Opinion Magazine
Number of visits: 9504398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘેલી વસંત આવી રે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 February 2020

હૈયાને દરબાર

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફૂલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે … ઘેલી વસંત આવી રે!

ધરતીમાની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલાં પટોળાં રહ્યાં બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગૂંજી ઊઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

ભીક્ષા યાચે ફૂલડે ફૂલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાન પાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે
મધુર એને પગલે પગલે ગુંજે રૂમઝુમ ભાષા
સૂણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગૂંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી,
ઘેલી વસંત આવી રે …
… આનંદ કેરી લહેરે

•   ગીત-સંગીત : નિનુ મઝુમદાર   •   સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

http://tahuko.com/?p=721

——————-

સાલ ૨૦૦૦. તારીખ ત્રણ માર્ચ. વિલેપાર્લેના સરોજિની રોડ પરના પ્રદીપ બિલ્ડિંગના પટાંગણમાં એક દેહ નિશ્ચેત પડ્યો છે. સગાં-સ્નેહીઓ, મિત્રો, ચાહકો-પ્રશંસકોથી ઘેરાયેલા એ દેદીપ્યમાન દેહને એક સંગીતચાહક તરીકે વંદન કરું છું. એ દિવસે ત્યાં ગઈ હતી તો પત્રકારને નાતે, સંગીતકારની શ્રદ્ધાંજલિનો રિપોર્ટ લેવા. પરંતુ, આખા સંગીત પરિવારને એક સાથે મળવાનો આ પહેલો પ્રસંગ હતો. જેમનાં ગીતો રેડિયો પર સાંભળીને હું મોટી થઈ હતી એ પ્રિય સંગીતકાર નિનુ મઝુમદારનું મારું એ પહેલું અને છેલ્લું દર્શન! એમને હયાતીમાં મળવાનું ન બન્યું એ રંજ હજુ ય છે.

કવિ જવાહર બક્ષીએ નિનુ મઝુમદારના પુત્ર ઉદય મઝુમદારની ઓળખાણ કરાવી હતી અને ઉદય મઝુમદારે માતા કૌમુદી મુનશી તથા એમની ત્રણ બહેનો રાજુલ મહેતા, સોનલ શુક્લ, મીનળ પટેલનો પરિચય કરાવ્યો. ત્યારની ઘડી અને આજનો ’દિ, આખા પરિવાર સાથે મૈત્રી સંબંધ કેળવાયો અને ઉત્તરોત્તર ઘનિષ્ઠ થતો ગયો. પછી તો અવારનવાર નિનુભાઈ-કૌમુદીબહેનને ઘરે જવાનું થાય ત્યારે સંગીતનો પટારો ખૂલે. ઉદયભાઈ ક્યારેક પિતા નિનુભાઈનાં અદ્ભુત ગીતો સંભળાવે તો ક્યારેક પોતાનાં નવાં સ્વરાંકનની લ્હાણી પીરસે. વચ્ચે વચ્ચે કૌમુદી બહેનની આગતા સ્વાગતા તો ખરી જ. કંઈક નવી વાનગી બનાવી હોય એ ચખાડે અથવા તો ક્યારેક પોતે ય સંગીતના પ્રવાહમાં ખેંચાઈને મનગમતી ઠુમરી, દાદરા કે કોઈક લોકગીત સંભળાવે.

હજી ગત ત્રીજી ફેબ્રુઆરીએ જ કૌમુદી મુનશીએ ૯૧ વર્ષ પૂરાં કર્યાં. ૯૧ વર્ષે ૧૯ વર્ષ જેટલી તાજગી અને સ્ફૂર્તિ ધરાવતાં આ ‘નાઈટિંન્ગલ ઑફ ગુજરાત’ની સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટીમાં કૌમુદી મુનશીની સંગીતયાત્રા સાથે નિનુ મઝુમદારનાં સંગીત પ્રદાનની વાત ચાલતી હતી ત્યારે આજનું આ ગીત મને ખાસ યાદ આવ્યું હતું. વસંત ઋતુએ આગમનની છડી પોકારી હોય ત્યારે આ ગીતનું સ્મરણ થયા વિના રહે?

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફૂલડાં અપરંપાર,
ઘેલી વસંત આવી રે … ઘેલી વસંત આવી રે!

પંખીઓએ કલશોર કર્યો જેવા અત્યંત લોકપ્રિય ગીતથી લઈને વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે જેવા નિતાંત શાસ્ત્રીય ગીત તેમ જ સત સૃષ્ટિ તાંડવ રચયિતા જેવા પૂર્ણપણે તાલગીત સુધીની રેન્જ ધરાવતા નિનુ મઝુમદાર કાવ્ય, સંગીત અને ગાયન આ ત્રણેયમાં માહેર હોવાથી અવિનાશ વ્યાસે એમને ‘બીલીપત્ર’નું બિરુદ આપ્યું હતું. તેઓ નાટ્ય દિગ્દર્શન તથા અભિનય પણ કરતા હતા. સંસ્કૃત, વ્રજ, મૈથિલી, ભોજપુરી, અવધી, બંગાળી તેમ જ ગુજરાતી સાહિત્યના અભ્યાસ ઉપરાંત સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા બંગાળનું લોકસંગીત, રવીન્દ્ર સંગીત અને રાગદારીનો પણ અભ્યાસ. રાજ કપૂરની આરંભિક ફિલ્મો ‘જેલયાત્રા’ તથા ‘ગોપીનાથ’માં સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘ગોપીનાથ’ના ગીત આઈ ગોરી રાધિકા … પરથી જ રાજ કપૂરે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં યશોમતી મૈયા સે બોલે નંદલાલા…માં એ જ ધૂન લેવાનો આગ્રહ રાખ્યો હતો. લગભગ બધા જ અગ્રગણ્ય કલાકારોએ નિનુભાઈના સંગીત નિર્દેશનમાં ગાયું છે. એમની ૭૫મી વર્ષગાંઠે સંગીતના કાર્યક્રમ સાથે રૂ. ૭૫,૦૦૦ની થેલી અર્પણ કરવાનો કોઈકે પ્રસ્તાવ મૂક્યો તો એમણે ધરાર ના પાડી દીધી હતી. કહે, વાહવાહી સાથે નાણાં? મારે બેમાંથી કંઈ જોઈએ નહીં. આવા એ અલખ નિરંજન (એમનું મૂળ નામ નિરંજન મઝુમદાર) અલગારી હતા. એમના યાદગાર રેડિયો રૂપકો ‘સીતાયણ’ તથા ‘ગંગાવતરણ’ને લોકો હજી યાદ કરે છે. સીતાયણના લગભગ ૮૦ કાર્યક્રમોમાં તબલાં સંગત કરી ચૂકેલા હેમાંગ વ્યાસે બહુ યોગ્ય વાત કહી કે નિનુભાઈનાં ગીતોમાં લય ગીતની અંદર જ સમાયેલો છે. સત સૃષ્ટિ તાંડવ ગીત હોય, રક્ષા કરો જગદંબા, ઉગમણેથી કારવાં ચાલી કે પછી ઘેલી વસંત આવી રે … ગીત હોય, લય આપોઆપ એની જગ્યા કરી લે છે.

ઉદય મઝુમદાર તથા રેખા ત્રિવેદીએ ગાયેલું ગીત ઘેલી વસંત આવી રે…માં વાદ્યસંગીત પ્રભાવક છે. આ ગીત હિન્દી ફિલ્મના લાજવાબ ગીત કુહૂ કુહૂ બોલે કોયલિયાની યાદ અપાવે એવું મધુર અને કર્ણપ્રિય છે. મહદ્દઅંશે રાગ બસંત અને સોહની પર આધારિત આ ગીતના શબ્દો પણ વસંતનું દ્રશ્ય આબેહૂબ ખડું કરી આપે છે. કુહૂ કુહૂની જેમ આ ગીતમાં પણ રાગ વૈવિધ્ય છે.

પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છૂટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે …!

સુંદર મજાની ઉપમા-અલંકારો સાથેના આ ગીતનું સંગીત અને શબ્દો બેમિસાલ છે!

ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ શબ્દો સાથે જ્યારે આ ગીત શરૂ થાય, ત્યારે કોઇ પણ ઋતુમાં વસંતનું વાતાવરણ ઊભું કરી શકે છે. જેટલીવાર સાંભળો, એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવું સુંદર ગીત.

આ ગીત સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા અશ્વિની ભીડે દેશપાંડેએ પણ ગાયું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાંથી બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ કરનાર અશ્વિની ભીડે દેશપાંડેએ આ ગુજરાતી ગીત અનોખા ગરબા યોજતી મુંબઈની જાણીતી સંસ્થા ‘કલાસંગમ’ના ગરબા માટે ઉદય મઝુમદાર સાથે ગાયું હતું અને લોકચાહના પામ્યું હતું. અશ્વિનીજીના અવાજમાં પણ આ ગીત સાંભળવા જેવું છે. કાર્યક્રમોમાં ઉદય-રેખાની જોડી આ ગીત રજૂ કરે છે.

ઉદય મઝુમદાર આ ગીત વિશે કહે છે કે, "આ ગીત એના સ્વરાંકન અને લયને લીધે અમે જ્યાં ગાયું છે ત્યાં લોકપ્રિય થયું છે. અમદાવાદના એક પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં અનેક ગીતો પ્રસ્તુત થયાં હતાં પણ છાપાંની હેડલાઇન આ ગીત જ બન્યું હતું. મારા પિતા નિનુ મઝુમદારે વૈવિધ્યસભર ગીતો રચ્યાં છે એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ હકીકત છે. દૂરદર્શન પર વર્ષો પહેલાં મારો અને રજત ધોળકિયાનો ઈન્ટરવ્યૂ આવ્યો હતો એ જોઈને અવિનાશ વ્યાસે મારા પિતાજીને ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે તારો દીકરો તારો વારસો સાચવશે. અતિ વ્યસ્ત સંગીતકાર અવિનાશ વ્યાસે એ મુલાકાત જોઈ અને પ્રતિભાવ આપ્યો એ ઘણી મોટી વાત હતી મારે માટે. પપ્પાનું આ ગીત ગાવાની ખરેખર મજા આવે છે કારણકે ગીતમાં વસંતની તાજગી છે અને પ્રકૃતિનો લય છે.

કોઇ ગીત તમને એના શબ્દોને લીધે ગમી જાય, કોઇ એના સંગીત કે પછી કોઇ ગાયકીને લીધે. પણ આ ગીતમાં ત્રણેયનું મજેદાર સંયોજન છે.

આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કરવી જ પડે. પછી એ કરિયાવરનાં લીલાં પટોળાં હોય, ભીક્ષા માંગતા ભમરાનો ગુન ગુન કરતો એકતારો કે રાત-દિવસનો ગરબો. વસંતનો ઉત્સવ ઉજવતા માનસપટ પર દરેક કડી એક અલગ જ ચિત્ર ઊભું કરી દે છે.

શાસ્ત્રીય સ્પર્શ ધરાવતા આ ગીતનું સંગીત તથા વાદ્ય અરેન્જમેન્ટ ધ્યાનાકર્ષક છે. આખા ગીતમાં વાગતા તબલાં, સિતાર અને ખંજરી ખાસ ધ્યાન ખેંચે છે. નાચે છે નટરાજ નચાવી. આ કડી પછી જે ફક્ત તબલાં વાગે છે, એ સાંભળીને તો જાણે નાચવાનું મન થઇ જાય!

ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદીની જોડીનો કંઠ ગીતને યથોચિત ઊંચાઈ આપે છે. બે ગાયકો વચ્ચે જ્યારે આવો સરસ તાલ-મેલ હોય, ત્યારે એ ડ્યુએટ ગીતની મજા જ નિરાળી હોય છે.

યુટ્યુબ ઉપર આ ગીત તમે સાંભળજો. રોમે રોમમાં વસંત વ્યાપી જશે.

———————–

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=621065

Loading

6 February 2020 admin
← કોઈ ડાહ્યો મુસલમાન હિંદુ બહુમતી દેશમાં નાગરિકત્વ માંગે નહીં
સી.એ.એ., ગાંધીવિચાર, શિક્ષણ જેવા વિષયો પરનાં, સર્જન, સંશોધન અનુવાદનાં નોંધપાત્ર પુસ્તકોનો ફાલ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved