Opinion Magazine
Number of visits: 9446154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર : સંક્ષિપ્ત કાર્ય-પરિચય

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘ભારતનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એના ગામડાંઓને વિકસિત કરવાં પડશે.’ ગ્રામોત્થાનમાં જ દેશોત્થાનનું સપનું જોનારા ગાંધીજીના આ વિચારને પોતાનો જીવનમંત્ર બનાવી, તેમના પગલે ચાલનારા કંઈ કેટલા ય લોકો ભારતના ખૂણે ખૂણે બેસીને ચૂપચાપ કામ કરી રહ્યા છે, – ગ્રામોત્થાનનું –દેશોત્થાનનું. આવું જ ખૂણે બેસીને ઝીણું કાંતનાર, સમાજના વિકાસ માટે જીવન સમર્પિત કરી દેનાર એક વિરલ વિભૂતિ એટલે મણિભાઈ સંઘવી. આવો, એમણે સ્થાપેલી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ'નો અને એની કામગીરીનો નાનકડો પરિચય મેળવીએ …

જે વયે સૌ નિવૃત્તિ ઝંખતા હોય છે, તે ઉંમરે કચ્છના એક અદના ગાંધીજન એવા મણિભાઈ સંઘવીએ મહેરામણ અને અફાટ રણથી ઘેરાયેલા કચ્છ જિલ્લાના વાગડ જેવા અતિ પછાત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે તથા ગામડાંઓમાં સાચું સ્વરાજ લાવવા, રાપર તાલુકાના નીલપર ગામના, સોનટેકરી પરિસર પર, ‘ગ્રામ સ્વરાજ સંઘ' નામની સંસ્થા સ્થાપીને સેવાની જે ધૂણી ધખાવેલી. તેને આજે ૪૧-૪૧ વર્ષનાં વાણાં વાઈ ગયાં છે. આટઆટલાં વર્ષોમાં વિભિન્ન પ્રકારે સાતત્યપૂર્ણ રીતે સેવાકીય પ્રવૃત્તિઓનો એક અખંડ પ્રવાહ વહેતો રહ્યો છે.

ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.

સંસ્થાના જન્મ સમયે એટલે કે વર્ષ ૧૯૭૯માં હજુ તો તે પાપા પગલી માંડતી થઈ હતી, ત્યાં જ અતિવૃષ્ટિમાં વિનાશક વરસાદને કારણે થયેલી મચ્છુ હોનારત થકી જે તારાજી સર્જાઈ ને બાપુજીની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક સેવા અર્થે દોડી ગયા. આ હોનારતે રાપર-ભચાઉ તાલુકાના પણ અનેક ગરીબ પરિવારો પાસે ભાંગ્યાં-તૂટ્યાં ઘર અને ઘાસનાં ઝૂંપડાં પણ છીનવી લીધેલાં. તે વખતે સંસ્થા પાસે સાઈકલ લેવા માટેના નાણાના પણ ફાંફા હતા, પણ આવી પરિસ્થિતિ વખતે જંપીને બેસી રહે તો તે મણિભાઈ શાના ? તરત ટહેલ નાખી … મણિભાઈની આગવી સૂઝ અને ચીવટભર્યા આયોજન તથા કાર્યનિષ્ઠાને પરિણામે ઘરવિહોણાંને ઘર બનાવી આપવા રકમો આવતી થઈ, બહુ ટૂંકાગાળામાં મણિભાઈની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.

હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરાઉપર (વર્ષ – ૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા … ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧,૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને રૂ. ૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી, તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

વાગડની આ ઊબળ-ખાબડ અને રેતાળ જમીન પિયત પાણીનો ખૂબ વ્યય કરે. તેથી પૂરતું વળતર ન મળે. તેનો ઉપાય શોધ્યો સિમેન્ટના પાઈપોથી વાડીઓમાં પાણી પહોંચાડવાનો. આ યોજના નીચે ૧૪૧ ગામોના ૧,૦૨૯ ખેડૂતોને ૪,૬૯,૭૩૩ ફૂટ સીમેન્ટ પાઇપ આપી લાખો રૂપિયાનું ઉત્પાદન વધાર્યું અને સેંકડો લોકોને રોજગારીની તક પૂરી પાડી દુષ્કાળમાં રોજગારી અર્થે થતાં સ્થળાંતરને અટકાવ્યું.

આવાં તો અનેકાનેક કામો થયાં પણ સંસ્થાના સ્થાપક મણિભાઈ સંઘવીએ પૂજ્ય માતાજીના જાણીતા વિધાન ‘તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો’ને પોતાનો જીવનમંત્ર માનેલો. આ વિધાનને અનુસરીને ચૂપચાપ જે કામો થતાં રહ્યા તેની એક આછેરી ઝલક મેળવીએ.

શિક્ષણ

સમાજમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા બાળકોને સુટેવોના ઘડતર સાથેની ગાંધી વિચારધારા મુજબની અનુબંધની કેળવણી આપવાના પણ મંડાણ કર્યા, તેના પરિપાક રૂપે આજે સંસ્થાના વલ્લભપુર અને નીલપર કેમ્પસના મળીને કુલ ૫૦૦ જેટલા વંચિત સમુદાયોનાં કુમાર – કન્યાઓ પ્રતિવર્ષ ઉત્તમ શિક્ષણનો લાભ મેળવી રહ્યાં છે. આ વિસ્તારના વંચિત સમુદાયોમાં કન્યા કેળવણીનું પ્રમાણ હજીએ નહિવત છે તેથી સંસ્થાએ કન્યા કેળવણી માટેનો એક વિશેષ યજ્ઞ આદર્યો છે, જેમાં સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. દાન આધારિત આ યજ્ઞમાં પ્રતિ વર્ષ ૧૨૫ બાળાઓને મફત નિવાસી શિક્ષણ આપવામાં આવે છે, ને તેની પાછળ દર વર્ષે રૂપિયા ૨૫ લાખ જેટલો ખર્ચ થાય છે.

પર્યાવરણ સુરક્ષા –

પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧,૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બાર ગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી, સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. ભારતનાં સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે દેશી વૃક્ષો જેવાં કે લીમડો, બોરડી, વડ, ગુગળ, દેશી વગેરેનું જે લોકો મુખ્યત્વે વૃક્ષો કાપીને કોલસા બનાવે છે, એ લોકોમાં વૃક્ષો ઓછાં કપાય, દેશી વૃક્ષોને સમજીને કાપે ને કોલસા માટે માત્ર ગાંડા બાવળનાં વૃક્ષોનો ઉપયોગ કરે, આ જાતના સંસ્કાર પડે, પર્યાવરણ બાબત નિસ્બત કેળવાય અને લોક જાગૃતિ વિકસે એ પણ સંસ્થાનો મુખ્ય હેતુ છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોનાં છોડ આપીને તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.

રાહત પ્રવૃત્તિઓ –

કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય … બે-ચાર ઉદાહરણ લઈએ …. ઈ.સ. ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનોને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણાં બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ. ૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧,૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.

હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪,૪૯૬ પરિવારોને તુરત સેમી-પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સીવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧,૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડાં સામે રક્ષણ આપે તેવાં પાકાં મકાનો બનાવી આપ્યાં. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧,૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું.

પોતાના વિસ્તારમાં તો સંસ્થાએ કામ કર્યું જ છે, પણ જે પ્રદેશની ભાષા પણ ન્હોતી આવડતી એવા તમિલનાડુમાં આવેલ ત્સુનામીમાં પણ સેવાર્થે દોડી જનાર સંસ્થાઓમાં આપણી સંસ્થા અગ્રેસર રહી છે. અજાણ્યા પ્રદેશમાં આરોગ્યસેવા, બાળકો માટે વિશેષ કામગીરી, રાહત છાવણીઓની સફાઈ, કામચલાઉ નિવાસોનું નિર્માણ, શાળાનું પાક્કું મકાન બાંધવું, કમ્પ્યુટર ક્લાસ ચલાવવા, તથા એન.જી.ઓ. સંકલન જેવાં અનેકવિધ મહત્ત્વનાં કામો થઈ શક્યાં તેનો આનંદ છે.

હજી તો કંઈકેટલું કહેવાનું બાકી રહી જાય છે. અરે ! હા .. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧,૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.

લોકજાગૃતિ અને લોકસંગઠન

અહીં અંતરિયાળ વાંઢો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકો યથાર્થ રીતે તેનો લાભ લઈ શકે તે માટે સંસ્થા વર્ષોથી લોકસંગઠન અને લોકજાગૃતિના કાર્ય કરે છે. ક્રાયના સહયોગ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ અહીં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો સ્ટેપ નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે. તેમનાં આ કામનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. તેમના પ્રયત્નો થકી ૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકી છે. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરવવા મથામણ ચાલે છે. ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧,૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ૧૪૦ વાંઢોમાં વીજળીનું જોડાણ અપાવવામાં આવ્યું છે. ૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે, જ્યારે ૭૬ વાંઢને સરકારના સહયોગથી પાકા રસ્તા વડે જોડાણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે. ૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.

સેવાકીય પ્રવૃતિઓ

ભર ઉનાળે બે માસ સુધી ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલાં ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી રહે છે.

પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …

બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીને કોઈએ પૂછ્યું કે આટઆટલાં કામ તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એમણે વિનમ્રભાવે જવાબ આપેલો કે, ‘ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટાં કામ કરાવી શકે છે …. બાપુજીના દેહાવસાન બાદ તેમનાં અનુગામીઓએ આ કાર્ય પરંપરાને જીવંત રાખી છે. આ બધું નજીકથી નિહાળવા આપ સૌ સંસ્થાની મુલાકતે આવશો તો અમને બહુ જ ગમશે ….

સૌને જય જગત ….

સૌજન્ય : રમઝાનભાઈ હસણિયાની ફેઈસબૂક દિવાલેથી સાભાર

https://www.youtube.com/watch?fbclid=IwAR2CEOq5wgfElx9z4ew7xZjRdDzHQeSvqwbkJMi9CxLTSuKE3vDaUp2ieo0&v=BWQspzqJj24&feature=youtu.be

Loading

5 January 2021 admin
← ‘ધ ન્યૂ ગોસ્પેલ’ : ખેતમજૂરોના સંઘર્ષ અને હકની કહાની!
દર્પણ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved