૧૫
જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના૧૮૬૭-૭૦ના અંક ૯મા ફાર્બસની બીજી એક કૃતિ પણ છપાયેલી જોવા મળે છે (પા. ૨૦થી ૧૦૦). અલબત્ત, ભૂત નિબંધની જેમ આ પણ તેમની મૌલિક કૃતિ નથી, પણ ‘રત્નમાળ’ નામની કૃતિનો અનુવાદ છે. આ કૃતિનું કર્તૃત્ત્વ કૃષ્ણાજી નામના કવિનું હોવાનું મનાય છે. અનુવાદ સાથેની પાદટીપમાં એ જર્નલના સંપાદકે નોંધ્યું છે :
“મને જેવો મળ્યો તેવો જ આ અનુવાદ અહીં છાપ્યો છે. ૧૮૪૯માં આ અનુવાદ કર્યા પછી ફાર્બસે તેમાં કશા સુધારા-વધારા કર્યા નથી.”૩૫
રત્નમાળાનું પહેલું પાનું
એટલે કે ‘રાસમાળા’ લખી તે પહેલાં ફાર્બસે આ અનુવાદ કર્યો હતો અને એક વાર કર્યા પછી ફરી મઠાર્યો નહોતો. દલપતરામની મદદથી ફાર્બસે ગુજરાતના ઇતિહાસ અંગેની જે કૃતિઓ એકઠી કરી હતી તેમાં આ ‘રત્નમાળ’ની હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો. વઢવાણના દેશળજી ગઢવી પાસેથી આ હસ્તપ્રત મળી હતી. એ અધૂરી હતી, છતાં તે ગુજરાતના ઇતિહાસને લગતી હતી તેથી ફાર્બસે દલપતરામ પાસે તેનો ડીંગળમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો હતો. મૂળ પદ્યમાં લખાયેલી આ કૃતિનો દલપતરામે ગદ્યમાં અનુવાદ કર્યો હતો, અને તેના પરથી ફાર્બસે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે ફાર્બસે પોતાના અનુવાદમાં પદ્યરચનાના બંધને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃતિ મેળવવા પાછળ અને તેનો અનુવાદ કરવા પાછળ ફાર્બસનો હેતુ ‘રાસમાળા’ના લેખનમાં મદદરૂપ થાય તેવી સામગ્રી તૈયાર કરવાનો હતો. અનુવાદ પ્રગટ કરવાનો તેમનો આશય નહિ હોય. આથી તેમણે અનુવાદ માટે પ્રસ્તાવના લખી નથી. આ કૃતિના જે આઠ રત્ન (ખંડ) બચ્યા છે તે મુખ્યત્વે સોલંકી વંશના રાજાઓને લગતા છે. આરંભ રાજા ભુવડની વાતથી થાય છે. પોતે આવાં ૧૦૮ રત્નોની રચના કરવા માગે છે અને રાજા જયસિંહ સિદ્ધરાજ સુધી વૃત્તાન્તને આવરી લેવા માગે છે એમ તેના કર્તાએ કહ્યું છે. ચાવડા વંશ વિષે સંક્ષેપમાં વાત કર્યા પછી કર્તા રાજા ભુવડ અને ચાવડા વંશના રાજા જય શિખરી વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. ભુવડને હાથે રાજા જય શિખરી મરાય છે અને તેના પુત્ર વનરાજનો જન્મ થાય છે ત્યાં આઠમું (અને અત્યારે મળતું છેલ્લું) રત્ન પૂરું થાય છે. ફાર્બસના અવસાન પછી આ અનુવાદ જસ્ટિસ ન્યુટને ૧૮૬૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે એશિયાટિક સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, અને પછીથી સોસાયટીના જર્નલમાં તે પ્રગટ થયો હતો.
રત્નમાળની હસ્તપ્રત (ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં)
ફાર્બસના અનુવાદની વિશિષ્ટતાનો ખ્યાલ આવે તે માટે તેના અનુવાદનો થોડો ભાગ જોઈએ :
Among cows, Kamadhenu is a jewel,
Among trees, the jewel is Mandar,
Among men, the learned man is a jewel,
Among women, the faithful wife is a jewel.
A tailor, an artificer, a wanio, a Bhat,
A barber, an outcast, a potter,
A physician, a man who knows the Veds,
A watchman, a land’s lord, a Josi,
The city in which these are not
Is not a city, but a jangal;
The whole of this flourish then only
When there are good poets.
The past, the future, the present,
Many men and cities we hear of;
But they who obtain a poet,
Their name alone remains famous.
The poet’s verses are pleasing,
Men and women delight to read them,
As a pearl in the world shines,
The drop of rain in the oyster’s mouth.
Therefore Raja Bhuwad, he
Poet’s skill was examining;
Krore on krore of money spending,
He kept them to his own city bringing them.
‘રાત્નામાળ’ના અનુવાદનું મુખપૃષ્ઠ
આ કૃતિ અંગે બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ફાર્બસે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ (જેટલી ઉપલબ્ધ હતી તેટલી) તો છેક ૧૯૦૩માં છપાઈ હતી. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવીને પ્રગટ કરી હતી. જો કે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે આ કૃતિ દલપતરામે લખી હોવાનો ભ્રમ ઊભો થાય તે રીતે તેમનું નામ મૂક્યું છે : “આ ગ્રંથ એલેક્ઝાન્ડર કીન્લાક ફાર્બસ સાહેબે મેળવેલો અને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ લખેલો.’ આપણે અગાઉ જોયું તેમ દલપતરામ ‘રત્નમાળ’ના કર્તા નથી, અનુવાદક છે. છપાયેલા પુસ્તકમાં દલપતરામે એકઠી કરેલી બીજી કેટલીક સામગ્રી પણ રેવાશંકરે સમાવી લીધી છે.
(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com