પહેલાં કહ્યું હતું એમ આને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું વિશ્લેષણ ન ગણવા વિનન્તી છે. આજે આ પ્રયોગનું કરી જોઉં :
‘મમરો’ તો ‘મૂકી’ જો; જોઈએ, શું થાય છે.
‘મમરો’-નો સંકેતાર્થ છે ચોખામાંથી બનાવાયેલી વાનગી. દરેક મમરો ચોખાના એના મૂળ દાણા કરતાં કદમાં મોટો પણ વજનમાં હલકો હોય છે. રંગે વધારે સફેદ પણ હોય છે. ચોખાના દાણાની સરખામણીએ એને આરામથી ચાવી કે ખાઈ શકાય છે. પણ એને ક્યાંક મૂકવા માગીએ તો વિચારવું પડે છે કે ખસી કે ઊડી તો નહીં જાય ને.
આ પ્રયોગમાં ‘મમરો’ સંજ્ઞા એકવચનમાં છે, એનો મતલબ એ કે મૂકનારે એક જ મમરાને મૂકવાનો છે. પણ, પ્રયોગમાં એ નથી કહેવાયું કે ક્યાં મૂકવાનો છે. એટલે, મૉંમાં મૂકીને આરોગી જવાય એવો એનો જે મુખ્યાર્થ છે તેને બાજુએ રાખવો પડશે.
કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ આવે એ માટે મમરો મૂકવાનો હશે એમ ધારી શકાય છે. સવાલ એ છે કે ગૂંચવાડા જિદ્દ કે નકાર સાથે મમરાને શી લેવાદેવા.
A diplomate.
Pic courtesy : INFJ
એટલે, મમરાનાં ગુણલક્ષણોને કામે લગાડવાં પડશે. કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ માટે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે, એટલે કે, વાત કરે. તે વાત કદમાં નાની હોવી જોઈશે. તે વાત વજનમાં હલકી, હળવી હોવી જોઈશે. સામાવાળાની તકલીફ વધે એમ નથી કરવાનું તેમ દબાણ પણ નથી કરવાનું કેમ કે મમરાની જેમ વાત પણ કચડાઈ જાય. વાત સિફતથી થવી જોઈશે. નહિતર મમરો ખસી કે ઊડી જાય એમ એ વાતનું પણ થઈ શકે છે.
ટૂંકમાં, એ આખું કામ એક નીવડેલા મુત્સદ્દીની રીતે થવું જોઈશે. મમરો ‘મૂકી જોવાનો છે’ એટલે? મૂકનારે સફળતા કે નિષ્ફળતા માટે નિર્મમ રહેવાનું છે.
અંગ્રેજીમાં, ‘લિટલ ઍફર્ટ’ પ્રયોગ છે પણ એમાં મમરાથી સૂચવાતી સર્જકતા નથી. એટલે જ હું એને આપણી ભાષાની જન્મજાત સર્જકતામાં ઉમેરું છું.
= = =
(Feb 24, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર