
રવીન્દ્ર પારેખ
આમ તો ગાંધીજી વિશ્વના છે, પણ તેમનો એકડો કાઢવામાં તેઓ ગુજરાતના જ રહી ગયા હોય ને દારૂબંધી પણ નામની જ રહી ગઈ હોય એમ બને. જો કે, હવે ગાંધી ગુજરાતના ય કેટલા રહ્યા હશે તે સવાલ જ છે. વળી વિકાસ પણ હવે એટલો થયો છે કે ગુજરાતનાં મુગટમાં ડ્રગ્સનું નવું છોગું પણ ઉમેરાયું છે. ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ ઉતારવા માટે જ બન્યો હોય તેમ છાશવારે અહીં ડ્રગ્સ ઊતરે છે ને ધીમે ધીમે ખતરનાક રીતે તે ગલી-મહોલ્લાઓમાં પહોંચે પણ છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દારૂબંધી જાળવવા ને ડ્રગ્સ માફિયાઓને જેર કરવા બોલે છે તો ઘણું, પણ પરિણામ વધુ દારૂ પકડાવામાં ને દરિયે વધુ ડ્રગ્સ ઉતારવામાં આવે છે. દારૂબંધી હોય એવું જરા પણ યાદ ન આવે એ રીતે, દારૂની હેરફેર, રેલવે દ્વારા ઘણાં શહેરોમાં વિના રોકટોક ચાલે છે. બુટલેગરો ‘બૂટ’ અને ‘લેગ’ દોડતા રાખીને દારૂની હેરફેર, ટ્રેનમાં સરળતાથી કરી શકે છે. તેમની સત્તા એટલી છે કે ગમે ત્યાં ટ્રેનનું ચેઇન પુલિંગ કરીને, વચ્ચે જ ટ્રેન થોભાવીને દારૂનાં પોટલાં ઉતારી લે છે. આવાં તત્ત્વોને જેર કરવાને બદલે પોલીસ તેમની મદદમાં હોય તેવો નવસારીનો વીડિયો સામે આવ્યો છે. ગયે અઠવાડિયે બુટલેગરોએ નવસારી સ્ટેશને ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી હતી અને તેમનો માલ ઉતાર્યો હતો. એ અંગે લોકોએ ઊહાપોહ કરતાં પોલીસ હાજર તો થઈ હતી, પણ તે બુટલેગરોને પકડવાને બદલે, તેમના સહાયકની ભૂમિકામાં હોય તેમ વર્તતી હતી. એથી સ્ટેશન પર હાજર પબ્લિક એટલી ઉશ્કેરાઈ હતી કે તેમણે પોલીસની હાજરીમાં જ રાજ્યના ગૃહ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો કેટલાંક લોકો એવું પણ ચર્ચતા હતા કે હર્ષ સંઘવી હેલ્મેટ ફરજિયાત કરવા જીવ પર આવ્યા છે, પણ દારૂની હેરફેર રોકવાનું તેમને સૂઝતું નથી. છે ને કમાલ, બુટલેગરો પકડવા નથી ને હેલ્મેટ વગરનાને પકડીને સરકાર પોરસાયા કરે છે. તો, કેટલાક એમ પણ બોલતા હતા કે વર્ષોની મહેનત પછી ઊભાં કરેલાં મોદીના ગુજરાતને આ લોકો ડુબાડશે.
મહિના પહેલાં જ એ.ટી.એસ.એ ખંભાતના સોખડામાં 100 કરોડનું 107 કિલો ડ્રગ્સ પકડાયાની માહિતી ગૃહ મંત્રી સંઘવીએ આપી અને ટીમને બિરદાવી પણ ખરી. એક તરફ બિરદાવવાનું ચાલે છે તો બીજી તરફ દારૂ-ડ્રગ્સની રેલમછેલ હોય તેમ ઠેર ઠેર પકડાપકડી ચાલે છે. ડભોઈ જેવામાં એક્ટિવા સવાર વિદેશી દારૂનો 3,69,560ની કિંમતનો જથ્થો લઈ જતો પકડાયો હતો. 28 ફેબ્રુઆરીના રોજ નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે ત્રણ જણાનાં મોત થયાં હતાં. જાન્યુઆરી 9, 2025ના સમાચારમાં 6 વર્ષ પર ઝડપાયેલા ડ્રગ્સના આરોપીને સુરત કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ અને પ્રતાપગંજ વિસ્તારમાં ડ્રગ્સનાં ખુલ્લેઆમ વેચાણના સમાચાર 18 ફેબ્રુઆરીએ આવ્યા હતા. વરસેક પર 4,160 કરોડના નશીલા પદાર્થો કચ્છમાંથી પકડાયાની વાત પણ છે. 21 ઓકટોબર, 2024 ને રોજ સુરતના મગદલ્લા વિસ્તારમાં ચાલતી પાર્ટીમાં દરોડા પાડીને ડ્રગ્સ, ગાંજો, દારૂને ઝડપી પાડવા ઉપરાંત 14 લોકોની ધરપકડ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચે કરી હતી.
હોળી-ધૂળેટી આમ તો ધાર્મિક તહેવારો છે, પણ ઘણા દારૂ પી-પાઈને તેની ઉજવણી કરવામાં જ ધર્મ માનતા હોય છે. સુરતના કાપોદ્રા વિસ્તારની સોસાયટીઓ નજીક એક તબેલામાં દૂધને બદલે દારૂ ઝડપાયો હતો. ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં બે રૂમમાંથી 33.11 લાખની કિંમતની દારૂની 17,421 બોટલો ઝડપાઈ હતી. એ સાથે જ ટેમ્પોમાં વગે કરાતી 4.26 લાખની બીજી 2015 બોટલો પણ હાથ લાગી હતી. એ જ રીતે 1 ફેબ્રુઆરી, 2024ને રોજ રાજકોટમાં દૂધની જેમ દેશી દારૂ, ગાંજો, ડ્રગ્સ અને ચરસ વગેરે 25 જગ્યાએ વેચાઈ રહ્યાના સમાચાર હતા. 22 જૂન, 2024ને રોજ અમદાવાદથી 3.50 કરોડ અને કચ્છથી 5 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.
કેટલાક નબીરાઓ દારૂની જેમ જ કાયદો પણ ઘોળીને પી જતાં હોય છે. આજના જ સમાચારમાં અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી જેવા પોશ વિસ્તારમાં, જાહેરમાં, સાતેક નબીરાઓ દારૂ ઢીંચીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસે ત્રણેકની ધરપકડ તો કરી જ છે ને બાકીનાની તપાસ ચાલે છે. એનું પરમ આશ્ચર્ય છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નજીકમાં જ હોવા છતાં આ નબીરાઓ કાયદાની ઐસી તૈસી કરીને પૂરી બેશરમીથી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સવાલ તો એ પણ છે કે પોલીસ રાતભર ચેકિંગ કરતી હોવાનો દાવો કરે છે, છતાં નબીરાઓને મોજથી મહેફિલ માણવાનું મુશ્કેલ બન્યું ન હતું. ક્યાં તો પોલીસનું પેટ્રોલિંગ શંકાસ્પદ છે અથવા તો નબીરાઓને પોતાના પર એવો વિશ્વાસ છે કે પોલીસ તેમનું કૈં બગાડી શકે એમ નથી.
આ જાણ્યા પછી એમ લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? લાગે છે તો એવું કે ગાંધી જેટલો જ દારૂબંધીનો પ્રભાવ ગુજરાતમાં રહી ગયો છે. સરકાર દાવાઓ તો ઘણા કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડવાનું ઓછું ને છોડવાનું વધુ ચાલતું હોય એમ બને. ગુજરાત વિધાનસભામાં સરકાર જ બે દિવસ પર માહિતી આપે છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 8 જિલ્લાઓમાંથી એક જ વર્ષમાં 2 લાખથી વધુ લિટરની દેશી દારૂની અને 30 લાખથી વધુની વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. વાત કરોડો રૂપિયાનો દારૂ પકડવા પૂરતી સીમિત નથી રહી, પણ ચરસ અને અફીણનો કરોડોનો જથ્થો પણ પકડાયો છે તે ચિંત્ય છે. માત્ર નવસારી જિલ્લામાં જ એક વર્ષમાં 9.22 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. નવસારીમાં જ 60 કિલોથી વધુ ચરસનો જથ્થો તથા 21.5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો છે. દાહોદ તાલુકામાંથી 1,002 કિલો અફીણ, ઝાલોદમાં 2,286 કિલો અફીણ ને 1,135 કિલો ગાંજો ઝડપાયો છે. પાટણથી 2થી વધુ કિલો અફીણ અને 177 કિલોથી વધુ ગાંજો, મહેસાણાથી 225થી વધુ કિલો અફીણ, આણંદથી 720 કિલો ગાંજો તથા વડોદરાથી 6 કિલો અફીણ, 10 ગ્રામ ચરસ, 600 કિલો એમ.ડી. ડ્રગ્સ, અને 136 કિલો ગાંજો પકડાયો હતો.
ટૂંકમાં, ગુજરાત હવે દારૂ ઉપરાંત ડ્રગ્સ, ગાંજા, ચરસનું મુખ્ય મથક બની ગયું છે. અહીં એવો બચાવ જરૂર થઈ શકે કે પોલીસ તંત્રની સક્રિયતાને લીધે જ દારૂ, ડ્રગ્સ પકડાય છે. એ સાચું જ છે, પણ આટલો માલ ગુજરાતમાં ઊતરે છે તે પણ ખરું કે કેમ? એ આવે છે કોની મહેરબાનીથી તે પ્રશ્ન પણ સત્તાધીશોને થવો જોઈએ. વળી જે માલ આવે છે, તે બધો જ પકડાય છે એવું ક્યાં છે? અનેક ગણો દારૂ કે ડ્રગ્સ નથી પણ પકડાતું તે ય ખરુંને ! એ ઝાલોદ, દાહોદ, મહેસાણા, આણંદ … વગેરે નગરોમાં પહોંચે છે ને ત્યાંની પ્રજાને બરબાદ કરે છે તે જોખમ અંગે વિચારવાનું ખરું કે કેમ? આનો સૌથી વધુ ભોગ એ યુવા પેઢી બને છે જે આવતીકાલનું ભવિષ્ય છે. એ અંગે સરકારે કૈં કરવાનું રહે છે કે પછી આ પેઢીઓને બરબાદ થતી સાક્ષી ભાવે જોયા કરવાની છે?
ગુજરાતનાં અનેક શહેરોમાં જીવલેણ અક્સ્માતોનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો ગયા વર્ષે અમદાવાદમાં 1,314 અકસ્માતમાં 406 લોકોનાં મોત થયાં હતાં. ગયે વર્ષે જ ગંભીર ઇજાઓની 718 ઘટનાઓ સામે આવી હતી. છેલ્લા બે મહિનામાં 166 અકસ્માતો થયા, જેમાં 40નાં મોત થયાં ને 82ને ગંભીર ઇજાઓ થઈ. અમદાવાદની જ વાત કરીએ તો અકસ્માતના જ રોજના 4 બનાવો બને છે. હેલ્મેટ ફરજિયાત થવા છતાં, અકસ્માતોનું પ્રમાણ ઘટતું નથી. એમાં મોબાઈલ પર ચાલુ વાતે વાહન ચલાવવાનું દુસ્સાહસ, અત્યંત ઝડપથી વાહન ચલાવવાની ઉતાવળ ને બીજા કારણો હશે, પણ નશાની હાલતમાં વાહન ચલાવવાની ઉતાવળ ને બેદરકારી ભયંકર પરિણામોનાં કેન્દ્રમાં છે.
એમ લાગે છે કે દારૂબંધી નથી એવા રાજ્યમાં, દારૂ અને ડ્રગ્સથી થતાં નુકસાન કરતાં, દારૂબંધીવાળા ગુજરાતમાં થતું નુકસાન વધારે હોય તો નવાઈ નહીં !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2025