પુનરાવર્તન અને પરિવર્તન : દેશના રાજકારણમાં, ખાસ કરીને ચૂંટણીકારણમાં છેલ્લાં વર્ષોમાં ખાસા ગાજતા રહેલા આ બે શબ્દો છે. ત્રિપુરાના માણિક સરકાર, આસામના તરુણ ગોગોઈ, મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, ગુજરાતમાં હજુ હમણે લગી નમો પુનરાવર્તિત થતા રહ્યા છે. એમ તો, બિહારમાં નીતિશકુમારનોયે હવાલો આપી શકાય. પણ એમાં એક ગુણાત્મક ફેર છે, અને તે એ છે કે એમની તાજેતરની બિહારજીત આગલી બે ફતેહ કરતાં જુદા સંયોજનને કારણે એક નવી ભૂમિકા રચી રહે છે. એમાં જો પુનરાવર્તન હશે તો પરિવર્તન પણ ઓછું નથી.
પુનરાવર્તન અને પરિવર્તન, આ બે શબ્દોને (ખરું જોતાં કદાચ આ બે ‘નારા’ને પણ) અહીં સંભારવાનો ધક્કો ગુજરાતમાં સ્થાનિક સ્તરનાં તાજેતરનાં ચૂંટણી પરિણામોથી લાગેલો છે. આ પરિણામો, કહેવું હોય તો કહી શકાય કે, શહેરી ગુજરાતમાં ભાજપના પુનરાવર્તન માટે છે અને ગ્રામીણ ગુજરાતમાં કૉંગ્રેસતરફી પરિવર્તન માટે છે. આવો સંમિશ્ર લોકચુકાદો પણ પ્રકારાન્તરે ગુજરાત મૉડેલનો જ એક દાખલો હશે? ન જાને. પણ મહાનગરી ગુજરાતમાંયે ભાજપી પુનરાવર્તનની માત્રા અગાઉને મુકાબલે ઘટી છે, ગ્રામીણ ગુજરાતમાં તો પરિવર્તન જ પરિવર્તન બહુધા છે એ જોતાં સંમિશ્ર છતાં આ ચુકાદો પરિવર્તનતરફી છે એવું ભલે કંઈક જાડું વિધાન પણ કેમ ન કરી શકાય? ખાસ કરીને, એક અંદાજ પ્રમાણે જો સો કે તેથી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ બીજે ક્રમે મુકાઈ ગયેલો માલૂમ પડતો હોય તો શહેરો અને ગામડાં એવા દેખીતા દ્વિભાજન છતાં આ ચુકાદાને પરિવર્તનલક્ષી સંભાવના તરીકે ચોક્કસ જ ઘટાવી શકાય.
હમણાં નીતિશકુમારનો હવાલો આપી પુનરાવર્તન છતાં પરિવર્તન (અગર તો પરિવર્તન છતાં પુનરાવર્તન)ની જિકર કરી. કૉંગ્રેસને જાણે સંજીવનીસ્પર્શ થયો હોય એવું જેમ ત્યાં છે તેમ અહીં પણ છે. અલબત્ત, માત્રાની દૃષ્ટિએ બંને વચ્ચે ગુણાત્મક ફેર જરૂર છે, કેમ કે ગુજરાતમાં કૉંગ્રેસનો સંજીવની સાક્ષાત્કાર વિરોધપક્ષમાંથી સત્તાપક્ષ તરફની સંભવિત ગતિનો હોઈ શકે છે, જ્યારે બિહારમાં એક નામશેષવત્ હાજરીમાંથી મુખ્ય પક્ષ તરફ ભલે નહીં પણ કંઈક હાજરી ભણીની ગતિ છે. જોવાનું એ છે કે ૧૯૭૪-૭૫નાં ગુજરાતબિહારનાં આંદોલનો સાથે કૉંગ્રેસના વિકલ્પે ઉભરેલ જનતા પરિબળો (નીતિશ અને લાલુ) સાથે એટલે કે કટ્ટર હરીફ સાથે જોડાઈને કૉંગ્રેસે બિહારમાં આ નાનું શું પણ નવજીવન મેળવ્યું છે. આ ઘટના પ્રક્રિયા જો આગળ ચાલે તો એનો અર્થ એ થાય કે સ્વરાજસંગ્રામના વ્યાપક અનુસંધાનપૂર્વક વિકલ્પની જે રાજનીતિ જેપી, લોહિયા, કૃપાલાની, આદિ લડ્યા તેની સાથે કૉંગ્રેસ જોડાય છે. એમાં જો સંધાન અને સાતત્ય છે તો શોધન પણ છે.
આ સંદર્ભમાં ગુજરાત કૉંગ્રેસને કેવી રીતે ઘટાવીશું? ક્યારેક વલ્લભભાઈ પટેલ જેના નેતા હતા એ કૉંગ્રેસ – આ કિસ્સામાં ગુજરાત કૉંગ્રેસ – ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીને છૂટી પાડવાના કૉંગીચાળે ઊંચકાઈ અને કંઈક પટકાઈ પણ છે. સ્વરાજ આગમચ થોડા દહાડા માંડ હતા અને કિનારીવાલાની ખાંભી ખુલ્લા મૂકવા ગુજરાત કૉંગ્રેસના ત્યારના કથિત આકાઓની નામરજી છતાં જયપ્રકાશને બરકી શકતી યુવા નેતાગીરી, પાછલાં વર્ષોમાં જયપ્રકાશ જ્યારે સરદારને નવેસર જોતામૂલવતા થયા ત્યારે ઈંદિરાગ્રસ્ત હતી એને શું કહીશું, સિવાય કે વિધિવક્રતા. ગુજરાત કૉંગ્રેસ સમક્ષનો પડકાર સ્વરાજત્રિપુટીપૂર્વક જેપી-લોહિયા-કૃપાલાની ધારાને આત્મસાત્ કરીને આગળ વધવાનો છે. બિહાર કરતાં અહીં એને માટે આ કંઈક કાઠું કામ છે, કારણ કે ત્યાં હતી એટલી ક્ષીણદુર્બળ કૉંગ્રેસ અહીં નથી. ભાજપ સંદર્ભે છેલ્લાં વરસોની એની તાસીર પોતે થઈને વિકલ્પ બની શકે એટલી સશક્ત નહીં અને બીજાને વિકલ્પ બનવા દે એટલી અશક્ત નહીં એવી રહી છે.
વસ્તુતઃ ગુજરાત કૉંગ્રેસ જરી જાતમાં ઝાંખશે તો એને જણાઈ રહેશે કે એનું હાલનું સ્વરૂપ ઠીક ઠીક પ્રમાણમાં ચિમન જનતાને આભારી છે. ચિમનભાઈએ ગુજરાત જનતા દળ રચ્યું ત્યારે જેઓ ભાજપ અને કૉંગ્રેસથી ઉફરો વિકલ્પ શોધતા હતા એમણે વિવેકસર (અને વખાના માર્યા) એમને અંગે સમર્થનભાવ વ્યક્ત કર્યો હતો. ગુજરાત જનતા દળમાં જૂના જનતા પક્ષના (ભાજપ સિવાયના) લોકો બહુધા હતા. આગળ ચાલતાં ચિમનભાઈ એ સૌને લઈને કૉંગ્રેસવાસી થયા, જેમ ભાજપમાંથી છૂટા પડેલા શંકરસિંહ વાઘેલા વગેરે પણ કૉંગ્રેસવાસી થયા. ટૂંકમાં, જનતા પરિબળોમાંથી જે ભાજપમાં ન રહ્યાં અથવા ન ગયાં તે ઘણું ખરું ગુજરાત કૉંગ્રેસમાં જોડાયેલાં છે.
ભરતસિંહ સોલંકી સહિતના કૉંગ્રેસશ્રેષ્ઠીઓને આવાં કોઈ ઓસાણ છે કે કેમ તે આપણે જાણતા નથી. પણ કૉંગ્રેસની જે સર્વસમાવેશી સ્વરાજધારા રહી છે તે જો છેક જ લુપ્ત ન થઈ હોય તો આ મુદ્દોે મોડાવહેલા પણ પકડાઈ તો શકે. જો કે વાત કેવળ આટલી જ નથી. ૧૯૭૪-૭૭નાં વાસંતી સંઘર્ષવર્ષોની જે ભેટ છે તે પણ કૉંગ્રેસમેન માત્રને પકડાવી જોઈએ. તમે જુઓ કે જેપી આંદોલન પણ હતું તો લોકશાહી સમાજવાદ (આર્થિક-સામાજિક ન્યાય) અને બિનસાંપ્રદાયિકતાની સ્વરાજ ધારામાં જ. અયોધ્યાજવર સાથે જે પલટો આવવાનો હતો તે ધારા જેપી આંદોલનની નહોતી તે નહોતી.
આ જ જેપી ધારા, પ્રકારાન્તરે, દેશમાં ચાલુ રાજકીય પક્ષોથી ઉફરો એવો જે એનજીઓ ઉન્મેષ પ્રગટ્યો એમાં પણ હોઈ શકતી હતી. બલકે, રજની કોઠારી જેવાઓને એક તબક્કે એનજીઓ ઉન્મેષમાં સન બયાલીસના નવતરુણ નેતૃત્વના સમાનધર્માઓ જેવી શક્યતા વરતાઈ હતી અને આ ઉન્મેષ જે નવી રાજકીય પ્રક્રિયાઓ પ્રેરશે એમાંથી નવ્ય વિકલ્પ ઊભો થશે એમ પણ લાગ્યું હતું. અહીં એનજીઓ પરિબળની વિશેષ ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે માહિતી અધિકારથી મનરેગા સહિતના સર્જક ઉદ્રેકો (જે યુપીએની ભેટ છે) જેપી-એનજીઓ ધક્કા વગર કલ્પી શકતા નથી. માત્ર ગુજરાત કૉંગ્રેસ જ શા માટે, કૉંગ્રેસસમસ્ત સમક્ષ વ્યાપક પરિપ્રેક્ષ્યનો આ પડકાર બિહાર-ગુજરાતનાં પરિવર્તનલક્ષી સંકેતો સાથે ઉપસ્થિત થયો છે.
બેલાશક, આ ચર્ચાને કૉંગ્રેસ અને ભાજપ એ બે પક્ષો વચ્ચે સીમિત રાખીને જોવાનો અર્થ નથી. દેશમાં અન્ય પક્ષો છે તેમ બિનપક્ષીય નાગરિક પરિબળો પણ છે. નાગરિક સમાજનાં મંડળોને સ્થાપિત રાજકીય પક્ષો પોતાની કેટલીક જવાબદારીની આઉટસોર્સિંગ એજન્સી તરીકે ન જુએ તે પણ જરૂરી છે. કોઈ પણ જાગૃત લોકતંત્રમાં રાજકીય પક્ષો કેવળ ઇલેક્શન એન્જિન બની રહે તે દેશના કે એમના ખુદના હિતમાં નથી. પૂરા કદની વૈકલ્પિક રાજનીતિ તો આવતાં આવશે. ગાંધી-જયપ્રકાશ જેવાનું તે સપનું ધ્રુવતારક જેવું છે. પહોંચીએ તો પહોંચીએ, પણ એને જોઈને ચાલીએ તે પણ નાની વાત નથી. આ મજલમાં જેમ ક્યારેક બિનકૉંગ્રેસવાદનું એક લૉજિક હતું તેમ આજે બિનભાજપવાદનુંયે એક લૉજિક હોઈ શકે છે. માત્ર, તેમાં ઈતિ નથી. ઈતિ સિધ્ધમ તો નથી જ નથી.
ગાંધીનેહરુપટેલ, આંબેડકર, આઝાદ, રૉય, જેપી, લોહિયા કોની કોની કુમક જોઈશે? વૈકલ્પિક રાજનીતિ એ કંઈ ખાવાના ખેલ નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 02-03