પહેલી જુલાઈથી ગુજરાતી પત્રકારત્વે ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. એ નિમિત્તે અહીં રજૂ કર્યો છે મર્ઝબાન કુટુંબના ગુજરાતી અખબારો સાથેના સતત ૨૦૦ વરસના સંબંધ અંગેનો લેખ.
૨૦૧૨નું વર્ષ પહેલવહેલા ગુજરાતી છાપખાનાની સ્થાપનાનું ૨૦૦મું વર્ષ છે, એ હકીકત તરફ આપણે ત્યાં ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. એ છાપખાનાની સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. પણ તેમની કર્મભૂમિ મુંબઈ. ૧૮૯૫મા તેઓ મુંબઈ આવ્યા તે પછી ફરી ક્યારે ય સુરત ગયા હોય તેવું જાણવા મળતું નથી. મુંબઈ આવીને પહેલાં તો તેમણે દસ્તુર મુલ્લા ફીરોઝની અંગત લાયબ્રેરીની દેખરેખ રાખવાનું કામ કર્યું. એ કામ કરતાં કરતાં તેઓ બુક બાઈન્ડીંગનું કામ આપમેળે શીખી ગયા. પછી ૧૮૦૮માં બુક બાઈન્ડીંગ કરવા માટે પોતાની દુકાન શરૂ કરી. એ વખતના મુંબઈમાં છાપખાનાં હતાં ગણ્યાગાંઠ્યા. તેમાંનું એક મહત્ત્વનું છાપખાનું તે બોમ્બે કુરિયર પ્રેસ. તેનું મુખ્ય કામ તો અંગેજી અખબાર છાપવાનું. પણ ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક પણ આ જ પ્રેસમાં છપાયેલું. બુક બાઇન્ડિગનું કામ મેળવવા ફરદુનજી બીજા પ્રેસમાં જાય તેમ બોમ્બે કુરિયર પ્રેસમા પણ જાય. પહેલું ગુજરાતી પુસ્તક છાપવા માટે બહેરામજી છાપગરે જે બીબાં બનાવેલાં તે પણ એમણે જોયાં હશે. પણ તે બીબાં વાપરીને તે વખતે બીજું કોઈ ગુજરાતી પુસ્તક છપાયું નહોતું. ફરદુનજીને વિચાર આવ્યો કે માત્ર ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું કેમ શરૂ ન કરવું? આ વિચારને અમલમાં મૂકીને ૧૮૧૨માં તેમણે કેવળ જાતમહેનતથી પોતાનું છાપખાનું શરૂ કર્યું. તેમણે તેણે કોઈ નામ આપ્યું નહોતું, પણ લોકો તેણે ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખાતા. તેમાં કેટલાંક પુસ્તકો છાપ્યા પછી ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે તેમણે ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું. મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ તે પછી દસ વર્ષે, ૧૮૩૨મા શરૂ થયું.
કેટલીક અણધારી આર્થિક મુશ્કેલીને કારણે ૧૮૩૨ના ઓક્ટોબરમાં ફરદુનજીએ કાયમ માટે મુંબઈ છોડ્યું અને તે વખતે પોર્ટુગીઝોના તાબા હેઠળના દમણમાં જઈ વસ્યા. તે સાથે જ મુંબઈ સમાચાર સાથેનો તેમનો સંબંધ પૂરો થયો. પણ તે પછી તેમના વંશજોએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતી પત્રકારત્વ સાથે સંબંધ જાળવી રાખ્યો. ફરદુનજીએ પોતે દમણમાં એક નાનકડું છાપખાનું શરૂ કરી કેટલાંક પુસ્તકો છાપ્યાં, અને પછી ૧૮૪૧માં તેમણે પોતાના ત્રણ દીકરાઓ કાવસજી, બહેરામજી, અને મહેરવાનજીને મુંબઈ મોકલ્યા અને તેમની પાસે દફતર આશકારા પ્રેસ શરૂ કરાવ્યું. થોડા વખતમાં જ તેની ગણના મુંબઈના અગ્રણી છાપખાનામાં થવા લાગી. ૧૮૫૧માં મુંબઈમાં પારસી-મુસ્લિમ હુલ્લડો ફાટી નીકળ્યાં. ચિત્ર જ્ઞાન દર્પણ નામના એક ગુજરાતી સાપ્તાહિકે તેના એક અંકમાં પયગંબરસાહેબનું ચિત્ર છાપ્યું. તેથી મુંબઈના મુસ્લીમો રોષે ભરાયા. આ સાપ્તાહિકના તંત્રી એક પારસી હતા, બહેરામજી જમશેદજી ગાંધી. આથી મુસ્લિમોએ આખી પારસી કોમના લોકો પર હુમલા કર્યા. આ બનાવ અંગે પારસીઓનો પક્ષ રજૂ કરવાના આશયથી ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ રાસ્ત-ગોફતાર નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરાવાનજી રાસ્ત-ગોફ્તારના જોડિયા માલિકો હતા. શરૂઆતમાં તેનું કાર્યક્ષેત્ર પારસીઓ પૂરતું માર્યાદિત હતું, પણ ૧૮૫૮ની ત્રીજી જાન્યુઆરીના અંકથી તેને ‘બધા દેશીઓ’ માટેનું અખબાર બનાવવામાં આવ્યું. સમાજ સુધારા માટેની ચળવળમાં પણ તેણે સારો ફાળો આપ્યો. આમ, રાસ્ત-ગોફતાર દ્વારા ફરદુનજીના દીકરાઓએ ગુજરાતી પત્રકારત્વ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો.
મુંબઈ સમાચારમાં ફરદુનજી પાસે પત્રકારત્વના પાઠ શીખીને તૈયાર થયેલા નવરોજી દોરાબજી ચાનદારૂ ઉર્ફે ‘હલકારુ’એ પછી તેમાંથી છૂટા થઇ ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી ‘મુંબઈના ચાબુક’ નામનું અખબાર શરૂ કર્યું. રાસ્ત-ગોફતાર અને આ ચાબુક, બન્ને મુંબઈની રૂઢિચુસ્ત પારસી પંચાયતના વિરોધી પત્રો ગણાતાં હતાં. એટલે પારસી પંચાયતની બાજુ રજૂ કરવા માટે એક છાપું હોવું જોઈએ એમ તેના એક અગ્રણી સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. પરિણામે ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખથી ‘શ્રી મુંબઈના જામે જમશેદ’ અઠવાડિક શરૂ થયું. પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાલા તેના પહેલા અધિપતિ (તંત્રી) બન્યા.
જોતજોતામાં મુંબઈ સમાચાર અને જામે વચ્ચે કટુતાભરી હરીફાઈ શરૂ થઇ. ખાસ કરીને જામેએ આજે આપણે કલ્પી પણ ન શકીએ એવી ભાષામાં મુંબઈ સમાચારની નિંદા કરવાનું શરૂ કર્યું. પ્રત્યુત્તરમાં મુંબઈ સમાચાર પણ ઉગ્ર બન્યું. પારસી વાચકોના બે ભાગ પડી ગયા. પણ ૧૮૮૭માં પરિસ્થિતિએ અણધાર્યો વળાંક લીધો. મેસર્સ જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ જામે ખરીદી લીધું. તે કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર, બહેરામજીના પુત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ વેપાર અર્થે જાપાન જઈને વસ્યા અને તેથી જહાંગીરજી જામેના એક માત્ર માલિક બન્યા.
આમ, ફરદુનાજીના પૌત્રે પણ ગુજરાતી પત્રકારત્વ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો. તેમણે જામે હાથમાં લીધું ત્યારે તેનો ફેલાવો માત્ર ૨૦૦ નકલનો થઇ ગયો હતો! થોડા જ વખતમાં પોતાની બાહોશીથી જહાંગીરજીએ તેને વધારીને ૧૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. ૧૯૦૨માં જહાંગીરજીના નાના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ પણ જામેમાં જોડાયા. પારસી સાહિત્યના લેખકોમાં આગળ પડતું સ્થાન મેળવનાર પીજામ વખત જતાં જામેના અધિપતિ બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ જામે સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ફરદુનાજીની ચોથી પેઢી. પીજામના એક ભાઈ શ્યાવક્ષ જામેના જોડિયા માલિક અને મેનેજર હતા.
પીજામ પછી તેમના દીકરા અરદેશર જામેના તંત્રી બન્યા અને અરદેશરના ભાઈ રૂસ્તમ ઉર્ફે લુલુ મેનેજર બન્યા. આ અરદેશર તે ગુજરાતી નાટક, રંગભૂમિ, રેડિયો, ટેલીવિઝન, દ્વારા ઘેર ઘેર જાણીતા થયેલા અદી મર્ઝબાન. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમણે જામેનું તંત્રીપદ છેવટ સુધી સંભાળ્યું. અદી તે મર્ઝબાન કુટુંબની પાંચમી પેઢી.
ફરદુનજી સાહેબનો જન્મ ૧૭૮૭માં. અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭માં. પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબના નબીરાઓ એક યા બીજી રીતે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા રહ્યા. અદીના અવસાન સાથે એ સંબંધનો અંત આવ્યો. અદીના મામાએ જામે હાથમાં લીધું.
ફરદુનજીએ મુંબઈ સમાચાર શરૂ કર્યું અને જહાંગીરજી મર્ઝબાનજીએ જામે ખરીદી લીધું એનો અર્થ એવો નથી કે મર્ઝબાન કુટુંબ આ બંને છાપાંની માલિકી ધરાવતું હતું. આર્થિક મુશ્કેલીને કારણે ફરદુનજીને મુંબઈ સમાચાર અને મુંબઈ શહેર સાથેનો સંબંધ કાયમ માટે કાપી નાખવો પડ્યો તે આપણે અગાઉ જોયું છે. રતનજી ફરામજી વાછાના ‘પારસી પ્રકાશ’(દફતર ૧)માં જણાવ્યા પ્રમાણે ફરદુનજીની મુંબઈમાંની બધી મિલકતની હરરાજી થઇ હતી અને તેમાં મુંબઈ સમાચાર છાપખાનું તથા મુંબઈ સમાચાર છાપું ખરશેદજી હોરમજજી અને તેમના ભાઈ મહેરજીએ ખરીદી લીધું હતું. તે પછી પણ મુંબઈ સમાચારના માલિકો વખતોવખત બદલાતા રહ્યા. ૧૯૩૩થી તેની માલિકી કામા કુટુંબના હાથમાં છે. આમ, પહેલાં દસ વર્ષને બાદ કરતાં મર્ઝબાન કુટુંબનો મુંબઈ સમાચાર સાથે સીધો સંબંધ રહ્યો નથી. જ્યારે એ કુટુંબના નબીરાઓ લાંબા વખત સુધી જામે સાથે સંકળાયેલા રહ્યા એટલે એ બે છાપાં વચ્ચેની હરીફાઈ લાંબો વખત ચાલતી રહી. વખત જતાં મુંબઈ સમાચાર માત્ર પારસીઓ માટેનું પત્ર ન રહેતાં સર્વસાધારણ ગુજરાતી વાચકો માટેનું પત્ર બની રહ્યું. બીજી બાજુ, જામે હંમેશ માટે પારસી વાચકોનું પત્ર જ રહ્યું. તેની સમાજ અને રાજકારણ અંગેની રૂઢિચુસ્ત નીતિને કારણે, પારસીઓ પૂરતા માર્યાદિત ફેલાવાને કારણે, અને મુંબઈમાં પારસીઓની ઘટતી જતી વસ્તીને કારણે આજે જામે સાપ્તાહિક તરીકે પ્રગટ થઇ રહ્યું છે.
ફરદુનજી મર્ઝબાનથી માંડીને અદી મર્ઝબાન સુધીની પૂરી પાંચ પેઢી ૨૦૦ વર્ષ સુધી ગુજરાતી વર્તમાન પત્ર અને પત્રકારત્વ સાથે સંકળાયેલી રહી. ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે તો નહીં જ પણ દેશની કે દુનિયાની બીજી કોઈ ભાષાના પત્રકારત્વમાં પણ આવી અનોખી ઘટના ભાગ્યે જ જોવા મળશે. ફરદુનજી મરાઠીભાષી કે બંગાળીભાષી હોત તો એક કુટુંબની પાંચ પાંચ પેઢી ૨૦૦ વર્ષ સુધી પત્રકારત્વ સાથે સંકળાયેલી રહી તેનાં ઢોલનગારાં વાગતાં હોત. પણ આપણને એવું બધું કરવાની ફુરસદ ક્યાં છે?
e.mail : deepakbmehta@gmail.com