Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|16 September 2019

ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓને પડકાર : લેખિકા – શીરીન મહેતા : પ્રકાશક – સુજાતા શાહ, માનદ્દ મંત્રી, દર્શક ઇતિહાસનિધિ : પ્રથમ આવૃત્તિ – 2019 : પ્રાપ્તિ સ્થાન – રંગદ્વાર પ્રકાશન

નમીએ જ પ્રભુ હું કરું, ધરજો ધ્યાન તમે,
દુઃખ અબળાનું કળજગ વિનવીએ હમે.
જ્ઞાતિ ડૂબી બાળલગ્નમાં, નથી સ્વપ્નસુખ,
નાદાન કંથોને જોઈ મુજ સહિયરો પામે દુઃખ,
નાના નાવલિયા સાથે મળે નહીં કોઈ દિન મન,
વ્યભિચાર બહુ આચરે સોંપી તન,મન, ધન.
જોઈ દુષ્ટ આ રિવાજોને, મન બહુ મૂંઝાય,
કોણ કાપે એ રિવાજોને, જેથી સુખ બહુ થાય.
વેરી માબાપ થાય છે, હણી પુત્રીનું સુખ,
સોંપે કસાઈઘેર પુત્રીને, જેથી અંતે થાય દુઃખ.
નાના નાવલિયાને નિહાળી-નિહાળી ઊઠે મનમાં લ્હાય,
ઝૂરી-ઝૂરી મુજ સહિયરો તાવે નિજ કાય,
હાય, દશા શું આવી બેઠી, અનાવિલ જ્ઞાતિ પરે
દુષ્ટ રિવાજો જ્ઞાતિના, શું થશે નાશ ખરે?

(‘બાળલગ્ન અબળાનું દુઃખ’, ૨।૧૧।૧૮૯૬ઃ અંકઃ ૨, પાનું : ૧૮૩) ‘અનાવિલ હિતેચ્છુ'ના અંકમાં તારા દેસાઈએ લખેલી આ કવિતા મને શીરીન મહેતાના પુસ્તકમાં સાંપડી. આમ તો આ પુસ્તકમાં ઠેરઠેર સ્ત્રીઓ અને પુરુષો રચિત કાવ્યો અને અવતરણો છે, જે સામ્પ્રત વાસ્તવિકતા પર વેધક પ્રકાશ પાડે છે.

૧૮૯૬થી ૨૦૧૯ સુધીનાં ૧૨૩ વર્ષમાં, ઉપલી જ્ઞાતિમાં બાળલગ્ન પ્રથા રહી નથી, બાળવિધવા અને અનૌરસ સંતાનો કે તેમના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અનાથાશ્રમોની જગ્યા આશ્રમશાળાઓ, બાળકો માટેની હૉસ્ટેલ વગેરેએ લઈ લીધી છે. દેશ આઝાદ થઈ ગયો અને આજનો નારો છે, ‘મેરા દેશ બદલ રહા હૈ’. નારીગૃહો હજી છે, બાળલગ્ન પ્રતિબંધક ખાતું હજી જિલ્લે-જિલ્લે છે! ગર્ભપાતનો છોછ નથી એટલે અનાથાશ્રમોની જરૂર નથી. છતાં હજી ‘બેટી બચાવો અને બેટી પઢાવો’, ‘કન્યાકેળવણી, રથ’ અને ‘કુંવરબાઈનું મામેરું’ જેવી યોજનાઓની જરૂર છે. આવી અનેક વિરોધાભાસી પરિસ્થિતિની કડવી વાસ્તવિકતાને સમાંતર આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો સંદર્ભે શિરીન મહેતા પોતાનાં સાતસો સત્તાવીસ પાનાંના દળદાર પુસ્તકમાં વૈદિક યુગ, મધ્યકાલીન યુગ, બ્રિટિશ યુગ, સ્વતંત્રતા-આંદોલન સાથે ગાંધી યુગ અને વર્તમાન સ્થિતિની સ્ત્રીકેન્દ્રિત સમીક્ષા કરે છે.

તેઓ ઇતિહાસકાર છે. સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, આર્થિક, કાયદાકીય પરિસ્થિતિને એમણે સ્ત્રીઓના વિશાળ વર્ગસમૂહને ધ્યાનમાં રાખી મૂલવી છે. એમની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનો ઇતિહાસ છે. સમગ્ર પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતાં જે છાપ પડે છે, તે એ કે એમણે સ્ત્રીઓના દરજ્જાને, એમના દરેક સમયના પારિવારિક-સામાજિક પ્રદાનને, આઝાદી- આંદોલનને, નારીવાદી કે નારીમુક્તિ-આંદોલનને વૈશ્વિકથી તૃણમૂળ સુધી પ્રમાણવાનો પ્રયત્ન કર્યો  છે. એમણે આદિવાસી, દલિત, સીદી એવા લોકસમૂહ, આર્યવિભાવના, જ્ઞાતિ, લઘુમતીઓનાં વિવિધ પાસાંને આવરી લઈને પણ ચર્ચા કરી છે. ભાગ એકનાં દસ પ્રકરણોમાં ઇતિહાસનું ખોવાયેલું પાનું’ સ્ત્રી’, પ્રાચીન-મધ્યકાલીન કાળમાં સ્ત્રી, બ્રિટિશરાજમાં સ્ત્રી, નવા યુગની સ્ત્રી પાર્વતીકુંવર અને ડાહીગૌરીનાં દૃષ્ટાંત સાથે, ગુજરાતની સ્ત્રીસંસ્થાઓનો ઉદ્‌ભવ-વિકાસ, સ્ત્રી-સામયિકો : નારીચેતનાનો આવિષ્કાર (૧૮૫૦-૧૯૪૭), પરિશિષ્ટઃ પુનઃ વિવાહ, સાહિત્યમાં સ્ત્રીવિભાવના, કચ્છી-ભાટિયા સ્ત્રી સંદર્ભે મહારાજ લાયબલ કેસનું પુનઃ મૂલ્યાંકન, વિધવા- સમસ્યા, ઊકળતા ચરુ સમાન – પરિશિષ્ટ, પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જન – પંડિતા જમનાબાઈનાં લખાણો, ગાંધીયુગ અને નારીચેતના અને પાંચ પરિશિષ્ટમાં મોટીબહેન કાપડિયા, મીઠુંબહેન પીટીટ, લક્ષ્મીબહેન ડોસાણી, પુષ્પાબહેન મહેતા અને વિદ્યાબહેન નીલકંઠનાં જીવનકવન વિષયક આલેખન કર્યું છે. બીજા ભાગનાં અગિયાર પ્રકરણોમાં સર્વહારા – સબલટર્ન અભ્યાસની વૈચારિક ભૂમિકા, સ્વાશ્રયી બહેનોના સ્ત્રી ઇતિહાસની સમીક્ષા, દલિત મહિલાઓમાં ચેતનાનો ઉદય-વિકાસ, કમલાબહેન ગૂર્જર, દર્શનાબહેન મકવાણાના પ્રદાન વિશે, અનસૂયાબહેન સારાભાઈ – મજૂરનેતા, આદિવાસી નારીસમસ્યા – પડકારો, આદિવાસી સાહિત્યમાં વ્યક્ત થતી સામાજિક ચેતના, સીદીઓ : અનુસૂચિત આદિમ જનજાતિ, કચડાયેલી વંચિત મહિલાઓ અને સંસ્થાઓ : સેવા (અમદાવાદ), સહિયર (વડોદરા), અસ્તિત્વ (વલસાડ) વિશે, આધુનિક સ્ત્રી-આંદોલનો અને કાયદો, સમાપન સહિત સામગ્રી વર્ણવિત છે.

એમની ચર્ચામાં મને આંખે ઊડીને વળગી તે બાબત એ છે કે એમણે આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભૂમિકાને જે રીતે તપાસી છે, તે સમજવા જેવી છે. ગાંધીજીના આગમન પહેલાં એક વાતાવરણ તૈયાર થવા માંડ્યું હતું. સત્તરમી અને અઢારમી સદીના સુધારાના ભક્તિ-આંદોલનથી લઈ સામાજિક ક્ષેત્રે જે બદલાવ આવી રહ્યા હતા, સાહિત્ય અને લોકકલામાં એની અસર જે રીતે ઝિલાતી હતી, તેનો એક દાખલો તો ઉપરના કાવ્યમાં જ ઉપસ્યો છે. બ્રિટિશરાજમાં સુધારા અને રૂઢિચુસ્તતાનાં બેવડાં વલણો કેવી રીતે સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ પર અસર કરતાં હતાં, તેની વિશદ છણાવટ એમણે કરી છે. સામે નર્મદ, ધર્મગુરુઓ, ગાંધીજી કે હિંદુ મહાસભાના કે અન્ય ધર્મના મોભીઓનાં વલણોને પણ સ્પષ્ટ કરી આપ્યાં છે. એક રીતે જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી!

મહારાજ લાયબલ કેસની વિગતો આપી પછી એ કિસ્સામાં સ્ત્રીઓની મનની વાત અને પ્રશ્નો એમણે સ્ત્રીઓની દૃષ્ટિથી ઉઠાવ્યા છે. વિધવા સ્ત્રીઓની સ્થિતિ, કાયદાઓ, સતીપ્રથા, વર અને કન્યાવિક્રય જેવાં સામાજિક દૂષણો સામે સ્ત્રીઓએ જે સંઘર્ષ કર્યો, તેની વાત સુપેરે કરી છે. ‘ગૃહરાજ્ઞી આર્યનારી દેવાંગના’નો પરંપરાગત વિચાર કેવી રીતે સાતત્યમાં રહ્યો, તે તો વારંવાર દર્શાવ્યું છે. તેની સાથે એમ કેમ બનતું રહ્યું, તેનો તર્ક દર્શાવીને સવાલો તો કર્યા જ છે. અનસૂયાબહેન, મૃદુલાબહેન, ચારૂમતીબહેન, પુષ્પાબહેન, જ્યોત્સનાબહેનથી લઈ આજનાં ઇલા ભટ્ટ, ઇલા પાઠક, તૃપ્તિ શાહ, દર્શના મકવાણા અને આ લખનાર (બકુલા) સહિત કાર્યકર્તાઓની પેઢીને એમણે વર્ણવી તો છે, એમનાં કાર્યોની સમીક્ષા પણ કરી છે. કસ્તૂરબાને અક્ષરજ્ઞાન માટે સક્રિય કરનારાં દશેરીબહેનને ભૂલ્યાં નથી. જમનાબહેન સક્કાઈ, બાજીગૌરી, નાનીબહેન, કૃષ્ણાગૌરી રાવલ, જરબાનુ ભરૂચા, શ્રીમતી બદરુદ્દીન લૂકમાની, સૂરજબહેન પટેલ, નર્મદાબહેન ત્રિવેદી, સૂરજબહેન કાપડિયા જેવી બહેનોની પેઢીએ જે શરૂઆત કરેલી એમનો તો એમણે સતત ઉલ્લેખ કર્યો છે. વિદ્યાબહેન, શારદાબહેનની વાત કરતાં પહેલાં એમણે પાર્વતીકુંવર અને એમના પ્રદાનની વાત કરી છે. સ્ત્રી સંસ્થાઓ, સ્ત્રીસામયિકોના સ્થાપકો ઉપરાંત લેખિકાઓ, કવયિત્રીઓએ સમયસમયે જે પ્રદાન કર્યું, તેના વર્ણન સાથે એમના સાંપ્રત સંઘર્ષનો ઉલ્લેખ તો ખરો જ. હરકુંવરબહેન જેવા દાનેશ્વરી સ્ત્રીની વાત તો માનપૂર્વક કરી છે. સુધારાપંથી પુરુષોના નામોલ્લેખો તો હોય જ. નવલરામ, દલપતરામ, કરસનદાસ મૂળજી, નર્મદ, રમણભાઈ નિલકંઠ, સુમંતરાય મહેતા અને અન્ય નામાંકિત પુરુષોના સહકારની વાત પણ અહીં થઈ છે. ૧૮૫૭ થી શરૂ થયેલા સ્ત્રીબોધ, સ્ત્રીમિત્ર (૧૮૬૭), સ્ત્રી-જ્ઞાનદીપક (૧૮૬૭), સ્ત્રી સદ્‌બોધરત્ન (૧૮૮૨), સુંદરીસુબોધ (૧૯૦૩), સ્ત્રી-હિતોપદેશ (૧૯૦૯), વનિતાવિજ્ઞાન (૧૯૦૯), ગુલશન (૧૯૧૩), સરસ્વતી (૧૯૧૫) સુધીનાં સામયિકોમાં સમાવિષ્ટ સ્ત્રીવિષયક મુદ્દાઓ અને એમાં લખનારા વિશે સારો એવો ઉલ્લેખ એમણે કર્યો છે. ગાંધીના આગમન પછી સમાજસુધારા અને સ્ત્રીવિષયક મુદ્દાઓની સમાંતર સ્વતંત્રતાની પ્રાથમિકતા અને સ્ત્રીઓનો સહભાગ કેવી રીતે અગત્યનો બન્યો, એની છણાવટ પણ એમણે સ્પષ્ટ રીતે કરી છે. રુક્માબાઈ, ફૂલમણિથી લઈ વર્તમાનકાળના મથુરા, ગુનતાબહેન, ભંવરીદેવીના કેસની વાત લખી કાયદાકીય બદલાવ છતાં કડવી વાસ્તવિકતાઓનો નિર્દેશ એમણે સમયાનુસાર કર્યો છે.

આ ઐતિહાસિક પરિપાટી સમજીએ છીએ, ત્યારે મારા મનમાં આજની પરિસ્થિતિના સંદર્ભે કેટલાક પ્રશ્નો અવશ્ય ઊઠે છે. આજનાં સ્ત્રીલક્ષી સામયિકો  કયું અને કેવું સાહિત્ય પ્રકાશિત કરે છે સ્ત્રી-સંસ્થાઓનાં સામયિકો જેમ કે ‘અનસૂયા’, ‘નવ્યઉજાસ’, ‘ચિનગારી’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ વગેરે સંસ્થાઓ પૂરતાં મર્યાદિત લાગે છતાં એમનું પ્રદાન નોંધવું જોઈએ. ‘નારીમુક્તિ’ જેવું સામયિક એમની નજરબહાર કેમ ગયું તે સવાલ મનમાં થયાં. જો કે એવું પણ બન્યું છે કે ત્રણચાર પત્રિકા જેવાં નારીવાદી સામયિકો શરૂ થયાં ને તરત બંધ પડ્યાં કે ‘સહિયારી ઊર્જા’ જેવાં તો શરૂ જ ન થયાં તે ય સાચું છે!

તો બાકીનાં લોકપ્રિય સ્ત્રીસામયિકોમાં પ્રગટ થતી વાચનસામગ્રીનું મૂલ્યાંકન પણ જરૂરી છે. જાણ્યેઅજાણ્યે પણ “ગૃહલક્ષ્મી આર્યનારી દેવાંગના”ની એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ છબી દૃઢ થાય તેવો સિનારિયો છે. સ્ત્રીઓની સમસ્યાઓ તો આજે પણ છે જ, આપણે એકસાથે ત્રણચાર સદીમાં જીવીએ છીએ. વર્ગ, વર્ણ, જાતિ, લિંગભેદ તો છે જ. આઝાદ ભારતમાં સમાન  બંધારણીય અધિકારો પ્રાપ્ત કરનાર સ્ત્રીઓને એ મેળવી આપનાર બાબાસાહેબ આંબેડકર વિશે શીરીનબહેને તટસ્થતાથી પ્રશંસાપૂર્વક લખ્યું છે. મનુસ્મૃતિને જાહેરમાં બાળવાની હિમાયત કરનાર બાબાસહેબને સ્પીકર હનુમંતૈયા અને કૉંગ્રેસ પ્રમુખ પટ્ટાભિ સીતારામૈયા ૧૯૫૧માં બંધારણના ઘડવૈયા તરીકે ‘આધુનિક મનુ’ કહે છે, તે વિરોધાભાસ પણ અહીં દર્શાવ્યો છે. (પાનું : ૫૬૯) આટલા સમાન બંધારણીય હક્કો પછી પણ જે નથી મળી શક્યું, તેની છણાવટ કરતાં એમણે સરકારનાં ધાકરા મંડળોથી લઈ સખીમંડળો સુધીનાં કાર્યકાળમાં વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

મધ્યમવર્ગની, ઉચ્ચવર્ગની, શિક્ષિત, શહેરી સ્ત્રીઓની સમાંતર જ ગ્રામીણ, અશિક્ષિત, આર્થિક રીતે સંઘર્ષ કરતી, શ્રમજીવી સ્ત્રીઓની સમસ્યાઓમાં કયો અને કેવો ફરક છે, ખરેખર ફરક છે કે કેમ, લોકોમાં તે વિશે કેવા ભ્રામક ખ્યાલ છે, કોણ વધારે સક્ષમ કે અક્ષમ, તેની છણાવટ ખૂબ જ તર્કસંગત દલીલ દાખલા સાથે એમણે કરી છે. આદિવાસી, શ્રમજીવી સ્ત્રીઓ વધારે સ્વતંત્ર કે મુક્ત અને જેમ સ્ત્રી વધારે સલામત તેમ તેના  પર બંધન વધારે એવી ભ્રમણાઓનો એમણે અહીં પર્દાફાશ કર્યો છે. હજી આજે પણ સ્ત્રી-ભ્રૂણહત્યા, બળાત્કાર, સ્ત્રીઓ પર વિવિધ પ્રકારની હિંસા, દહેજપ્રથા જેવાં દૂષણો છે. દ્રૌપદીના સમયખંડથી ચોટલાખત સુધીના સમયપ્રવાહથી આપણે આગળ નીકળી ચૂક્યા હોઈએ તો પણ ગરીબી અને એનાં વિષચક્ર અને પરિણામોનો ઉકેલ લાવી શક્યાં નથી, તેથી અવિરત સંઘર્ષ તો છે જ. ગુજરાતમાં શ્રમજીવી/ મજૂર-આંદોલન અને ગાંધીવિચારના પરિપાકરૂપ મજૂરમહાજન-સંબંધોની ફળદ્રુપ પરિપાટી છતાં પંચાણું ટકા અસંગઠિત ક્ષેત્રે કાર્યરત બહેનો માટે ‘સેવા’ જેવી સંસ્થાની મથામણ આજ પર્યંત યથાવત્‌ છે. અહીં એક વાત ઉમેરવાનું મન થાય છે કે ઇલાબહેન ભટ્ટે ‘શ્રમશક્તિ’નો જે અહેવાલ ગુજરાતીમાં પ્રકાશિત કરેલો, તેનું સંપાદન ડૉ. નીરા દેસાઈએ કરેલું. એ પુસ્તકનાં સંચારમાધ્યમો પ્રકરણનો અનુવાદ મારા ભાગે આવેલો એટલે ઇલાબહેન અને સાથીદારોની એ સમયની મહેનત વિશે મને પૂરો ખ્યાલ છે.

હજી પણ સ્ત્રીઓ માટે એક ડગલું આગળ અને બે પાછળ જેવી સ્થિતિ છે. પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ છે, તો ક્યાંક સાથે Malebacklashનો ભોગ પણ બની રહી છે. માનવવિકાસ સૂચક આંકડાઓ પણ હજી પ્રોત્સાહક સ્થિતિ દર્શાવતા નથી. શીરીનબહેન એનો પણ ઉલ્લેખ કરે છે. એમણે દરેક વર્ગની સ્ત્રીઓની કેફિયત, કબૂલાત, અભિવ્યક્તિને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. તેઓ નીવડેલાં ઇતિહાસકાર છે, એટલે ઝીણવટપૂર્વક નોંધો પણ મૂકી છે. જાતમુલાકાત પણ લીધી છે. પુસ્તક સાતસોથી વધારે પાનાંનું હોવા છતાં હજી વર્તમાન પ્રવાહોના વિશ્લેષણને અવકાશ હતો. રાજકીય સ્તરે નીતિવિષયક મામલે, ખાસ કરીને પંચાયતીરાજમાં સ્ત્રીઓનાં પ્રદાન, સંઘર્ષ અને સિદ્ધિની રસપ્રદ માહિતી આપી શકાત. સીદી-મુસ્લિમ, દલિત, આદિવાસી સ્ત્રીઓની વાતો થઈ છે, છતાં વર્તમાન પરિસ્થિતિમાં એમના સંઘર્ષની વાતો હજી હાંસિયામાં રહી જાય છે. ઓછી વસતી છે, સંપન્ન કોમ હોવા છતાં હાલમાં જ પારસીઓની આંતરજ્ઞાતીય લગ્ન કરતી દીકરીઓના પોતાના જન્મે પારસી હોવાના અધિકાર બાબતે સુપ્રીમ કોર્ટ સુધીના સંઘર્ષની નોંધ લઈ શકાઈ હોત. મૂળ વલસાડની અને હાલ મુંબઈની ગુલરૂખ ગુપ્તાએ લગ્ન પછી પોતાની પારસી ઓળખ માટે કરેલો કેસ હજી આજે પણ સ્ત્રીઓની ઓળખની કટોકટીના મુદ્દા પર બરાબર પ્રકાશ પાડે છે.

શીરીનબહેને સ્ત્રીઓની સામૂહિક ઓળખ – Collective Identityના મુદ્દાની ચર્ચા પુસ્તકમાં સુપેરે કરી છે, આ બાબત ખાસ કરીને તમામ સ્ત્રીઓ એકત્રિત થાઓની ભાવનાને ઉજાગર કરે છે, છતાં મારો અનુભવ એવો છે કે હજી સ્ત્રીઓની સામૂહિક ઓળખ માટે, એમની સમસ્યાઓના ઉકેલ માટેની દડમજલ સરળ નથી. જેમ કે આઝાદી પહેલાં સ્ત્રીઓના દરજ્જાને સ્પર્શતી સામાજિક બાબતે સુધારાનો અવકાશ હતો, તે આઝાદી આંદોલનની પ્રાથમિકતામાં હાંસિયામાં ગયો. સ્ત્રીઓ આંદોલનમાં ઘણી સક્રિય થઈ છતાં નીતિવિષયક બાબતે એમની ભૂમિકા કંઈક અંશે સીમિત પણ રહી ને ફરીથી તેઓ ઘર – પરિવાર – સમાજ અને આર્થિક રીતે પગભર થવાના સંઘર્ષમાં ગૂંચવાતી રહી! વર્ગ, વર્ણજાતિવિષયક સમાનતા બાબતે એવું વલણ જોવા મળે કે પહેલી પ્રાથમિકતા દલિત, આદિવાસી, લઘુમતીના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની, સમાનતા સિદ્ધ કરવાની આવશ્યકતા છે, તે સામૂહિક સંઘર્ષ પતે એટલે સામાજિક, પારિવારિક અંતર્ગત સમાનતાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જે-તે વર્ગની સ્ત્રીઓને સમજાવાય છે અને સ્ત્રીઓ તે સ્વીકારે છે !

ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પુરુષો અને સ્ત્રીઓની જે માનસિકતાનું Conditioning થયું છે અને થઈ રહ્યું છે, તે બધી સ્ત્રીઓ એક રહોની વિભાવનાને કેટલી ન્યાયમૂલક બનાવશે, તે તો સવાલ જ છે! એક બાજુ સ્ત્રીઓની મુક્તિની ઝંખના બળવત્તર બની રહી છે, તો બીજી બાજુ એના પર પાબંદીની સાંકળ પણ મજબૂત બની રહી છે. પરિવાર બચાવવા માટે સ્ત્રીને જવાબદાર બનાવવાની વાતમાં ‘સ્ત્રી બચે તો પરિવાર બચે’ની વિભાવના ભુલાઈ જાય છે, તે રીતે સદ્‌ગુણી સ્ત્રીનો મોટો ગુણ સહનશીલતા હોય છે, એ પરિપાટીમાં રાચતા સમાજમાં આજની સ્ત્રીઓમાં સહનશીલતા ઘટી રહી છે, એટલે પરિવાર તૂટે છે, તેવી ભ્રમણાઓ ફેલાતી રહી છે, તે સ્ત્રીઓનાં દરજ્જા, સ્થાન, સમસ્યાના ઉકેલ માટે બાધક પણ છે. એક બાજુ વૈશ્વિકીકરણ અને બીજી બાજુ સાંસ્કૃતિકીકરણની સમાંતર થતી પ્રક્રિયામાં સ્ત્રીઓનાં અસ્તિત્વ, વ્યક્તિત્વ અને સહઅસ્તિત્વનો મુદ્દો જટિલ બની રહ્યો છે. આજના માહોલમાં આ સવાલોના જવાબો શોધવાની પણ જરૂર વધી રહી છે. આ પુસ્તક છેલ્લી બેત્રણ સદીની સામાજિક ગતિવિધિઓ સમજી એ સવાલોના જવાબ શોધવા માટે માર્ગદર્શક બને એવી આશા. એક મર્યાદા દેખાતી રહી, તે એ કે અમુક મુદ્દા, ઘટના અને વ્યક્તિઓનાં નામોનું પુનરાવર્તન ચાળીને ટાળી શકાયું હોત.

દર્શક ઇતિહાસ નિધિએ આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે અને હસમુખભાઈ શાહ, ત્રિદીપ સુહૃદે એને આવકાર્યું છે. હસમુખભાઈના મંતવ્ય સાથે સંમત થવાય એવું છે કે આ પુસ્તકને ગુજરાતની યુનિવર્સિટીઓ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારે. પોતાના નિવૃત્તિકાળમાં સતત કાર્યશીલ રહી આ પ્રકારનાં પુસ્તક માટે નિસબત રાખનાર આદરણીય શીરીનબહેનને વંદન. વર્તમાન પ્રવાહોને લક્ષ્યમાં લઈ આજની સ્ત્રીઓના સર્વસમાવેશક પ્રદાનની નોંધ પણ ઇતિહાસ લેશે, તેવી આશા અસ્થાને નથી, કારણ કે સ્ત્રી ઇતિહાસની એક પરિપાટી બની ચૂકી છે.

e.mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 13-15

છબિ સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલા

Loading

16 September 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 11
‘સ્ટૅચ્યૂ ઑફ યુનિટી’ મુલાકાત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved