હું આ રંગમંચ પર એકલી નથી ઊભી… મારી આસપાસ અસંખ્ય અવાજો છે. એ અવાજો મારા બાળપણથી હંમેશ મારી સાથે જ રહ્યા છે. હું ગ્રામ્ય વિસ્તારમાં ઊછરી છું. નાની હતી ત્યારે બીજાં બાળકોની જેમ મને પણ ઘરની બહાર રમવાની ખૂબ મજા આવતી, પણ સાંજ પડતાં પોતાની ઝૂંપડીઓની બાજુના બાંકડાઓ પર બેઠેલી અમારા ગામડાની થાકેલી સ્ત્રીઓનો સાદ અમને લોહચુંબકની જેમ ઘરભેગાં કરતો. આમાંની એક પણ સ્ત્રીનો નહોતો પતિ, બાપ કે ભાઈ. બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામડામાં કોઈ પુરુષને જોયાનું મને યાદ નથી. આ યુદ્ધ દરમિયાન દર ચારમાંથી એક બેલારુશિયન મૃત્યુ પામ્યા હતા, કેટલાક યુદ્ધના મોરચે લડતાં, તો કેટલાક દુશ્મનો સામે બળવાખોરી કરતાં. યુદ્ધ પૂરું થયા પછી અમે બાળકો ફક્ત સ્ત્રીઓની દુનિયામાં જ મોટાં થયાં છીએ. મને સૌથી વધુ એ વાત યાદ છે કે એ સ્ત્રીઓ મૃત્યુની નહીં, પણ પ્રેમની વાતો કરતી. લડાઈમાં જતાં પહેલાંના આગલા દિવસે તે પોતાનાં પ્રિયજનોને કેવી રીતે વિદાય આપતી તેની વાતો તે અમને કહેતી. તેમના પાછા આવવાની તે કેવી રીતે રાહ જોતી, અને હજુ પણ જોઈ રહી છે તેની વાતો તે અમને કહેતી. વર્ષો વીતી ગયાં પણ હજુય તે રાહ જોઈ રહી છે. “ભલેને તેના હાથ કે પગ કપાઈ ગયા હોય, હું તેને ઊંચકી લઈશ.” હાથ નહીં… પગ નહીં… મને લાગે છે કે પ્રેમ વસ્તુ શું છે એ હું નાનપણથી જ જાણી ગઈ છું.
નીચે મેં સાંભળેલા સમૂહગાનની દર્દભરી કડીઓ ટાંકું છું…
પહેલો અવાજ
“તારે આ બધું જાણીને શું કરવું છે? એ બહુ દુઃખદ વાત છે. હું મારા પતિને લડાઈ દરમિયાન મળી હતી. હું એક ‘tank crew’ની સૈનિક હતી અને અમે છેક બર્લિન સુધી પહોંચી શક્યાં હતાં. મને યાદ છે, અમે રેઇકસ્તાગ(Reichstag)ની બાજુમાં ઊભાં હતાં — તે હજુ મારો પતિ નહોતો — અને તેણે મને કહ્યું, “ચાલ આપણે લગ્ન કરી લઈએ. હું તને ચાહું છું.” હું એટલી બધી અસ્વસ્થ થઈ ગઈ — આખા યુદ્ધ દરમિયાન અમે ગંદવાડ, કચરો અને લોહીભર્યાં વાતાવરણમાં રહ્યાં હતાં અને અશ્લીલતા સિવાય બીજું કશું સાંભળ્યું નહોતું. મેં જવાબ આપ્યો, “પહેલાં મને સ્ત્રીનો મોભો આપ, મને ફૂલો આપ, મને પ્યારની બે મીઠી વાતો કહે. જ્યારે અહીંથી છૂટી થઈશ ત્યારે હું મારા માટે એક ડ્રેસ બનાવીશ.” હું એટલી બધી અસ્વસ્થ હતી કે મારે તેને ઢીબી નાખવો હતો. એને મારી વ્યથા સમજાતી હતી. તેનો એક ગાલ ખરાબ રીતે દાઝી ગયો હતો, તેના પર ઝખમના ડાઘ દેખાતા હતા અને એ ડાઘ પર આંસુ વહેતાં મેં જોયાં. “ઠીક છે, હું તારી જોડે લગ્ન કરીશ.” મેં આમ જ કહી નાખ્યું… હું માની ન શકી કે મેં ખરેખર એવું કહ્યું… અમારી ચારેતરફ રાખ અને તૂટેલી ઈંટો સિવાય બીજું કંઈ નહોતું, ટૂંકમાં કહું તો — યુદ્ધ.”
બીજો અવાજ
“અમે ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ(Chernobyl Nuclear Plant) નજીક રહેતાં હતાં. હું એક બૅકરીમાં પેસ્ટીઝ બનાવવાનું કામ કરતી હતી. મારા પતિ ફાયરમેન હતા. અમે હજુ તાજાં જ પરણ્યાં હતાં, અને અમે સ્ટોરમાં જતાં ત્યારે પણ એકબીજાનો હાથ પકડીને જતાં. જે દિવસે રીએક્ટર ફાટ્યું તે દિવસે મારા પતિ ફાયર સ્ટેશનમાં ડ્યુટી પર હતા. તે લોકો તરત જ પોતાનાં પહેરેલાં કપડે, એટલે કે બાંયવાળા ખમીસ અને ચાલુ વેશમાં જ તે સ્થળે પહોંચી ગયા — ન્યુક્લિયર પાવર સ્ટેશન પર વિસ્ફોટ થયો હોવા છતાંય તે લોકોને કોઈ પણ ખાસ પ્રકારનાં કપડાં પહેરવા નહોતાં અપાયાં. અમે એ રીતે જ જીવતાં હતાં — શું કહું તમને, તે લોકો આખી રાત આગ બુઝાવવાના કામમાં રોકાયા અને બદલામાં તેમને તેમની જિંદગી માટે હાનિકારક રેડિયેશન[કિરણોત્સર્ગ, વિકિરણ, વિદ્યુતચુંબકીય મોજાંના રૂપમાં ઊર્જાનું વિસર્જન]ના ડોઝ મળતા રહ્યા. બીજે દિવસે સવારે તેમને તરત પ્લેનમાં મોસ્કો મોકલવામાં આવ્યા. રેડિયેશનથી બધાને ખૂબ ખરાબ રીતે ઊલટીઓ થતી હતી… અને પછી થોડાં અઠવાડિયાં સુધી જ માણસ જીવતો રહી શકે. મારા પતિ સશક્ત અને રમતવીર હતા અને એટલે જ એ સૌથી છેલ્લા મૃત્યુ પામ્યા. હું જ્યારે મોસ્કો પહોંચી ત્યારે મને કહેવામાં આવ્યું કે તેમને એક ખાસ અલગ ઓરડામાં રાખવામાં આવ્યા છે, જ્યાં કોઈને પણ જવાની છૂટ નથી. “પણ હું તેમને ચાહું છું,” હું કરગરી. “સૈનિકો તેમની સંભાળ લઈ રહ્યા છે. તમે શું માનો છો કે, તમે અંદર જઈ શકશો?” “હું તેમને ચાહું છું.” તે લોકો મારી સામે દલીલ કરતા રહ્યા. “તમે જેને ચાહો છો તે આ પુરુષ નથી. એ તો હવે એક પદાર્થ છે, જેને રેડિયોએક્ટિવ અસરથી મુક્ત કરવાની જરૂર છે. તમને સમજ પડી કે નહીં?” હું મારી જાતને ફરી ફરી એક જ વાત કહેવા લાગી. હું ચાહું છું, હું ચાહું છું… રાતના વખતે હું તેમને જોવા માટે ફાયર એસ્કેપના પાઇપ પર ચડતી… અથવા રાતની ડ્યુટી પર ચોકી કરતા પુરુષોને કરગરતી … હું તેમને પૈસા આપતી, જેથી તેઓ મને અંદર જવા દે… હું મારા પતિને પડતા મૂકી જતી ન રહી, તેમના આખરી શ્વાસ સુધી હું તેમની સાથે રહી… તેમના મૃત્યુના થોડા મહિના બાદ મેં એક પુત્રીને જન્મ આપ્યો, પણ એ થોડા દિવસો જ જીવી. તે… અમે તેના આગમનથી એટલાં ખુશ હતાં, અને મેં તેને મારી નાખી, અને તેણે… તેણે મને બચાવી… તેણે રેડિયેશનનાં બધાં જ કિરણો પોતાની અંદર લઈ લીધાં હતાં. એ કેટલી નાનકડી હતી… સાવ જ ટચૂકડી… પણ હું તે બન્નેને ચાહતી રહી. શું પ્રેમ થકી તમે કોઈને મારી શકો ખરા? જીવન અને મૃત્યુ એકબીજાંથી આટલાં નજીક કેમ છે? એ બન્ને હંમેશ એકસાથે જ આવતાં હોય છે. કોણ આ વાત સમજાવી શકે તેમ છે? હું તેમની કબર પર ઘૂંટણે પડું છું.”
ત્રીજો અવાજ
“મેં જ્યારે પહેલી વાર એક જર્મનની હત્યા કરી… ત્યારે હું દશ વર્ષની જ હતી અને તો પણ બળવાખોરો મને તેમના કામમાં સાથે લઈ જવા મંડ્યા હતા. આ જર્મન ઘાયલ થઈને જમીન પર પડ્યો હતો… મને કહેવામાં આવ્યું કે મારે તેની પિસ્તોલ લઈ લેવી. હું દોડીને તેની પાસે ગઈ ત્યારે બન્ને હાથોથી તેની પિસ્તોલ પકડી તે મારા ચહેરાને નિશાન બનાવી રહ્યો હતો, પણ એ પહેલી ગોળી ન મારી શક્યો, મેં તે મારી…
“કોઈની હત્યા કરવાનો મને ડર નહોતો લાગતો… અને યુદ્ધ દરમિયાન મેં તેનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. ઘણાં બધાં લોકો માર્યા જતાં હતાં, અમે મડદાંઓ વચ્ચે જીવતાં હતાં. ઘણાં વર્ષો બાદ એક રાતે અચાનક જ મને આ જર્મનનું સ્વપ્નું આવ્યું ત્યારે મને ખૂબ નવાઈ લાગી. કોણ જાણે ક્યાંથી એ ટપકી પડ્યો! …પણ મને ફરી ફરી એ જ સ્વપ્નું આવતું રહ્યું… જાણે હું ઊડી રહી છું અને એ મને એની પકડમાંથી છોડતો જ નથી… હું છટકીને ઊડું છું… ઊંચે અને ઊંચે… એ મને પકડી પાડે છે અને તેની સાથે હું પણ નીચે પટકાઉં છું. હું કોઈ ખાડામાં પડું છું કે પછી, મારે ઊભું થવું છે… ખડા રહેવું છે… પણ એ મને તેમ કરવા નથી દેતો… તેના લીધે હું ઊડી શકતી નથી, ઊડી શકતી નથી…
“એનું એ જ સ્વપ્નું… દાયકાઓ સુધી… એ મને વળગી રહ્યું..
“હું એ સ્વપ્ન વિશે મારા પુત્રને કહી ન શકી. એ બહુ નાનો હતો, એને કેમ કરીને કહું? હું તેને પરીકથાઓ વાંચી સંભળાવતી. હવે એ મોટો થઈ ગયો છે — તો પણ હજુ હું તેને કહી શકતી નથી…”
ફ્લોબર્ટ પોતાની જાતને મનુષ્ય કલમ તરીકે ઓળખાવતા : હું મારા માટે એમ કહી શકું કે હું મનુષ્ય કાન છું. હું રસ્તામાં ચાલતાં ચાલતાં શબ્દો, વચનો, અને ઉદ્ગારો છૂટાંછવાયાં પકડી પાડું ત્યારે મને હંમેશાં વિચાર આવે છે કે કેટલીય નવલકથાઓ વણલખી લુપ્ત થઈ જાય છે. અંધકારમાં વિલય પામે છે. આપણે મનુષ્યજીવનના વાર્તાલાપોને સાહિત્યમાં આવરી લેતાં શીખ્યાં નથી. આપણે એની કદર કરતાં નથી, તેનાથી નવાઈ પામતાં નથી કે નથી તેનાથી ખુશ થતાં, પણ હું તેનાથી મંત્રમુગ્ધ થઈ, તેની કેદી બની જાઉં છું. માણસો જે રીતે વાત કરે છે તે મને ખૂબ ગમે છે… મને કોઈ એકલાઅટૂલા માણસનો અવાજ સાંભળવો બહુ જ ગમે છે. મારો એ અતિપ્રિય વિષય અને અનુરાગ છે.
રંગમંચ પર પહોંચવાનો રસ્તો લાંબો રહ્યો છે — એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ, એક અવાજથી બીજા અવાજ તરફ પહોંચવા માટે લગભગ ચાળીસેક વર્ષનો ગાળો વીત્યો છે. હું એમ નથી કહી શકતી કે તે માર્ગને વળગી રહેવામાં હું હંમેશ કાબેલ રહી છું. ઘણીય વાર મનુષ્ય જાતિથી હું અચંબો પામી છું ને ક્યારેક ગભરાઈ પણ છું. મેં આનંદ સાથે નફરતનો પણ અનુભવ કર્યો છે. ક્યારેક મેં જે સાંભળ્યું છે તે હું ભૂલી જવા માંગું છું, અને ફરી પાછી મારી એકવારની અજ્ઞાન અવસ્થામાં ગરકાવ થવા ઇચ્છું છું. એકથી વધુ વાર મેં લોકોમાં ઉત્કૃષ્ટતા જોઈ છે અને ત્યારે હું રડવા માંગું છું.
હું એવા દેશમાં રહેતી હતી કે જ્યાં અમને મૃત્યુ પામવાનું નાનપણથી જ શીખવવામાં આવતું હતું. મૃત્યુ અમારો એક વિષય હતો, અમને કહેવામાં આવ્યું હતું કે મનુષ્યજાતિ તેમની પાસે જે છે તે બધું ન્યોચ્છાવર કરવા માટે, બળીને રાખ થઈ જવા માટે અને પોતાની જાતનું બલિદાન આપવા માટે હયાત છે. સશસ્ત્ર લોકોને પ્રેમ કરતાં અમને શિખવાડવામાં આવ્યું હતું. જો હું કોઈ બીજા દેશમાં ઊછરી હોત તો કદાચ આ માર્ગે આગળ વધી ન શકી હોત. દુષ્ટતા નિષ્ઠુર છે. એનાથી બચવા માટે તમારે રક્ષણાત્મક રસી લેવી પડે. અમે જલ્લાદો અને ક્રૂરતાનો ભોગ બનેલાં લોકો વચ્ચે જીવતાં હતાં. અમારાં માતાપિતા ભલેને અમને બધું નહોતાં કહેતાં — અને મોટે ભાગે તેઓ અમને કંઈ જ નહોતાં કહેતાં — પણ અમારા જીવનની હવામાં ઝેર ભર્યું હતું. દુષ્ટતા અમારા પર ચોકી કરી રહી હતી.
મેં પાંચ પુસ્તકો લખ્યાં છે, પણ મને લાગે છે કે એ બધાં એક જ પુસ્તક છે. પૃથ્વી પર રમણીય સ્વર્ગલોકનો ઇતિહાસ.
વાર્લામ શાલામોવે એકવાર લખ્યું હતું : “હું એક જબરજસ્ત લડાઈમાં ભાગીદાર હતો, માણસાઈને નવજીવન આપવા માટેની એ લડાઈ હતી, પરંતુ તે હારમાં પરિણમી.” હું એ લડાઈના ઇતિહાસની પુનઃરચના કરું છું, તેની જીતોની અને હારોની — લોકો પૃથ્વી પર સ્વર્ગીય રાજ્ય કેવી રીતે રચવા માંગતાં હતાં તેનો ઇતિહાસ. સ્વર્ગ. સૂર્યલોકની નગરી, પણ આખરે જો કંઈ બચ્યું હોય, તો તે હતો લોહીનો દરિયો અને કરોડો માનવીઓના જીવનની બરબાદી. પરંતુ એક જમાનો એવો પણ હતો કે જ્યારે ૨૦મી સદીના રાજકારણમાં સામ્યવાદ[અથવા તો તેના પ્રતીક તરીકે ઑક્ટોબરની રાજક્રાંતિ]ની સરખામણીમાં આવે એવી કોઈ વિચારધારા હતી જ નહીં. એ જમાનો કે જ્યારે પાશ્ચાત્ય બુદ્ધિજીવીઓ અને વિશ્વભરના લોકોને મજબૂત રીતે અને લાગણીસભર આકર્ષવા માટે વધુ અસરકારક બીજું કંઈ નહોતું. રેયમન્ડ આરોને રશિયન ક્રાંતિને “બુદ્ધિજીવીઓના અફીણ” તરીકે ઓળખાવી છે, પણ સામ્યવાદનો વિચાર બે હજાર વર્ષ જૂનો છે. આપણને પ્લેટોના શિક્ષણમાં તેને એક આદર્શ અને સાચા રાજ્ય તરીકે આલેખેલું જોવા મળશે; એરિસ્તફેઇને સેવેલાં સ્વપ્નનો એ સમય જ્યારે “બધું જ બધાનું હશે.” … તે ઉપરાંત થોમસ મૉર અને ટોમ્માસો કાંપનેલ્લા અને આગળ જતાં સેઇન્ટ-સાઇમન ફુરીએર અને રોબર્ટ ઑવન પાસેથી પણ એ જ શીખવા મળ્યું છે. રશિયન હાર્દમાં એવું કંઈક છે કે જે તેમને એ સ્વપ્નોને સાકાર બનાવવા માટે ફરજિયાત આકર્ષે છે.
વીસ વર્ષ પહેલાં અમે સોવિયેટના ‘રેડ એમ્પાયર’ને ગાળો અને આંસુ દ્વારા વિદાય આપી. હવે અમે એ પૂર્વ જમાનાને એક ઐતિહાસિક અખતરા તરીકે વધુ શાંત ચિત્તે જોઈ શકીએ છીએ. એ મહત્ત્વનું છે, કેમ કે સમાજવાદ વિશેની ચર્ચાઓ હજુ સમી નથી. વિશ્વ માટે એક જુદું જ ચિત્ર લઈને એક નવી પેઢી ઊભી થઈ છે, પણ ઘણા યુવાન લોકો હવે માર્ક્સ અને લેનિનને ફરી વાંચવા લાગ્યા છે. રશિયાનાં ગામોમાં સ્ટાલિનનની સ્મૃતિમાં નવાં મ્યુઝિયમો ખુલ્યાં છે અને સ્મારકો પણ બંધાયાં છે.
રશિયાનો ‘રેડ ઍમ્પાયર’ નાબૂદ પામ્યો છે, પણ ‘રેડ મૅન’ – ‘હોમો સોવિયેટિકસ’ [સામ્યવાદના સિદ્ધાંતનો ચુસ્ત અનુયાયી] હજુ હયાત છે. એ હજુ પણ ટકી રહ્યો છે.
મારા પિતા હાલમાં જ મૃત્યુ પામ્યા. તે છેવટ સુધી સામ્યવાદમાં માનતા હતા. તેમણે એ પાર્ટીના સભ્યપદનું કાર્ડ પણ સાચવી રાખ્યું હતું. હું કોઈ પણ રીતે ‘સોવોક’(sovok) — સોવિયેત માનસનું એ અપમાનસ્પદ નામ — વાપરી શકતી નથી, કેમ કે તે મારે મારા પિતા તેમજ મારા અંગત મિત્રો માટે પણ વાપરવો પડે તેમ છે. તે બધાંનું મૂળ તો એક જ છે — સમાજવાદ. તેમની વચ્ચે ઘણા આદર્શવાદીઓ છે. ભાવાવેશ લોકો. આજે તેમનો ઉલ્લેખ ક્યારેક ‘ગુલામીના ભાવાવેશ લોકો’ તરીકે થાય છે. સંપૂર્ણ સ્વર્ગલોકના ગુલામો. હું માનું છું કે તે બધાં લોકો જુદું જીવન જીવી શક્યાં હોત પણ તેમણે સોવિયેટ જીવન જીવ્યું. શા માટે? તે પ્રશ્નનો ઉત્તર મેળવવા મેં લાંબા સમય સુધી પ્રયત્ન કર્યો. હું એક સમયના USSRના વિશાળ દેશમાં ઠેર ઠેર ફરી, અને હજારો સંવાદો ટેપ રેકોર્ડ કર્યા. એ સમાજવાદ હતો અને એ સર્વથા અમારું જીવન હતું. મેં ‘ઘરગથ્થુ’, ‘અંદર’ના સમાજવાદના ઇતિહાસને ટુકડે ટુકડે એકઠો કર્યો છે. માનવના આત્મામાં એ કેવી રીતે ભજવાયો છે તેનો ઇતિહાસ. હું મનુષ્ય તરીકે ઓળખાતી એક નાનકડી જગ્યા તરફ આકર્ષાઈ છું…એક અટૂલી વ્યક્તિ. વાસ્તવમાં જે થાય છે, તે બધું ત્યાં જ થાય છે.
યુદ્ધ પૂરું થયું કે તરત જ થિયોડોર ડોમોએ ગૂંચવાયેલા મનથી લખ્યું હતું : “ઑશ્વિત્ઝ[Auschwitz] પછી કાવ્યરચના કરવી અસંસ્કારી ગણાય.” મારા શિક્ષક, આલેસ આદામોવિચ, જેમનું નામ ઉચ્ચારતાં હું અહોભાગ્ય અનુભવું છું, તેઓ માનતા હતા કે, ૨૦મી સદીનાં દુઃસ્વપ્નો વિશેનું ગદ્યલેખન અપવિત્ર છે. કંઈ પણ ઉપજાવી કાઢેલું ન હોવું જોઈએ. જે સત્ય હતું તે જ તમારે આલેખવું જોઈએ. એક ‘ઉત્તમ-સાહિત્ય’ની જરૂરત છે. જે સાક્ષી છે, તેણે બોલવું જ પડશે. મને નિયેત્ઝકેના શબ્દો યાદ આવે છે — કોઈ પણ કલાકાર સચ્ચાઈથી જીવી શકતો નથી. એ તેનાથી ઊંચકી શકાતી નથી.
મને હંમેશ ખૂચ્યું છે કે સત્ય એક જ હૃદય કે એક જ મગજને બંધબેસતું નથી હોતું, એની તાળો પડી ગઈ છે. તે ઘણું મોટું છે, તે વિવિધ છે અને દુનિયાભરમાં છવાયેલું છે. દોસ્તોયેવ્સ્કી એમ માનતા હતા કે માનવતા, સાહિત્યમાં લખાયેલું છે તે કરતાં, પોતાના વિશે ઘણું ઘણું વધારે જાણે છે. તો પછી તમે પૂછશો કે હું શું કરું છું? હું રોજિંદા જીવનની લાગણીઓ, વિચારો અને શબ્દોનો સંગ્રહ કરું છું. હું મારા સમયના જીવનનો સંચય કરું છું. મને આત્માના ઇતિહાસમાં રસ છે. આત્માના રોજિંદા જીવન વિશે, એ વસ્તુઓ જે વિશાળ ચિત્રપટ પર આલેખાતી નથી અથવા ઇતિહાસ જેની ઉપેક્ષા કરે છે; હું એ અલિખિત ઇતિહાસ સાથે કામ કરું છું. મને ઘણી વાર કહેવામાં આવે છે કે હું જે લખું છું તે સાહિત્ય નથી, અહેવાલ છે. આજે સાહિત્ય શું છે? એ પ્રશ્નનો જવાબ કોણ આપી શકશે? આપણે પહેલાં કરતાં ખૂબ જ વધારે તેજ ગતિથી જીવી રહ્યાં છીએ. લેખનનો વિષય તેના સ્વરૂપને તોડીફોડી નાખે છે. તેને તોડીને બદલી નાખે છે. બધું જ બંધ તોડી ઊભરાય છે : સંગીત, દોરેલું ચિત્ર, અહેવાલોના શબ્દો પણ અહેવાલની સીમામાંથી છટકી જાય છે. હકીકત અને ઉપજાઉપણા વચ્ચે સીમાઓ નથી રહી, એક સરકીને બીજામાં વહી જાય છે. સાક્ષીઓ નિષ્પક્ષપાતી નથી રહ્યા. વાત કહેતી વખતે માણસ કંઈક કંઈક રચ્યા કરતો હોય છે, શિલ્પી જેમ આરસપહાણ સાથે મથતો હોય છે, તેમ માણસ સમય સાથે કુસ્તી કરતો હોય છે. માણસ અભિનેતા છે અને નિર્માતા પણ છે.
મને નાના માણસોમાં રસ છે. હું તેમને આ રીતે ઓળખાવીશ — નાના પણ મહાન લોકો, કેમ કે દુઃખદ અનુભવો માણસને વિશાળ બનાવે છે. મારાં પુસ્તકોમાં આ નાના માણસો પોતાનો નાનો ઇતિહાસ કહે છે અને તેની સાથે સાથે જ મોટો ઇતિહાસ કહેવાઈ જાય છે. આપણા પર શું વીતી ગયું છે અને શું વીતી રહ્યું છે તે સમજવાનો આપણી પાસે સમય નથી, આપણે ફક્ત એ કહેવાનું જ છે. સૌપ્રથમ તો જે વીત્યું છે તેનો ઉલ્લેખ તો છેવટે આપણે કરવો જ રહ્યો. આપણે એમ કરતાં ડરીએ છીએ, આપણી પાસે આપણા ભૂતકાળને સહી શકવા જેટલી તૈયારી નથી.
દોસ્તોયેવ્સ્કીના ‘Demons’માં તેમના વાર્તાલાપની શરૂઆતમાં શાતોવ સ્ટેવરોગીનને કહે છે : “આપણે બે એવાં પ્રાણીઓ છીએ કે જે અમર્યાદિત અસીમતામાં મળ્યાં છીએ… દુનિયામાં આખરી વખતે. એટલે તારો એ અવાજ છોડ અને મનુષ્યની જેમ બોલ. આખરે, ફક્ત એકવાર તો મનુષ્યના અવાજથી બોલ.”
મારા પુરસ્કર્તાઓ સાથે મારો વાર્તાલાપ લગભગ આ જ રીતે શરૂ થાય. દેખીતું છે કે લોકો પોતાના સમય વિશેની વાત કરી શકે, તેઓ શૂન્યતામાંથી તો ન જ બોલી શકે, પણ મનુષ્યના આત્માને પહોંચવું મુશ્કેલ છે, એ માર્ગ ટેલિવિઝન અને અખબારપત્રો અને એ સદીની કુશંકાઓ, તેના પક્ષપાતો અને તેની છેતરણીઓથી ભર્યો પડ્યો છે.
હું મારી નોંધપોથીમાંથી થોડાં પાનાં વાંચી સંભળાવવા માંગું છું, જેથી તમે જોઈ શકો કે સમય કેવી રીતે બદલાયો … વિચાર કેવી રીતે લુપ્ત થયો … મેં તે માર્ગ પર કઈ રીતે પ્રયાણ કર્યું.
૧૯૮૦–૧૯૮૫
હું યુદ્ધ વિશે એક પુસ્તક લખી રહી છું… યુદ્ધ વિશે શા માટે? કારણ કે અમે યુદ્ધનાં લોકો છીએ… અમે હંમેશ યુદ્ધમાં રોકાયેલાં છીએ કે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો તમે બારીકાઈથી જોશો, તો તમને જણાશે કે આપણે બધાં યુદ્ધની દૃષ્ટિથી વિચારીએ છીએ. ઘરમાં કે પછી રસ્તા પર. એટલે જ આ દેશમાં માણસની જિંદગીની કોઈ કિંમત નથી… બધે જ યુદ્ધ ચાલી રહ્યું છે.
મને શરૂઆતમાં જરા સંશય ઊપજ્યો. બીજા વિશ્વયુદ્ધ વિશે વધુ એક પુસ્તક… શા માટે?
મારી એક યાત્રા દરમિયાન હું એક સ્ત્રીને મળી હતી, જે યુદ્ધ દરમિયાન દાક્તરી કામ કરતી હતી. તેણે મને એક વાત કહી. તે લોકો જ્યારે શિયાળામાં લગોડા સરોવર પરથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે દુશ્મનોએ ત્યાં હલચલ જોઈને તેમના પર ગોળીબાર શરૂ કર્યો. ઘોડા અને લોકો બરફ તોડી નીચે પડ્યા. આ બધું રાતના સમય દરમિયાન બન્યું હતું. તેના હાથમાં કંઈક આવ્યું અને તે ઘવાયેલો સૈનિક હશે તેમ માની તે તેને કિનારા તરફ ઢસડવા લાગી. “મેં તેને ખેંચ્યો, તે ભીનો અને નગ્ન હતો. મને લાગ્યું કે તેનાં કપડાં ફાટી ગયાં હશે,” તેણે મને કહ્યું. કિનારે પહોંચતાં તેણે જોયું તો તે એક જબરદસ્ત ઘાયલ થયેલી સ્ટર્જન માછલીને ઘસડીને લાવી હતી. અને તેના મોઢામાંથી કેટલીય અશ્લીલ ગાળો નીકળી ગઈ : લોકો તો દુઃખી થઈ રહ્યા છે, પણ પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓનું શું… એમણે શું કર્યું હતું? બીજી એક સફર દરમિયાન મેં અશ્વદળમાં દાક્તરી કામ કરતી સ્ત્રી પાસેથી આ વાત સાંભળી. લડાઈ દરમિયાન તે એક જખ્મી સૈનિકને ગોળીબારથી થયેલા એક ખાડામાં ખેંચી ગઈ અને ત્યારે જ તેણે જોયું તો તે એક જર્મન સૈનિક હતો. તેનો પગ ભાંગી ગયો હતો અને તેમાંથી લોહી વહેતું હતું. એ દુશ્મન હતો. હવે શું કરવું? તેના પોતાના માણસો ઉપર મરી રહ્યા હતા, પણ તેણે જર્મનના પગે પાટો બાંધ્યો અને પછી બહાર નીકળી ગઈ. એક બેભાન રશિયન સૈનિકને તે અંદર ઘસડી લાવી. એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે જર્મનને મારી નાખવા માંગતો હતો, અને જ્યારે જર્મન ભાનમાં આવ્યો ત્યારે તે પણ એક મશીન ગન એકદમ આંચકી લઈને રશિયનને મારી નાખવા માંગતો હતો. “મેં પહેલા એકને અને પછી બીજાને તમાચો માર્યો, અમારા પગ હજુ લોહીથી ખરડાયેલા હતા,” તેને યાદ આવ્યું. “લોહી તો એકમેક સાથે ભળી ચૂક્યું હતું.”
આ એવું યુદ્ધ હતું કે જેના વિશે મેં ક્યારેય કંઈ સાંભળ્યું નહોતું. સ્ત્રીઓનું યુદ્ધ. એ શૂરવીરો વિશેનું નહોતું. એ એક જનસમૂહનું શૂરવીરતાથી બીજા જનસમૂહનો સંહાર કરવા માટે નહોતું. યુદ્ધ પૂરું થયા પછી હું સ્ત્રીઓ પાસેથી આ વ્યથા વારંવાર સાંભળતી : “લડાઈ પૂરી થયા પછી તમે લડાઈના મેદાન પર જશો તો તમને એ ચત્તા સૂતેલા દેખાશે. …બધા યુવાન અને દેખાવડા. આકાશ તરફ મીટ માંડી એ ત્યાં પડ્યા હશે. તમને તેમની દયા આવશે. બંને તરફના યુવાનોની.” તેમની આ વૃત્તિ હતી, “બંને તરફના બધા જ યુવાનો.” આ ભાવનામાંથી મને મારું પુસ્તક કયા વિષય પર લખવું તેની સ્ફુરણા મળી : યુદ્ધ એટલે સંહાર સિવાય બીજું કશું નથી. સ્ત્રીઓના માનસ પર એ જાતની જ છાપ પડી હતી. આ યુવાન હજુ હમણાં જ હસતો હતી, સિગારેટ પીતો હતો — અને હવે એ નથી રહ્યો. અલોપ થવાની વાત સ્ત્રીઓ વારંવાર કરતી, યુદ્ધ દરમિયાન બધું કેટલું જલદી નષ્ટ થઈ જાય છે! મનુષ્યજાતિ અને મનુષ્યનો સમય. હા, લડાઈમાં જવા માટે તે લોકો ૧૭ કે ૧૮ વર્ષની ઉંમરે જોડાયા હતા પણ તે કોઈને મારવા નહોતા માંગતા. અને તે છતાંય મરવા તૈયાર હતા. માભોમ માટે મરવા. સ્ટાલિન માટે મરવા — એ શબ્દો તમે ઇતિહાસમાંથી ભૂંસી નથી શકવાના.
મારું પુસ્તક બે વર્ષ સુધી પ્રકટ ન થયું. પેરેસટૉઇકા [રાજકીય બાબતોમાં મૌલિક સુધારા કરવાની ચળવળ] અને ગુરબાચેવ આવ્યા નહીં ત્યાં સુધી. “તમારું પુસ્તક વાંચ્યા પછી કોઈ લડશે નહીં,” મારા પ્રમાણક(censor)એ મને લેક્ચર આપતાં કહ્યું. “તમારું યુદ્ધ બિહામણું છે. તેમાં કોઈ શૂરવીરો કેમ નથી?” હું શૂરવીરોને શોધતી નહોતી. હું તો જેને લક્ષમાં નથી લેવાયા તેવા સાક્ષીઓ અને ભાગ લેનારાઓની વાતો દ્વારા ઇતિહાસ લખતી હતી. તેમને કોઈએ ક્યારેય કંઈ પૂછ્યું નથી. લોકો શું માને છે? મહાન વિચારો વિશે લોકો શું માને છે તેની આપણને ખરેખર ખબર નથી હોતી. યુદ્ધ પૂરું થતાં તરત જ કોઈ વ્યક્તિ તમને એ યુદ્ધની વાત કરશે, અને થોડા દાયકાઓ પછી; અલબત્ત, એ કોઈ જુદા યુદ્ધની વાત કરતો હોય તેમ તમને એના વિશે કહેશે. તેની અંદર કંઈક બદલાઈ ગયું હશે, કેમ કે તેણે પોતાની આખી જિંદગી તેની સ્મૃતિઓમાં લપેટી લીધી છે — તેની આખી જાત. તે વર્ષો દરમિયાન કેવી રીતે જીવ્યો, તેણે શું વાંચ્યું, જોયું, કોને મળ્યો, એ શેમાં માને છે. અંતમાં, એ સુખી છે કે નહીં. અહેવાલો જીવંત પ્રાણીઓ જેવા છે — આપણે બદલીએ તેમ એ પણ બદલે છે.
મને સંપૂર્ણ ખાતરી છે કે ૧૯૪૧ના યુદ્ધ સમયની યુવાન સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ ફરી ક્યારેય જોવા નહીં મળે. આ “રેડ” માનસની પરાકાષ્ટા હતી. જે રેવૉલ્યુશન અને લેનિનથી પણ ઊંચી હતી. તેમના વિજયની નીચે ગુલાગ[GULAG—સોવિયેત સંઘનો જેલ કારભાર સંભાળતી વ્યવસ્થા]ની સફળતા હજુ સુધી ઝાંખી પડેલી લાગે છે. આ સ્ત્રીઓ મને ખૂબ વહાલી છે, પણ તેમની સાથે સ્ટાલિન વિશે કંઈ બોલી શકાય નહીં, કે ન પછી એ હકીકત કે યુદ્ધ પછી સૌથી વધુ શૂરા અને આખાબોલા વિજેતાઓને ટ્રેનો ભરીભરીને સીધેસીધા સાઇબીરિયા ધકેલી દેવામાં આવ્યા હતા. બાકીના જે ઘેર પાછા આવ્યા તેમણે મોઢું બંધ રાખ્યું. એકવાર મેં સાંભળ્યું : “અમે ફક્ત એક વખત જ સ્વતંત્ર હતા — યુદ્ધ દરમિયાન. લડાઈના મોરચે.” દુઃખ એ અમારી મૂડી છે, અમારી કુદરતી સંપત્તિ છે. તેલ કે ગૅસ નહીં, પણ દુઃખ. એ એક જ એવી વસ્તુ છે કે જેનું ઉત્પાદન અમે સતત રીતે કરી શકીએ છીએ. હું હંમેશ ઉત્તર શોધું છું : અમારું દુઃખ સ્વતંત્રતામાં કેમ પલટાતું નથી? શું જે બધું થયું તે નિરર્થક હતું? ચાડાયેવ સાચું જ કહેતા હતા : રશિયા એક યાદશક્તિ વિનાનો દેશ છે, સંપૂર્ણ સ્મૃતિલુપ્ત જગ્યા, ટીકા અને મનનચિંતન માટે એક અણબોટી ચેતના.
પણ થોકબંધ મહાન પુસ્તકો આપણા પગ નીચે દબાઈને પડ્યાં છે.
૧૯૮૯
હું કાબુલમાં છું. મારે હવે યુદ્ધ વિશે નથી લખવું, પણ હું અહીં એક ખરેખરા યુદ્ધ વચ્ચે આવી ચડી છું. પ્રવદા નામનું અખબાર કહે છે, “અમે અફઘાની ભાઈઓને સમાજવાદની રચના કરવામાં મદદ કરી રહ્યાં છીએ.” જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના લોકો અને વસ્તુઓ નજરે પડે છે. યુદ્ધનો સમય છે.
તેઓ મને ગઈકાલે લડાઈમાં લઈ ગયા નહીં. “બહેન, તમે હોટલમાં જ રહો. આગળ જતાં અમારે તમારી સલામતી માટે જવાબ દેવો પડશે.” હું હોટલમાં બેઠી બેઠી વિચારું છું : બીજા લોકોની હિંમત અને જોખમને બારીકાઈથી તપાસવામાં થોડુંક અનૈતિક લાગે છે. હું અહીં બે અઠવાડિયાંથી છું અને હું એ વિચાર મારા માનસમાંથી ખંખેરી નથી શકતી કે યુદ્ધ એ પુરુષત્વ પ્રકૃતિ છે, જેને હું માપી શકવા અસમર્થ છું. પણ યુદ્ધની રોજિંદી આનુષંગિક વસ્તુઓ ઉચ્ચ કક્ષાની છે. મેં મારી જાતે જોયું કે શસ્ત્રો સુંદર છે : મશીનગનો, સુરંગો, ટેંકો. પુરુષજાતિએ બીજા પુરુષોનો સંહાર કરવા માટેની ઉત્તમ પદ્ધતિ વિશે ઘણી વિચારણા કરી છે. સત્ય અને સુંદરતા વચ્ચેનો શાશ્વત પ્રતિકાર. તે લોકોએ મને નવી ઇટાલિયન સુરંગ બતાવી, અને મારું “નારી” વલણ હતું : “એ સુંદર છે. એ કેમ સુંદર છે?” એમણે મને બહુ જ ચોક્સાઈથી લડાઈની ભાષામાં સમજાવ્યું : જો કોઈ આ માઇન પરથી ગાડી ચલાવે કે પગ મૂકે આ રીતે… અમુક ખૂણાથી… તો ત્યાં અડધી ડોલ જેટલા માંસ સિવાય બીજું કંઈ નહીં બચે. લોકો અસાધારણ વસ્તુઓ વિશે જાણે તે સ્વાભાવિક હોય તે રીતે વાત કરે, જાણે કે એવું થાય તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ઠીક છે, આખરે આપણે અહીં યુદ્ધની વાત કરી રહ્યાં છીએ… આવાં દૃશ્યોથી કોઈ પાગલ નથી થઈ જતું — દાખલા તરીકે, અહીં જમીન પર એક માણસ પડ્યો છે, જે કુદરતી તત્ત્વોથી નથી મર્યો કે નથી નિયતિના નિર્માણ થકી, પણ તેને બીજા માણસે માર્યો છે.
મેં “બ્લેક ટ્યુલીપ” (જે પ્લેનમાં મૃતદેહોને જસતની દફનપેટીઓમાં ઘેર લઈ જવામાં આવે છે) પર પેટીઓ ચડાવવામાં આવતી હતી એ જોયું. મૃત સૈનિકોને ઘણી વાર ૧૯૪૦ના દાયકાના જૂના લશ્કરી યુનિફોર્મ પહેરાવવામાં આવતા, જોધપુરી પાટલૂનો સહિત, ક્યારેક એ પણ બધા માટે પૂરતાં નહોતાં. સૈનિકો વાતો કરતા હતા, “હમણાં જ તેઓ થોડા નવા લાવ્યા ને ફ્રીજમાં મૂક્યા. ત્યાં મરેલા ડુક્કરના માંસ જેવી દુર્ગંધ આવે છે.” હું આ વિશે લખવાની છું, પણ મને નથી લાગતું કે ઘરે કોઈ મારી આ વાતને સાચી માને. અમારાં અખબારો તો ફક્ત સોવિયેત સૈનિકો દ્વારા બાંધવામાં આવતી મૈત્રીની કેડીઓ વિશે જ લખશે.
હું ત્યાં ઊભેલા યુવાનો જોડે વાતે વળગી. ઘણા સ્વેચ્છાએ આવ્યા હતા. તેમણે અહીં આવવા માટે જાતે જ માગણી કરી હતી. મેં નોંધ કરી કે તેમાંના ઘણાખરા શિક્ષિત કુટુંબોમાંથી આવતા હતા — બુદ્ધિજીવીઓ — શિક્ષકો, દાક્તરો, ગ્રંથપાલો — બીજી રીતે કહું તો પુસ્તકનાં લોકો. તેઓ એવા સ્વપ્નમાં રાચતા હતા કે ખરેખર અફઘાનિસ્તાનના લોકોને સમાજવાદ રચવામાં મદદ કરશે. હવે તેઓ પોતાની જાત પર હસી રહ્યા છે. મને એરપોર્ટ પર એ જગ્યા બતાડવામાં આવી જ્યાં અસંખ્ય જસતની દફનપેટીઓ સૂર્યના તડકામાં ગહન દશામાં ચળકતી પડી હતી. મારી સાથેના ઑફિસરથી રહેવાયું નહીં, અને એ બોલી ઊઠ્યો, “કોણ જાણે… મારી દફનપેટી પણ ક્યારેક ત્યાં પડી હશે… તેઓ મને એમાં પૂરી દેશે… હું અહીં કયા કારણે લડી રહ્યો છું?” તેના પોતાના જ શબ્દોથી ડરી જઈ તેણે મને કહ્યું, “એ વાત લખશો નહીં.”
રાત્રે મને મૃતદેહોનાં સ્વપ્નાં આવે છે, બધાના ચહેરા પર અચંબો નજરે પડે છે : શું, મને મારી નાખવામાં આવી છે? હું ખરેખર મરી ગઈ છું?
હું કેટલીક નર્સો સાથે અફઘાનના નાગરિકો માટેની હૉસ્પિટલમાં કારથી જાઉં છું. અમે બાળકો માટે ભેટો લઈ આવ્યાં છીએ — રમકડાં, મીઠાઈ, બિસ્કિટ. મારી પાસે પાંચેક ટેડી બેર હતાં. અમે હૉસ્પિટલે પહોંચ્યાં. લાંબી પરસાળ હતી. કોઈ પણ પાસે સૂવા માટે એક બ્લૅન્કૅટ સિવાય બીજું કંઈ નહોતું. એક અફઘાન સ્ત્રી મારી પાસે આવી, તેના હાથમાં તેનું બાળક હતું. તેને કંઈ કહેવું હતું — છેલ્લાં દસેક વર્ષમાં લગભગ બધાંને જ થોડી રશિયન ભાષા બોલતાં આવડી ગઈ હતી — અને મેં તેના બાળકને એક રમકડું આપ્યું, જે તેણે પોતાના દાંત વડે પકડ્યું. “દાંત વડે શા માટે?” મેં નવાઈ પામી પૂછ્યું. એ સાથે જ, બાળકના નાનકડા બદનને લપટેલા બ્લૅન્કૅટને તેણે ખેંચી લીધો — એ નાના છોકરાના બંને હાથ કપાયેલા હતા. “તમારો રશિયન બૉમ્બ પડ્યો, ત્યારે આમ થયું.” મને પડતાં પડતાં કોઈએ પકડી લીધી.
મેં ગામડાંઓને અમારા “ગ્રાડ” રોકેટથી ખેડેલાં ખેતરો જેવાં થઈ ગયેલાં જોયાં. હું એક અફઘાની સ્મશાન જોવા ગઈ, જે લગભગ તેમના એક ગામડાના વિસ્તાર જેટલું લાંબું હતું. સ્મશાનની વચ્ચે એક વૃદ્ધ અફઘાની સ્ત્રી ચીસો પાડતી હતી. મને મીન્સ્કની બાજુના એક ગામડામાં જ્યારે જસતની દફનપેટી તેના ઘરમાં લઈ જવામાં આવી ત્યારે એક માતાએ પાડેલી કારમી ચીસ યાદ આવી. એ ચીસ નહોતી પ્રાણીની કે માનવની… એ કાબુલના સ્મશાનમાં મેં સાંભળી તેવી ચીસ હતી…
મારે કહેવું રહ્યું કે હું એક જ સમયે સંપૂર્ણ સ્વતંત્ર થઈ નથી. હું મારા વિષયોને વફાદાર રહી હતી, અને તેમને મારા પર વિશ્વાસ હતો. દરેક વ્યક્તિ પાસે સ્વતંત્ર થવા માટેનો પોતાનો અલગ માર્ગ હોય છે. અફઘાનિસ્તાન પહેલાં હું મનુષ્યના ચહેરાવાળા સમાજવાદમાં માનતી હતી. અફઘાનિસ્તાનથી પાછી વળી ત્યારે મારી બધી ભ્રમણાઓથી હું મુક્ત થઈ ગઈ હતી. “મને માફ કરજો, પિતાજી,” હું તેમને મળી ત્યારે મેં કહ્યું. “તમે મને સામ્યવાદના આદર્શોમાં મોટી કરી, પણ હાલમાં મેં જે યુવાનોને જોયા, નવા સોવિયેત વિદ્યાર્થીઓ, તમે અને મમ્માએ ભણાવ્યા હોય તેવા(મારાં માતાપિતા ગામડાની શાળામાં શિક્ષકો હતાં), જે પરદેશી ધરતી પર જેમને તે ઓળખતાં પણ નથી એવાં લોકોનો સંહાર કરી રહ્યાં છે, ત્યારે તમારા બધા શબ્દો મને રાખમાં ભળી ગયેલા લાગે છે. આપણે ખૂની છીએ, પપ્પા, તમે સમજો છો?” મારા પિતાજી રડી પડ્યા.
ઘણા લોકો અફઘાનિસ્તાનમાંથી છૂટીને પાછા આવ્યા, પણ બીજા દાખલાઓ પણ છે. અફઘાનિસ્તાનમાં એક રશિયન યુવાન પુરુષે મને જોઈ બરાડો પાડતાં કહ્યું, “તું તો એક સ્ત્રી છો, તને યુદ્ધ વિશે શું સમજણ પડવાની હતી? તને લાગે છે કે પુસ્તકો અને ફિલ્મોમાં બને છે તેમ લડાઈમાં લોકો સુંદર મૃત્યુ દ્વારા મરણ પામે છે? ગઈકાલે મારો એક મિત્ર મરણ પામ્યો, એને માથામાં ગોળી વાગી હતી અને છતાંય પોતાના મગજને પકડી રાખવાનો પ્રયત્ન કરતો તે બીજા દસ મીટર દોડતો રહ્યો હતો ….” સાત વર્ષ પછી એ જ પુરુષ એક સફળ વેપારી છે, જેને અફઘાનિસ્તાન વિશેની વાતો કરવી ગમે છે. તેણે મને ફોન કર્યો. “તમારાં પુસ્તકો શા માટે લખાયાં છે? તે બહુ બિહામણાં છે.” એ હવે એક જુદી જ વ્યક્તિ બની ગઈ હતી. મોતની વચ્ચે જોયેલો પેલો યુવાન નહીં, જેને ૨૦ વર્ષની ઉંમરે મરી જવું નહોતું…
હું મારી જાતને પૂછું છું, યુદ્ધ વિશે મારે ક્યા પ્રકારનું પુસ્તક લખવું છે? મારે એવા જણ વિશે લખવું છે જે ગોળી નથી ચલાવતો, જે બીજા મનુષ્યને ગોળી નથી મારી શકતો, જેને યુદ્ધના વિચારમાત્રથી કમકમાં છૂટે છે. એ જણ છે ક્યાં? હું તેને હજુ મળી નથી.
૧૯૯૦–૧૯૯૭
રશિયન સાહિત્ય રસપ્રદ છે, કેમ કે એ એક જ એવું સાહિત્ય છે, જે એક વિશાળ દેશ પર અજમાવેલા અખતરાની વાત કરે છે. મને ઘણી વાર પૂછવામાં આવે છે, “તમે હંમેશ કરુણ વિષયો પર કેમ લખો છો?” કેમ કે અમે તે રીતે જીવીએ છીએ. હવે ભલે અમે એક જુદા દેશમાં રહીએ છીએ પણ “રેડ” મનુષ્યો બધે જ છે, એ પેલા એના એ જ જીવનમાંથી આવે છે, એની એ જ સ્મૃતિઓ સહિત.
મેં ચેર્નોબિલ[1] વિશે લખવાનું ઘણા સમય સુધી ટાળ્યું. મને સમજ નહોતી પડતી કે તેના વિશે કેવી રીતે લખવું, કયા પ્રકારની કલમ વાપરવી, એ વિષયની પ્રસ્તાવના કેવી રીતે રજૂ કરવી. યુરોપના એક ખૂણે સંકેલાઈને પડેલા મારા નાનકડા દેશ વિશે ભાગ્યે જ દુનિયામાં કોઈએ કંઈ સાંભળ્યું હશે, પણ આજે એનું નામ બધાંની જીભે હતું. અમે, બેલારુશિયન લોકો, ચેર્નોબિલનાં લોકો બની ગયાં હતાં. આ અજાણ્યા વિસ્તારને ભેટનાર પહેલાં જ લોકો. હવે સ્પષ્ટ થયું હતું કે સામ્યવાદી, વંશીય અને નવા ધાર્મિક પડકારો ઉપરાંત વધુ વિશ્વવ્યાપક, હિંસક પડકારોનો અમારે સામનો કરવાનો બાકી હતો, જોકે, આ ક્ષણે તે પડકારો અમને દેખાતા નહોતા. ચેર્નોબિલ પછી જરાક કંઈક છતું થયું…
મને યાદ છે કે એક વૃદ્ધ ટેક્સી-ડ્રાઇવરે ગાળ આપી હતી, જ્યારે એક કબૂતર તેની કારના વિન્ડસ્ક્રીન પર પછડાયું હતું, “દરરોજ બેથી ત્રણ પક્ષીઓ કાર સાથે પછડાય છે, પણ અખબારો તો કહે છે કે પરિસ્થિતિ સુધારા પર છે.”
શહેરના બાગોમાંથી પાંદડાંઓને વાળી લઈ, ગામ બહાર લઈ જઈ, દાટી દેવામાં આવતાં હતાં. ચેપી થયેલા ભાગોમાંથી જમીનના ટુકડા પણ કાપીકાપીને દાટી દેવામાં આવતા હતા — માટીને માટીમાં દાટવામાં આવતી હતી. બળતણ માટેનાં લાકડાં, અને ઘાસ પણ. બધાં થોડાં પાગલ થઈ ગયાં હોય તેવું લાગતું હતું. મધમાખીના એક વૃદ્ધ રખેવાળે મને કહ્યું, “હું આજે સવારે બગીચામાં ગયો, પણ ત્યાં કંઈક ખૂટતું હોય તેવું મને લાગ્યું — એક પરિચિત અવાજ. ત્યાં એકેય મધમાખી નહોતી. મને એક પણ મધમાખીનો બણબણાટ ન સંભળાયો. એક પણ નહીં? ખરેખર? શું થઈ રહ્યું છે? બીજે દિવસે પણ તે ઊડીને બહાર ન આવી, કે ન આવી ત્રીજે દિવસે… અને ત્યાર પછી અમને કહેવામાં આવ્યું કે ન્યુક્લિયર સ્ટેશન પર અકસ્માત થયો છે — અને એ બહુ દૂર નહોતું, પણ અમે લાંબા સમય સુધી એના વિશે કંઈ જાણતાં નહોતાં. મધમાખીઓ જાણતી હતી, પણ અમે નહીં.” અખબારોમાં ચેર્નોબિલ વિશેની બધી માહિતી લશ્કરી ભાષામાં લખેલી હતી : વિસ્ફોટ, શૂરવીરો, લોકોનું સ્થળાંતર… KGB ત્યાં સ્ટેશન પર જ કામ કરી રહ્યા હતા. તે લોકો જાસૂસો અને ભાંગફોડ કરનારાની શોધમાં હતા. એવી અફવા ફેલાઈ હતી કે આ અકસ્માતની વિચારણા પાશ્ચાત્ય બુદ્ધિજીવીઓએ સમાજવાદી છાવણીને નીચે પાડવા માટે કરી હતી. લશ્કરી સામગ્રી ચેર્નોબિલમાં આવી રહી હતી, અને સૈનિકો પણ આવતા હતા. હંમેશની જેમ, જાણે યુદ્ધ થયું હોય તેમ પદ્ધતિતંત્ર કામે લાગી ગયું હતું, પણ આ નવી દુનિયામાં, નવી ચળકતી મશીનગન લઈને ઊભેલો સૈનિક દયાજનક લાગતો હતો. રેડિયેશનનાં કિરણો મોટી માત્રામાં શોષી લઈ અને ઘેર પાછા ફરી મૃત્યુ પામવા સિવાય એ અહીં કંઈ કરી શકવાનો નહોતો.
મારી નજર સામે જ ચેર્નોબિલ પહેલાનાં લોકો હવે ચેર્નોબિલનાં લોકો બની ગયાં હતાં.
રેડિયેશનને ન તો તમે જોઈ શકો, અડી શકો કે સૂંઘી શકો… તેની આજુબાજુની દુનિયા જાણીતી અને સાથે સાથે અજાણી પણ લાગતી હતી. હું જ્યારે તે વિસ્તારમાં ફરવા ગઈ ત્યારે મને તરત જ કહેવામાં આવ્યું : ફૂલો નહીં તોડતાં, ઘાસ પર નહીં બેસતાં, કૂવામાંથી પાણી નહીં પીતાં …મૃત્યુ ચારેતરફ છુપાઈને બેઠું હતું, પણ હવે તે જુદા પ્રકારનું મૃત્યુ હતું. નવું બીબું પહેરેલું. કોઈ અજાણી વેશભૂષા પહેરેલું. વૃદ્ધ લોકો જે યુદ્ધ દરમિયાન હયાત હતાં, તેમને ફરી ખસેડવામાં આવતાં હતાં. તેમણે આકાશ ભણી જોયું : “સૂર્ય પ્રકાશી રહ્યો છે… ક્યાંય ધુમાડો નથી કે નથી ગૅસ. કોઈ ગોળીબાર કરતું નથી. આ યુદ્ધ કેમ હોઈ શકે? પણ અમારે શરણાર્થી થવું પડ્યું છે.”
સવાર પડતાં સહુ કોઈ અખબારો માટે પડાપડી કરતું, નવા સમાચાર જાણવાના આવેશમાં અને પછી નિરાશ થઈ તેમને પડતા મૂકતું. કોઈ જાસૂસ પકડાયો નહોતો. કોઈએ લોકોના દુશ્મનો વિશે લખ્યું નહોતું. જાસૂસો અને લોકોના દુશ્મનો વિનાની દુનિયા પણ અજાણી લાગતી હતી. આ કંઈક નવું થવાની શરૂઆત હતી. અફઘાનિસ્તાન પાછળ પાછળ જ ચેર્નોબિલે અમને સ્વતંત્ર લોકો બનાવ્યાં.
મારા માટે દુનિયા અલગ પડી ગઈ : આ વિસ્તારમાં હું બેલારુશિયન, રશિયન કે યુક્રેઇનિયન છું તેવું મને નહોતું લાગતું, પણ જેનો નાશ કરી શકાય તેવી જીવવિજ્ઞાનના નમૂનાની એક પ્રતિનિધિ. બે દુર્ઘટનાઓ એકસાથે બની : સામાજિક ક્ષેત્રે સામ્યવાદી એટલાન્ટિસ ડૂબી રહ્યો હતો; અને વૈશ્વિક ક્ષેત્રે — ચેર્નોબિલનો અકસ્માત. સામ્રાજ્યના ભંગાણથી બધાં અસ્વસ્થ થઈ ગયાં. લોકોને રોજિંદા જીવનની ચિંતા થતી હતી. કેવી રીતે અને શેનાથી વસ્તુઓ ખરીદવી? જીવવું શી રીતે? શેમાં શ્રદ્ધા રાખવી? આ વખતે કયા ઝંડાને સલામ ભરવી? કે પછી અમારે કોઈ પણ મોટી વિચારધારા વિના જીવતાં શીખવાની જરૂર છે? છેલ્લી વાત પણ અમારા માટે અજાણી હતી, કેમ કે આ પહેલાં કોઈ પણ આ રીતે જીવ્યું નહોતું. “રેડ” મનુષ્ય સામે અસંખ્ય સવાલો ખડા થતા હતા, પણ હવે એ એકલો હતો. સ્વતંત્રતાના એ શરૂઆતના દિવસોમાં એને જેટલી એકલતા લાગી હતી એવી એકલતા અગાઉ તેણે ક્યારેય નહોતી અનુભવી. મારી ચારેતરફ ગૂંચવાયેલા લોકો હતાં. મેં તેમને સાંભળ્યા…
મેં મારી નોંધપોથી બંધ કરી…
સામ્રાજ્યના ભંગાણ પછી અમારું શું થયું? તે પહેલાં, દુનિયાનાં વિભાજનો હતાં : જલ્લાદીઓ અને બલિઓ – એ સમય GULAGનો હતો; ભાઈઓ અને બહેનો — એ સમય હતો યુદ્ધનો; મતદારમંડળ — ટેક્નોલૉજી અને સમકાલીન દુનિયાના અંશરૂપ હતું. અમારી દુનિયામાં પણ બે વિભાગો હતા : એક, જેમને જેલમાં નાખવામાં આવ્યા હતા તે અને બીજો, જેમણે તેમને જેલમાં નાખ્યા હતા તે. આજે સાલ્વોફાઇલ્સ અને વેસ્ટર્નાઇઝર્સ વચ્ચે વિભાજન છે, “ફાસીવાદી-રાજ્યદ્રોહીઓ” અને દેશભક્તો. અને જે લોકો વસ્તુઓ ખરીદી શકે છે તે અને નથી ખરીદી શકતા તે. હું માનું છું કે સમાજવાદ પછી આવેલું આ છેલ્લું વિભાજન અમારા માટે સૌથી વધારે ક્રૂર કસોટી જેવું હતું, કેમ કે હજુ થોડા સમય પહેલાં જ બધાં સમાન સ્થાને હતાં. “રેડ” મનુષ્ય વાતવાતમાં પોતે સેવેલાં સ્વપ્નોમાંની માન્યતાનો ઉલ્લેખ કરતો હતો તે પ્રમાણે સ્વતંત્રતાના રાજ્યમાં તે દાખલ થઈ શકતો નહોતો. રશિયાનું વિભાજન થઈ ચૂક્યું હતું, અને તે એમાંનો ભાગ નહોતો. વળી, તેમાંથી તેને કંઈ મળ્યું પણ નહીં. એ હવે હતો : શરમીંદો અને લૂંટાયેલો. આક્રમક અને ખતરનાક.
રશિયાની સફર દરમિયાન મેં આવી વાતો સાંભળી :
“આ દેશમાં આધુનિક વિચારસરણી ફક્ત શારાશકાઝ — sharashkas — વિજ્ઞાનીઓની જેલો અને ગોળીબાર કરતી સૈનિકોની ટુકડીઓ દ્વારા જ અપનાવી શકાશે.”
“રશિયન લોકોને પૈસાપાત્ર નથી બનવું, બલકે તેના વિચારમાત્રથી તે ગભરાય છે. રશિયનને શું જોઈએ છે? ફક્ત એક જ વસ્તુ : કોઈએ પૈસાપાત્ર ન બનવું. પોતે છે તેનાથી વધુ તો નહીં જ.
“અહીં કોઈ પ્રામાણિક માણસો નથી રહ્યા, પણ પુણ્યશાળી માણસો છે ખરા.”
“જેમણે સોટીઓ ન ખાધી હોય એવી એકેય પેઢી અમે જોઈ નથી; રશિયન લોકો સ્વતંત્રતાને સમજતા નથી, તેમને તો ફક્ત કોઝાક(Cossacks) લોકો અને ચાબૂકની જ જરૂર છે.”
“રશિયામાં સૌથી મહત્ત્વના બે શબ્દો છે – ‘યુદ્ધ’ અને ‘જેલ’. તમે ચોરી કરો, થોડી મજા કરી લો, પછી તમને જેલમાં પૂરી દેવામાં આવે… તમે બહાર નીકળો અને ફરી પાછા જેલમાં જાવ…”
“રશિયન જીવનને અધમ અને તિરસ્કારપાત્ર થવાની જરૂર છે. તો જ જીવની ઉન્નતિ થશે. તો જીવને સમજાશે કે તે આ દુનિયાનો નથી… જેમ જેમ વધુ ખરાબી ફેલાશે અને લોહિયાળ કૃત્યો થશે તેમ તેમ જીવની ઉન્નતિ માટે વધુ જગ્યા વિસ્તૃત થશે.”
“નવી રાજ્યક્રાંતિ કે પાગલપણા માટે હવે કોઈ પાસે શક્તિ નથી. ચેતના નથી. તમને અણુએ અણુએ ધ્રુજારી ઉપજાવી દે એવી કોઈ વિચારધારાની રશિયનોને જરૂર છે…”
“એટલે અમારું જીવન હવે ઊહાપોહ અને લશ્કરી છાવણી વચ્ચે લટકી રહ્યું છે. સામ્યવાદ મૃત્યુ નથી પામ્યું, તેનું શબ હજુ જીવે છે.”
હું એ કહેવાની છૂટ લઈશ કે ૧૯૯૦ના દાયકામાં અમને મળેલો મોકો અમે ગુમાવ્યો છે. પ્રશ્નનો પ્રસ્તાવ મુકાયો હતો : આપણી પાસે કયા પ્રકારનો દેશ હોવો જોઈએ? શક્તિશાળી દેશ કે એવો દેશ જ્યાં તેની પ્રજા સુખદાયક જીવન ગાળી શકે? અમે પહેલા પ્રકારના દેશની પસંદગી કરી — શક્તિશાળી દેશ. ફરી એકવાર અમે સત્તાના કાળમાં જીવી રહ્યાં છીએ. રશિયનો યુક્રેનિયનો સામે લડી રહ્યાં છે. તેમના ભાઈઓ સામે. મારા પિતા બેલારુશિયન છે, માતા યુક્રેનિયન. એવું ઘણાં લોકોનું છે. રશિયન બૉમ્બો સીરિયા પર મારો ચલાવી રહ્યાં છે…
આશાવાદી સમય ભયગ્રસ્ત સમયમાં બદલાઈ ગયો છે. કાળ ચકરાવો લઈ પુરાણા સમયગાળામાં ગરકાવ થઈ ગયો છે. હાલ જે ગાળામાં અમે જીવી રહ્યાં છીએ એ વપરાયેલો સમય છે…
ક્યારેક મને શંકા થાય છે કે, શું મેં ખરેખર “રેડ” મનુષ્યનો ઇતિહાસ પૂરો લખી નાખ્યો છે?
મારે ત્રણ ઘરો છે : મારો બેલારુશિયન દેશ, મારા પિતાની માતૃભૂમિ, જ્યાં મેં મારું આખું જીવન વીતાવ્યું છે; યુક્રેન, મારી માતાની માતૃભૂમિ, જ્યાં મારો જન્મ થયો હતો; અને રશિયાની મહાન સંસ્કૃતિ, જેના વિના હું મારી જાતની કલ્પના કરી શકતી નથી. બધા જ દેશો મને પ્યારા છે, પણ આજે અને આ ગાળામાં પ્રેમ વિશે વાત કરવી મુશ્કેલ છે.
[મૂળ વક્તવ્યનો અંગ્રેજી અનુવાદ : જેઈમી ગ્રેમબેલ]
નિવૃત્ત ગ્રંથપાલ, અનુવાદક, લેખિકા, સામાજિક આગેવાન
2A, Long Lane, ICKENHAM, Uxbridge, Middlesex, UB10 8SY [U.K.]
Email: bv0245@gmail.com
(સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી – યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10)
[1] સોવિયેત સંઘના ગાળામાં, ૧૯૮૬માં સોવિયેત યુક્રેનમાં થયેલી ન્યુક્લિયર દુર્ઘટના