સંવિધાન હત્યા દિવસ
ઘડિયાં લગન પેઠે આવી પડેલી ગેઝેટબદ્ધ જાહેરાતમાં એક પક્ષને નિશાન બનાવવાની, ગણતરી સાફ દેખાય છે; જો કે તે અંગે સત્તાપક્ષ ખુદનો દસ વરસનો રેકર્ડ લગારે વિશ્વાસપાત્ર નથી.

પ્રકાશ ન. શાહ
એન.ડી.એ. સરકારનો ત્રીજો કાર્યકાળ એક પા જો એની સ્વીકૃતિ પરત્વે સવાલિયા નિશાન સાથે શરૂ થયો છે તો બીજી પા એણે ઘડિયાં લગન પેઠે ગેઝેટેડ પેચપવિત્રાનુંયે રાજકારણ શરૂ કર્યું છે.
દેશે પ્રજાસત્તાક સ્વરાજ લગી પહોંચવાનો મુકામ હાંસલ કીધો તે નિમિત્તે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક અગર તો ગણરાજ્ય દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય લડતમાં પૂર્ણ સ્વરાજ (મુકમ્મલ આઝાદી)નો દિવસ 26 જાન્યુઆરી 1930નો હતો. 26મી જાન્યુઆરી તો માનો કે રૂઢ થઈ ગયેલી ઉજવણી છે, એનાં મૂળિયાં એ લડતમાં પડેલાં છે જેને અંગે હાલના સત્તારૂઢ પક્ષપરિવારનું વલણ કંઈક અંતરનું રહેલું છે.
એથી હોય કે અન્યથા એન.ડી.એ. સરકારે 2014માં સત્તારૂઢ થયા પછી 2015થી 26મી નવેમ્બરે વળી બંધારણ દિવસની ઉજવણી શરૂ કરી છે. બંધારણના ઘડતરમાં અગ્રભૂમિકા ભજવનાર આંબેડકરના 125મા જયંતી વર્ષનો હવાલો આપી આ શરૂઆત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી છતાં અમારો એક આગવો દિવસ, એવી છૂપી માનસિકતા એની પૂંઠે કામ કરતી હશે?
ગમે તેમ પણ હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ખરી મૂંઝવણ કદાચ જુદી હોઈ શકે. એ નહોતું રાષ્ટ્રીય લડત સાથે કે નહોતું બંધારણ ઘડતરની પ્રક્રીયા સાથે. ‘મનુસ્મૃતિ’નો વારસો છતાં આવું બંધારણ કેમ, એવી ફરિયાદની રીતે આ પક્ષપરિવારનાં તત્કાલીન પ્રકાશનો ત્યારે પેશ આવતાં હતાં.
માનો કે 26મી નવેમ્બરના બંધારણ દિવસની એની 2015થી શરૂ થયેલી પ્રણાલિકાનો આશય પોતાના મૂળ ઉછેર વારસામાં જે બધું નહોતું તેની સાથે અનુકૂલન સાધવાના સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક ખેંચાણવશ હોય. વળી, એન.ડી.એ. શાસનની તાસીર ઇવેન્ટ પે ઇવેન્ટ તરેહની રહી છે એ રીતે પણ આ ચેષ્ટાને જોઈ શકાય.
હવે આપણી સામે બંધારણ અગર તો સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત એલાન આવે છે. દસ વરસના શાસનમાં બંધારણીય ધારાધોરણથી વિપરીત જે બધાં વલણો જોવા મળ્યાં એથી વિપક્ષે આ ચૂંટણીમાં બંધારણનો મહિમા મુખ્ય મુદ્દાની જેમ ઉઠાવ્યો એની સામેનો આ એક મનોવૈજ્ઞાનિક બેત છે તે સમજી શકાય એમ છે.
વાત પણ સાચી કે 25મી જૂન 1975ના રોજ જે બન્યું તે આપણી લોકશાહી તવારીખ પર એક બટ્ટો જરૂર હતો અને છે. તે માટે જવાબદાર પક્ષને માર્ચ 1977માં જનતાએ શિકસ્ત અને નસિયતનો પાઠ આપ્યો જ છે. જો કે જેની જોડે બંધારણ પરત્વે હત્યા દિવસની ઓળખ જોડવાનો ગેઝેટબદ્ધ અભિગમ છે તે મૂળ પ્રક્રિયા વિલક્ષણ રીતે બંધારણીય જોગવાઈ મુજબની હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી તો પુત્રીએ 26મી જૂન આપી, એવી બેબાક ટીકા ત્યારે આ લખનાર સહિત અનેકે કરી પણ છે. શાહ તપાસ પંચના હેવાલની વિગતો કોઈ પણ લોકશાસનને જેબ આપે એવી મુદ્દલ નથી. પણ તમે જુઓ, લોકસભાની વધારેલી મુદ્દત પૂરી થાય તે પૂર્વે ચૂંટણી આપી અને ચુકાદાની રૂખ પ્રમાણે કટોકટી ઉઠાવી પણ ખરી. નિર્ભીક પત્રકાર વર્ઘીઝે ત્યારે પ્રતિવર્ષ 23મી માર્ચને કટોકટી ઊઠ્યાના દિવસ તરીકે યાદ કરીએ એવી હિમાયત કરી હતી એ આ લખતા સાંભરે છે.
હવે જે સૂચન છે તે 26મી જાન્યુઆરી, 26મી નવેમ્બર કે 23મી માર્ચ જેવું સકારાત્મક નથી પણ હત્યા દિવસનું છે. એની પાછળનું મનોગણિત ઉઘાડું છે – કાઁગ્રેસને નિશાન પર લેવી. આ મુદ્દે વિપક્ષી જમાવડામાં પણ કંઈક મનોવૈજ્ઞાનિક તાણ ને ફાટફૂટને અવકાશ મળી રહે એવીયે ગણતરી ખરી.
જો કે, છેલ્લાં દસ વરસની ચોક્કસ વિગતો જોતાં હાલનો સત્તાપક્ષ બંધારણ વિશે બડકમદારીની નૈતિક પાત્રતા કેટલી ધરાવે છે એ સવાલ છે. વસ્તુતઃ સ્વરાજની પહેલી લડાઈ (1947) અને બીજી લડાઈ (1975-1977) એવો ભેદ અનુભવે કરીને બરાબર લાગતો નથી. 1977 પછી આવેલી હર સરકાર સાથે નાગરિક છેડેથી લોકશાહી સવાલો રહ્યા છે. આ સંજોગોમાં ખરો મુદ્દો લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની દૃષ્ટિએ સત્તાપક્ષ અને વિપક્ષ બેઉ પરત્વે નાગરિક છેડેથી સ્વરાજની ચાલુ લડાઈનો છે અને રહેશે. કથિત હત્યા દિવસ આ પાયાની વાતને પાટેથી ઉતારી દે, એવી શક્યતા સવિશેષ છે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024