પરિપ્રેક્ષ્ય –
‘ઓપરેશન સિંદૂર‘ના બ્રીફિંગ સાથે જે એક ભાવભૂમિ સરજાઈ છે એની જાળવણી ખાસ માજત માગી લે છે … રખે મોરચાબંધી એને ભરખી જાય!

પ્રકાશ ન. શાહ
અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અલી ખાન મહમૂદાબાદને સર્વોચ્ચ અદાલતે વચગાળાંના જામીન આપ્યાં એથી બુધવાર બપોર પછી આપણે કંઈક આશ્વસ્ત અવશ્ય થઈ શકીએ – પણ આશ્વાસનની આ લાગણી પરત્વે ‘કંઈક’ એ વિશેષણ મહત્ત્વનું છે, કેમ કે જામીન પછી અને છતાં ખાસો મોટો કોઠો ભેદવો રહે છે.
પ્રોફેસર મહમૂદાબાદ પર હરિયાણવી પોલીસ ધોંસ એમની સોશ્યલ મીડિયા પોસ્ટ સંદર્ભે હતી અને છે. આ ધોંસની પૂંઠે હરિયાણાનું મહિલા આયોગ છે, અને ભા.જ.પી. યુવા મોરચો પણ છે. મહમૂદાબાદ અંગ્રેજી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક છે, સ્વાધ્યાય અને સહૃદયતાએ એમને સોશ્યલ મીડિયાઈ સક્રિયતા પણ બક્ષેલી છે.
એમણે ઓપરેશન સિંદૂર સંદર્ભે દેશમાં વૈવિધ્યના સમાદર પૂર્વક જે ઐકયનું દર્શન થયું એની સાનંદ નોંધ લીધી હતી અને આશા દાખવવા સાથે ટકોર કરવાની તક પણ ઝડપી હતી કે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનાં બ્રીફિંગ થકી જે તસવીર ઊભરી છે તે માત્ર પ્રતીકાત્મક બનીને ન રહી જાય એ જરૂરી છે. આવું નામ કે વાસ્તે ‘ટોકનિઝમ’ એ સહજ સ્થાયી ઐક્યનો અવેજ નથી. પ્રોફેસર મહમૂદાબાદે આ વિચારો વ્યક્ત કરવા માટે કટાક્ષ કે વક્રોક્તિનો રાહ લીધો હોય તો પણ તે વિરમે તો છે. રાષ્ટ્રીય એકતાની ભાવભૂમિ પર જ. વળી અહીં લક્ષમાં રાખવાની વાસ્તવિકતા એ પણ છે કે વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને આ દિવસોમાં ટ્રોલિંગનો જે વરવો અનુભવ થયો એણે સૂચિત ‘ટોકનિઝમ’ની મર્યાદાઓ પણ બહાર આણી છે.

અલી ખાન મેહમૂદાબાદ
આ ટિપ્પણી લખાઈ રહી છે તે જ સમયે મધ્ય પ્રદેશની વડી અદાલતમાં મચેલ જંગનો માહોલ, આપણી ચર્ચા પરત્વે પૂરક સામગ્રી શો છે. મધ્ય પ્રદેશ મંત્રીમંડળના સભ્ય વિજય શાહે સોફિયા કુરેશીનું ઓઠું લઈને (અલબત્ત નામ પાડ્યા વગર) ‘આતંકવાદીઓની બહેન’ પ્રકારના ઉલ્લેખો કર્યા હતા અને રાજ્ય સરકારે તેમ ભા.જ.પ. નેતૃત્વે એમને વારવાની કોઈ અસરકારક કોશિશ ન કરી તે સંજોગોમાં હાઇકોર્ટે સ્વમેળે સંજ્ઞાન લઈને કારવાઈ શરૂ કરવાની નોબત આવી છે. ઊલટ પક્ષે, હરિયાણામાં ભા.જ.પ. સરકારે નીમેલ મહિલા આયોગે પ્રો. મહામૂદાબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં મહિલાઓની અવમાનના જોઈ છે અને ભા.જ.પી. યુવા મોરચાએ એમાં રાજદ્રોહ વાંચવાની ચેષ્ટા કરી છે. મધ્ય પ્રદેશ અને હરિયાણાનો ઘટનાક્રમ કમનસીબે અલી ખાન મહમૂદાબાદની આશંકા અને ચિંતાને અનુમોદન આપે છે એમ કહેવું એ વાસ્તવકથન માત્ર છે.
જો કે, સર્વોચ્ચ અદલાતની કારવાઈ પણ કંઈક અમૂઝણ જગવનારી છે. એણે મહમૂદાબાદને જામીન તો આપ્યાં પણ પાસપોર્ટ પોલીસમાં જમા કરવાનું કહ્યું છે તેમ જ એમણે જે કોઈ પોસ્ટ લખી છે એમાં ડબલ મીનિંગ તો નથી ને તે તપાસવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ(એસ.આઈ.ટી.)ની રચના કરી છે. સાહિત્યના અધ્યાપકે વ્યંગ કે વક્રોક્તિનો આશરો લીધો હોય તો કંઈ કાયદાની કલમોએ કોચવાની વાત નથી. એ વસ્તુતઃ સહૃદય સમજનો એક એવો ઇલાકો છે જેને વિશે યોર લૉર્ડશિપે જુદી જ રીતે વિવેકનો રાહ લેવો રહે છે. કદાચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તે માટેની દિશા ખોલી પણ છે. પંચે સ્વમેળે સંજ્ઞા લઈ એવી પ્રતિક્રિયા આપી છે કે મહમૂદાબાદની પોસ્ટ અંગે કારવાઈની વાત પ્રથમદર્શી ધોરણે એમના માનવ અધિકાર ભંગની અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગની છાપ આપે છે.
જ્યાં સુધી સત્તાપક્ષનો સવાલ છે, વિજય શાહ ઘટનામાંથી ધડો લીધા વિના એ એક પ્રકારની રાજકીય મોરચાબંધીનું રાજકારણ રમી રહ્યો છે. પ્રો. મહમૂદાબાદ સામે કારવાઈની માગણી માટે શિક્ષણ જગતના લોકોનું ખાસ નિવેદન (જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા પણ જોડાયાં છે) જોતા આ વાત સમજાઈ રહે છે.
સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, સત્તાપક્ષ-વિપક્ષ અને નાગરિક સંગઠનો સહિત સૌ સામે એપ્રિલ 2025નો મિજાજ ઘટતા સંસ્કરણ સાથે ટકાવી રાખવાનો પડકાર છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 મે 2025