
રવીન્દ્ર પારેખ
9 જુલાઈ, 1925ને રોજ બેંગ્લોરમાં જન્મેલા વસંતકુમાર શિવશંકર પદુકોણેને, પછી તો ગુરુદત્ત પોતે પણ નહીં ઓળખતા હોય ! એ ખરું કે વસંતકુમારને ગુરુદત્તની ઓળખ મળવાનું કલકત્તામાં શરૂ થયેલું. શિવશંકર અને વાસંતીનું એ પહેલું સંતાન. તેની બીજી વર્ષગાંઠે એવી રીતે ઘાયલ થયા કે બચવાની તકો ઓછી હતી. એ વખતે એક સાધુએ કહ્યું કે છોકરાનું નામ બદલો તો એ ઠીક થઇ જશે. વસંત, ગુરુવારે જન્મ્યા હતા એટલે તેમનું નામ ગુરુદત્ત રાખવામાં આવ્યું. પિતાની નોકરી કલકત્તા લાગવાને કારણે ૫ વર્ષનાં ગુરુદત્ત પણ કલકત્તા આવ્યા. કલકત્તામાં ભવાનીપુરમાં રહેતા હતા, ત્યાં તેમને રામાયણ, મહાભારત અને કઠપૂતળીના ખેલ જોવાનું બન્યું. કદાચ એ જ કારણે તેમની રુચિ ગાયન-નર્તનમાં રહી હશે. ૧૯૩૫માં ઉદયશંકર કલકત્તા આવ્યા ત્યારે ૧૦ વર્ષના ગુરુદત્તને તેમની કલામાં શું સમજ પડે એમ માનીને માતા સાથે ન લઇ ગયાં, તો ગુરુદત્તે ત્રણ દિવસ ખાવાનું છોડીને અણગમો પ્રગટ કરેલો. ગુરુદત્તનું શિક્ષણ કલકત્તામાં થયું. બંગાળી સંસ્કૃતિનો એવો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો કે તેની અસર છેવટ સુધી તેમના પર રહી. દત્ત નામ જોડાયેલું હોવાને કારણે ઘણા તેમને બંગાળી જ માનતા હતા. તેઓ સારા ડાન્સર હતા ને અસલ બંગાળીની જેમ જ બંગાળી બોલતા હતા.
બાળપણમાં જેમનો પ્રભાવ ગુરુદત્ત પર પડ્યો તેમાંના એક બાલકિશન બેનેગલ, સંબંધમાં મામા થતા. આ બાલકિશન, શ્યામ બેનેગલના કાકા થાય. મામા બેનેગલનું સાપનું ચિત્ર જોઇને ગુરુદત્તે ‘સપેરા ડાન્સ’ કર્યો તો તેની નોંધ લેવાઈ. ગુરુદત્તને અંગ્રેજી અને બંગાળી વાર્તાઓ વાંચવાનો શોખ હતો. મજાની વાત એ છે કે માતા અને પુત્રે મેટ્રિકની પરીક્ષા એક જ વર્ષમાં સાથે પાસ કરી હતી. આમ છતાં કોલેજ જવાનું સપનું તો અધૂરું જ રહ્યું. આર્થિક સ્થિતિ એવી હતી કે ગુરુદત્તને નોકરી કરવા સિવાય છૂટકો ન હતો. ૧૬ વર્ષની ઉંમરે ટેલિફોન ઓપરેટરની નોકરી કરી. ૧૯૪૧માં ડાન્સ, ડ્રામા ને મ્યુઝિક શીખવા તેઓ અલમૌડા પહોંચ્યા. અહીં તેમને ૫ વર્ષ માટે વાર્ષિક ૭૫ રૂપિયાની સ્કોલરશિપ પણ મળી, પણ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં અલમૌડા સેન્ટર બંધ કરવામાં આવ્યું, એટલે ટ્રેનિંગ છોડીને ગુરુદત્તે મુંબઈ આવવું પડ્યું. કારણ, બેંક ક્લાર્કના દીકરાનો ભાગ્યોદય અહીં હતો. વસંતકુમાર તો ઘણા હશે, પણ ગુરુદત્ત એક જ હશે એ અહીં સિદ્ધ થવાનું હતું.

ગુરુ દત્ત
ગુરુદત્તને પ્રભાત સ્ટુડિયોમાં આસિસ્ટન્ટ ડાન્સ ડાયરેક્ટરનું કામ મળ્યું, તે સાથે બે દિલોજાન મિત્રો પણ મળ્યા. રહમાન અને દેવઆનંદ. એક વખત ધોબીની ગરબડને કારણે ગુરુદત્ત બીજાનું શર્ટ પહેરીને સ્ટુડિયો પહોંચ્યા. ૧૯૪૬માં પી.એલ. સંતોષી ‘હમ એક હૈ’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેના હીરો દેવઆનંદ હતા. ગુરુદત્ત એ ફિલ્મના ડાન્સ ડાયરેક્ટર હતા. દેવઆનંદે જોયું કે ગુરુદત્તે તેમનું જ શર્ટ પહેર્યું છે. તેમણે યાદ અપાવ્યું કે તેઓ એમનું શર્ટ પહેરીને આવ્યા છે. ગુરુદત્તે ધોબીની ગરબડને કારણે આમ બન્યું હોવાનો ખુલાસો કર્યો. દેવઆનંદે એ શર્ટ ભેટ આપી દીધું. બંને પછી એ વાતે બંધાયા કે જે કોઈ મોટી વ્યક્તિ બને તેણે બીજાને ફિલ્મમાં તક આપવી. પછી તો દેવઆનંદે ‘નવકેતન’ નામની ફિલ્મ કંપની ખોલી અને ‘બાઝી’(1951)નું દિગ્દર્શન ગુરુદત્તને સોંપ્યું. એ જ રીતે ગુરુદત્તે ‘સી.આઈ.ડી.’ બનાવી તો તેમાં હીરો તરીકે દેવઆનંદને લીધા.
એ પછી તો ‘જાલ’ (1952), ‘આર-પાર’ (1954), ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ (1955), ‘પ્યાસા’ (1957), ’12 O’ કલોક’ (1958), ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ (1960) જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી, લખી, તેનું દિગ્દર્શન કર્યું ને અભિનય પણ કર્યો. તેમાં ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મો તો ક્લાસિકથી ય વધુ ક્લાસિક ગણાય છે. જો કે, ‘બાઝી’, ‘સી.આઇ.ડી.’, ‘જાલ’ જેવી ફિલ્મો તો અપરાધને વિષય કરતી સફળ ફિલ્મો હતી, પણ તે ટ્રેન્ડ ચાલુ ન રાખતાં ‘આર-પાર’ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ જેવી હળવી ફિલ્મો બનાવી, પણ તેઓ આવીને ઠરે છે, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ જેવી સંવેદનાત્મક, કાવ્યાત્મક અભિવ્યક્તિમાં. આવું થવામાં અંગત સંબંધો અને લગ્નજીવનની નિષ્ફળતાએ ભાગ ભજવ્યો હોય એમ બને.
ગાયિકા ગીતા રાય સાથે ગુરુદત્તનો પરિચય વધ્યો ને ‘રાય’, ‘દત્ત’ બની. ત્રણ સંતાનો થયાં. ગીતા દત્તે કેટલાક યાદગાર ગીતો ગુરુદત્ત માટે ગાયાં છે. કંઇ નહીં તો ‘આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ….’, કે ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, તુમ રહે ન તુમ, હમ રહે ન હમ ….’ માટે તે હંમેશ યાદ રહેશે. એ પણ કેવી વક્રતા છે કે ‘આજ સજન….’નું પ્લેબેક ગીતા દત્તનું હતું ને ફિલ્મમાં તેના ભાવ વહીદાએ પ્રગટ કર્યા હતા. ગુરુદત્તના વહીદા રહેમાન સાથે વધતા સંબંધોની વાતે ગીતા બાળકો સાથે અલગ રહેતી થઈ. આશા ભોંસલે સાથેની છેલ્લી વાતોમાં રાત્રે બાર વાગે ગુરુદત્તનો સવાલ હતો, ‘તારી પાસે ગીતા તો નથી આવીને?’ આશાએ કહ્યું, ‘એ તો ચાલી ગઈ. હમણાં અહીં નથી.’
એ કેવી વિચિત્રતા હતી કે છેલ્લે ન તો ગીતા એમની સાથે હતી કે ન તો વહીદા. એ પછીની 10 ઓક્ટોબર, 1964ની સવારે ગુરુદત્તનું અકાળ મૃત્યુ થયું. એમણે શરાબમાં વધારે પડતી ઊંઘની ગોળીઓ નાખીને મોતને નોતર્યું હતું એમ કહેવાય છે, પણ આજ સુધી ગુરુદત્તનું મ્રત્યુ રહસ્ય જ રહ્યું છે. કારણ ગમે તે હોય, પણ એક શ્રેષ્ઠ ફિલ્મકારે ખૂબ નાની વયે દુનિયા છોડી દીધી. 39 વર્ષની ઉંમર કંઇ મરવાની ઉંમર ન હતી. કૈફી આઝમીએ ગુરુદત્ત માટે લખેલી નઝમમાં યોગ્ય રીતે જ કહ્યું છે, ‘તુમ જૈસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ …’ ગુરુદત્ત હોત ને તેમની પાસેથી જે ફિલ્મો મળી હોત, તેનાં પર મૃત્યુએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મ માટે તો રાજકપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે આ ફિલ્મ તેના સમય કરતાં ઘણી વહેલી બની હતી. કચકડાની આ કવિતાએ ગુરુદત્તને કચડવામાં કંઇ બાકી ન રાખ્યું. એ જ હાલત રાજકપૂરની ‘મેરા નામ જોકર’ વખતે થઇ હતી. બંને ફિલ્મો સાવ નિષ્ફળ રહી. એનો આઘાત એવો લાગ્યો કે ગુરુદત્તે દિગ્દર્શન હંમેશને માટે છોડી દીધું. એમ મનાય છે કે ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાએ ગુરુદત્તનો જીવ લીધો. એ એક જ કારણ હોય એવું એટલે લાગતું નથી કે તે પછી એમણે દિગ્દર્શન ન કર્યું, પણ ‘ચૌદહવી કા ચાંદ’ (1960) જેવી મુસ્લિમ સમાજની કથા કહેતી ઉત્તમ ફિલ્મ આપી ને તેમાં અભિનય પણ કર્યો. રાજકપૂર પણ નિરાશા ખંખેરી ‘બોબી’ જેવી અત્યંત સફળ ફિલ્મ આપે છે ને તેનું દિગ્દર્શન પણ કરે છે. ગુરુદત્ત અને રાજકપૂરમાં સામ્ય એ છે કે તેમની ‘કાગઝ કે ફૂલ’ અને ‘મેરા નામ જોકર’ની કદર તે વખતે ન થઇ, પણ પછી તે ઘણી જોવાઈ અને ચર્ચાઈ પણ ! ‘કાગઝ કે ફૂલ’ તો પછી દુનિયાની 11 યુનિવર્સિટીઓમાં શીખવવામાં પણ આવી. ગુરુદત્ત અને રાજકપૂરની સંગીત અંગેની સૂઝ-સમજ પણ દાદ માંગી લે એવી હતી. આશા ભોંસલેનું કહેવું છે કે રેકોર્ડિંગ વખતે ગુરુદત્ત પોતે હાજર રહેતા ને એવી રીતે સમજાવતા કે ગાયકને ખબર પડી જતી કે ગીત કેવી રીતે ગાવાનું છે. ‘ભંવરા બડા નાદાન હાય, બગીયન કા મહેમાન હાય …’ ગીતના રેકોર્ડિંગ વખતે હાવભાવથી જ ગુરુદત્તે ગીત એમ સમજાવ્યું કે તે સફળ રહ્યું.
ફિલ્મોમાં લાઈટિંગનું પણ આગવું મૂલ્ય છે, તે ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં ગુરુદત્તે પુરવાર કર્યું. ‘પ્યાસા’માં ‘યે દુનિયા અગર મિલ ભી જાયેં તો ક્યા હૈ ….’ ગીત વખતે ગુરુદત્ત થિયેટરનું મુખ્ય પ્રવેશદ્વાર રોકીને ઊભા છે. થિયેટરમાં પ્રેક્ષકો અંધારામાં બેઠા છે અને પાછળથી લાઈટિંગ એ રીતે સેટ છે કે પ્રવેશદ્વાર પર ગુરુદત્તની ઓળખ નહીં, પણ આકૃતિ ઉપસે. ‘કાગઝ કે ફૂલ’ આમ તો ઉત્તમ લાઈટિંગનો પણ નમૂનો છે, પણ છેલ્લાં દૃશ્યોમાં ‘બિછડે સભી બારી બારી ….’ ગીતમાં ગુરુદત્તની પીઠ પાછળથી ફેંકાતો પ્રકાશનો શેરડો ઉદાસી અને કારુણ્યનું હૃદયસ્પર્શી વાતાવરણ રચે છે. ફોટોગ્રાફર વી.કે. મૂર્તિની પણ એમાં કમાલ છે જ ! ગુરુદત્તના એ બન્ને ફિલ્મોના નાયકો ગુરુદત્તની જિંદગીનો પણ પડઘો પાડે છે, તે સાથે જ તેમના મિત્ર અને લેખક અબરાર અલવીની જિંદગી પણ ક્યાંક ડોકાય છે.
ગુરુદત્તને બીજાની પાસેથી તો ઠીક, પોતાની પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. તેમને કોઈ વાતે ઝડપથી સંતોષ થતો ન હતો. ‘પ્યાસા’નાં ઘણાં દૃશ્યો ફાઈનલ થઇ ચૂક્યાં હતાં, તો ય તેમણે કેટલાં ય દૃશ્યો ફરી શૂટ કર્યાં. ‘પ્યાસા’ માટે દિલીપકુમારને લેવાની વાત હતી, પોતાની શરતે દિલીપકુમારે ડેટ્સ આપી, પણ સેટ પર મોડા પડ્યા. ખૂબ રાહ જોઇને ગુરુદત્તે મેકઅપ કર્યો ને ફિલ્મ પૂરી કરી. ‘કાગઝ કે ફૂલ’માં પણ તેઓ અશોક કુમારને લેવા માંગતા હતા, પણ ઘાટ ન પડ્યો, તો ચેતન આનદનો સંપર્ક કર્યો. તેમણે એવી રકમ માંગી કે રોલ માટે ગુરુદત્તે પોતાને જ નક્કી કર્યા.
ગુરુદત્તના ઘણા નાયકોને સમાજ સામે ફરિયાદ છે. તેમનો સૂર વિદ્રોહનો છે. બધું બદલવું છે, પણ કશું પોતાના હાથમાં નથી એ લાચારી છે, એટલે નિષ્ફળ છે, પીડાય છે ને વેઠે છે. આ વેઠવું ફિલ્મમાં ને જીવનમાં સમાંતરે રહ્યું ને ફિલ્મોની સાથે જીવન પણ અકાળે પૂરું થયું.
ગુરુદત્ત શતાબ્દીએ સ્મૃતિ વંદના !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2025