Opinion Magazine
Number of visits: 9487588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રામીણ ભારતના માધ્યમિક, ઉ.મા. શિક્ષણ સામેના પડકારો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2024

ચંદુ મહેરિયા

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક (ધો.૧૧,૧૨)માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુદ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ ? ૫૧.૬૦ ટકા વિદ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે.

પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે.  હા, એમને  મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય ! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે !

રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય ? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓ.આર.એસ.ના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા. અર્થાત્‌ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ રોજ બ રોજના વ્યાજદર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.

કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ  “ અસર” (ASER – એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) ૨૦૨૩ વાંચતા થાય છે.

વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા “પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન” ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે “એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ” પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિદ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલુ સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે.

વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઊંચો છે. ૨૦૨૧-૨૨માં ૬થી ૧૦ વરસનાં બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪થી ૧૮ વરસનાં બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે ? “બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા”નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો “અસર’ તેનો જવાબ છે. ૧૪થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ  પણ આવડે છે.

ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે. ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે.

જેમ ડ્રોપ આઉટનો ઊંચો દર તેમ છોકરા-છોકરીનાં શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે, પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ માત્ર  ૫.૬ ટકા જ વિદ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે.

કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જો કે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો  સ્માર્ટ ફોન છે.  ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે.

‘અસર’ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઊભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણનાં મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે.

ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિદ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વૃદ્ધિ બની શકે.

ચૌદથી અઢાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિદ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિદ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હવે વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

4 April 2024 Vipool Kalyani
← આજે સાંભરે છે અગ્નિશિખા શાં વિમલાતાઈ
ન્યાય તોળનારાનાં ત્રાજવાં અને માપ ન્યાયી છે ખરા ? →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved