૬
પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઇ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઈચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિ નિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો. અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઇ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. પછી ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઇ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા. ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે તેઓ સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની જવાબદારીઓ સંભાળી. ભરૂચમાં ૧૮૫૭ના મે મહિનામાં મુસ્લિમ-પારસી રમખાણો ફાટી નીકળ્યાં. આતશબહેરામમાં બંદગી કરી રહેલા બે પારસીઓને મુસ્લિમોના એક ટોળાએ મારી નાખ્યા. મરનારમાંથી એક તો મોબેદ (ધર્મગુરુ) હતો. એક મુસ્લિમ અધિકારી હેઠળની સ્થાનિક પોલીસે આ બનાવ અંગે કોઈ અસરકારક પગલાં લીધાં નહિ. એટલે ૧૮૫૭ના જૂનની ૧૩મી તારીખે સરકારે સુરતથી મિસ્ટર એલેક્ઝાન્ડર રોજર્સને ભરૂચ મોકલ્યા. રમખાણો અંગે વિગતવાર અહેવાલ સરકારને તાબડતોબ મોકલવા તેમને જણાવાયું હતું. આ અધિકારીએ કરેલી તપાસને પરિણામે કેટલાક આરોપીઓને સેશન્સ કોર્ટમાં ઊભા કરવામાં આવ્યા હતા. ઓગસ્ટની ૨૩મી તારીખે સેશન્સ જજ તરીકે ફાર્બસે આ ખટલાનો ચુકાદો આપ્યો જેમાં તેમણે ૪૭ જણાને ગુનેગાર ઠરાવ્યા હતા. તેમાંના બેને ફાંસીની સજા ફરમાવી હતી. બીજા અગિયારને આજીવન કાળાં પાણીની સજા કરી હતી. બાકીનાને વધતી ઓછી મુદ્દતની જેલની સજા કરી હતી. ઝડપી અને વ્યાજબી ચુકાદા માટે ફાર્બસની પ્રશંસા થઇ.
૧૮૫૮ના માર્ચની ૨૪મી તારીખે ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઇ. આ બદલીથી ફાર્બસ નાખુશ થયા હતા, કારણ પોતાના પ્રિય ગુજરાતથી તેમને દૂર જવું પડે તેમ હતું. હજી કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષે ઘણું જાણવાનું બાકી છે એમ તેઓ માનતા હતા, અને એટલે કેટલોક વખત ત્યાં ગાળવા ઇચ્છતા હતા. આથી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવામાં આવે એવી તેમણે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો તે જાણવા છતાં ફાર્બસે ગુજરાત પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આ અરજી કરી હતી. પણ સરકારે તેમની આ વિનંતી તે વખતે તો સ્વીકારી નહિ. પણ થોડા વખત પછી એવા સંજોગો ઊભા થયા કે ફાર્બસને કાઠિયાવાડ મોકલવાનું સરકાર માટે જરૂરી બન્યું. પૂનાથી ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને ધૂળિયા તાર મોકલ્યો જેમાં લખ્યું હતું કે તમારી સાથે અગાઉથી વાત કર્યા વગર તમને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવાનું મારે માટે અનિવાર્ય બન્યું છે. તમે આ જવાબદારી વહેલામાં વહેલી તકે ઉપાડી લો એ ખૂબ જ મહત્ત્વનું છે. આ તાર મળ્યેથી મુંબઈ જવા તરત રવાના થજો. વધુ વિગતો ટપાલથી જણાવું છું. ૧૮૫૯ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ફાર્બસે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જવાબદારી સંભાળી લીધી. ફાર્બસને આ રીતે તાબડતોબ કાઠિયાવાડ મોકલવાનું કારણ હતું ઓખામંડળના વાઘેરોએ કરેલો બળવો. ગાયકવાડ સરકાર સામે બગાવત કરીને આ વાઘેરોએ બરવાળા, દ્વારકા, અને બેટ કબજે કરી લીધા હતા. તેની આસપાસના પ્રદેશો પર પણ તેમની નજર હતી. તેમની સામે લડવા માટે બ્રિટિશ લશ્કરને મેદાનમાં ઉતારવાને બદલે ફાર્બસે કૂનેહપૂર્વક જૂનાગઢના નવાબની ફોજને એ જવાબદારી સોંપી. બંને વચ્ચે મોટું ધીંગાણ થયું અને છેવટે વાઘેરો હાર્યા. ત્યાર બાદ એ પ્રદેશમાં વ્યવસ્થા સ્થપાઈ અને સરકારે દ્વારકામાં એક પોલિટિકલ ઓફિસરની નિમણૂક કરી. આજીવિકા માટે ચોરી ને લૂંટફાટ કરવાને બદલે વાઘેરોને ખેતી કરવા સમજાવ્યા. સાથોસાથ લશ્કરમાં એક વાઘેર બટાલિયન બનાવી જેથી વધુ લડાયક મિજાજવાળા વાઘેરો તેમાં જોડાઈ શકે. જૂનાગઢના નવાબે પોતાની અલગ ફોજ ઊભી કરી તે અંગે અગાઉ બ્રિટિશ સરકાર નારાજ હતી. પણ ફાર્બસે સરકારને જણાવ્યું કે વાઘેરોનો સામનો કરવામાં એ ફોજ ખૂબ ઉપયોગી થઇ છે અને નવાબનો ઈરાદો ક્યારે ય એ ફોજને બ્રિટિશ લશ્કર સામે ઊભી કરવાનો છે જ નહિ. બલકે, આ કિસ્સામાં બન્યું હતું તેમ સરકાર પોતાના લશ્કરને બદલે નવાબની ફોજનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરી શકે છે. વાઘેરોનો આખો મામલો ફાર્બસે જે રીતે સંભાળી લીધો તે અંગે સરકારે તેમનો આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૬૦ના ફેબ્રુઆરીની ૨૪મીએ લખેલા પત્રમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાએ લખ્યું : “જૂનાગઢને લગતી બાબતો અંગે અને એ રાજ્યના ભવિષ્યના શાસન અંગે એક્ટિંગ પોલિટિકલ એજન્ટે તેમના અહેવાલમાં જે લખી જણાવ્યું છે તે જોતાં જણાય છે કે ફાર્બસ જેવા કુશળ અને વિવેકબુદ્ધિ ધરાવતા અફસરને આ કામ સોંપતી વખતે સરકારે જે આશા રાખી હતી તે પૂરેપૂરી યોગ્ય હતી.”૮
આ કામગીરી પૂરી થયા પછી ફાર્બસ ફરી પાછા સુરત ગયા અને ૧૮૬૦ના માર્ચની ૨૫મી તારીખથી એક્ટિંગ જજ તરીકેની કામગીરી સંભાળી લીધી. ૧૮૬૧ના માર્ચમાં હેન્રી એન્ડરસન લાંબી રજા પર જતાં સરકારે ફાર્બસની નિમણૂક એક્ટિંગ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકે કરી. ત્યાર પછી થોડા જ વખતમાં તેમને મુંબઈની સદર અદાલતના એક્ટિંગ જજની જગ્યા ઓફર કરવામાં આવી. (આ સદર અદાલત તે હાલની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત હતી.) ૧૮૬૧ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગવર્નર જ્યોર્જ રસેલ કલાર્કે લખ્યું :
“તમને સદર અદાલતમાં કામ કરવું ગમશે? જો ગમે તેમ હોય તો મારે તમારી નિમણૂક સદર અદાલતમાં કરવી જોઈએ. અલબત્ત, એમ કરતાં જ્યુડીશિયલ એન્ડ પોલિટિકલ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકેનો તમારો લાભ મને મળતો બંધ થશે.”૯
૧૮૬૧ના નવેમ્બરની ૨૩મીથી ફાર્બસે મુંબઈમાં આ હોદ્દો સંભાળી લીધો. પણ એ વખતે આ અદાલતના છેલ્લા દિવસો ગણાતા હતા. કારણ ૧૮૬૧ના ઓગસ્ટની ૬ઠ્ઠી તારીખે બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઈ કોર્ટ એક્ટ’ પસાર કરી દીધો હતો. આ કાયદા હેઠળ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે ખાતે હાઈ કોર્ટની સ્થાપના કરવા માટેનું હુકમનામું જારી કરવાની સત્તા બ્રિટનનાં મહારાણીને આપવામાં આવી હતી. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ કાયદા દ્વારા આ ત્રણ અદાલતો સ્થપાઈ નહોતી, પણ કાયદા દ્વારા એમ કરવાની સત્તા મહારાણીને આપવામાં આવી હતી. એટલે ૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું મહારાણીએ બહાર પાડ્યું હતું. તેમાં બોમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. આ છમાંના એક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. આમ તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બોમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબ સાઈટ પર લખવામાં આવ્યું છે :
“મિસ્ટર જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઈ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઇ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂક થઇ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેની એલએલ. બી.ની પરીક્ષામાં અપાતા ગોલ્ડ મેડલ દ્વારા તેમની સ્મૃતિ કાયમ કરવામાં આવી છે.”૧૦
(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com