આજે જરા ગમ્મ્ત કરીએ. વાત ઘરમાં ગોઠવાતી વસ્તુઓની છે. સ્ત્રી અને પુરુષ પરાણે, પરોણીએ કે પરોણાએ પરણે છે ને ઘર હોય તો પણ, ઘર માંડે છે. ઘણાંને, ઘર માંડે છે ને ઘણાંને, ઘર ભાંડે પણ છે. આમ તો વર-વહુ જ માંડ ગોઠવાતાં હોય ત્યાં ઘર ગોઠવવાનું તો અઘરું જ છે. પરણીને આવ્યાં પછી રોકડની વ્યવસ્થા એટલી અઘરી નથી, જેટલી ચીજ વસ્તુઓની છે. વસ્તુઓ ઓછી હોય તો પતિપત્નીએ જ ગોઠવાવાનું રહે છે, પણ રાચરચીલું વધારે હોય, વાસણો વધારે હોય, કપડાંલત્તાં વધારે હોય તો લત્તા, પત્તા, વત્તા માથું (હોય તો) દુખવી દે છે. આ દુખાવો એટલો ચેપી હોય છે કે તે બીજા સભ્યોને ય લાગે છે.
ઘર ગોઠવાઈ જાય છે તો તે બહુ સુંદર લાગે છે, પણ નથી ગોઠવાતું તો પતિપત્ની વચ્ચે કચકચ, રકઝક, રમઝટ ચાલ્યા કરે છે. ઘર ગોઠવાઈ જાય ને પતિપત્નીની સંમતિથી, તેમની જાણમાં ગોઠવાય છે તો બહુ વાંધો નથી આવતો. જો કે, એ ગોઠવણી પહેલાં બંનેમાં ચડભડ, ભડભડ થઈ ચૂકી હોય એમ બને, પણ એકબીજાની જાણ બહાર ચીજવસ્તુઓ ગોઠવાય છે તો વસ્તુઓ ન જડવા બાબતે એકબીજાનો વાંક કઢાતો રહે છે. આમ તો રસોડામાં પતિ ખાવા પૂરતો જ ઘૂસતો હોય છે એટલે રસોડામાં શું છે, શું નહીં, એ એની ચિંતાનો વિષય નથી, હા, પત્ની પિયર ગઈ હોય ને ચા પણ પતિએ મૂકવાની હોય તો બને તે ચા જ છે એની કોઈ ખાતરી પતિ પોતે પણ આપી શકતો નથી. એમાં જો ખીચડી મૂકવાની હોય તો તે ન ચડી હોય એવા અસંખ્ય દાખલાઓ મળી રહેશે. એ સિવાય પત્નીએ રસોડામાં કે ફ્રિજમાં શું ને કેમ મૂક્યું છે એ પતિના રસનો વિષય લગભગ હોતો નથી, સિવાય કે તૈયાર કશું ખાવાપીવાનું સીધું હોજરીમાં નાખવાનું હોય. એમાં પણ નાની નાની ચીજ વસ્તુઓ નથી જડતી તો આંખો ચકળવકળ થતી રહે છે ને એકબીજાને સંભળાવાતું રહે છે. એમાં કોઈ એક શ્રોતા બની રહે તો બહુ વાંધો નથી આવતો, પણ બંને બોલકાં હોય તો ઢોલકાં આખા મહોલ્લામાં વાગે છે. એક જણ બોલે તો બીજો સાંભળે છે, પણ બંને બોલે તો આખો મહોલ્લો સાંભળતો હોય છે.
એમાં જો કોઈ એક વાસ્તુ જાણતું હોય તો વસ્તુનું આવી બને છે. બેડ કઈ દિશામાં રાખવો, દેવસ્થાન કઈ તરફ વધુ સારું કે રસોડું ક્યાં હોય જેવી બાબતમાં એટલી પંચાત થાય છે કે પંચાયત બેસાડવી પડે. વસ્તુમાં બંને માનતા હોય તો માનતા એક જગ્યાની મૂકવાની થાય ને એવું ના થયું હોય તો માનતા, માનતાં થાકી જવાતું હોય છે. બધું ગોઠવી શકાય તો પણ કોઈ વહેમ કે શંકા ઊભી જ રહે છે. વસ્તુ ગોઠવાયા પછી શરૂ થાય છે અવ્યવસ્થાઓ. પતિ અપવાદરૂપે જ વ્યવસ્થામાં માનતો હોય છે. બહારથી આવ્યાં પછી બૂટમોજાં ચોક્કસ જગ્યાએ કાઢે તો તે મૂર્ખ ન હોય એવું ભાગ્યે જ બને. એક પતિને ચોકસાઈની એવી ટેવ છે કે તે પત્ની બહારથી આવીને સેન્ડલ ગમે ત્યાં કાઢે છે તો બબડી ફફડીને રેકમાં મૂકી આવે છે. નહાઈને ટુવાલ બેડ પર ન નાખે તો પત્નીને પણ શંકા પડે છે કે ટુવાલ ઠેકાણે મૂકે છે તો નક્કી એનું ઠેકાણે નહીં જ હોય ! પતિ એઠું મૂકે કે થાળીમાં હાથ ધૂએ તો પત્નીને ગમતું હોતું નથી ને તે ટોકે જ છે ને પતિ ડાહ્યો હોય (જે ભાગ્યે જ હોય છે) તો થાળી સિંકમાં મૂકતો જ નથી, ધોઈ પણ નાખે છે.
ઘણાં ઘરોમાં પતિપત્ની, બંને ચોક્કસ હોય છે અથવા તો અચોક્કસ હોય છે, એ સ્થિતિમાં ફરિયાદો બહુ હોતી નથી, પણ કોઈ એક અચોક્કસ હોય છે તો જે ચોક્કસ હોય છે તેનું બી.પી. વધતું રહે છે. મોટે ભાગે બી.પી. પત્નીનું વધતું હોય છે, કારણ પતિ, થઈ શકે એટલી અવ્યવસ્થા કરવાનું નિમિત્ત બનતો જ રહે છે. બહારથી આવીને પતિ કપડાં ગમે તેમ નાખતો હોય છે. ખીંટીઓ ખાલી જ રહે છે ને સોફા, બેડ વગેરે કપડાંથી ભરાઈ રહે છે. એવું કોઈ કિસ્સામાં પત્ની પણ કરતી હોય છે. સાડી વાવટાની જેમ ફરકતી રહે છે ને પત્ની એમાંથી ક્યારની બહાર આવી ગઈ હોય છે.
ઘણી સ્ત્રીઓ રાંધીને, તો ઘણી ન રાંધીને, રસોડું ચોખ્ખું રાખતી હોય છે. ઘણી રાંધીને તો ઘણી ન રાંધીને ય રસોડું ગંદું રાખે છે. ઘણાંનાં ફ્રિજ ખાલી જ હોય છે, કારણ બધી વસ્તુઓ બહાર જ રખડતી હોય છે, તો ઘણાંનાં ફ્રિજ એટલાં ભરેલાં હોય છે કે અંદરથી દૂધની કોથળી કાઢો તો દહીં પણ બહાર આવવા પડાપડી કરે. એમાંની અઠવાડિયા જૂની રોટલી કૂતરાંને નાખવામાં આવે તો એ પણ ઉપવાસ કરવાનું શરૂ કરી દેતાં હોય છે, તો ડીપ ફ્રિજમાં ચાર દા’ડાની દાળઢોકળીને બરફનું વરખ ચડી ગયું હોય એવું પણ બને છે. એવું પણ બને છે કે દૂધ બહાર રહીને ફાટી ગયું હોય ને બ્રેડ, ફ્રિજમાં લાકડા જેવો જામી ગયો હોય. ઘણાં ઘરોમાં મિસમેનેજમેંટ જ મેનેજમેંટનું બીજું નામ છે. ઘણીવાર ઘરોમાં એટલો ખીચડો થતો હોય છે કે જોઈતી વસ્તુ સમય પર મળતી નથી. હોય છે બધું જ, પણ જ્યારે જે જોઈતું હોય ત્યારે તે મળતું નથી.
આમાં અવ્યવસ્થા જ હોય છે એવું પણ નથી, પણ ક્યાં, શું મૂકેલું તે યાદ આવતું નથી ને એને કારણે પણ જોઈતી વસ્તુ મળતી નથી. ઘણીવાર ચોક્કસ જગ્યાએ કોઈ વસ્તુ મૂકેલી હોવાની ખાતરી હોય ને એ વસ્તુ તે જગ્યાએ ન જડે તો અકળામણ વધી પડે છે. એમાં ખરેખર તો એવો ખ્યાલ રહી ગયો હોય છે કે અમુક જગ્યાએ વસ્તુ બરાબર મૂકેલી જ છે, પણ કોઈક વખતે મુકાયેલી વસ્તુનો ભ્રમ રહી જાય છે ને વસ્તુ નથી મળતી તો પ્રાણપ્રશ્ન સામે ઊભો થાય છે – મોબાઈલ અહીં જ મૂકેલો હતો, તો દસ મિનિટમાં જાય ક્યાં? પછી જ્યારે કોઈનો ફોન આવે ત્યારે ખબર પડે કે એ તો પહેરેલી કફનીમાં જ વાગે છે. ચશ્માં પહેરેલાં હોય ને પતિ શોધ્યા જ કરતો હોય એવું ક્યારે નથી બનતું? બને જ છે. એટલું સારું છે કે સામે દેખાતા પતિને, પત્ની પૂછતી નથી કે કાલના નોકરીએ ગયા છે, હજી મિસ્ટર આવ્યા નથી. તમે જોયા છે? એવું જ પતિ પણ પૂછે તો નવાઈ નહીં કે કાલે તારું પહેલું શ્રાદ્ધ છે, શું બનાવશે?
ઘણી વાર એમાં સંતાનો મોટી ભૂમિકા ભજવતાં હોય છે. સંતાનો એટલે જ અવ્યવસ્થા. વસ્તુને ઠેકાણે રહેવા દે તો એ બાળક નહીં ! મમ્મી-પપ્પાની ચીજવસ્તુઓ પર બાળકોની નજર રહેતી હોય છે. એમને થાય છે કે પપ્પાની પેન, તેની ટૂથપેસ્ટ, તેની બુક્સ, તેનું લેપટોપ … વગેરે જોવા મળે, વાપરવા મળે કે મમ્મીનું પર્સ, તેનું નેઇલ પૉલિશ, તેની બંગડી … જોવા, વાપરવા મળે ને એ વસ્તુ મમ્મી-પપ્પા બાળકોથી દૂર જ રાખતાં હોય તો બાળકોનું કુતૂહલ વધે છે ને લાગ મળતાં બાળકો બધું જ ફેંદી નાખતાં હોય છે ને મમ્મી-પપ્પા આવીને જુએ છે તો ઘર કબાડખાનું થઈ ચૂક્યું હોય છે. એ પછી મમ્મી-પપ્પાનું મગજ ફાટે ને બાળકોને ઝૂડી નંખાય તો નવાઈ ન લાગવી જોઈએ. પત્નીને એકબીજા સામે વાંધો હોય તો તેઓ બાળકોને કહેતાં નથી, પણ તેમને ઝૂડી નાખે છે. માબાપ માટે સંતાનો કાળ ઉતારવાનું ઉત્તમ નિમિત્ત છે. એમાં બાળકોને માર ખાવાનો વાંધો નથી હોતો, પણ એ ખબર નથી પડતી કે એમનો વાંક શું છે?
નાની નાની વસ્તુઓ નથી જડતી ત્યારે કાળજીથી ગોઠવેલાં ઘરનો કોઈ અર્થ પતિ-પત્નીને લાગતો નથી. ગોઠવવાની જરૂર જ એટલે છે કે બધું વ્યવસ્થિત રહે, જોઈએ ત્યારે વસ્તુ જડે. એ જ ન થતું હોય તો આખી વ્યવસ્થાનો કોઈ અર્થ લાગતો નથી. પણ, ગમે એટલી ઉત્તમ વ્યવસ્થા છેવટે તો અવ્યવસ્થામાં પરિણમતી જ હોય છે. લગ્ન પછી માંડવો છૂટે જ છે. ક્લાઇમેક્સ પછી ફિલ્મ પૂરી થતી જ હોય છે. શૂટેડ બૂટેડ પણ, છેવટે તો લુંગી બનિયનમાં આવતો જ હોય છે, એમ જ એક ઉત્તમ વ્યવસ્થા કે અવસ્થા પછી ફેરફાર આવે જ છે એટલે બધું સારું, સુઘડ, વ્યવસ્થિત હોય તો તે જોવાનું ગમે જ, પણ એનો ઉપયોગ થાય એટલે જ એ વ્યવસ્થા ઊભી થતી હોય છે. જો ઉપયોગ જ ન થાય તો બધું વ્યવસ્થિત જ રહે ને ! જો ઉપયોગ જ ન હોય તો એ વ્યવસ્થા કે વસ્તુની જરૂર જ શી છે? એટલે ઉપયોગ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે ઉપયોગ નથી ને ઉપયોગ થાય તો વ્યવસ્થા બદલાય, બગડે એમ બનવાનું. જોવાનું એટલું જ રહે કે એવી અવ્યવસ્થા ન થવી જોઈએ જે મોટી હાનિને નોતરે. એટલું થાય તો પછી બહુ ચિંતાને કારણ નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com