મને યાદ છે, અમે એક વાર સામાજિક અને રાજકીય શિક્ષણનું કામ કરતી સંસ્થાની ઑફિસમાં બેસીને વાતોએ વળગ્યા હતા. એ વખતે અમે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો, ‘મહારાષ્ટ્રમાં ગાંધીવાદ વિશે વાત કરી શકે એવી લાયકાત કોની પાસે છે?’ કેટલાંક નામો બોલાયાં. જો કે, અમે એક વિચિત્ર હકીકતને વળગી રહ્યા : ખરેખર રાજ્યમાં એવા બહુ ઓછા લોકો છે. જે આ વિશે અધિકારપૂર્વક વાત કરી શકે. કૉંગ્રેસના ઑફિસ-બેરર, તેમના મંત્રીઓ, હોદ્દા પર હોય એવા કે ભૂતપૂર્વ એ બધા જ સ્પષ્ટ હતા કે આ કામ માટે તેઓ લાયક નથી અમે કેટલાક સર્વોદયવાદીઓ વિશે વિચાર્યું અને ગમે તેમ દિવસ પૂરો કર્યો.
આ એક વિચલિત કરી નાંખે એવો વિચાર હતો. ગાંધીવાદ કેટલો બચ્યો છે એ માટે આપણે ચોક્કસ ક્યાં નજર કરવી જોઈએ? જો ગાંધીવાદ ક્યાં ય મળતો નથી તો આવું કેમ થયું? જો કે, આ એક સ્વતંત્ર અને ઊંડો અભ્યાસ માંગી લે એવો વિષય છે. અહીં એક બીજો પણ મુદ્દો છે.
ગાંધીને ‘બાપીકો વારસો’ સમજનારા : કૉંગ્રેસમાં હતા એવા કેટલાક દુર્લભ લોકો કે સર્વોદયી અનુયાયીઓ ગાંધીના વારસ હોવાનો દાવો નથી કરી રહ્યા. આવો દાવો કરનારાં કેટલાંક નવાં તત્ત્વો આવી ગયાં છે. તેઓ કંઈક વિચિત્ર ભાસે છે પણ આપણે આ પાસું સમજવું જ જોઈએ. જ્યારે અટલબિહારી વાજપેયી ભાજપના પ્રમુખ હતા, ત્યારે પક્ષે પોતાની વિચારધારા તરીકે સત્તાવાર રીતે ‘ગાંધીવાદી સમાજવાદ’ની જાહેરાત કરી હતી. બાદમાં વાજપેયી ૧૩ દિવસના વડાપ્રધાન બન્યા હતા અને એ પછીની લોકસભાની ચૂંટણીમાં આ હોદ્દે તેઓ બિરાજમાન થયા હતા. પરચૂરણ મુદ્દાને લઈને શંકાસ્પદ યાત્રાઓ કાઢનારા નેતા લાલકૃષ્ણ અડવાણીએ વધુ એક યાત્રાનું આયોજન કર્યું, ત્યારે મંચ પર મહાત્મા ગાંધીનાં મહાકાય પોસ્ટર લગાવડાવ્યાં હતાં. આ વખતે તેમણે ભારતની આઝાદીનાં ૫૦ વર્ષની ઉજવણી માટે યાત્રા કાઢી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ‘આદરણીય’ વ્યક્તિત્વોની એક યાદી તૈયાર કરી હતી, જે પ્રાતઃ સ્મરણમાં એટલે કે સવારની પ્રાર્થનામાં ‘યાદ કરવા’ માટે લાયક ઠર્યા હતા. સંઘે પાછળથી વિચાર કરીને તેમાં મહાત્માનું નામ પણ ઉમેર્યું હતું. દેખીતી રીતે, આ લોકો ગાંધીના નવા વારસદારો હતા.
ગાંધીનું મુખોટું પહેરવાની નાદાનિયત : સરસંઘચાલક અને સંઘના અન્ય નેતાઓ વર્ષો સુધી એવો દાવો કરતા થાક્યા નહોતા કે સંઘ એક સાંસ્કૃિતક સંગઠન છે જેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
મહાત્મા ગાંધીની હત્યા પછી સંઘ પર પ્રતિબંધ મુકાયો હતો. સંઘે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને એક પત્ર લખી ખાતરી આપી હતી કે સંઘ સાંસ્કૃિતક સંગઠન છે અને તેઓ ક્યારે ય રાજકારણના ખાબોચિયામાં છબછબિયાં કરતા નથી. આ પત્ર સહિતના પુરાવાના આધારે સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવાયો હતો.
જો કે, વર્ષો પછી નાગપુરમાં યોજાયેલી એક મહાશિબિરમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રજ્જુભૈયાએ સ્વયંસેવકોને ફરમાન કર્યું હતું કે આગામી ચૂંટણીઓમાં ભાજપને સફળ કરવા તેઓ બધું જ કરી છૂટે. આ દરમિયાન તેઓ સોનિયા ગાંધીના ચામડીના રંગને લઈને જે શબ્દો બોલ્યા હતા, એવું કોઈ સુસંસ્કૃત માણસ સ્ત્રી વિશે બોલી ના શકે. ખેર, સંઘ હવે મહાત્મા ગાંધીના વારસાની વાત કરી રહ્યો છે. હવે તો એ વાત એટલી બધી સ્પષ્ટ થઈ ગઈ છે કે, ભાજપ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ભારતીય મજદૂર સંઘ, ભારતીય જનતા યુવા મોરચા અને પતિતપાવન સંગઠન જેવી અનેક સંસ્થાઓની માતૃસંસ્થા સંઘ છે. આ બધી જ તેની પેટા સંસ્થાઓ કે મુખોટા છે.
આ બધી જ સંસ્થાઓએ શું અને ક્યારે બોલવું એ સંઘ નક્કી કરે છે. સંઘ શેઠિયો છે અને બાકીના તેના સેવકો છે. સંઘ નીતિ નક્કી કરે છે, બાકીના ફક્ત તેનો અમલ કરે છે. કામ કરવાની આ તેની સ્ટાઇલ છે. ગોવિંદાચાર્યે કહ્યું હતું એ આપણે ભૂલી ના શકીએ. તેમણે કહ્યું હતું કે ‘‘અટલબિહારી વાજપેયી પણ મુખોટું છે. અસલી નેતા અડવાણી છે.’’ ટૂંકમાં, સંઘ મુખોટાના મામલે આવો છે. હવે તેઓ બીજું એક મુખોટું પહેરી રહ્યા છે, મહાત્મા ગાંધીનું. કોઈકે તો તેમને આ વિશે પૂછવું જોઈએ.
સંઘનું વિરોધાભાસી વર્તન : હિંદુ મહાસભામાં કામ કરતા સંઘના સાવરકરવાદી કાર્યકર નથુરામ ગોડસેએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા કરી હતી. આ હત્યાના કાવતરામાં નથુરામ, તેનો ભાઈ અને સંઘનો કાર્યકર ગોપાલ પણ આરોપી હતો. આ બંને સહિત સંઘના તમામ કાર્યકરો ગાંધીજીની હત્યાને ન્યાયી ઠેરવતા હતા અને આજે ય તેઓ આવું કરી જ રહ્યા છે. જાતે જ હિંદુ હૃદયસમ્રાટ બની બેઠેલા બાળ ઠાકરેએ પણ જાહેર કર્યું હતું કે ગાંધીનો દરજ્જો નીચો લાવી દેવો જોઈએ અને તેના બદલે ‘સાચા શહીદ’ નથુરામ ગોડસેને એ દરજ્જો આપવો જોઈએ.
ગાંધીની હત્યા થઈ એ દિવસે પૂણે અને બીજાં કેટલાંક સ્થળોએ પેઠા અને ખાંડ વહેંચીને ગળ્યું મોઢું કરાવાયું હતું. નથુરામને ૧૫મી નવેમ્બરે ફાંસીએ ચઢાવાયો હતો, એટલે આ દિવસની સંઘીઓ ક્યારેક છૂપી રીતે, તો ક્યારેક જાહેરમાં ઉજવણી કરે છે. આખા દેશ માટે ૩૦મી જાન્યુઆરી શહીદ દિવસ છે, જ્યારે સંઘ માટે ૧૫મી નવેમ્બર. ભારત માટે ગાંધી શહીદ છે, તો સંઘ- પરિવાર માટે નથુરામ શહીદ છે.
આ બહુ વિચિત્ર વાત છે. એક હાથે તમે હત્યા કરો છો, નરાધમ કૃત્યને ન્યાયી ઠેરવો છો, હત્યારાને શહીદનો દરજ્જો આપો છો, હત્યાની ઉજવણી કરો છો અને બીજી બાજુ ‘ગાંધીવાદી સમાજવાદ’ની જાહેરાત કરો છો, ગાંધીનાં મહાકાય પોસ્ટર લગાવો છો, એ વ્યક્તિને સવારની પ્રાર્થનામાં યાદ કરો છો. આ કોયડાને કેવી રીતે સમજાવી શકાય?
ગાંધીહત્યા ગુસ્સામાં નહોતી થઈ : હકીકતમાં એક જ હેતુને પરિપૂર્ણ કરવા આ વિરોધાભાસી કૃત્યો કરાઈ રહ્યાં છે. આ કામ જુદાં છે, મુખોટાં જુદાં છે, ભાષા જુદી છે, પણ હેતુ એક જ છે.
ગાંધીની હત્યા કંઈ અંગત હેતુથી નહોતી થઈ. એ ગુનો અંગત અદાવતમાં નહોતો કરાયો. ગાંધીવિચાર અને મતને પસંદ નહીં કરનારાએ તેમની હત્યા કરી હતી. એ લોકોએ ગાંધીની હત્યા પોતાની વિચારધારાની સફળતા માટે કરી હતી. જે લોકોએ ગાંધીની હત્યા કરી હતી, તેઓ અજાણ્યા લોકો કે ભાડૂતી હત્યારા નહોતા. તેઓ સારું શિક્ષણ પામેલા હતા, પૂરેપૂરા સભાન હતા, ઉચ્ચ પરિવાર અને સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પણ ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ નહેરુને લખેલા પત્રમાં નોંધ્યું છે કે ગાંધીજીની હત્યા વી. ડી. સાવરકરની આગેવાનીમાં કાર્યરત જૂથ દ્વારા કરાઈ છે. આ મુદ્દે જે લોકોને વધુ જાણવું છે, તેમણે વલ્લભભાઈ પટેલના પ્રકાશિત પત્રોનો છઠ્ઠો ભાગ વાંચવો જોઈએ.
ગાંધીની હત્યા એ વખતના કોઈ બનાવ કે ઉશ્કેરણીનું પરિણામ ન હતી. એવું પણ નહોતું કે ગાંધીએ કોઈને ગુસ્સે કર્યાનું પરિણામ ભોગવ્યું હોય. એ હત્યા ગુસ્સામાં નહોતી થઈ. એ એક યોજનાબદ્ધ રીતે અમલમાં મુકાયેલું કાવતરું હતું. એનો સમય સમજી-વિચારીને નક્કી કરાયો હતો. હથિયાર મેળવાયું હતું. હત્યારાઓને એનાં પરિણામોની ખબર હતી. કાયદામાં પ્રચલિત છે, એવી રીતે ‘કાવતરું’ ઘડીને હત્યાની યોજના અમલી કરાઈ હતી.
ગાંધી બ્રાહ્મણવાદની વિરુદ્ધ હતા : એક સિવાય બધા જ ગાંધીહત્યારા મહારાષ્ટ્રના હતા. સંઘની સ્થાપના પણ મહારાષ્ટ્રમાં થઈ હતી. તેનું વડું મથક પણ મહારાષ્ટ્રમાં છે. તેનું કામ પણ મહારાષ્ટ્રમાં જ શરૂ થયું હતું. જે લોકો મહારાષ્ટ્રની પ્રગતિશીલ પરંપરાની નોંધ લે છે, તેમણે આ પરંપરાની પણ નોંધ લેવી જોઈએ. બધા જ આરોપીઓ બ્રાહ્મણ હતા, બધા જ બ્રાહ્મણોને ‘બ્રહ્મહત્યા’ અને બ્રાહ્મણવાદનું ગૌરવ હોય છે. કોઈ વ્યક્તિ ‘ગુનાખોર જાત’ સાથે સંકળાયેલી હોય છે, ત્યારે હત્યા કે લૂંટફાટના સમાચારોમાં એ જાતિને હેડલાઇનોમાં ચમકાવાય છે, જ્યારે સવર્ણો(બ્રાહ્મણ, મરાઠા, જૈનો, ગુજરાતીઓ)ના ગુના છુપાવાય છે. ખાસ કરીને મોટા ભાગનાં આર્થિક કૌભાંડોના કાવતરાબાજો સવર્ણો હોય છે, કારણ કે એવાં કૌભાંડોમાં તેઓ અનુકૂળ જગ્યાએ હોય છે. જો કે, તેમની જાતિઓ ક્યારે ય જાહેર કરાતી નથી. એટલે જ મહાત્મા ગાંધીના હત્યારાઓની જાતિ જાહેર કરવી જોઈએ. હા, તે બધા જ બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ બ્રાહ્મણોને ઉચ્ચ કક્ષાના પણ માનતા હતા. તેઓ બ્રાહ્મણ સંસ્કૃિતને અનુસરતા હતા. ‘‘એ કેટલું અનૈતિક કહેવાય કે ત્રણેય લોકમાં બ્રાહ્મણો સર્વોચ્ચ છે.’’ છેવટે તેઓ ઝડપાઈ ગયા. ગાંધી બ્રાહ્મણવાદની વિરુદ્ધ હતા. તેઓ અસમાનતાની વિરુદ્ધ હતા. તેઓ ફક્ત સમાનતામાં માનતા જ નહોતા પણ એ વાત તેમણે જીવનમાં ઉતારી પણ હતી. તેમની હત્યા એટલે કરાઈ હતી.
ગાંધીની હત્યા તેમના ધર્મના વિચારો માટે થઈ હતી : મહાત્મા ગાંધીના હત્યારા હિંદુ હતા. તેઓ ફક્ત હિંદુ નહોતા પણ એવું માનતા હતા કે, હિંદુત્વ તમામ ધર્મોમાં સર્વોચ્ચ છે. તેઓ હિંદુત્વને ચાહતા હતા, એના કરતાં બીજા ધર્મને નફરત વધારે કરતા હતા. ખાસ કરીને, ઇસ્લામને. આ પ્રકારના વિચારો અને તેને જીવનમાં અમલ કરવાની રીતે તેઓ ખૂબ જ ઉત્સાહી હતા.
ગાંધીજી હિંદુ તરીકે જન્મ્યા હતા. તેઓ ભગવાન અને ધર્મમાં માનતા હતા, પરંતુ તેઓ એવું નહોતા માનતા કે ફક્ત હિંદુત્વ જ સર્વશ્રેષ્ઠ છે અને બીજા ધર્મો ધિક્કારપાત્ર છે. તેઓ સર્વધર્મસમભાવમાં માનતા હતા. આ વાતનું પેલા ભજનમાં પ્રતિબિંબ પડે છે, જે તેઓ હંમેશાં ગાતા હતા, “ઈશ્વર અલ્લાહ તેરો નામ”. તેઓ માનતા હતા કે ખરો ધર્મ ગરીબો અને વંચિતોની સેવામાં છે. આ વાતનું પણ ભજનમાં પ્રતિબિંબ પડતું હતું, “વૈષ્ણવજન તો તેને રે કહીએ”. જે લોકો બીજાનાં દુઃખ-દર્દ સમજી શકે છે પીડ પરાઈ જાણે છે એ જ ઈશ્વરનો સાચો બંદો છે, એવું ગાંધી કહેતા.
ધર્મ અંગે ગાંધી અને તેમના હત્યારાના વિચારો સામસામેના છેડાના છે. ગાંધીની હત્યા તેમના ધર્મના વિચારો માટે થઈ હતી. તેમનો ‘સર્વધર્મસમભાવ’ મુસ્લિમોની તરફદારી વધારે કરતો હતો, એવી હત્યારાએ દલીલ કરી હતી, એટલે તેમની હત્યા કરાઈ હતી.
સંઘ ગાંધીના વખાણ કેમ કરી રહ્યો છે : હવે, સંઘ જે કારણોથી ગાંધીનાં વખાણ કરે છે એ જ કારણોસર તેમની હત્યા પણ કરી હતી. એક સમયે હત્યારાઓના વૈચારિક વારસાનું ગૌરવ લેનારા, ગાંધીનાં વખાણ શરૂ કરે છે, ત્યારે તેમનો હેતુ બિલકુલ સ્પષ્ટ છે. જે કંઈ તેઓ ગાંધીના હત્યા કરીને સિદ્ધ કરવા માગતા હતા, એ બધું તેઓ હવે ગાંધીનાં વખાણ કરીને મેળવવા માગે છે.
આ હત્યા ગાંધીના વિચાર અને વારસા માટે થઈ હતી. હવે ગાંધીનાં જુઠ્ઠાં વખાણ પોતાની વિચારધારાને ફેલાવવા અને ગાંધીની વિચારધારાની હત્યા કરવા માટે કરાઈ રહ્યાં છે. જેમણે દાયકાઓ પહેલાં ગાંધીની હત્યા કરી હતી. તેઓ હવે ગાંધીવિચારને ખતમ કરવા આતુર છે. ગાંધીની (પોતાને અનુકૂળ એવી) એક જ છબિ આગળ ધરીને, પ્રાર્થનામાં તેમને યાદ કરીને, જે વિચારોનો પ્રચાર થઈ રહ્યો છે, એ હકીકતમાં ગાંધીવિચારની વિરુદ્ધ છે.
આપણે કેટલાક દુકાનદારો જોઈએ છીએ, જેમણે દીવાલો પર ગાંધીની તસવીરો લગાવેલી હોય છે, પણ તેઓ કાળાંબજારમાં સંડોવાયેલા હોય છે. આ લોકો હજુ ચલણમાંથી પૂરેપૂરા નીકળ્યા નથી. આ લોકો ગાંધીની તસવીરને રોજ હારમાળા પહેરાવે છે, નમન કરે છે અને પછી કાળાંબજારમાં સક્રિય થઈ જાય છે, એ બધું જ તેમની હાજરીમાં જ થાય છે. તેઓ ખુશીથી પોતાનો ‘બિઝનેસ’ કર્યે જાય છે. ગાંધીના આ પૂજારીઓ તેમ જ પેલા નવા પૂજારીઓ કે જે તેમનાં વખાણ કરી રહ્યા છે, તેઓ એકબીજાથી બિલકુલ જુદા નથી. આ લોકો બીજા ધર્મો પ્રત્યે નફરત ફેલાવે છે, વિધર્મીઓની હત્યા કરે છે, પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમના પુરાવા રૂપે કોમી તોફાનો કરાવે છે.
ગાંધીહત્યાનું કારણ શું હતું : “પાકિસ્તાનના સર્જન માટે ગાંધી જવાબદાર હતા અને એટલા માટે જ તેમની હત્યા કરાઈ હતી અને પાકિસ્તાનને રૂ. ૫૫ કરોડ આપવા પણ તેમણે જ દબાણ કર્યું હતું…” ગાંધીહત્યા માટે સૌથી વધારે આ બે કારણો અપાય છે, જે સદંતર ખોટાં છે, આવું કહીને ગાંધીહત્યાને ન્યાયી ઠેરવાય છે. આ ખૂબ જ ચાલાક કાવતરું છે.
ગાંધીહત્યા માટે સાત વાર પ્રયાસ કરાયો હતો. ૩૦મી જાન્યુઆરીએ કરાયેલા છેલ્લા અને સફળ પ્રયાસના થોડા દિવસ પહેલાં ગાંધીજીએ એક વાર પ્રાર્થનામાં કહ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદથી હું જીવિત છું, મને મારવાના સાત પ્રયાસ કરાયા છે ….
ગાંધી પર સૌથી પહેલો હિંસક હુમલો વર્ષ ૧૯૩૪માં કરાયો હતો. એ વખતે પાકિસ્તાન કે ૫૫ કરોડનો કોઈ મુદ્દો જ નહોતો. વર્ષ ૧૯૪૪માં મહારાષ્ટ્રના પંચગનીમાં નથુરામ ગોડસેએ જ છરી વડે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ ૧૯૪૬માં પણ નથુરામે જ સેવાગ્રામમાં ચપ્પુ વડે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે નથુરામે કહ્યું હતું કે હું ગાંધીની કારમાં પંચર કરવા ચપ્પુ લઈને આવ્યો હતો. પૂણે શહેરની મધ્યમાં આવેલા પુસ્તકાલયમાં પણ બૉંમ્બ ઝિકાયો હતો. આ ગુનામાં હિંદુ મહાસભાના કાર્યકર એન. આર. આઠવલેની ધરપકડ થઈ હતી. કપૂર આયોગને આપેલા પુરાવાઓમાં આ બધું જ વિગતે નોંધાયેલું છે.
ગાંધી બચાવો : એ વખતે જેઓ ગાંધીવિચારનો વિરોધ કરતા હતા, તેઓ પોતે જ એ પછી ગાંધીવિચાર પ્રમાણે જીવ્યા અને જીવી રહ્યા છે! કટ્ટર હિંદુત્વવાદી તત્ત્વો સિવાય ગાંધીના કોઈ વિરોધીએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો ન હતો. આ કટ્ટરવાદીઓ જ મુસ્લિમો વિરુદ્ધ દ્વેષ ફેલાવે છે અથવા મનુસ્મૃિતમાં કહેવાયું છે એમ છડેચોક કે છૂપી રીતે અસમાનતાના વિચારોને ટેકો આપે છે. કોઈએ દીવાલો પર તેમની તસવીર ટીંગાડીને ગાંધીવિચારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો નથી. ગાંધીવાદ કે અત્યારે જે કંઈ બચ્યું છે, એને આ તત્ત્વોનો ખતરો છે. આ જ લોકો સવારની પ્રાર્થનામાં તેમનું નામ લઈને છેતરપિંડી કરી રહ્યા છે. આજે ભારતને ગાંધીના ‘સર્વધર્મસમભાવ’, ધાર્મિક સહિષ્ણુતા અને સામાજિક સમાનતાના વિચારોની જરૂર છે. બચી ગયેલા ગાંધીવિચારને બચાવવો અને તેને આગળ વધારવો એ આપણા સૌની ફરજ છે.
આ વર્ષે આપણે ગાંધીની ૫૦મી પુણ્યતિથિની (ઈ.સ. ૧૯૯૮) ઉજવણી કરી રહ્યા છીએ. જે તત્ત્વો અન્ય ધર્મોને ધિક્કારે છે અને અસમાનતાના વિચારનું સમર્થન કરે છે, તેઓ આજે ગાંધીયુગ કરતાં વધુ મજબૂત થયા છે. તેથી આપણે વધારે કામ કરવાનું છે. આપણે વ્યાપક રીતે એકજૂટ થવાની તેમ જ વધુ તીવ્રતાથી સંઘર્ષ કરવાની જરૂર છે.
(્The Republic of Reason…માંથી)
અનુવાદક : વિશાલ શાહ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 05-07