Opinion Magazine
Number of visits: 9446681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય અકાદમીની ચાળીસી

વિપુલ કલ્યાણી|Diaspora - Features|14 March 2017

ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને ચાળીસ સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે.

ગુજરાતી જબાનમાં આ દેશે લખનારાં કેટકેટલાં નામો સાંભરી આવે છે. કવિતાઓ કરતાં કવિમિત્રો, વાર્તા લખતાં વાર્તાકારોનું એક જૂથ હતું. માસિકી બેઠકોનો એ સિલસિલો હતો. આદાનપ્રદાન તેમ જ ભોજનવાળી મિજલસ બેસતી, જામતી. ‘ગુજરાતી પ્રકાશન લિમિટેડ’ની કેડીએ, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’, અને પછી તેની પછીતે, 12 ફેબ્રુઆરી 1977ની એક સુભગ ઘડીએ, આપણી આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો શુભારંભ.

કાન્તિ નાગડા, કુસુમબહેન શાહ, ટી.પી. સૂચક, ડાહ્યાભાઈ પટેલ, પંકજ વોરા, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, નિરંજના દેસાઈ, યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, હીરાલાલ શાહ − શાં અનેક અગ્રસૂરિઓએ અકાદમીનું સુપેરે ઘડતર ને ચણતર કરેલું છે.

… પછી, અકાદમીનો વ્યાપ વધતો ગયો, ફાલતો રહ્યો, ફૂલતો રહ્યો. સાહિત્ય સર્જન ઉપરાંત ગુજરાતી ભાષા સંવર્ધન તેમ જ વિવિધ લલિત કળાઓ સમેતનો સાંસ્કૃિતક વારસો અકાદમીના કાર્યવ્યાપમાં સમાવેશ થયો. આ લંબાયા પટે અકાદમીએ નવ ભાષા-સાહિત્ય પરિષદો આપી. અનેક સ્તરે પાંચસો ઉપરાંત ગુજરાતી શિક્ષકોને તાલીમબદ્ધ કર્યાં. ગુજરાતી ભાષાશિક્ષણને સારુ અભ્યાસક્રમ ઘડીને આપ્યો. પાઠ્યપુસ્તકો તૈયાર કરાયાં. અઢાર અઢાર સાલ સુધી સ્વાયત્તતાથી સ્વતંત્ર પરીક્ષાતંત્ર ચલાવ્યું. દર સાલ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તેની પરીક્ષાઓમાં બેસતાં. અને તેની ક્ષિતિજ યુરોપ ઉપરાંત આફ્રિકે તેમ જ એક દા મુંબઈને સીમાડે અડતી. પ્રકાશનો કર્યાં. “અસ્મિતા”ના જાજરમાન આઠ અંકો દીધા, જેની સામગ્રી તળ ગુજરાતે પણ લાંબા અરસા લગી કામમાં આવે તેવી છે.

આ સમો પણ કેવા પોરસનો હતો. ઉત્તર ઇંગ્લૅન્ડે ગઝલને પકડીને આશરે 1968થી ગુંજારવ આરંભાયેલો અને લંડનમાં “ગુજરાત સમાચાર”નું પાક્ષિકીકરણ થયું. તેની જોડાજોડ “ગરવી ગુજરાત”નો પડઘમ વાગતો થયો. અને ઉત્તરે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ’ રચના થઈ. આ મુલકમાં આપણી નવીસવી વસાહતનો તે હણહણતો સમયકાળ.

અને હવે, આ સમય ગયો. એ પડછંદા કવિ, લેખકો, પત્રકારોએ એક પછી એક વિદાય લીધી. એક પા પોત નબળું પડતું ગયું, પણ પડ હોંકારાપડકારા કરતું જ રહ્યું. … ખેર ! − દીપક બારડોલીકર, અદમ ટંકારવી, અહમદ ‘ગુલ’, ચંદુભાઈ મટાણી તેમ જ અકાદમીના કર્ણધારોએ દીવેટની વાટ સંકોર્યા કરી જ છે.

આવી આપણી આ અકાદમીની ચાળીસીએ, કાર્યવાહકોએ બહુ જ સુંદર, પણ જોમજોસ્સા ને હિંમતવાળો, પરંતુ એક ભડ નિર્ણય કર્યો તેની ઉજવણીનો.

નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી અકાદમીએ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું છે.

આ સાલ દરમિયાન, શ્રાવિકા મંડળ તેમ જ વિલાસબહેન ધનાણી, ચંદુભાઈ મટાણી, નટુભાઈ સી. પટેલ તથા જગદીશભાઈ દવેનું ઉચિત સન્માન કરવાના વિવિધ અવસરો નિયત કરાયા છે.

શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી :

દિવંગત સાહિત્યકાર જયન્ત મ. પંડ્યા જેમને બહેનોનો વિસામો કહે છે તે વિલાસબહેન ધનાણીએ સન 1972થી એક યજ્ઞ માંડ્યો છે. વળી, તે શ્રાવિકા મંડળ નામક યજ્ઞકૂંડમાં આજે ય એ ખુદ પ્રધાન પુરોહિતપદે છે અને દરેકને નિરામય શાતા આપે છે. જયન્ત પંડ્યા 1999ના અરસામાં લખે છે તેમ, ‘ખુરશી ઉપર બેઠેલાં સન્નારીની સમીપે કોઈ ઠાઠ નહીં, કોઈ ઠસ્સો નહીં, હતું એક શાન્ત અને શીળું સ્મિત, નેહ નીતરતી આંખો અને કરુણાળું હૈયું. એ હતાં વિલાસબહેન ધનાણી.’

આ વિલાસબહેન અને શ્રાવિકા મંડળ સાથે અકાદમીને આ દાયકાઓ જૂનો ઊંડો મનમેળ. બહુ નજીકથી સ્વસ્થતાએ આ સંબંધનો વેલો પાંગર્યો છે. અને હવે તેમાં મઘમઘતાં ફૂલ પણ બેઠાં છે.

આઠ દાયકાને ઉંબરે પહોંચેલાં વિલાસબહેન ધનાણી [જન્મ : 03 અૅપ્રિલ 1937] તેમ જ એમની આ કર્મનિષ્ઠ સંસ્થા, શ્રાવિકા સત્સંગ મંડળના સાથ વિના અકાદમીના આ પરીક્ષાતંત્રનો પ્રકલ્પ ક્યાં હોત, તેની કલ્પના માત્ર ટાળવા સમ છે. એમનું ઋણ અકાદમીને શિરે પારાવાર છે.

રવિવાર, 09 અૅપ્રિલ 2017ના રોજ, બપોરે ઠીક અઢી વાગ્યે એમને પોંખવાનો અવસર અકાદમીએ યોજ્યો છે. આ કાર્યક્રમ બૃહદ્દ લંડનના સાવ પશ્ચિમિયા પરા હિલિન્ગડનના ઇકનમ ગામમાં સમ્પન્ન થશે. ઇકનમ વિલેજ હૉલનું સરનામું છે : Ickenham Village Hall, 33 Swakeleys Road, Ickenham, Middlesex UB10 8DG [07557 270567]. નજીકના ઇકનમ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનથી આશરે દશેક મિનિટને અંતરે આ સભાખંડ આવેલો છે.

કાર્યક્રમને અંતે દરેકને સારુ ચાપાણી-નાસ્તાની વ્યવસ્થા પણ અકાદમીએ કરી છે.

ચંદુભાઈ મટાણી :

‘સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન એટલે ચંદુભાઈ,’ એમ જયન્ત પંડ્યા કહે છે, તે ‘સોળ વાલ અને એક રતી’. આપણા આ ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણીને ત્રણ ત્રણ ભૂખંડનો સોજ્જો અનુભવ. માંડવી, મુફલિરા ને લેસ્ટરમાં કોઠી નાખી અને ત્યાંથી જે જે કામો કર્યાં તે તે વાટે આજે ગુજરાતી આલમના એક દીવાદાંડી શા આગેવાન તરીકે એમની ગણના થયા કરી છે.

લેસ્ટરમાં ‘શ્રુતિ આર્ટ્સ’ નામક જગજાહેર સંસ્થા હેઠળ એમની દોરવણી હેઠળ ધ્યાનાર્હ કામ થયાં છે. ભારતીય સંગીત, ગુજરાતી ગીતસંગીતને એમણે એક નવું મજબૂત બળ આપ્યું છે.

ચારેક દાયકા પહેલાં, લેસ્ટરમાં ‘નર્મદનગર’ ખાતે, ગુજરાતી સાહિત્ય અકાદમીની બીજી ભાષા-સાહિત્ય પરિષદ બેઠી તેને માટે ચંદુભાઈ અને એમની વ્યવસ્થાશક્તિ કેન્દ્રગામી રહ્યાં. અને પછી અકાદમી સાથે સાથે સંગીત અને સાહિત્યનાં એકમેકથી ચડિયાતાં કામો કરવાના જે અવસર મળ્યા તેમાં ચંદુભાઈ પૂરેવચ્ચ રહ્યા. આટઆટલાં વરસનું તપ ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું, હવે, એક સોનેરી પૃષ્ટ બની ગયું છે.

રવિવાર, 28 મે 2017ના દિવસે, લેસ્ટર નગરના બેલગ્રેઇવ નેઇબરહૂડ સેન્ટરના પરિસરમાં, બપોરે ઠીક બે વાગ્યાથી, અકાદમી હેઠળ ચંદુભાઈ મટાણીનું [જન્મ : 31 મે 1934] જાહેર ઉચિત સન્માન કરવાનું ઠેરવાયું છે. સુવિખ્યાત બેલગ્રેઇવ રોડ બાજુમાં આવ્યા આ સભાખંડનું સરનામું છે : Rothley Street, Leicester, LE4 6LF [0116 222 1004].  ભારતીય ડાયસ્પોરાનાં બે અવ્વલ અગ્રેસરો ને ડાયસ્પોરિક ગુજરાતી આલમનાં બે જાણતલ સાહિત્યકારો – પન્નાબહેન નાયક તથા નટવરભાઈ ગાંધી આ પ્રસંગે ખાસ હાજર રહેવાનાં છે.

કાર્યક્રમને અંતે દરેકને સારુ ચાપાણી-નાસ્તાની વ્યવસ્થા પણ અકાદમીએ કરી છે.

લેસ્ટર જવા માટે તેમ જ પરત થવા માટે, અકાદમી દ્વારા એક કોચની વ્યવસ્થા કરવામાં આવશે. તે અંગેની વ્યવસ્થા અકાદમીના ખજાનચી લાલજીભાઈ ભંડેરી કરવાના છે. ‘વહેલો તે પહેલો’ – અનુસાર નામનોંધણીની વ્યવસ્થા કરવાની છે. વાટ ખરચી સગવડ સમેતની ગોઠવણ માટે vijya_bhanderi@yahoo.co.uk દ્વારા લાજીભાઈનો સંપર્ક સાધવા દરેકને વિનંતી છે.

નટુભાઈ સી. પટેલ :

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પ્રાદ્યાપક દીપકભાઈ રાવલ જેમને ગુજરાતી રંગભૂમિના પિતામહ ગણે છે તે નટુભાઈ ચતૂરભાઈ પટેલ અંગેના એક લેખમાં દીપકભાઈ જણાવે છે, ‘ઇંગ્લૅન્ડમાં કળા ક્ષેત્રનો વિચાર કરીએ છીએ ત્યારે નટુભાઈ પટેલ પ્રત્યક્ષ થાય છે. ઊંચો, પાતળો દેહ. આંખે ચશ્માં પણ એમાંથી દેખાતી કીકીઓમાં છલકાતો સ્નેહ વાંચી શકાય. આત્મવિશ્વાસ ફૂટી ફૂટીને ભરેલો. … વરસની વયે પણ ટટ્ટાર ચાલે છે. નવી નવી યોજનાઓ બનાવે છે. અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનમાં બહુ ચડતી – પડતી જોઈ છે. છતાં ય જીવન વ્યવહારમાં કડવાશ આવી નથી. અનેક લોકોને મદદરૂપ થાય અને વાતોમાં જરા ય દેખાડો ન કરે. મિત્રો માટે તો મરી જાય. …’

પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં જ શું, મુંબઈ સમેતના તળ ગુજરાતમાં, તેમ અહીં લંડનમાં, ત્યાં પોર્ટુગલમાં પણ લલિત કળાના પરચમને નટુભાઈએ પૂરી કાઠીએ લહેરાવતો રાખ્યો. નાટક, નૃત્ય, નૃત્યનાટિકા, સંગીતને, ‘કલાપી’ શી ગુજરાતી ફિલ્મને પણ એમણે સદાય જીવતદાન તો આપ્યું પણ જોડાજોડ તે દરેકને સારુ આત્મવિશ્વાસ જાગૃત થાય તે સારુ ખળું પણ તૈયાર કરી જ આપ્યું.

ગુજરાતી સાહિત્ય અકાદમીના આરંભકાળથી, એક અગત્યના હામી રહેનાર નટુભાઈએ અકાદમીનાં કામોમાં સામેલગીરી કરી છે અને ટૂંકા પડીએ ત્યારે અડખેપડખે રહીને હૂંફટેકો દીધા કર્યો છે.

નટુભાઈ પટેલ [જન્મ : 18 મે 1927] અબીહાલ ભારત છે. ઉનાળો બેસતા લગી તે અહીં આવે તે વેળા એમના સન્માનનો ઉચિત અવસર યોજવાનો અકાદમીએ નિર્ધાર કર્યો છે. તેની વિગતો હવે પછી …

જગદીશભાઈ દવે :

‘અનોખા ભાષાશાસ્ત્રી’ તરીકે જેમની નામના છે એ જગદીશભાઈ દવે [જન્મ : 18 નવેમ્બર 1929] અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો ઘનિષ્ટ નાતો ત્રણ દાયકા ઉપરાંતના પટે પથરાયો છે. અને તેમાંથી વિવિધ ભાષા-સાહિત્ય અધિવેશનો, પ્રકાશનો, પાઠ્યપુસ્તકો, શિક્ષક તાલીમ શિબિરો, પરીક્ષાતંત્રનો વહીવટ સતત ડોકાયા કરે.

જયન્તભાઈ પંડ્યાએ નોંધ્યું છે, ‘લંડનના વસવાટ દરમિયાન જગદીશભાઈએ સાહિત્ય સંશોધનનાં કામો કર્યાં છે. ‘સોશ્યો-લિંગ્વિસ્ટિક સ્ટડી અૉવ્ ગુજરાતી ઇન ધ યુ.કે.’ એ એમની સ્વતંત્ર સંશોધનકૃતિ છે. બ્રિટનમાં અને પરદેશમાં ગુજરાતી ભાષાશિક્ષણના કેટલાક સવાલો વિશે તેમણે અભ્યાસલેખો લખ્યા છે. એમનું નોંધપાત્ર કામ ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ માટે કક્ષા પ્રમાણેનાં પુસ્તકો આપવાનું છે. આ શ્રેણીમાં એમણે વિલાયતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં પાઠ્યપુસ્તકો ‘અક્ષરમાળા’, ‘ગુજરાતી ભાષાપ્રવેશ ભાગ ૧થી ૪, શિક્ષકો માટે ‘સેતુ’ … જેવાં પુસ્તકોની મદદથી કોઈ પણ વ્યક્તિ ગુજરાતી શીખી શકે, એવી ડૉ. જગદીશ દવેને પ્રતીતિ છે.’

અકાદમીના કાર્યવાહક તરીકે પણ જગદીશભાઈએ એક અરસા સુધી સેવાઓ આપી છે. વળી, એમને નામે અનેક પુસ્તકો છે. મરાઠી-ગુજરાતી નાટકોનો તુલનાત્મક અભ્યાસ એમને ડૉક્ટરેટની પદવી આપે છે. તદુપરાંત, એમણે કવિતાઓ આપી છે.

જગદીશભાઈ દવેનું આ સન્માન એટલે અકાદમીના પરિસરમાંના દરેક કવિલેખકનું ય સન્માન.

શનિવાર, 18 નવેમ્બર 2017ના દિવસે, મહાનગર લંડનના ઉપનગર વેમ્બલીમાં આવ્યા ‘માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન’ના પરિસરમાં, બપોરે ઠીક બે વાગ્યાથી, અકાદમી હેઠળ જગદીશભાઈ દવેનું જાહેર ઉચિત સન્માન કરવાનું ઠેરવાયું છે. આ સભાખંડનું સરનામું છે : 20A Rosemead Avenue, WEMBLEY, Middlesex HA9 7EE.

આ અવસરે યુનાઇટેડ કિંગ્ડમમાંના કવિલેખકો ઉમળકાભેર હાજર રહે તેવા અકાદમીને મનોરથો છે. દરેકને સારુ તે દહાડે પ્રીતિ ભોજનની સગવડ રખાઈ છે. … પધારો !

•••••••••••••

‘સ્મરણો દરિયા પારના’માં આપણા વરિષ્ઠ સાહિત્યકાર જયન્ત મ. પંડ્યાએ નોંધ્યું છે :

‘… હૅરો ભારે રોમહર્ષક નામ છે. હૅરોની શાળામાં જવાહરલાલ નેહરુ, વિન્સ્ટન્ટ ચર્ચિલ અને અનેક નામાંકિત રાજપુરુષો ભણેલા. ભોળાભાઈ પટેલ અને મેં એ શાળા જોઈ, જવાહરલાલ કઈ પાટલી ઉપર બેસતા તે પાટલી અને વર્ગખંડ જોયા. શાળા ટેકરી પર છે, હૅરો પણ. એટલે એનું નામ હૅરો અૉન ધ હિલ છે. શાળાના પરિવેશમાં બાયરનનું સ્મૃિતસ્થાનક છે. એમાં કવિ બાયરનના આ ઉદ્દગારો કોતરેલા છે :

Spot of my youth whose hoary branches sigh

Swept by the breeze that fans the cloudless sky

Where now alone I muse, who off have trod

With those I loved thy soft and verdant sod.

[મારી જુવાનીનું આ થાનક જેની શ્વેત ડાળો નિસાસે છે 

નિરભ્ર આકાશને વીંઝણો ઢોળતા વાયુની ઝીંક ઝીલીને,

આજે જ્યાં એકલવાયો ચિંતનમગ્ન છું ત્યાં અનેક વાર

હું મારાં પ્રિયજનો સાથે મસૃણ લીલીલીલી છો ખૂંદતો હતો.]

Loading

14 March 2017 admin
← Polluting Universities with Sectarian mindset
આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટિશ રાજમાં ‘મેડિકલ’ના પ્રયોગો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved