રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વ જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી હોય. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર અને વધારે પોષક બનાવીને પછીની પેઢીને આપવાની જવાબદારી આપણી જ છે.
આ વર્ષે માર્ચ મહિનામાં જ બે હીટ વૅવ આવી ગયા. આ લખાય છે ત્યારે તાપમાન 40થી 45 ડિગ્રી રહે છે. માણસો ત્રાહિમામ્ પોકારી જાય એવી ગરમીમાં, વગડામાં કેસૂડો અને ગુલમહોર પોતાની લાલ-સોનેરી આભાથી મસ્ત ખીલ્યાં છે.
22 એપ્રિલે પૃથ્વીદિન છે. તેના બરાબર એક મહિના પહેલા 21 માર્ચે વનદિવસ હોય છે. પ્રકૃતિની વિપુલતા કેવી છે – દક્ષિણ અમેરિકાના એમેઝોનિયા નામનું જંગલ છે જે આખી પૃથ્વીને વીસ ટકા ઑક્સિજન પૂરો પાડે છે. વિશ્વનું આ સૌથી ગાઢ જંગલ સાડાપાંચ કરોડ વર્ષ જૂનું છે અને દક્ષિણ અમેરિકાના ચાલીસ ટકા ભૂભાગ પર ફેલાયેલું છે. બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગિયાના સહિત નવ દેશોની સરહદ આને અડે છે.
સિત્તેર લાખ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા આ જંગલમાં 40,000 જાતનાં 400 અબજ વૃક્ષો છે, જેમાં 2,000થી વધુ પક્ષી-પ્રજાતિઓ અને 25 લાખથી વધુ પ્રકારના કીટકો રહે છે. જો કે સૌથી મોટાં જંગલો રશિયાની ઉત્તરે આવેલાં સાઈબિરિયાનાં જંગલો છે. આ જંગલો 85 લાખ ચોરસ માઈલમાં પથરાયેલા છે એટલે કે આખા ભારત કરતાં અઢી ગણા વિસ્તારમાં માત્ર જંગલ જ છે.
ભારતમાં પાંચ પ્રકારનાં જંગલો છે અને વનીકરણ વગેરે અનેક સરકારી યોજનાઓ છતાં જંગલો સાફ થતાં જાય છે. પૃથ્વી પર 30 ટકા ભાગમાં જંગલો છે, જેનો કુલ વિસ્તાર 4 અબજ હેક્ટર જેટલો છે. દર સેકંડે ફૂટબોલનાં મેદાન જેટલાં જંગલો સાફ થઈ રહ્યાં છે. દર વર્ષે લગભગ ઈંગ્લૅન્ડના કદનાં એટલે કે 32 મિલિયન એકર જેટલાં જંગલો કપાય છે. જંગલ સાથે તેનું જીવવૈવિધ્ય પણ નાશ પામે છે અને પર્યાવરણ સંતુલન ખોરવાય છે. એથી જ પૃથ્વીદિન 2020ની થીમ ‘ક્લાઈમેટ એક્શન’ હતી, 2021ની ‘રિસ્ટોર અવર અર્થ’ અને 2022ની ‘ઈન્વેસ્ટ ઈન અવર પ્લાનેટ’ છે.
પૃથ્વીની રચના 4-54 અબજ વર્ષ પહેલા થઈ, એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું. સૂર્યથી પૃથ્વીનું અંતર 14,95,97,900 કિલોમીટર છે, જ્યારે તેનો વ્યાસ 12,156 કિલોમીટર છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય 365.26 દિવસ છે અને પૃથ્વીના ધરીભ્રમણનો સમય 23 કલાક, 56 મિનિટ છે. પૃથ્વીની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ 70થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી તેના પર્યાવરણમાં પરિવર્તન થતાં રહ્યાં છે અને એ અનુસાર જીવવૈવિધ્ય પાંગરતું કે નાશ પામતું રહ્યું છે. એવું મનાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને નષ્ટ કરી નાખશે.
જો કે છેલ્લાં થોડાં વર્ષમાં પૃથ્વીના પર્યાવરણમાં જે ખૂબ ઝડપી અને નકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે, તે કરનાર તો માણસ જ છીએ. આપણી લાલસા, અળવીતરાઈ અને અવળચંડાઈ આ સુંદર અને ભવ્ય ગ્રહને મોટા જોખમમાં મૂકી રહી છે. આ પ્રત્યે જાગૃતિ વધારવા પહેલો પૃથ્વીદિવસ 1970માં ઉજવવામાં આવ્યો. અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરના પુસ્તક 'ઈનકન્વિનિઅન્ટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈ.પી.સી.સી.ની સાથે સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્કારે આ તરફ સંવેદનશીલતા વધારવામાં મદદ કરી છે. આમ છતાં મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે. જળવાયુમાં થતાં પરિવર્તનને પરિણામે વિશ્વ પર અન્નસંકટ અને જલસંકટ બન્ને તોળાઈ રહ્યા છે. વૈશ્વિક ખાદ્ય સંકટની સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડશે. પર્યાવરણ માટે સામૂહિક પ્રયત્નો કરવા જરૂરી જ નહીં અનિવાર્ય બની ગયા છે. આમ તો એવી ઘણી બાબતો છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ અને આપણે દરેક દિવસને પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે પણ થોડુંઘણું યોગદાન આપે તો ઘણું થઈ શકે. સ્વાર્થ માટે પૃથ્વીને બગાડવામાં બધી તાકાતો એક હતી. હવે એ તાકાતોએ એક થઈ પૃથ્વીને સુધારવી પણ જોઈશે. એવરીવન એકાઉન્ટેડ ફૉર, એન્ડ એવરીવન એકાઉન્ટેબલ. સમય વહેતો જાય છે. નવી પેઢી માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય સર્જવું હોય તો કામે લાગવું પડશે.
'પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે. બાકી ગ્લોબલ વૉર્મિંગના પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડાં, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જેણે આપણને રહેવાનું સુંદર ઘર આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેનાં મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ ને વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ. વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી વેળાએ જો પ્રત્યેક વ્યક્તિ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લે, પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરે અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત ન કરે.
અમેરિકામાં લૉ એનર્જી લાઈફસ્ટાઈલ નામની મુવમેન્ટ ચાલે છે. નાસાના વિજ્ઞાનીઓએ ‘અર્થ હીરો’ નામનું એપ બનાવ્યું છે જે લૉ એનર્જી લાઈફસ્ટાઈલ માટેના આઈડિયાઝ આપે. આ જીવનશૈલીથી વાતાવરણમાં હાનિકારક વાયુઓ ઓછા છૂટે છે, સાથે લોકોનું જીવન ઓછું ખર્ચાળ અને વધુ સરળ થાય છે. અનેક લોકો પોતાની જરૂરિયાતો પર કાપ મૂકતા અને બચેલા સમયશક્તિને પર્યાવરણ માટેના આંદલનોમાં જોડતા થઈ ગયા છે. નાસાના એક અર્થ સાયન્ટિસ્ટ કહે છે કે ‘આપણે બધું ગુમાવી બેસવાના છીએ. આ કોઈ મજાક કે અતિશયોક્તિ નથી. પણ સરકારો કે ઉદ્યોગો વિજ્ઞાનીઓનું સાંભળતા નથી. આપણે જ આપણા સુંદર ભવ્ય ગ્રહને બચાવવા માટે જોખમો ઉઠાવવા તૈયાર થવું જોઈશે.’
રેફ્રિજેટર-એરકન્ડીશનર અને કારખાનાઓ જે ક્લૉરોફ્લૉરો કાર્બન છોડે છે તે હલકો હોવાથી તરત ઊંચે જાય છે અને વાયુમંડળમાં 2025 કિલોમીટર પર આવેલા ઓઝોન સ્તર સુધી પહોંચે છે. ક્લૉરોફ્લૉરો કાર્બન ઓઝોનનું વિઘટન કરે છે અને એથી સ્તર પાતળું બને છે એમાંથી પસાર થયેલા સૂર્યના શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચી સ્કીન કૅન્સર જેવા રોગો કરે છે. જે ઓઝોન કવચ આપણું રક્ષણ કરે છે તેનું રક્ષણ હવે આપણે કરવાનું છે.
તો કારખાના બંધ કરી દઈશું? ના, પણ ક્લૉરોફ્લૉરો કાર્બનના યોગ્ય નિકાલની સિસ્ટમ તો વિકાસાવાય ને? જેમ બને તેમ કુદરતી વસ્તુઓ વાપરવી અને રેફ્રિજેટર-એરકન્ડીશનરનો વિવેકપૂર્ણ ઉપયોગ એવાં પગલાં તો દરેક વ્યક્તિ લઈ શકે.
પર્યાવરણવિશેષજ્ઞ ગેલોર્ડ નેલ્સન કહે છે કે રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વને જોવું, સમજવું અને એની ઊર્જાના સ્રોત સુધી પહોંચવું એના જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી છે. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર, વધારે પોષક બનાવીને પાછી આપવાની જવાબદારી આપણી જ છે. પૃથ્વી માણસની નથી, માણસ પૃથ્વીનો છે. પૃથ્વી અને માણસનો સંબંધ તૂટવો જોઈએ નહીં.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઍપ્રિલ 2022