Opinion Magazine
Number of visits: 9446335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલસાહિત્યનો નવો સશક્ત અવાજ 

Opinion - Literature|24 November 2022

‘હાજર હ્રદયથી હોઈએ’ – (ગઝલસંગ્રહ) લેખક : વિકી ત્રિવેદી – પ્રકાશક : મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ 2022

છેલ્લા એકાદ વર્ષથી ગઝલકાર વિકી ત્રિવેદી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. તેઓ ફેસબુક પર દરરોજ એક ગઝલ મૂકે, જેના આઠ-દસ-બાર શેર હોય, બધા જ શેર દમદાર હોય અને દરેક શેરમાં અનુભૂતિનો રણકો હોય. આવું એક-દોઢ વર્ષ ચાલ્યા પછી, હમણાં જ તેમણે ‘હાજર હ્રદયથી હોઈએ’ નામે પૂરી એકસો એકાવન ગઝલનો સંગ્રહ પ્રકાશિત કર્યો. ‘કલમ કરતાં નાની વયનો કવિ’ (ભાવેશ ભટ્ટ), આશાસ્પદ ગઝલકાર (ગૌરાંગ ઠાકર), ગઝલવિશ્વનો તેજસ્વી તારક (રઈશ મનીઆર) – અધિકારી પૂર્વસૂરિઓ દ્વારા વધાવાયેલ વિકી ત્રિવેદીએ સર્જનની શરૂઆત ‘સંધ્યા સૂરજ’ નામની નવલકથાથી કરી તે પણ નોંધવું જોઈએ. અન્ય નવલકથા અને અનુવાદના બાર-તેર પુસ્તકો પછી તેઓ ગઝલની ગલીમાં વળ્યા અને નોન-સ્ટોપ એટલે કે સંગ્રહ પછી પણ આજ પર્યંત ગઝલ કહેતા જ રહ્યા છે. આ અગાઉ સોશિયલ મીડિયા થકી જે સર્જક આપણને મળ્યા, તે પારૂલ ખખ્ખર. એ જ માર્ગે પોતાની મહત્તા – ઇયત્તા અને ગુણવત્તા – બંનેની દૃષ્ટિએ સિદ્ધ કરનાર વિકી ત્રિવેદી નવી પેઢીનો સર્જક કેવો હોય તે બતાવી આપે છે.

‘હાજર હ્રદયથી હોઈએ’ની ગઝલોમાં પરંપરા અને નાવીન્યનું અજબ રસાયણ રચાયું છે. અત્યંત ઉર્જાવાન (ફેસબુક યુઝર્સને ખબર છે) વિકીએ નાની ઉંમરમાં અભાવો જોયા છે. આર્થિક પાયમાલીનો જાતઅનુભવ તેને સમસંવેદનશીલ બનાવે છે. આર્થિક ગરીબી સાથે તેણે માણસાઈની ગરીબી પણ નજીકથી જોઈ છે. આમ જીવનની વાસ્તવિકતા, વાચનશોખ, અને દેખાતા વિરોધાભાસ અને વિડંબના તેની ગઝલોને તીક્ષ્ણ અને ધારદાર બનાવે છે. પહેલી જ ગઝલનો આ છેલ્લો શેર જુઓ.

જાણું છું જિંદગી બધાની બેવફા જ છે 

લાગે છે તો ય સાલી બીજાની સરસ મને (પૃ. 25)

‘સાલી’ – આત્મીયતાસૂચક અપશબ્દનો સહજ અને જાયકેદાર ઉપયોગ અન્યત્ર પણ જોવા મળશે. ક્રમમાં બીજી ગઝલમાં એક શેર અપરિમેય વિશાળતા બતાવે છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ 

હે ! આસમાન, બોલ તું કોનું કપાળ છે ? (પૃ. 26)

કલ્પનોત્થ વ્યાપકતા ભાવકને વિસ્ફારિત કરી મૂકે છે !

મરીઝનો આ શેર આપણને સૌને યાદ છે ..

  હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં 

  તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને 

વિકી કહે છે, 

સમજી ગયો છું જ્યારથી સૌની સમજને હું

કહેતો નથી હું કોઈને ‘તું પણ સમજ મને’ (પૃ. 27) 

મરીઝમાં ‘જોવું’ અને અહીં ‘સમજવું’નું તત્ત્વજ્ઞાન છે. એવો જ આ શેર પણ સાથે જોઈ લઈએ.

‘સમજણ વિષે છે મારો અનુભવ જરા અલગ 

 સમજ હશે એ કોઈને સમજાવશે નહીં’(પૃ. 72) 

ક્યારેક વ્યક્તિ ખૂબ ઝઘડીને પણ નૈકટ્ય કેળવે છે.

સ્વયંથી મને જે નિકટતા મળી છે 

એ ખુદથી ઝઘડતાં ઝઘડતાં મળી છે ! (પૃ. 29)

આ મત્લાથી શરૂ થતી આખી ગઝલના સાની મિસરામાં પુનરુક્તિનો સાર્થક પ્રયોગ આસ્વાદ્ય છે. જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન, મુખભાવ, વગેરે જુદાં જુદાં હોય છે. સર્જકચિત્તમાં આવી તમામ ઝીણી ઝીણી વાતો ઝિલાતી હોય છે અને યથાકાળે યથાસ્થળે પ્રયોજાતી હોય છે. આ શેર જુઓ …

એકરાર કરવા આવ્યા હશે કેમ માનવું ?

ચહેરા ઉપર તો એમના કાંઈ મૂંઝવણ નથી (પૃ. 31) 

પ્રણયભાવને વ્યક્ત કરતો આ શેર માતબર કવિઓના અશઆરની યાદ અપાવડાવે છે. છેતરાવાનો પણ આનંદ હોય છે પરંતુ ક્યાં સુધી ? જુઓ, વિકી કહે છે,

 હા, છેતરાવું તો ગમે છે તારા હાથથી 

 પણ દોસ્ત શું કરું હવે એ ભોળપણ નથી (પૃ. 31)

આ લેખ લખાય છે ત્યાં સુધી વિકી ત્રિવેદીના ઘણા શેર ભાવકોની જીભે ચઢી ગયા છે તેથી તેનું પુનરાવર્તન નહીં કરું. આ કવિના શેર કેમ તરત જ સર્વસ્વીકૃત થઈ ગયા? એનું કારણ છે, વિચાર / ઊર્મિ અને અભિવ્યક્તિની સ્પષ્ટતા અને સરળતા. તેમને ખૂબ આસાનીથી સૂક્ષ્મ વ્યંગ કરતાં પણ આવડે છે. કેટલાક શેર ટાંકું …

જે જે સફળ થયા એ રસ્તો નહીં બતાવે 

એ કારણે મેં કેવળ નિષ્ફળ વિશે લખ્યું છે (પૃ. 38)

બંને તો શક્ય કેવી રીતે થઈ શકે ‘વિકી’?

માણસ બનાય કાં તો સફળ થઈ શકાય છે (પૃ. 71)

આટલી ઊંચી ગઝલ ના લાખ કવિ 

આ જગતને છીછરાની ટેવ છે. (પૃ. 78)

ઈશ્વર પર થયેલ વ્યંગ જુઓ … 

એની ભૂલો તો એને ખબર પણ નહીં પડે

ઈશ્વરની સામે કોણ અરીસો ધરી શકે? (પૃ. 56)

બાળકને કૈંક થાય તો એ આવે જાન પર 

ને તારે આવવું છે પ્રભુ માના સ્થાન પર ?(પૃ. 63)

પીડામાં રસ લેતા સમાજના લોકોના નિમ્ન કક્ષાના અભિગમ પરત્વેનો વ્યંગ જુઓ.

એ રીતે મારા દુ:ખની વાત સૌએ સાંભળી 

કે જાણે હાથમાં ગમતો વિષય આવી ગયો (પૃ. 80) 

અને એ જ ગઝલનો છેલ્લો શેર જગત પર આ રીતે કટાક્ષ કરે છે.

જગત સ્વાગત કરે છે તેજ બુદ્ધિનું ‘વિકી’,

છે તારી ભૂલ તું લઈને હ્રદય આવી ગયો (પૃ. 80)

 હજી સત્તાવીસ વર્ષની વયના વિકીના કેટલાક શેરમાં અલ્લડપન અને બેફિકરાઈ છે તથા બાળવાર્તાના સંદર્ભો પણ છે. ક્યારેક તો હ્રદયને શારી નાખે એવી વાત વિકી કહે છે .. જુઓ ..

મને મારીને છાનો કોણ રાખે વ્હાલથી ?

મા ચાલી ગઈ પછી મેં કંઈ શરારત ના કરી (પૃ. 111)

 નાની ઉંમરમાં પોતાના મા-બાપ ખોયાના જખમમાંથી આ શેર આવ્યો હોવાનું સ્પષ્ટ કળાય છે. ‘હા હા હા’ રદીફ ધરાવતી ગઝલમાં વિકીનો મસ્તીખોર સ્વભાવ ડોકાય છે. કોઈ હોંશિયાર બાળક અંદરની વાત જાણી ગયો હોય અને પછી અટ્ટહાસ્ય કરતો હોય તેવા ભાવની આ ગઝલનો રંગ સાવ નોખો છે. અહીં પણ વાતો તો ઊંડી અને અર્થપૂર્ણ જ છે પણ શૈલી હળવી છે .. વિવેચકને અડફટમાં લેતો શેર જ માણો …

વિવેચક છો તમોને અંગ બીજાનાં જ દેખાશે,

તમારા કિંતુ વાંકા અંગ છે અઢાર,હા હા હા (પૃ. 92)

વિકીની ગઝલબાની પરંપરાગત શાયરોની છે પણ વાત એની પોતાની છે એટલે બને છે એવું કે પરંપરાગત રીતિથી ટેવાયેલો ભાવક શેરના સૂરને તરત પકડી લે છે અને નવીન ચીજનો મજેથી આસ્વાદ લે છે. ‘હાજર હ્રદયથી હોઈએ’માં આવી ગઝલોની બહુલતા છે જે સુજ્ઞ ભાવક તરત જ જાણશે, પણ જુઓ આ વાતને વિકી કેવી રીતે કહે છે !

શાહી કદી ન ખૂટજો એના વિચારની 

કોઈના પણ પ્રભાવમાં જેની કલમ નથી (પૃ. 98)

અહીં વિકીને ટપારતા કહીએ કે ભાઈ, નવી પેઢીનો કવિ પણ આગળની પેઢીના ખભા પર જ ઊભો હોય છે. યુગપ્રવર્તક પાશ્ચાત્ય વિવેચક ટી.એસ. એલિયટ પોતાના ખ્યાતનામ એવા ‘Tradition and Individual Talent’ નિબંધમાં કહે છે, 

‘No poet, no artist of any art, has his complete meaning alone. His significance, his appreciation is the appreciation of his relation to the dead poets and artists. You cannot value him alone; you must set him, for contrast and comparison, among the dead. I mean this as a principle of aesthetic, not merely historical, criticism. The necessity that he shall conform, that he shall cohere, is not one sided; what happens when a new work of art is created is something that happens simultaneously to all the works of art which preceded it. The existing monuments form an ideal order among themselves, which is modified by the introduction of the new (the really new) work of art among them. The existing order is complete before the new work arrives; for order to persist after the supervention of novelty, the whole existing order must be, if ever so slightly, altered; and so the relations, proportions, values of each work of art toward the whole are readjusted; and this is conformity between the old and the new.’ (poetryfoundation.org) 

અહીં શબ્દશ: અનુવાદ ન કરતાં તારતમ્ય કહું તો તેઓ કહે છે કે કોઈ પણ નવી કલાકૃતિને એકલી મૂલવી શકાય નહીં. આગળ રચાઇ ગયેલી કૃતિઓ સંદર્ભે જ તેનું મૂલ્યાંકન થઈ શકે. આમ તેઓ માત્ર ઐતિહાસિક કે વિવેચનાત્મક રીતે નહીં પણ સૌન્દર્યશાસ્ત્રના અભિગમથી પણ કહે છે. જ્યારે કોઈ નવી કૃતિ આવે છે ત્યારે પરંપરાની સ્થાપિત વ્યવસ્થાની તરાહ બદલાય છે.

એટલે કે કોઈ નવો કવિ પ્રભાવમાં હોય જ નહીં એમ ના કહી શકાય. તો ખરા અર્થમાં નવી રીતે લખનારો કવિ પરંપરાની વ્યવસ્થાને બદલવાનું ગજું રાખે છે એ પણ એટલું જ સાચું છે.

નીચેના શેરમાં દિગ્ગજોની સાથે પોતાનું નામ મૂકવાની વિકીની ચેષ્ટા અમને ગમી જ છે અને આમ કરવાનું તેમને ગમ્યું તે એલિયટની વાતનું સમર્થન કરે છે.

 ઘાયલ, મરીઝ, શૂન્ય, ગની, સૈફ કે વિકી,

 આ કાગળોને હોય છે બસ રક્તની તરસ (પૃ. 51)

 વિકીનો સર્જનઉછાળ ગુજરાતી ગઝલ માટે એક નવો વળાંક લઈને આવ્યો છે એમ સહેજે કહી શકાશે.

‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી – 394 602. જિ. સુરત, ભારત
e.mail : sandhyanbhatt@gmail.com
પ્રગટ : ‘અવલોકન’, “પરબ”, સપ્ટેમ્બર 2022; પૃ.75-78

Loading

24 November 2022 Vipool Kalyani
← કલમ 32 એ ભારતીય બંધારણનું હૃદય અને આત્મા છે
રાજશ્રી પ્રોડક્શનની ‘દોસ્તી’ની ‘ઊંચાઈ’ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved