Opinion Magazine
Number of visits: 9503092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાશ ! 2020 ગયું ને 2021 આવ્યું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 January 2021

2020માં બે શૂન્ય હતાં. એ શૂન્યોએ બબ્બે આંખે રડાવીને વિદાય લીધી છે ને એકવીસમી સદીનું એકવીસમું વર્ષ આવ્યું છે, તો તેને આવકારતાં આપ સૌને અનંત અભિનંદનો ને શુભેચ્છાઓ પાઠવું છું.

0 0 0

હાશ ! 2020નું વર્ષ ગયું ને 2021 આવ્યું. આપણે એટલા નસીબદાર છીએ કે 2020ને જતું ને 2021ને આવતું જોઈ શક્યા છીએ, કારણ લાખો લોકો એ જોઈ શક્યા નથી. 2020નું વર્ષ વીત્યું છે ને ઘણું વીતાડતું ગયું છે તે હકીકત છે. ઘણાં વીતી ગયાં છે ને આંખો ભીની કરતાં ગયાં છે. આમ તો વીતેલો સમય પાછો આવતો નથી, પણ આવતો હોય તો ય કોઈ એમ ન ઇચ્છે કે 2020 પરત આવે. સૌની પાસે વીતેલાં વર્ષની કડવી સ્મૃતિઓ છે તો કોણ એને સાચવવા ઇચ્છશે?

કોરોના 2019નાં અંતે ચીનથી શરૂ થયો ને 2020માં દુનિયાભરમાં ફેલાયો. દુનિયાના લાખો જીવોને તેણે ભરડામાં લીધા. કોઈ યુદ્ધથી ન થાય એવી ભયંકર ખુવારી આ ન દેખાતા દુશ્મને કરી. આ રોગનાં પરિણામો તો ભયંકર હતાં જ ત્યાં, બ્રિટનથી તેનું બીજું ભયંકર સ્વરૂપ આ ડિસેમ્બરમાં પ્રગટ્યું અને તે ભારતમાં પણ પ્રવેશ્યું છે. ખબર નથી 2021માં કોરોનાનું જોર કેટલું નરમ પડશે, પણ નવું વર્ષ પણ દહેશત સાથે જ શરૂ થયું છે તે નોંધવું ઘટે.

કોરોનાની ભયંકરતા એ છે કે તે રોગીનો શિકાર તો કરે જ છે, પણ ચેપી હોવાને કારણે રોગીના સંબંધીઓને તેના સુધી પહોંચવા પણ નથી દેતો. એ વિડંબના રહી જ કે મૃતકનું મોઢું પણ તેના મિત્રો કે સંબંધીઓ જોવા ન પામ્યા. આ સ્થિતિએ ઘણા સંબંધીઓને લોહીનાં આંસુ પડાવ્યાં છે. આંસુ લૂંછાય તો પણ રોકાય નહીં એવી સ્થિતિ વીતેલાં વર્ષની રહી છે. અનેકોનાં કાળજાં ચિરાયાં છે ને વર્ષો સુધી તેની યાતના ઘટે એમ લાગતું નથી.

કોરોનાએ સાબિત કરી આપ્યું કે માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. તે એકલો હોય ત્યારે જ ઓછો ઉપદ્રવી છે. સમૂહમાં તો તે અનેક દુષ્કર્મો કરી શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ મનુષ્યને ચંદ્ર પર વસાહતો ઊભી કરવા સુધી ઊડતો કર્યો, પણ આ ધરતીને તેણે વસાહતોને લાયક રહેવા ન દીધી. કેટલું પ્રદૂષણ ફેલાવ્યું માણસે આ પૃથ્વી પર, સત્તા, સંપત્તિના લોભમાં ! સંપત્તિ ને સત્તા જ જાણે માનવ અસ્તિત્વનાં પર્યાય બની રહ્યાં. કોરોનાએ બતાવ્યું કે ઘરમાં રહી શકાય છે, ઓછી વસ્તુથી જીવી શકાય છે. સડકો પર ધુમાડા કાઢીએ તો જ કામ થાય એવું નથી, ઘરમાં પણ ઘણાં કામ હોય છે. એવો સમય પણ હતો કે કોઈ કામ માટે સમય બચતો ન હતો, પણ કોરોનાએ સિદ્ધ કરી દીધું કે સમય ખુટાડવાનું પણ સહેલું નથી. તેને લીધે કેમિકલ વગરનું પાણી જોવાનું બન્યું, હવા વધુ પારદર્શી થઈ, પક્ષીઓ દેખાતાં, સંભળાતાં થયાં, ઘરમાં માબાપ, સંતાનો રમતો રમતાં થયાં, સાહેબો વાસણ, કચરાપોતાં કરતા થયા. દુનિયા ઘર લાગવા માંડેલી તેને બદલે ઘર જ દુનિયા છે એ ભાન તીવ્ર થયું. પણ, આ સ્થિતિ પણ લાંબી ચાલી નહીં. કોઈ પણ સ્થિતિ લાંબી ચાલે તે માણસ સહન કરી શકતો નથી. મહિનાઓનું લોકડાઉન હટ્યું ને દુનિયા ફરી આળસ મરડીને બેઠી થઈ.

કોરોના ચીનથી ફેલાયો ને ઈટલી, ફ્રાંસ, અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડ, ભારત જેવા અનેક દેશોમાં ફેલાયો ને અનેક લોકોને ભરખી ગયો. ચીનનો ઇરાદો હતો કે આખા વિશ્વની ઈકોનોમી તૂટે ને એમ જ થયું. વિશ્વ પર મંદીનું મોજું ફરી વળ્યું. ભારતમાં ધંધા રોજગાર મંદ પડ્યા. બેકારી મોં ફાડતી સામે આવી. એમાંથી માર્ગ કાઢવા સરકારે લાખો કરોડના પેકેજિસ જાહેર કર્યાં. એમાં ઘણાં ફાવ્યા ને ઘણા હતા એવા જ કમભાગી પણ રહ્યા. કરોડો વેપારીઓ આજે પણ સરકારના પેકેજિસથી વંચિત છે તે પણ હકીકત છે.

ઓગસ્ટ 5ને રોજ લેબેનોનની રાજધાની બૈરુતમાં પ્રચંડ વિસ્ફોટ થયો ને અનેકોનાં મોત થયાં ને હજારો ઘાયલ થયા. આ અકસ્માત હતો, પણ ભારતે યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો પણ આવ્યો. પડોશી દેશો – પાકિસ્તાન અને ચીન – સાથે ભારતે સંઘર્ષમાં ઊતરવું પડે એવાં પૂરતાં કારણો એ બંને દેશોએ આપ્યાં ને આજે પણ એલ.એ.સી. અને એલ.ઓ.સી. પર સ્થિતિ તણાવ ભરી જ છે. અમેરિકા અને ચીન, સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે પણ સંબંધો વણસેલા જ છે. ન્યૂઝ ચેનલોનું ચાલે તો એ તો આખી દુનિયાને લડાવી મારે એમ છે. યુદ્ધની ભયાવહ પરિસ્થિતિનો જે ચિતાર લડાયક વિશ્લેષકો આપે છે તે ડરાવનારા છે ને વાસ્તવિકતાથી દૂર છે.

પછી તો દિવાળી આવી ને લોકો અકરાંતિયાની જેમ સડકો પર ટોળે વળ્યા. કોરોનાને તો એ જ જોઈતું હતું. તે ફાટીને ધુમાડે ગયો. થોડી વધુ લાશોના કોલસા પડ્યા. રાત્રિ કરફ્યુ આવ્યો. કોણ જાણે કેમ પણ લોકો અને સરકાર સરખાં અણઘડ છે. એક તરફ સરકારને જોખમનો ડર છે તો ય બધું ચાલુ કરીને બેઠી છે ને બીજી તરફ લોકોને કોરોનાની ગંભીરતા હૈયે વસતી જ નથી. તેમાં જો ઉત્સવો કે પ્રસંગો આવે છે તો લોકો ને રાજકારણીઓ સરખા રઘવાયા થઈ જાય છે. વિવાહ કે લગ્ન કે રેલીરેલા હોય તો લોકોની રેલ આવે છે ને બધું રેલમછેલ થઈ જાય છે. કોરોના ચૂંટણીને નડતો નથી. બિહારમાં ચૂંટણી થઈ, ભાષણો થયાં ને સભાસરઘસોને કોઈ વાંધો ના આવ્યો ને હવે પશ્ચિમ બંગાળની, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે તો એ પણ લોકોના ખર્ચે ને જોખમે થશે જ !

બધું ખુલ્લું છે, પણ સ્કૂલ કોલેજો બંધ છે. કેટલાક વિદ્યાર્થીઓનું મહત્ત્વનું વર્ષ બગડે એમ છે, પણ વાલીઓ અને સરકાર મૌન છે. ઓનલાઈન શિક્ષણ ચલાવીને સરકાર એમ માનતી હોય કે તેણે ફરજ બજાવી છે તો તે ભૂલે છે. ઓનલાઈન શિક્ષણ શહેરમાં પણ બધા વિદ્યાર્થીઓને પહોંચ્યું નથી ત્યાં ગામડાંની તો વાત જ કરવા જેવી નથી. ઓનલાઇનના અધકચરા પ્રયોગ પછી પણ, પરીક્ષાને મામલે સરકાર કેવળ અસ્પષ્ટ છે. આ પરીક્ષાઓ મજાક ન બને એ જોવાનું રહે. ઓનલાઈન કોર્સ જ્યાં જેટલો ચાલ્યો એને આધારે સરકાર પરીક્ષા લેવા તૈયાર થઈ છે. વધારામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ 4 મેથી સી.બી.એસ.ઈ. બોર્ડની દસ અને બારની પરીક્ષા શરૂ થવાની જાહેરાત કરી છે, પણ જ્યાં શિક્ષણ જ નથી થયું ત્યાં મહત્ત્વનાં વર્ષોનાં શિક્ષણ કે પરીક્ષાનું શું એ મામલે સરકાર ચૂપ છે. એક વાત સ્પષ્ટ છે કે કોરોનામાં સૌથી વધુ હાનિ શિક્ષણને પહોંચી છે ને એને માટે સરકાર અનેક રીતે જવાબદાર છે. તેણે ચાલુ શૈક્ષણિક વર્ષ તો જોખમમાં મૂકયું જ છે, પણ આવનારું વર્ષ પણ જોખમમાં મૂકાય એવાં પૂરાં એંધાણ છે. એ સારી વાત છે કે વિદ્યાર્થીઓ જોખમમાં ન મૂકાય એમ વિચારીને સ્કૂલ, કોલેજો બંધ રખાઈ, પણ એ જ વિદ્યાર્થીઓને બીજે સાવચેતી સાથે જવાની છૂટ હોય તો સ્કૂલ, કોલેજની પરેજી પરાણે પળાવવાનો શો અર્થ છે, તે નથી સમજાતું.

એમ પણ લાગે છે કે કોરોનાએ મોતનો જે આંકડો પાડ્યો છે તે વિશ્વને ઓછો લાગે છે ને બાકીની ખોટ કદાચ ચીન, પાકિસ્તાન, અમેરિકા, ઈરાન, સાઉદી અરેબિયા યુદ્ધથી પૂરવા માંગે છે. ઘણાં 2021માં ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી કરે છે તો પરમાણુ યુદ્ધની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. આમાં કોઈ યુદ્ધ અનિવાર્ય નથી, પણ ચડસાચડસી અને સુપર પાવર થવાની સ્પર્ધામાં નિર્દોષોનું લોહી રેડવાની પિશાચી વૃત્તિ જ યુદ્ધને નામે કામ કરે તો નવાઈ નહીં.

છેલ્લે છેલ્લે અમેરિકી પ્રમુખની ચૂંટણી આવી ને તેણે પ્રમુખ ટ્રમ્પને બદલે જો બાઈડનને ચૂંટ્યા. શરૂઆતમાં ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર ન હતા, પણ પછી તેમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. ટ્રમ્પની ભારત સાથે મૈત્રી હતી, પણ નવા પ્રમુખ બાઈડન સાથે એ કેટલી ટકશે તે જોવાનું રહે. બને કે બાઈડન પાકિસ્તાનને ફળે. કાશ્મીર મામલે અને 370 નાબૂદીના મુદ્દે બાઈડનનો મત ભારતનાં સમર્થનનો નથી તે ભારતે જાણી લેવાનું રહે.

ભારતમાં પણ છેલ્લે છેલ્લે ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન છેડ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણાઓ ચાલે છે, પણ ગાડી હજી પાટે ચડી નથી. ખેડૂતો ત્રણે કાયદાઓ રદ્દ કરવાનું કહે છે, પણ સરકારને એ મંજૂર નથી. સરકારે કૃષિ કાયદાઓ ઘડતી વખતે ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લીધાની વાત છે, પણ ખેડૂતોને પૂછવાની દરકાર તેણે કરી નથી. વળી, ત્રણે કાયદાઓ ચર્ચા વિના જ પસાર કરી દેવાયા એ પણ ઠીક થયું નથી. આશા રાખીએ કે 2021માં આ સમસ્યાનો ઉકેલ આવે ને ખેડૂતોને સંતોષ થાય એ રીતે આવે.

એમ લાગે છે કે નવું વર્ષ 2021 અનેક પડકારો લઈને આવ્યું છે. રસી કારગત નીવડે ને કોરોનાનું જોર ઘટે એવી પ્રાર્થના કરવાની રહે. પાકિસ્તાન અને ચીનનો ઉપદ્રવ રહેવાનો જ છે, એમાં પાકિસ્તાન સાથે તો આરપાર લડી લેવા જેવું જ છે, કારણ તેણે ભારતને આઝાદી મળી ત્યારથી જ રંજાડવાનું ચાલુ રાખ્યું છે. વિશ્વમાં આતંકવાદ ફેલાવવાનું નિમિત્ત પણ પાકિસ્તાન જ છે ને જતે દિવસે તે ચીનનો કોળિયો થાય એમ બને. એમ થાય તો વાયા પાકિસ્તાન, ચીન, ભારતની સરહદો સાથે છેડછાડ ચાલુ ન રાખે તો જ નવાઈ !

જોઈએ, નવું વર્ષ તો નીવડે ત્યારે વખાણીશું, પણ અત્યારે તો સૌને હૃદયપૂર્વક અભિનંદનો અને  શુભેચ્છાઓ પાઠવીએ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 01 જાન્યુઆરી 2021

Loading

1 January 2021 admin
← ‘આપ સૌના વતી સ્વીકારું છું’
કોરોના વાયરસ વેળા →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved