ભારતે આર્થિક વિકાસની દિશામાં જી.એસ.ટી. પાસ કરીને એક મહત્ત્વનું કદમ ભર્યું છે.
ભારત વિવિધતાથી ભરેલો એક વિશાળ દેશ છે. ભારતની આ વિવિધતાઓને સ્વાયત્તતા મળે અને ખીલી ઊઠે અને ભારતની એકતા ભાતીગળ બને તેવા ઉદ્દેશથી ભારતના બંધારણે સમવાયી તંત્ર (ફેડરલ વહીવટી માળખું) અપનાવેલું છે. ભારતનું સમયવાયી તંત્ર વિશ્વના સમવાયી તંત્ર કરતાં જરા અનોખા પ્રકારનું છે, જેમાં ભારતની એકતાને પ્રાધાન્ય આપીને ભારતની જુદી જુદી વિવિધતાઓ – ભાષાઓ, પ્રાદેશિકતાઓ, વિવિધ ધર્મો, સંસ્કૃિતઓ, રીત-રિવાજો, જીવનશૈલીઓ વગેરેને – જાળવી રાખવાનો અને ખીલવાનો પૂરો અવકાશ રહે તે પ્રકારનું આપણું સમવાયી તંત્ર છે અને તેને જ કારણે ‘વિવિધતામાં એકતા’ જળવાઈ રહી છે.
આઝાદી પછીના છઠ્ઠા દાયકાના અંત ભાગમાં આ દિશામાં ભારતે એક ઓર કદમ આર્થિક એકતાની દિશામાં ભરેલ છે અને સમગ્ર ભારત માટે ‘એક બજારની’ સ્થાપના કરી શકાય તેવો એક મહત્ત્વનો બંધારણીય સુધારો ‘ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ’ ઍક્ટ ત્રીજી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ પસાર કરીને કર્યો છે.
ભારતના બંધારણના ઘડવૈયાઓ દીર્ઘદૃષ્ટા હતા. બંધારણના મૂળભૂત હક્કોમાં ભારતના નાગરિકોને આ વિશાળ દેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જાતની રોકટોક વગર હરવા-ફરવાનો અને કાયમી વસવાટ કરી ધંધો-વ્યવસાય કરવાનો મૂળભૂત હક્ક આપેલ છે, જેના પરિણામે અન્ય પ્રદેશોના અનેક લોકો પોતાના ન હોય તેવા બીજા પ્રદેશોમાં સ્થાયી થયા છે. દૃષ્ટાંત તરીકે પંજાબમાં સરદારજીઓની ગુજરાત-કચ્છ વિસ્તારમાં પાકિસ્તાનની સરહદે મોટી વસાહત છે. અમદાવાદમાં પણ ભારતના અન્ય પ્રદેશો તામિલનાડુ, કેરળ, આંધ્ર, કર્ણાટક, બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, કાશ્મીર વગેરે અસલ વતનીઓનો વસવાટ છે. આ જ રીતે મુંબઈમાં અસલ મરાઠી લોકો કરતાં અન્ય પ્રદેશોના લોકો – ગુજરાતીઓ, બિહારીઓ, ઉત્તરપ્રદેશના લોકો, પંજાબીઓ, સરદારજીઓ વગેરે -ની મોટી વસ્તી છે. મુંબઈ શહેરની આબાદીમાં આશરે પિસ્તાલીસ-પચ્ચાસ લાખ ગુજરાતીઓ છે. આ જ રીતે બંધારણે આર્ટિકલ ૩૦૧ હેઠળ દેશવ્યાપી મુક્ત વ્યાપારની જોગવાઈ પણ કરેલ છે, પરંતુ સમવાયી માળખાને કારણે અને દેશનાં રાજ્યોના અધિકારોને કારણે આ જોગવાઈના અમલમાં અનેક મર્યાદાઓ રહેલી હતી – હવે બંધારણીય સુધારાઓથી ‘ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ’ પસાર થતા ‘મુક્ત વ્યાપાર’ અમલી બનશે.
વિજ્ઞાનની પ્રગતિ સાથે અને ખાસ કરીને ઝડપી વાહનવ્યવહારના વિજ્ઞાનના વિકાસ તેમ જ માહિતી અને સંચારના વિજ્ઞાનના વિકાસ સાથે વિશ્વ એક global village બની રહ્યું છે, ત્યારે વિશ્વભરમાં મુક્ત – વ્યાપારની શક્યતાઓ ઊભી છે. આ સંઘર્ષમાં WTO અને અનેક પ્રાદેશિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, જેને કારણે વિશ્વમાં અને અનેક રાષ્ટ્રો વચ્ચે વ્યાપારની સરળતા વધી છે. GST અમલી બનતાં ભારતની વિવિધતા વચ્ચે આર્થિક એકતાના ‘એક દેશ એક બજાર’નાં પગરણ થશે.
GST અમલી બનશે ત્યારે દેશવ્યાપી ‘એક બજાર’ બનવાને કારણે જે ફાયદાઓ થશે, તેનું વિહંગાવલોકન કરીએ.
૧. વિવિધ આડકતરા કરો જેવા કે ઍક્સાઈઝ, સર્વિસ ટેક્સ, ઑક્ટ્રોય વગેરેનો અંત આવશે અને અર્થકારણ વધારે કાર્યક્ષમ, પારદર્શક અને એક સત્તાધિકાર હેઠળ મુકાશે.
૨. GSTને કારણે ઓછામાં ઓછા ભારત સરકારના અગિયાર આડકતરા કરવેરાઓ અને રાજ્ય સરકારોના અનેક આડકતરા કરવેરાઓનો અંત આવશે.
૩. GSTને કારણે કરવેરાનું એકંદર ભારણ ઓછું થશે. ખાસ કરીને વિવિધ ક્રમે લાગતા કરવેરા ઓછા થશે. દૃષ્ટાંત તરીકે કોઈ પણ વસ્ત્ર(garment)ના ઉત્પાદનમાં કાચો માલ કપડાં, દોરા, બટન, સિલાઈ મશીન વગેરેની જરૂર પડે છે. આ કાચા માલ અને સિલાઈ મશીનની ખરીદી પર ટેક્સ ચૂકવાય છે, પરંતુ તે ભરપાઈ કરેલા ટૅક્સનું set off મળતું નથી. જેમ કે, કાચો માલ-કાપડ, દોરા, બટન વગેરે પર સેલ્સટૅક્સ, વેટ, ઑક્ટ્રોય વગેરે લાગે છે, જ્યારે સિલાઈ મશીન પર ઍક્સસાઈઝ અને સેલ્સટૅક્સ વગેરે લાગે છે. આને કારણે જ ગારમેન્ટ – વસ્ત્ર વેચાય છે તેની વેચાણકિંમતમાં ઉપર ચૂકવેલા કરવેરાનો સમાવેશ પણ કરાય છે. હવે રાજ્યના અને કેન્દ્રના આડકતરા કરવેરા સમાપ્ત થતાં અને માત્ર GST અમુક દરે લાગુ થતાં આ વસ્ત્ર પર વિવિધ કરવેરાઓ લાગશે નહિ. GSTનો જે દર લાગુ પડશે તેની જે આવક આવશે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સરખે હિસ્સે વહેંચાશે.
૪. GSTમાં લાગુ થતાં ભારતમાં ‘એક બજાર’ બનશે જેને કારણે માલ-સામાનની મુક્ત હેરફેર શક્ય બનશે.
૫. વ્યાપાર સરળ બનશે, અને GST અંગેના કરવેરા ભરવામાં અને નિયમોનું પાલન સહેલાઈથી, ઝડપી અને ઓછા ખર્ચે કરી શકાશે.
આર્થિક સુધારા માટેનું આ કદમ દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવશે. સને ૨૦૦૪થી GST અંગેનો બંધારણીય સુધારો સરકારમાં ગુંજતો હતો. મોડે-મોડે પણ આ દિશામાં દેશના વિશાળ હિતમાં રાજકીય એકતા સાધી શકાણી તે આપણા વિવિધ રાજકીય પક્ષો અને તેના નેતાગીરીની શાણપણની નિશાની છે. રાજ્યસભામાં આ સુધારાની વિરુદ્ધમાં એક પણ મત પડ્યો નથી, તેની સંતોષપૂર્વક નોંધ લેવી પડે. તા.૫-૮-૨૦૧૬ના ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખમાં યોગ્ય લખાયું છે :
“The Near unanimity among India’s Political Parties over the introduction of GST is a good news. Parties do occasionally realise that good economics make for good politics… The aim behind this tax is to dismantle fiscal barriers between states and create common market in India. GST will boost economic activity and is the most important economic reform since liberalizatin in 1991 … India Leading National parties, BJP and Congress should take the lead at this stage. They have both been guilty of holding up legislations for reasons of political grandstanding. Having shown that they can seta-side political differences and co-operate to further larger India’s interest…”
આપણે અપેક્ષા રાખીએ કે આપણા રાજકીય પક્ષો અને નેતાઓ ભારતના વિશાળ હિતમાં ભારતને તમામ ક્ષેત્રે ઝળહળતી જ્વલંત સિદ્ધિઓ અપાવવા રાજકીય સ્વાર્થ છોડીને કાર્ય કરે. તાજા સમાચાર છે કે ભારતના તમામ રાજકીય પક્ષો અને રાજનેતાઓએ આવી જ લોખંડી એકતા તા. ૪-૮-૨૦૧૬ની સાર્કદેશોના ગૃહપ્રધાનોની મિટિંગમાં ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહે જે વલણ અખત્યાર કર્યું તે અંગે દર્શાવી છે.
e.mail : kgv169@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 11