાકૂટ પછી બમ્પ આવતાં ભદ્રંભદ્ર-અંબારામ બાઇક પરથી ગબડી પડે છે. ભદ્રંભદ્રનું નાક ઘવાય છે, લોહી નીકળે છે. દવાખાને જઈને ડ્રેસિંગ કરાવે છે અને રિક્ષામાં સભાસ્થળે જાય છે. માંડ-માંડ મંચ પર પહોંચી સભા સંબોધી આમરણ અનશનની જાહેરાત કરે છે. એમની મુખ્યમંત્રી સાથે મુલાકાત થાય છે અને છેલ્લે પોલીસવાનમાં બેસાડી તેમને અજ્ઞાત સ્થાળે લઈ જઈ ઍન્કાઉન્ટરની ધમકી આપી ભગાડી મૂકવામાં આવે છે.

આ આખી કથામાં લેખકે તોંતેર જેટલાં સ્થળોએ વ્યંગબાણ કસીકસીને ચલાવ્યાં છે અને હાસ્યરસ તો અનેક ઠેકાણે નિષ્પન્ન કર્યો છે. જેમ કે પ્રથમ પ્રકરણમાં લેખક લખે છે : વાત શ્રીકૃષ્ણની નહીં, ‘સંભવામિ યુગે-યુગે’ની છે અને એ વચન શ્રીકૃષ્ણે ભલે ન પાળ્યું હોય, પણ ભદ્રંભદ્રે બરાબર પાળ્યું છે. પૂર્વઅવતારમાં ભદ્રંભદ્ર સુધારાવાળાઓનો નાશ કરવા મેદાને પડ્યા હતા, તો નવા અવતારમાં તે અનામતની નાબૂદી માટે પ્રગટ થયા છે. પોતાના શિષ્યશિરોમણિને એમણે કહ્યું, ‘હે અંબારામ, મારી સાથે આર્યાવર્ત – ગુર્જરદેશ પહોંચવા સજ્જ થા. વધુ એક યુગકાર્ય આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે’. ભદ્રંભદ્રના અગાઉના ‘યુગકાર્યો’માં માર ખાવાનો અને કારાવાસ વેઠવાનો પણ સમાવેશ થતો હતો, એટલે અંબારામ ખાસ ઉત્સાહી ન હતા. પરંતુ જેમ સોમ પાછળ મંગળ, કમાન્ડોની પાછળ નેતાઓ ને ભ્રષ્ટાચારની પાછળ તપાસપંચો, તેમ ભદ્રંભદ્રની પાછળ અંબારામ. એમ.ઓ.યુ. શબ્દનું ભદ્રંભદ્રીય ગુજરાતી લેખકે ‘પ્રથમ લાભદાયી પત્ર’ કર્યું છે અને પાન વેચનારનું ‘તાંબૂલવિક્રેતા’.

બીજા પ્રકરણમાં અંબારામ કહે છે, ‘સાંભળ્યું છે કે જુદા-જુદા સમાજો અનામતની માગણી સાથે કૂચ કરી રહ્યા છે, મેં આપને આ સમાચાર સહેતુક જણાવ્યા છે, કારણ કે અનામતની માગણી માટેની ઘણી કૂચો ખરેખર અનામતનો વિરોધ કરી રહી છે. કૂચને અંતે ‘મોદકભોજનની સનાતન પરંપરા’ ટકી રહી છે કે કેમ તેવી ભદ્રંભદ્રની પૃચ્છાના જવાબમાં અંબારામ જણાવે છે કે એક કૂચ પછી મોદકપ્રસાદ તો નહીં, પણ મોદીપ્રસાદ છૂટથી વહેંચાયો હતો. આ વાત મેં કેવળ કર્ણોપકર્ણ સાંભળી હોઈ ‘મોદીપ્રસાદ’ શું છે એ હું જાણી શક્યો નથી.’ ભદ્રંભદ્ર કહે છે : ‘અંબારામ, મારા માટે આ ધર્મયુદ્ધ છે. તેમાં રણક્ષેત્રે પ્રાણત્યાગ માટે હું તત્પર છું. કિંતુ ક્ષુધાતુર થઈને, મોદકનું ચિંતવન કરતાં-કરતાં પ્રાણ જાય, તેમાં મારી, મોદકની કે પ્રાણની – કોઈની શોભા નથી, એટલે તને પૂછ્યું. અન્યથા મારુ સંપૂર્ણ લક્ષ ..; ‘લાડવા પર નહીં, લડવા પર કેન્દ્રિત છે.’ અંબારામે ભદ્રંભદ્રનું અધુરું વાક્ય પૂરું કર્યું. આગળ ભદ્રંભદ્ર કહે છે : ‘ભગવાન નરસિંહે જેમ ઊંબર પર બેસીને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, તેમ હું મંચ પરથી આરક્ષણનો અંત આણીશ. મને એમ કરતો અને એ માટે મંચ પર પહોંચતો અટકાવવો એ શ્રીરામના બાણને રોકવા સમું અસંભવિત કાર્ય છે." અંબારામે કામની વાત કરતાં કહ્યું, ‘એક વાતથી આપને વિદિત કરી દઉં. વર્તમાનકાળનાં આર્યજનો આરક્ષણને ‘અનામત’ તરીકે ઓળખે છે અને શૂદ્રાદિ જ્ઞાતિઓ વિશે જાહેરમાં અપમાનજનક બોલી શકાતું નથી. કાયદા બહુ ખરાબ છે.’ એ સાંભળીને ભદ્રંભદ્રના ચહેરા પર અણગમો પથરાઈ ગયો. ‘તારી જાગૃતિ પ્રશંસનીય છે. કારાગૃહયોગનું પુનરાવર્તન ત્યાજ્ય છે, એ વિશે હું તારી સાથે સંમત છું. દુષ્ટ સુધારાવાળાઓની કુટિલતા મારાથી અજાણ નથી, શૂદ્રાદિ જ્ઞાતિઓને  આરક્ષણ આપવાથી જ નહીં, તેમનો સાદર ઉલ્લેખ કરવાથી પણ સનાતન- ધર્મને હાનિ પહોંચે છે. સદ્‌ભાગ્યે ઘણા આર્યવીરો લોકનિંદા વહોરીને પણ આરક્ષણ અને તેના લાભાર્થીઓની યથોચિત ભર્ત્સના કરે છે, તેમ કરવા પાછળનો તેમનો સદાશય શૂદ્રાદિને તેમના મૂળ વ્યવસાયોથી અને ખરેખર તો સનાતનધર્મથી વિમુખ થતા રોકવાનો છે. એવા જીહ્‌વાયોદ્ધાઓની સનાતન ધર્મપ્રીતિરીતિનીતિભીતિ ધન્ય છે.’

હોટલમાં ‘ઇટાલિયન પિત્ઝા’નું વિવેચન કરતાં ભદ્રંભદ્ર અંબારામને જણાવે છે : ‘મારા ઘનિષ્ઠ સહવાસના કારણે આર્યસંસ્કૃિતભક્ત હોવા છતાં, તને એ જ્ઞાન નહીં હોય કે એ રાષ્ટ્રનું ખરું નામ ઈશસ્થલી હતું. ભ્રષ્ટ યવનોને ઉચ્ચાર આવડે નહીં એટલે તે અપભ્રંશ કરીને ‘ઈટાલી’ કહેવા લાગ્યા. ઈશસ્થલીના આર્યોએ રોટલા પર નવનીતલેપન કરીને, તેની પર વિવિધ જડીબુટ્ટીઓના લઘુખંડ એક વ્યંજનનું સર્જન કર્યું હતું. તેના ઔષધીય ગુણ પરથી એ ‘પિત્તશામક’ કહેવાતું હતું. નામ ટૂંકા કરવાના મોહથી ગ્રસ્ત યવનો તેને કાલક્રમે ‘પિત્તશા’ અને ‘પિત્ઝા’ કહેવા લાગ્યા.’

ન્યૂઝચૅનલનું ગુજરાતી ભદ્રંભદ્રે ‘વૃત્તાંતવાહિની’ કર્યું, એનાથી મૂંઝાયેલા પત્રકારે અંબારામને કહ્યું, ‘આ મહારાજ ભલે ગમે તેમ બોલે, પણ તમે તો યાર ગુજરાતીમાં બોલો, વાહિની એટલે શું ? મારી પાસે ચૅનલની ગાડી છે એ?’ અંબારામે કરુપૂર્વક કહ્યું, ‘વૃત્તાંતવાહિની એટલે ન્યૂઝચૅનલ. ગાડીને તો આર્ય ભદ્રંભદ્ર જ્વલનશીલતેલચાલિતચતુષ્ચક્રીલોહરથ તરીકે ઓળખે છે’. તમ્મર ખાઈ ગયેલા પત્રકારને અંબારામે આગળ સમજાવ્યું. ‘જુઓ જ્વલનશીલ તેલ એટલે પેટ્રોલ. તેનાથી ચાલિતચતુષ્ચક્રી એટલે ફોર વ્હીલર અને લોહરથ એટલે તમારી ગાડી. કેટલું સિમ્પલ છે! ચેનલની ગાડી પેટ્રોલચલિત નહીં, સી.એન.જી.વાળી હતી, પણ એ સુધારો કરવા જતાં ‘દાબસંકુચિતપ્રાકૃતિકવાયુચાલિત….’ જેવો કોઈ હથોડો આવવાની બીકે પત્રકારે ગાડીનો બળતણવિષયક સુધારો કરવાનું ટાળ્યું અને બંને જણનું બીલ ચૂકવી દીધું. ચૅનલની ઑફિસમાં જઈને ભદ્રંભદ્રે સૂત્રોચ્ચાર કર્યો : સનાતનધર્મનો જય … આરક્ષણનો ક્ષય ..’  ઑફિસમાં અચાનક સૂત્રોચ્ચાર સાંભળીને પત્રકારે હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ભદ્રંભદ્રે પત્રકારને કહ્યું, ‘અમને વક્તવ્ય આપવા માટે નિમંત્રિત કર્યા પછી મૌન રહેવાનું સૂચિત કરવામાં કેવળ વચનભંગ નહીં. વિવેકભંગ, પરંપરાભંગ અને સંસ્કૃિતહ્રાસ પણ છે.’ ચૅનલ પત્રકારને થયું : આ ભાઈનો કેસ પણ આપણા નેતાઓ જેવો લાગે છે. એમના ધોતિયાનો છેડો ભરાઈ જાય, તો સનાતનધર્મ ખતરામાં ને ઘડીક ચૂપ રહેવાનું કહીએ, તો સંસ્કૃિતહ્રાસ થાય. બૂટ વિશે કૃત્રિમચરણાવરણ શબ્દ પ્રયોજાયો છે. બ્લેઝર અને પૅન્ટ્‌માં સજ્જ ઍન્કરે એમનો પરિચય ભદ્રેશભાઈ તરીકે આપતાં રોષ ખાળીને કૅમેરા તરફ પ્રણામની મુદ્રામાં જોઈને ભદ્રંભદ્ર બોલ્યા, ‘સુજ્ઞ શ્રોતાગણ, પ્રસન્નોસ્તુ. વિદિત થાય કે આ લોકમાં તેમ જ દેવલોકમાં ભદ્રેશભાઈ તરીકે નહીં, આર્ય ભદ્રંભદ્ર તરીકે હું વિદ્યમાન તેમ જ દૈદીપ્યમાન છું. કિંતુ આ નરવસ્ત્રધારિણી, સનાતનધર્મસંહારિણી, આર્યકુલકલંકિણી, ભાષાભિવ્યક્તિદ્રોહિણી એવી વૃત્તાંતવાહિનીઉદ્‌ઘોષિણી પાસેથી શુદ્ધ નામોચ્ચાર અપેક્ષીને આર્યધર્મને કક્ષાચ્યુત કરવાના પાપમાં પડવા હું ઈચ્છુક નથી. ‘ચૅનલકન્યાના એક સવાલથી ભદ્રંભદ્ર બગડ્યા, ‘હે અજ્ઞકન્યકા, મારા વિધાનના પ્રમાણ તરીકે હું સાક્ષાત્‌ પ્રભુને આ અંકીય દૃશ્યશ્રાવ્યાંકનસંગ્રહિકા સમક્ષ ઉપસ્થિત કરી શકું છું, કિંતુ વૃત્તાંતવાહિની માટે મમ વાક્ય પ્રમાણમ્‌.’ ચકરાયેલી ઍન્કરે મદદ માંગતી નજરે અંબારામ સામે જોયું. એટલે તેમણે કહ્યું, ‘અંકીય એટલે કે ડિજિટલ અને દૃશ્યશ્રાવ્યનું અંકન (રેકૉર્ડિંગ) તથા સંગ્રહ (સ્ટોરેજ) કરતા કૅમેરા. મતલબ કે, તમે ઈચ્છો તો આર્યભદ્રંભદ્ર સાક્ષાત્ ‌ઈશ્વરને કૅમેરા સામે હાજર કરી શકે."

ઍન્કરે એકદમ ટૅન્શનમાં આવીને કહ્યું, ‘ના, હોં સર, બીજા કોઈને પણ પ્રોગ્રામમાં બોલાવવા માટે સાહેબ સાથે વાત કરવી પડે, નહીંતર સર ….’  ચૅનલની ઑફિસમાંથી બહાર નીકળી પ્રેસરિપૉર્ટર, ભદ્રંભદ્ર અને અંબારામ રિપૉર્ટરના બાઇક પર બેસી સભાસ્થળે જતાં ચાર રસ્તે ટ્રાફિકપોલીસ (યાતાયાતનિયંત્રક) ત્રણેને પકડે છે. છૂટ્યા પછી આગળ જતાં બમ્પનો ખ્યાલ ન રહેતાં ભદ્રંભદ્ર અને અંબારામ પડી જાય છે. ભદ્રંભદ્રના નાકેથી લોહી દદડવા માંડે છે.ત્રણે ડૉક્ટર પાસે જાય છે. ભદ્રંભદ્ર ડૉક્ટર પર તૂટી પડે છે, પરંતુ લાઘવ માટે એ ભાગનું વ્યંગદર્શન જતું કરી રિક્ષામાંથી ઊતરી સભાસ્થળ તરફ જતા ભદ્રંભદ્ર-રિપૉર્ટર વચ્ચેનો વાર્તાલાપ રજૂ કરું છું.

રિપૉર્ટરે ભદ્રંભદ્ર્‌ને પૂછ્યું, ‘તમે એમ કહેવા માંગો છો કે આપણા ઋષિમુનિઓએ જ બધી શોધો કરેલી, બરાબર?’ ‘નિઃશંક, નિસંશય, નિશ્ચિત, નિરપવાદ.’ ભદ્રંભદ્રે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું. રિપૉર્ટરે પૂછ્યું,’ ઓ.કે. એ કહો કે એમણે કરેલી શોધો સામાન્ય માણસને કંઈ કામ લાગતી હતી?’ ભદ્રંભદ્રે જવાબ આપ્યો, ‘ના, વર્ષોની તપશ્ચર્યા પછી પ્રાપ્ત થયેલી એ સિદ્ધિઓ પામર મનુષ્યોને અપ્રાપ્ય રહેવી જોઈએ, કેવળ યોગબળ ધરાવતા મહાનુભાવો જ તેને પ્રયોજી શકે.’ રિપૉર્ટરે સામે કહ્યું, ‘તો એવી શોધોથી સામાન્ય માણસને શો ફાયદો? લાઇટ, મોબાઇલ કે ઇન્ટરનેટનો લાભ મેળવવા માટે યોગશક્તિની જરૂર નથી. સામાન્ય માણસ પણ એ વાપરી શકે છે ….’ ‘યવનસંસ્કૃિતમોહગ્રસ્ત આ પ્રશ્ન અજ્ઞાનનો દ્યોતક અને કુતર્કનો કારક છે’, ભદ્રંભદ્ર ન્યાયાધીશમુદ્રામાં બોલ્યા. ‘પ્રાચીન કાલમાં સઘળા આવિષ્કાર આર્યભૂમિમાં થયા હોવાથી, સર્વ આર્યજનો તેના વિશે ગૌરવ લઈ શકતાં હતાં એ લાભ પર્યાપ્ત નથી?’ ‘ગૌરવલાભ?, રિપૉર્ટર હસ્યો. ‘તમે અત્યારના નેતાઓ જેવી દલીલ કરી. ગૌરવને ખાવાનું કે પીવાનું? ઓઢવાનું કે પાથરવાનું?,’ તેનો જવાબ આપ્યા વિના ભદ્રંભદ્રે કહ્યું, ‘બહુમતીજનસમુદાય તે વિદ્યાઓના ઉપયોગ માટે અધિકારી ન હોઈ, તેમનું એ સિદ્ધિઓથી વંચિત રહેવું સર્વથા ઉચિત હતું. શૂદ્રાદિ તેનો ઉપભોગ કરે, તો વર્ણાશ્રમનો હ્રાસ થાય અને યોગસિદ્ધિ નષ્ટ થાય.’ રિપૉર્ટરે કહ્યું, ‘પણ આ સિદ્ધિઓ ક્યાં ટકી? નષ્ટ થઈ જને?’ ઠીક છે, પણ ભારતના આ સુવર્ણયુગનો અંત વિદેશી આક્રમણખોરોને લીધે આવ્યો એવું કહેવાય છે તે સાચું?’ ભદ્રંભદ્રે હકારમાં ડોકું હલાવ્યું. એટલે રિપૉર્ટરે કહ્યું. ‘તો આટલા બધા સિદ્ધ પુરુષો હોવા છતાં, પોતાની મહાન સંસ્કૃિતના રક્ષણ માટે તે કશું કરી ન શક્યા? ભદ્રંભદ્ર ગૂંચવાયા, ‘એ તો તપસ્વી હતા. સિદ્ધ પુરુષો …. દુન્યવી બાબતોમાં …’ રિપૉર્ટરે કહ્યું, ‘એમની શોધો ન સામાન્ય માણસને કામ લાગે ને એ પોતે વાપરે તો પછી એનો અર્થ શો?’ ભદ્રંભદ્ર કહે, ‘એ સિદ્ધિઓ અને આવિષ્કારો પ્રતિપાદિત કરે છે કે યવનો અંધકારમાં અટવાતા હતા, ત્યારે આર્યસંસ્કૃિત શિખરે હતી.’ પત્રકારે સામે કહ્યું, ‘અને એ જ અંધકારમાં અથડાતા યવનોએ આર્યસંસ્કૃિતના સુવર્ણયુગનો અંત આણી દીધો હોય, તો પછી વધારે મહાન કોણ? ‘સનાતનધર્મની હાનિ થવાથી જ કલિયુગનો આરંભ થયો છે, એમ ભદ્રંભદ્રે કહેતાં પત્રકારે કહ્યું ‘તો તમારા કહેવા પ્રમાણે, સનાતનધર્મ પ્રમાણે ભણવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોનો જ ગણાય, બરાબર?’ ભદ્રંભદ્રે નિશ્ચયપૂર્વક કહ્યું, ‘એવું શાસ્ત્રો કહે છે અને તેનો નિષેધ એટલે દેવાજ્ઞાનું અપમાન, જે હું કદાપિ સાંખી શકું નહીં.’ પત્રકારે કહ્યું, ‘તેનો અર્થ એ થયો કે સદીઓ સુધી શિક્ષણમાં બ્રાહ્મણો માટે સો ટકા અનામત હતી અને તેનો તમને વાંધો નથી. એ તમને સંસ્કૃિત ને સનાતનધર્મ લાગે છે, પણ થોડા દાયકાથી એસ.સી.-એસ.ટી.-ઓ.બી.સી.ને અનામત મળે તેને નાબૂદ કરવા માટે તમારે સ્પેિશયલ અવતાર લેવો પડે છે.’ એટલામાં તો સભાસ્થળ સાવ નજીક આવી ગયું. સભામાં પણ ભદ્રંભદ્ર આમરણ અનશનની ઘોષણા કરે છે અને મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત ગોઠવાય છે. મુખ્યમંત્રી યુક્તિપૂર્વક પત્રકારોને રવાના કરે છે અને એમની સૂચનાનુસાર ભદ્રંભદ્ર અને અંબારામને પોલીસજીપમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઈ જાય છે અને એન્કાઉન્ટરની બીક બતાવતાં બન્ને અંધારામાં ભાગી જાય છે.

આખી લઘુનવલમાં લેખકે હાસ્યરસ ભરપૂર રેલાવ્યો છે અને કસીકસીને વ્યંગબાણ માર્યાં છે. આર.એસ.એસ.ની વિચારધારાનો તો લેખકે બરાબરનો ખીમો કરી નાખ્યો છે. ‘મેરા ભારત મહાન’નું તો તેમણે કચુંબર જ કરી નાખ્યું છે. ભૂતકાળને વાગોળી અનામતમાં રોકડી  કરનારાઓની દશા બૂરી કરી દીધી છે. જન્મે દલિતસાહિત્યકારે હાસ્યરસ દલિતસાહિત્યમાં લાવવાનું કામ કરવું જોઈએ, પરંતુ એ કામ જન્મે બિનદલિત ઉર્વીશ કોઠારીએ કર્યું, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ નવલને હું દલિતસાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલ કહું, તો એ યથાયોગ્ય ગણાશે.

E-mail : jesal.sahil.js@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 10-12

Loading

5 April 2018 admin
← માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને શ્રદ્ધાંજલિ
ભગતસાહેબ : એક અધ્યાપક, એક વિશ્વવિદ્યાલય →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved